રાજેન્દ્ર પટેલની કવિતા/પોપડો
તેને બારી બારણાં નથી,
ચોફેરથી ખુલ્લો.
કાળક્રમે ઠંડો થયો તેટલું જ,
અંદરથી ઊકળે ચરુ.
એ મનમાં નથી, ગામમાં નથી
છતાં સર્વત્ર,
ક્ષણના પોલાણમાં
સકલ લોકસહિત.
હિત, અહિત કશું નથી તેને,
રીત, પ્રીતેય નથી;
માંસમજ્જાથી પણ અંદર
ચોંટેલો છે મૂળસોતોક.
લોહીના બુંદને ભેદી,
અંધકારના ગર્ભનો ગર્ભ થઈ
સતત સંકોચાતો રહ્યો
સકલ કંકાલ સમેત.
ઇતિહાસ, પર્યાવરણ ને ભાષા
બધુંય પીપીને ફૂલ્યો,
આંખમાં ફૂટ્યો,
કાનમાં મૂંગો રહ્યો
ને મોંમાં તસતસે
દરેક શબ્દ સાથે.
ફોટો, પડછાયો
ક્યારેક વૃક્ષનો છાંયો,
સતત સુખ દેતા શ્વાસનો ઘૂંઘટ.
ઘંટ અને ઘંટારવની અંદરબહાર તે,
જે છે તે તે છે.
ઉપર જોઈએ તો આકાશ,
નીચે દેખીએ તો દીવાલ,
વળી દીવાલની તિરાડ
ને અંધારાંને ચકચકાટ રાખતો તારો પણ તે.
નદી, સરોવર ને સમુદ્રમાં હિલ્લોળે
છતાં પહાડથીયે મોટો પથ્થર તે.
ખદબદતો અનિશ્ચિત આવતી ક્ષણનો
બેબાકળો બનીઠનીને બેઠેલો કાળ તે.
પોપડાનો દુણાતો શ્વાસ પોતે જ,
પોપડો શું તે ખબર નથી,
તે છે છતાં નથી
આ દેખાતી સર્વ વસ્તુની જેમ.