રાજેન્દ્ર પટેલની કવિતા/પોટકું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૩. પોટકું

પોટકું પડ્યું પડ્યું
વાગોળે છે અંદરનું અંધારું
અને માણે છે પ્રતીક્ષાનો પ્રકાશ.

જન્મોજનમથી
ખૂલવાની, ખાલી થવાની
એ રાહ જુએ છે.

આસપાસનાં નાનાં નાનાં પોટકાંઓને
અને આવ-જા કરતાં લોકોને
એ જોઈ રહે છે.

કોઈ ગાંઠ ખોલે એની રાહ જોતાં!

એને સમજાય છે
વાસ્તવમાં પોતે જ ખોલવાની હોય છે
પોતાની ગાંઠ.

પોટકું બનતું
બાના જીર્ણ સાલ્લામાંથી
અથવા બાપુજીના ઘસાઈ ગયેલા
ધોતિયામાંથી.
એટલે જ કદાચ
ખીચોખીચ ભરેલું હોવા છતાં
પોટકું ક્યારેય ફસકાયું નથી.

પોટકું
સમયે સમયે, સ્થળે સ્થળે
પડ્યું હોય છે.
ઘરમાં, શેરીમાં, સીમ-ખેતરમાં
અથવા પ્લૅટફૉર્મ, બસસ્ટૅન્ડ કે ફૂટપાથ પર,
પણ જ્યારે જ્યારે રહેતું બાના માથે
એ શોભતું કોઈ મુગટની જેમ.
એથી જ કદાચ પોટકું ઊંચકી જતી દરેક સ્ત્રી
બા જેવી લાગતી હોય છે.

કોઈ આવી ને ઉતારે માથેથી પોટકું
એની રાહ જોઈને ઊભેલી હરેક વ્યક્તિ
મારા જેવી લાગે છે!
ટ્રેનમાં, બસમાં, કારમાં હોવા છતાં
લાગે છે જાણે
એક નહીં અનેક અદૃશ્ય પોટકાંઓનો
ભાર વેંઢારીને જીવવાની આદત પડી છે.
પોટકું શિખવાડે છે કેમ ભાર સાથે હલકા રહેવું.

ગમે ત્યાં, ગમે ત્યારે
એને ગોઠવવામાં આવે
એ ગોઠવાઈ જાય છે
બાની જેમ.

કપાસની કે ચારની ગાંસડી
જાણે ખેતરને ઘરે લાવતી
અને ઘરને ખેતર લઈ જતી.
હવે ખેતર, ઘર ને ગાંસડી કશું નથી.
એક કાળપોટકું પડ્યું છે સ્મરણમાં.

પોટકાને કશાની જરૂર હોતી નથી
ચડાવનારની કે ઊતરાવનારની
એને જરૂર હોય છે એક વિસામાની
ગામપાદર હોય છે એવો.
પોટકું માને છે
પોતે જ છે પોતાનો વિસામો.

બાળપણમાં બા જોડે
ધાણી ફોડાવવા જતો
તાંદુલની પોટલી જેવડી નાનકડી પોટકી
મોટું પોટકું બની જતું જોઈ
મા, કૃષ્ણ જેવી લાગતી.

હવે પરદેશ જતી દીકરીને
મોટીમોટી બૅગો વચ્ચે જોઉં છું ત્યારે
એક નાનકડી પોટકી
એની ભીતર પાંગરતી જોતો હોઉં છું

ખૂલીને ફરી ફરી બંધાતું
એક વાર બંધાયા પછી કદી ન ખૂલતું,
પોટકું
મારા જેવું કેમ લાગતું હશે?

પોટકું માને છે
કદી પોતાને પોટકું બનવા દેવું નહિ.
ગાંઠ કદાચ ખૂલે પણ ખરી.