રાણો પ્રતાપ/આઠમો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આઠમો પ્રવેશ

'અંક પાંચમો


         સ્થળ : ચિતોડ પાસેનું જંગલ. સમય : સંધ્યા.

[પ્રતાપસિંહ મૉતને બિછાને સૂતા છે, સામે વૈદ્યરાજ, રજપૂત સરદારો, પૃથ્વીરાજ અને પ્રતાપનો કુંવર અમરસિંહ ઊભા છે.]


પ્રતાપ : પૃથ્વીરાજ! આખરને સમે પાદશાહની દયા સહેવાનું પણ નસીબમાં માંડ્યું હશે ને!
પૃથ્વીરાજ : દયા નહિ, પ્રતાપ, ભક્તિભાવ.
પ્રતાપ : પૃથ્વી, ફોસલાવે છે શું કામ? એ પાદશાહનો ભક્તિભાવ નહિ, પણ દયા. હું હતભાગી, હું દુર્બળ ને હું દુઃખી, એમ સમજીને પાદશાહ હવે મને નહિ છેડે! અરેરે! મરતાં પહેલાં આ અપમાન પણ ખમવું પડ્યું! ઓહ! ગોવિંદસિંહ!
ગોવિન્દસિંહ : બોલો, રાણા.
પ્રતાપ : એક વાર મને આ તંબૂમાંથી બહાર લઈ જાઓ. મરતાં મરતાં હું એક વાર મારા ચિતોડગઢને નિહાળી લઉં.

[ગોવિંદસિંહે વૈદ્યની સામે જોયું. વૈદ્ય કહે છે કે ‘હવે શું વાંધો છે?’ બધાએ મળીને પ્રતાપનો પલંગ બહાર લઈ જઈ કિલ્લાની સામે મૂક્યો. બિછાનામાં બેઠો થઈ પ્રતાપ દૂરથી દેખાતા ચિતોડગઢ સામે નજર માંડે છે.]

પ્રતાપ : અહા! એ-નો એ જ આ ચિતોડગઢ! જે એક દિવસ રજપૂતોને હાથ હતો, આજ એને માથે મોગલોના વાવટા ફરકે છે! આજ યાદ આવે છે મારા દાદાજી બાપ્પારાવ જેણે ચિતોડ ઉપર ચડી આવેલા પરદેશીઓને ગિજનીના સીમાડા સુધી હાંકી કાઢ્યા ને ગિજનીની ગાદી ઉપર પોતાના ભત્રીજાને બેસાડેલો. આજ સાંભરી આવે છે મારા વડવા સમરસિંહનું પઠાણ સાથેનું ઘોર યુદ્ધ; કાગાર નદીનાં પાણી એ વખતે લોહીથી રાતાંચોળ થઈ ગયેલાં. આજ સાંભરી આવે છે સતી પદ્મિની માટેનું એ મહાયુદ્ધ જેમાં વીરનારી ચંદાવત રાણી પોતાના સોળ વરસના દીકરાને તથા વહુને લઈને રણે ચડેલાં, અને દુશ્મનોને પ્રાણ કાઢી દીધેલા. આજ એ બધું જાણે સાચેસાચ નજર સામે જોઈ રહ્યો છું. એ-નો એ જ આ ચિતોડગઢ! મનમાં હતું કે ચિતોડનો ઉદ્ધાર કરીશ, પણ એ બની શક્યું નહિ. જોતજોતામાં કામ પૂરું કરત, ત્યાં તો મારો દિવસ આથમ્યો — કામ અધૂરું રહ્યું.
પૃથ્વીરાજ : એની ચિંતા કરો મા, પ્રતાપ! કાયમ કાંઈ એક જ માનવીને હાથે કામ પૂરાં નથી થાતાં; ઘણીવાર અધૂરાં રહી જાય છે, ઘણી વાર તો પાછાં પણ પડી જાય, પણ ફરીવાર પાછો એવો જ વ્રતનો અધિકારી આવી પહોંચે કે જે અધૂરાં કામ પૂરાં કરે. એ તો એક પછી એક મોજાં ચડે, વળી જરા પાછાંયે વળે : દરિયો એ રીતે જ આગળ પગલાં માંડે. દિવસ પછી રાત પડે, રાત વીત્યે વળી દિવસ ઊગે; વળી રાત આવે : એ રીતે આ સૃષ્ટિ પણ આગળ પગલાં માંડે, સર્જનહાર સરજન કરે, પ્રલયના દેવ પ્રલય કરે : એ બે ભેળા મળે તેમાંથી જ આ બ્રહ્માંડની ખિલાવટ થાય, બાપુ! ઉચાટ મા કરશો.
પ્રતાપ : ઉચાટ તો જરાયે ન કરત, પૃથ્વીસિંહ! જો મારી પાછળ કોઈ વીર પુત્રને હું મૂકતો જાત તો. પરંતુ ઓહ!

[પ્રતાપ પડખું ફેરવે છે.]

ગોવિન્દસિંહ : રાણા : શું પીડા વધવા માંડી છે?
પ્રતાપ : હા ભાઈ, પીડા વધે છે. પણ એ પીડા દેહની નથી, ગોવિંદસિંહ! એ તો દિલમાં દા’ લાગ્યો છે, મારા દિલમાં ભડકા ઊઠે છે કે મારી આંખ મિંચાયા પછી મારું કામ બહુ પાછું પડી જવાનું.
ગોવિન્દસિંહ : કાં, રાણા?
પ્રતાપ : મનમાં થાય છે કે જાણે આ છોકરો અમરસિંહ આદરમાનની લાલચમાં પડી મારું રાજ્ય મોગલોના હાથમાં સોંપી મારશે.
ગોવિન્દસિંહ : એવી બીક રાખશો મા, રાણા! કશું કારણ નથી.
પ્રતાપ : કારણ છે, ભાઈ! કારણ છે. અમરુ વિલાસી બન્યો છે. ગરીબીનાં હળાહળ એ બાપડાથી નહિ જીરવાય; એટલે જ બીક લાગે છે કે મારો દેહ પડ્યા પછી આ પર્ણકુટી તૂટી પડશે, એની જગ્યાએ ઝરૂખા બંધાશે, અને મેવાડના સીમાડા મોગલોને ચરણે હરાજ થશે. અને તમે બધા પણ એ મોજશોખની અંદર ભળી જવાના.
ગોવિન્દસિંહ : રાણા! બાપ્પારાવને નામે પાણી મૂકું છું કે એવું કદી નહિ બને,
પ્રતાપ : ઓહો! તો તો હું જરાક સુખથી મરી શકીશ. [અમરસિંહ સામે જોઈને કહે છે.] અમરુ! મારી પાસે આવ. હું જાઉં છું, બેટા! સાંભળ, જ્યાં હું જાઉં છું ત્યાં એક દિવસ તમામને જાવું પડે છે હો! માટે રો ના, બેટા, હું કાંઈ તને એકલો રઝળાવીને નથી જતો. હું એવા શૂરાઓને ખોળે તને મૂકી જાઉં છું, કે જેણે સુખમાં કે સંકટમાં, પહાડોમાં કે ઝાડીઓમાં આજ પચીસ વરસ થયાં મારું પડખું પણ છોડ્યું નથી! તું જ્યાં સુધી એ બધાને નહિ છોડે, ત્યાં સુધી એ તને છોડવાના નથી. પ્રતાપસિંહના પુત્રને ખાતર એમાંનો એકેએક પોતાનો પ્રાણ કાઢી આપે એવો છે. હું તને આખું મેવાડ રાજ્ય સોંપતો જાઉં છું; ન આપી શક્યો ફક્ત એક ચિતોડ! એટલો ઓરતો મારા અંતરમાં રહી ગયો, ભાઈ! તને આજ એ ચિતોડના ઉદ્ધારનું કામ દેતો જાઉં છું ને અંતરની દુવા દેતો જાઉં છું, કે એ ચિતોડનો તારે હાથે ઉદ્ધાર થજો. અને છેલ્લી દેતો જાઉં છું આ નિષ્કલંક તરવાર. [અમરને તરવાર આપે છે.] એને ઊજળી રાખજે, બેટા! બીજું તો શું કહું? જા. વિજયી થાજે, યશસ્વી થાજે, સુખી થાજે!

[અમરસિંહ બાપુની ચરણરજ લે છે.]

પ્રતાપ : [ક્ષણભર સ્તબ્ધ રહીને] જગત ઉપર અંધારા ઊતરવા માંડ્યા છે. મારું ગળું ઝલાતું જાય છે. અમરુ! એ અમરુ, ક્યાં છો તું, બેટા! આવ પ્રાણધાર! હજુ પાસે આવ! ત્યારે જાઉં છું. મારી વહાલી લક્ષ્મી! આવી પહોંચું છું.

[મૃત્યુ પામે છે.]

ગોવિન્દસિંહ : હે શ્રેષ્ઠ નર! મેવાડના સૂરજ! પ્યારા રાણા! આ તારા જીવનભરના મિત્રોને મૂકી તું ક્યાં ચાલ્યો?

[બોલતાં બોલતાં પ્રતાપના શબના પગ પાસે ઢળી પડે છે. રજપૂત સરદારો ઘૂંટણ પર નમીને રાણાની ચરણરજ લેવા લાગે છે.]

પૃથ્વીરાજ : જાઓ, વીર! પુણ્યબળે પ્રાપ્ત કરેલા એ સ્વર્ગધામમાં સુખેથી ચાલ્યા જાઓ. તમારા કીર્તિલેખ તો ક્ષત્રિયોના હૃદયની અંદર, મોગલોનાયે હૃદયની અંદર, રે! માનવજાતિની અંદર સદાકાળ લખાયેલા રહેવાના. ઇતિહાસના પાના પર સોનાના અક્ષરે અંકાઈ રહેવાના આ અરવલ્લીના શિખરે શિખર પર એ વિજય-સ્વર ગરજ્યા કરશે. અને રજપૂતાનાનાં એકેએક ખેતરમાં, જંગલમાં, પહાડમાં તમારી અક્ષય સ્મૃતિની પવિત્રતા છંટાઈ રહેશે.

[જવનિકા પતન]