રાણો પ્રતાપ/ચોથો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

અંક બીજો


         સ્થળ : સમરક્ષેત્રમાં શક્તસિંહનો તંબૂ. સમય : સાંજ.

                  [શક્તસિંહ એકલો ઊભો છે.]

શક્ત : આ મેવાડ! આ મારી જન્મભૂમિ મેવાડ! આજે એક પ્રચંડ મોગલ સેના મારી શિખાવટથી આ રત્નોદરી મેવાડ ઉપર પથરાઈ પડી છે. જોતજોતામાં તો આ ભૂમિ એનાં પોતાનાં સંતાનોનાં લોહીથી જ રંગાઈ જવાની. જે શોણિત એણે પોતાનાં બચ્ચાંને દીધાં હતાં, તે આજ એને પાછાં મળવાનાં. બસ! બધો હિસાબ પતી જવાનો. અને પ્રતાપ! આપણા બન્નેના હિસાબનો પણ આજ ફેંસલો થવાનો. મેવાડને બાળી ભસ્મ કરીશ, ને પછી એ સ્મશાન ઉપર એક પ્રેતની માફક હું ભટકતો ફરીશ! બસ આટલું જ એથી વધુ એકેય મુરાદ નથી. મારે મેવાડનું રાજ્ય નથી જોઈતું. મારા દિલમાં નથી કશું ઝેર, નથી લોભ કે નથી હિંસા. ફક્ત પ્રતાપનું થોડું કરજ બાકી રહી ગયેલું, તેનો આજ ચુકાવો કરવા આવ્યો છું. સાથે સાથે કુદરતી અન્યાય, સામાજિક અવિચાર અને રાજાઓના સ્વેચ્છાચાર : તે તમામ જુલમોનો બનશે તેટલો ઇલાજ કરતો જઈશ. પરંતુ સમાજ તો જબરદસ્ત છે; અને હું તો પામર છું. એકલો શી રીતે બાથ ભરું? માટે જ મોગલોને મદદમાં લાવ્યો છું. કોણ કહી શકે કે હું અધર્મનું કૃત્ય કરી રહ્યો છું? કશોયે અધર્મ નથી. ઊલટું, એક પ્રચંડ અન્યાયને, એક ઘોર અધર્મને ન્યાયની દિશામાં ઉપાડી જવા આવ્યો છું. ઇન્સાફની શાંતિનો નાશ થયો હતો; આજે હું એ શાંતિને ફરી સાદ કરવા જાઉં છું. મેં લગારે, અન્યાય નથી કર્યો.

[મહેરઉન્નિસા તંબૂમાં દાખલ થાય છે.]

શક્ત : [ચમકીને] કોણ તમે?
મહેર : હું મહેરઉન્નિસા, અકબર પાદશાહની દીકરી.
શક્ત : [એકદમ બહાવરો બની ઊભો થઈ] આપ પાદશાહની કુમારી! મારા તંબૂમાં ક્યાંથી?
મહેર : આપ પ્રતાપસિંહના ભાઈ, એના શત્રુના તંબૂમાં ક્યાંથી?

[શક્તસિંહ આવો અણધાર્યો જવાબ મળતાં જરા અચકાયો.]

શક્ત : [ધીરે ધીરે] હા, હું દુશ્મનના પક્ષમાં ભળ્યો છું — વેર લેવા આવ્યો છું.
મહેર : ત્યારે તો આપના કરતાં મારી મતલબ તો મોટી છે. હું દોસ્તી કરવા આવી છું. [શક્તસિંહને ચકિત થયેલો જોઈને] કાં, કેમ તાજ્જુબ બની ગયા?
શક્ત : હું વિચાર કરું છું.
મહેર : બહુ સારું! કરો વિચાર! લ્યો, હું પણ વિચાર કરું. [મહેર બેસે છે.]
શક્ત : [વધુ વિસ્મય પામીને] હું આપને પૂછી શકું, કે આપનું આંહીં પધારવાનું પ્રયોજન શું?
મહેર : આપ બેધડક પૂછી શકો છો? શું કરું? હું બહુ જ મૂંઝવણમાં પડી ગઈ છું.
શક્ત : મૂંઝવણ! શાની મૂંઝવણ, શાહજાદી?
મહેર : અરે! ભારે મૂંઝવણ! આપ તો જાણતા હશો કે સલીમ મારો ભાઈ થાય. હું અને દૌલતઉન્નિસા આંહીં યુદ્ધ જોવા આવ્યાં છીએ, એ પણ આપે તો સાંભળ્યું હશે. હવે, આવ્યાં તો યુદ્ધ જોવા પણ આંહીં યુદ્ધ જ ક્યાં? યુદ્ધનું તો નામનિશાન ન મળે : જોઈએ છીએ તો બે મોટી મોટી ફોજો બેઠી બેઠી, બસ, ખીચડી પકાવ્યા કરે છે! અમે કાંઈ એવું જોવા આંહીં નહોતાં આવ્યાં! એટલે હવે બેઠાં બેઠાં શું કરું, કહો તો, ભલા? અત્યાર સુધી તો દૌલતઉન્નિસાની સાથે ખૂબ ગપ્પાં હાંક્યાં, ત્યાં તો એ પણ ઘોંટી ગઈ! મારા બાપ! એની તે કાંઈ નીંદ! આવા કોલાહલમાં તે કદી કોઈ સારા માણસને નીંદ આવે? પછી હું એકલી શું કરું? મેં જોયું, તો આપને પણ એકલા ભાળ્યા, એટલે મનમાં થયું કે લે ને આમની સાથે લગાર ગુફતેગો કરું! સલીમ કનેથી મેં સાંભળેલું કે આપ એક વિદ્વાન આદમી છો.
શક્ત : [સ્વગત] અજબ બાલિકા! [પ્રગટ] ના, ના, હું તો કશી વિદ્યા ભણ્યો નથી. એ તો ઠીક, પરંતુ મારા તંબૂમાં આપ એકલાં આવેલાં, એ સાંભળીને સલીમ શું ધારશે? પાદશાહ સલામતને શું લાગશે?
મહેર : પાદશાહ સલામત કાંઈ નહિ બોલે — એ ડર ન રાખતા. એમની પાસે તો હું કહું તે જ કાયદો! અને સલીમ! સલીમ બિચારો શું કહેવાનો હતો? હું એની બહેન થાઉં, ને વળી અમારી સરખી ઉંમર; બાકી તો તમે જાણો છો ને? ઓરતની જાત તે છોટી ઉંમરે પણ બહુ સમજદાર બની જાય. એટલે હું જે બોલું તે બધું સલીમ તો, બસ, સાંભળ્યા જ કરે. પોતે વચમાં બોલે જ નહિ! હા, હા, ઠીક યાદ આવ્યું! ભલા, તમે પરણ્યા છો કે નહિ?
શક્ત : ના, હું નથી પરણ્યો.
મહેર : એ તો અજબ વાત!
શક્ત : એમાં શું અજબ વાત?
મહેર : ઓહો! આપ હજુ પરણ્યા નથી? ઠીક, એક રીતે તો એમાં અજાયબીયે શી છે? મારીયે શાદી તો નથી થઈ! પરંતુ આ તો, આપનાં સ્ત્રી હોત ને સાથે યુદ્ધમાં આવ્યાં હોત તો એની સાથે ખૂબ દોસ્તી બાંધત! પણ આપની શાદી જ નથી થઈ, એટલે શો ઇલાજ!
શક્ત : મારું કમનસીબ!
મહેર : કમનસીબ કે સારું નસીબ, તે તો ખુદાને ખબર. પણ શાદી કરવાનો રિવાજ જૂના જમાનાથી ચાલ્યો આવે છે ખરો ને! એટલે એ અનુસાર કરવું જોઈએ. અચ્છા, કહો તો ખરા, આશક-માશૂકની પ્રથમ પહેલી વાતો કેવી હોય? એ સાંભળવાની મને ખૂબ ઇચ્છા રહે છે. નવલકથાઓમાં મેં વાંચ્યું છે એ જ મિસાલની જો વાતો થતી હોય, તો બહુ હસવા જેવું! ભાઈશ્રી બોલે કે ‘પ્રિયે! પ્રાણેશ્વરી! તારા વિના તો હું બચું જ નહિ!’ અને બાઈશ્રી બોલે કે ‘નાથ! પ્રાણેશ્વર! તમને ભાળું નહિ તો હું મરી જ જાઉં!’ આ બધો મામલો બે-ત્રણ દિવસની અંદર જ, હો! અગાઉ તો એકબીજાને આંખનીયે પિછાન ન હોય બે-ત્રણ દિવસમાં તો મામલો એવો જામે કે પરસ્પરને ન દેખે તો, બસ, બચે જ નહિ!
શક્ત : મને લાગે છે, કે આપ કદી પ્રેમમાં પડ્યાં જ નહિ હો.
મહેર : ના રે બાપુ! એવો મોકો જ નથી મળ્યો ને! આજ સુધી કોઈની સાથે હું પ્રેમમાં પડી નથી, અને મારી સાથે કોઈ પ્રેમમાં પડશે એવો ડર નથી.
શક્ત : કેમ?
મહેર : મેં સાંભળ્યું છે કે માણસ જેના પ્રેમમાં પડે એનો ચહેરો તો ખૂબસૂરત જ હોવો જોઈએ; નહિ તો ચાલે જ નહિ! મેં જે જે નવલકથા વાંચી, તેમાં, બસ, નાયક તો દેવકુમાર સરીખો અને નાયિકા તો અપ્સરા સરીખી જ! કોઈ કદરૂપી રાજકુમારીની તો વાત જ હજુ સુધી મારા વાંચવામાં નથી આવી! બાકી, હા, જોઈ છે ખરી!
શક્ત : ક્યાં જોઈ છે!
મહેર : અરીસામાં! મારો ચહેરો એકદમ ખરાબ! હા, મારી આંખો બહુ ખરાબ તો નથી, જોકે કાન સુધી ખેંચાયેલી હોત તો બહુ શોભત. અને મારાં બે નેણ! સાંભળ્યું તો છે કે બન્ને રૂપાળાં છે. પણ અરેરે! બન્ને એકબીજાને અડકી નથી ગયાં. ત્યાર પછી મારું નાક! નાકની દાંડી જરીક જો ઊંચેરી હોત, તો સુંદર લાગત; પણ મારું નાક તો ચપટું રહી ગયું — ચીની જેવું — મગર જોકે મારા માબાપનાં બન્નેનાં નાક સારાં છે હો! અને મારા ગાલ! ઓહો! એ તો ભંભોટિયા જેવા — જોવા જ ન ગમે. પરંતુ મારી બહેન દૌલતઉન્નિસા ઘણી જ ખૂબસૂરત છે! મારી બદસૂરતીનું એણે તો સાટું જ વાળી નાખ્યું છે.[1] પરંતુ એમાં એના કરતાં ફાયદો મને વધારે છે. મારે તો રાતદિવસ, બસ, ખૂબસૂરત ચહેરો જ જોવાની મજા! પરંતુ દૌલત કાંઈ દિનરાત પોતાના મોં સામે અરીસો માંડીને થોડી બેસી રહેવાની હતી?

[એ વખતે પ્રતાપની પુત્રી ઇરા જોગણને વેશે તંબૂમાં દાખલ થાય છે.]

શક્ત : કોણ છો તું?
ઇરા : હું ઇરા. પ્રતાપસિંહની પુત્રી.
શક્ત : ઇરા — તંબૂમાં? જોગણને વેશે? આ તે શું હું સ્વપ્ન જોઉં છું?
ઇરા : ના. કાકા, સ્વપ્ન નથી. હું સાચેસાચ ઇરા જ છું. તમને હું મળવા આવી છું, કાકા! [મહેરઉન્નિસા સામે જોઈને] આ કોણ છે?
શક્ત : આ અકબર બાદશાહનાં બેટી મેહેરઉન્નિસા છે. [સ્વગત] કેવી અજબ વાત કે મારા તંબૂમાં એક જ વખતે મોગલરાજની કન્યા અને રજપૂતરાજની કન્યા, બન્ને એક સાથે વિના બોલાવ્યાં આવીને ઊભાં છે!
મહેર : [ઇરાની પાસે આવી એના ખભા ઉપર હાથ મૂકી] તમે પ્રતાપસિંહનાં કુંવરી?
ઇરા : હા, શાહજાદી.
મહેર : હું શાહજાદી બાહજાદી નથી હો! હું તો ફક્ત મહેર નામની છોડી છું. શહેનશાહ અકબરની હું દીકરી ખરી; પણ એવી તો શહેનશાહને ઘણીયે દીકરીઓ છે. એમાં એકાદ ઓછી હોય તોયે શું? વધારે હોય તોયે શું? મારા બાપુની સાથે યુદ્ધ જોવા મેં કેટલીયે વાર જીદ કરી હતી, પણ બાપુ કેમેય લઈ ન જાય. એટલે આ વખતે તો માથાની થઈને મારા ભાઈ સલીમની સાથે આવી પહોંચી છું. મારી એક ફુઈની દીકરી બહેન પણ આવી છે. એનું નામ દૌલતઉન્નિસા.
ઇરા : એ ક્યાં?
મહેર : એ તો પડી પડી ઘોરે છે. એની તે કાંઈ નીંદ! મેં એને ચૂંટિયા ભર્યા તોયે એની ઊંઘ ઊડે નહિ. અને વળી આ યુદ્ધના શોરબકોર! એમાં તે માણસને નીંદ આવતી હશે? તમે જ કહો તો?
ઇરા : કાકા, મારે તમને કંઈક કહેવું છે.
મહેર : તે કહોને! હું અહીં ઊભી છું, એટલે કાંઈ દિલમાં ચોરી રાખશો મા, હો ઇરા! તમારી મરજી એવી હોય કે તમારા કાકાને તમે જે કહો તે બહાર ન પડવું જોઈએ, તો હું કહું છું કે હું જે સાંભળીશ તે કોઈને કહેવાની નથી. માથું કાપી લે તો પણ નહિ. અરે, બનશે તો ઊલટી હું એ વાતોમાં શામિલ થઈશ; નહિ તો ઊભી ઊભી સાંભળ્યા કરીશ. તમારું નામ ઇરા, ખરું ને! વાહ, મજાનું નામ, હો! અને ચહેરાની સૂરત પણ કેવી સુંદર! કાં, વાત કેમ નથી કરતાં? ચૂપ બનીને કાં ઊભાં રહ્યાં? ઠીક, તમે વાત કરો, ત્યાં હું જઈને દૌલતને તેડી લાવું. તમને જોઈને એ પણ બહુ જ ખુશ થવાની. [એકદમ ચાલી જાય છે.]
શક્ત : આ તો કોઈ અજબ બાલિકા! — તું એકલી આવી છે, બહેન?
ઇરા : હા.
શક્ત : તું એકલી આંહીં સહીસલામત શી રીતે પહોંચી?
ઇરા : સહીસલામત આવવા માટે તો આ જોગણનો વેશ પહેર્યો છે ને!
શક્ત : પ્રતાપસિંહને પૂછીને આવી છે?
ઇરા : ના કાકા, મેં એમને જણાવા પણ નથી દીધું.
શક્ત : બાપુ કુશળ છે ને?
ઇરા : હા, શરીરે તો કુશળ!
શક્ત : બાપુ શું કરે છે?
ઇરા : બાપુ તો રણઘેલા બન્યા છે. કોઈ વાર લશ્કરને કવાયત કરાવે છે, કોઈવાર મસલતો કરે છે, અને કોઈ વાર સામંતોને શૂરાતન ચડાવે છે.
શક્ત : અને ભાભી?
ઇરા : એ તો સ્વસ્થ છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસ થયાં રાત્રિએ સૂતાં નથી, બાપુના ઓશીકા આગળ બેઠાં બેઠાં ચોકી જ કરે છે, બાપુને તો ઊંઘમાંયે યુદ્ધનાં સ્વપ્નાં આવે છે. કોઈ વાર ચીસ પાડી ઊઠે છે કે ‘તૂટી પડો!’ કોઈ વાર વળી ઠપકો આપે છે, કોઈ વાર વળી બોલે છે કે ‘ફિકર નહિ’. કોઈવાર ઊંડો નિસાસો નાખીને બોલે છે કે ‘અરેરે શક્તા! આખરે સાચેસાચ તું મારી જન્મભૂમિનું સત્યાનાશ કરનારો ઠર્યો!’

[બન્ને જણાં ઘણી વાર સુધી ચુપચાપ રહે છે.]

ઇરા : [માથું નીચે ઢાળીને] કાકા!
શક્ત : બેટા!
ઇરા : એવું તે શું કારણ બન્યું કે આજ તમે, બાપુના સગાભાઈ ઊઠીને બાપુની જ સામે મોગલોની પડખે જઈ ઊભા રહ્યા? એવું તે બન્યું કે આજ તમે હિંદી ઊઠીને હિંદના શત્રુ થયા?
શક્ત : એનું કારણ તો, ઇરા, એ કે તારા બાપુએ મને વિના અપરાધે દેશવટો દીધો છે.
ઇરા : એ બ્રહ્મહત્યાની વાત મેં સાંભળી છે. જે દેશનું નિકંદન કાઢવા તમે હથિયાર ઉઠાવ્યાં છે, તે જ દેશને ઉગારવા ખાતર તો એ બિચારાએ પોતાના પ્રાણ કાઢી દીધા! કાકા, એકવાર તમારી આપવીતી યાદ તો કરો! સલુંબરાપતિએ દયા કરીને તમને મૉતના મોઢામાંથી બચાવી લીધા, ત્યાર પછી મારા બાપુએ તમારા જ માડીજાયાએ પ્રીતને વશ બની સલુંબરાપતિની પાસેથી તમને લઈ આવીને પોતાના ઘેર પાળ્યા, પોષ્યા. આજ શું એ જ સલુંબરાપતિની સામે, એ જ સગા માડીજાયાની સામે, તમે આ અસ્ત્ર ઉઠાવ્યાં છે? જેણે તમને બચાવેલા, એનો જ જીવ લેવા તમે આજ તૈયાર છો ને?
શક્ત : એ બધી સાચી વાત, ઇરા! પણ એક વાત કહેવાની તો તું ભૂલી ગઈ, કે મેં હથિયાર તો ઉઠાવ્યાં છે એ ભાઈની સામે, કે જે ભાઈએ મને દેશવટો દીધો છે.
ઇરા : એ વાત સાચી, કાકા! પરંતુ પોતાના ભાઈ જો કદી આવેશમાં ને આવેશમાં કંઈક ભૂલ કરી નાખે તો પછી ‘ક્ષમા’ નામની કશી વસ્તુ શું આ સંસારમાં નથી? ‘ક્ષમા’ શું ફક્ત શબ્દકોશમાં ને વાર્તાઓમાં રહી જાય છે? નજર તો કરો આ લીલુડી ધરતી ઉપર! જે મનુષ્યો એને પગ નીચે છૂંદે છે અને હળથી ચીરે છે, એ જ મનુષ્યોને બદલામાં એ કેવું મીઠું અનાજ આપે છે! નજર કરો આ ઝાડ તરફ! પશુ પંખી એને કરડી કરડીને ખાઈ જાય, છતાં એ તો એ ખાનારાંને માટે જ ફરી નવાં પાદડાં વિસ્તારે. ફળફળતી વરાળ સમુદ્રમાંથી ઊંચે ચડે, મેઘાડમ્બર માંડે, કોપ કરીને આકાશમાં ત્રાડો બોલાવે; પરંતુ પળવારમાં તો એ શીતળ બનીને મીઠા આશીર્વાદ સમી જળધારા એ-ના એ સમુદ્રમાં વરસાવે. ત્યારે શું માનવીઓના સંસારમાં જ બધે હિંસા, દ્વેષ, અને વિવાદ ભરેલાં છે, કાકા?
શક્ત : ઇરા, સંસારમાં ક્ષમા છે અને વેર પણ છે. એ બેમાંથી મેં વૅર જ સ્વીકારી લીધું છે.
ઇરા : શાનું વૅર, કાકા! દેશવટાની સજાનું? બાપુએ તમને દેશવટો દીધો તે વિનાદોષે? બેમાંથી કોણે તે દિવસે દ્વંદ્વયુદ્ધ સંભારી આપ્યું, જેને ખાતર એ બ્રહ્મહત્યા થઈ? તેમ છતાં, માનો કે બાપુએ તમને વિના વાંકે દેશવટો દીધો, પણ તે પહેલાં તો તમને નિરાશ્રિત દેખીને પ્રેમથી પાછા લાવી પુત્ર માફક પાળનાર પણ તે જ હતા કે નહિ?
શક્ત : પરંતુ એથીયે પહેલાં મને અન્યાયથી રઝળતો મૂકેલો, તરછોડેલો, મારીને હાંકી કાઢેલો હતો.
ઇરા : એ અન્યાય મારા બાપુએ નહોતો કર્યો. ઉદેસિંહ બાપુના અપરાધની જવાબદારી મારા બાપુની ન ગણાય બાપુએ તો એક વખત તમને આશરો આપ્યો, પછી કદાચ એ આશરો ઝૂંટવી લીધો, એ વેરની વાત શાની? ઉપકાર શું આમ ભૂલી જવાની વસ્તુ છે? એક અપકાર જ શું યાદ રાખવો ઘટે?
શક્ત : [સ્તબ્ધ બનીને શું જવાબ વાળવો તે વિચારે છે.] [સ્વગત] આ શું? શું હું ભ્રાંતિમાં પડ્યો છું? નહિ તો આ પામર બાલિકાના પ્રશ્નોનો જવાબ મને કાં ન સૂઝે?[થોડીવાર ચૂપ રહીને] બેટા, આનો તને જવાબ દેવો તે હમણાં તો મને સૂઝતું નથી! હું વિચારી જોઈશ.
ઇરા : કાકા! આ તો કાંઈ એવી કઠિન સમસ્યા નથી, તેમ તમે પણ કાંઈ એવા અબૂધ નથી, કે આવી સહેલી વાત સમજવામાં પણ આટલી મૂંઝવણ થાય! તમે વેરની વાત કરો છો? બહુ સારું. જો બાપુએ અપરાધ કર્યો હોય, તો એનું વેર — સ્વદેશ : જન્મભૂમિ — એ તો સદાય નિર્દોષ છે એના ઉપર આટલું ઝેર શા માટે? જે દેશની રક્ષા કરવા ખાતર બાપુ પ્રાણ કાઢી દેવા તૈયાર છે, એ જ દેશનું નિકંદન કાઢવા તમે તો આંહીં મોગલોને તેડી લાવ્યા છો!
શક્ત : ઇરા! બચપણથી જ જન્મભૂમિનો ખોળો મારે છોડવો પડ્યો છે.
ઇરા : છતાંયે એ તો જન્મભૂમિ!
શક્ત : નામની જન્મભૂમિ. મારા પર એનો કશો અહેશાન નથી.
ઇરા : અહેશાન ભલે ન હોય, છતાં વિના અપરાધે એને મોગલોના પગ નીચે ચગદાવવી એ શું અન્યાય નથી? અત્યાચાર નથી? જો બાપુએ તમને અન્યાય આપ્યો હોય, તો એના જવાબદાર એકલા બાપુ છે, મેવાડ નહિ.
શક્ત : [લગાર વિચાર કરીને] બહેન! તારી વાત મને વાજબી લાગે છે. હું વિચારી જોઈશ. જો મને મારો દોષ માલૂમ પડશે તો હું એનો બને તેટલો ઇલાજ કરીશ. વચન આપું છું. પરંતુ આટલે સુધી આગળ વધી ગયા પછી હવે પાછા વળવાનો પંથ મળશે?
ઇરા : કાકા! હું તો યુદ્ધની જ વિરુદ્ધ છું. યુદ્ધ ન જગાવવા હું તો બાપુને રોજ આજીજી કર્યા કરું છું. પણ એ તો સાંભળતા જ નથી. એટલે પછી યુદ્ધ જ્યારે થતું જ હોય, ત્યારે તો મારી સહાનુભૂતિ બાપુના પક્ષમાં જ જાય; પણ તે એટલા ખાતર નહિ કે એ મારા બાપુ છે અને મોગલો એના શત્રુ છે. મારી સહાનુભૂતિ બાપુ તરફ તો એટલા જ માટે, કે મોગલો હુમલો લઈ આવ્યા છે અને બાપુ તો બિચારા બચાવ જ કરે છે; મોગલો પ્રબળ છે અને બાપુ તો દુર્બળ છે.
શક્ત : ઇરા, તું બરાબર કહે છે; મારી જ ભૂલ થઈ છે. હું પ્રતિજ્ઞા કરું છું, કે આનું બને તેટલું નિવારણ કરીશ.
ઇરા : ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે તમારી એ મહેનત ફળે. કાકા, ત્યારે હવે પ્રણામ કરું છું.
શક્ત : ચાલ, હું તને થોડે દૂર પહોંચાડી જાઉં.
ઇરા : ના, કાકા, હું જોગણ છું : મને કોઈ નહિ અટકાવે, ત્યારે હવે રજા લઉં છું, કાકા.
શક્ત : આવજે, બેટા!

[ઇરા ચાલી જાય છે.]

શક્ત : [એકલો] મારી વિદ્વત્તા અને બુદ્ધિનો હું ગર્વ કરી રહ્યો છું, પરંતુ આ એક બાલિકાની પાસે તો હું હારી ગયો! ત્યારે શું ખરેખર મેં એક દારુણ અન્યાય આદરી દીધો છે? અને આમાં અપરાધ શું મારો જ થયો છે? વિચારું તો ખરો!

[શક્તસિંહ વિચારમાં મગ્ન બને છે, એ વખતે દૌલતઉન્નિસાને સાથે લઈને મહેરઉન્નિસા દાખલ થાય છે.]

મહેર : ઇરા ક્યાં?
શકત : એ તો ચાલી ગઈ.
શક્ત : ચાલ્યાં ગયાં! વાહ! આ તો બહુ ગેરવાજબી કહેવાય. આપ તો જાણતા હતા, મહેરબાન, કે ઇરાની સાથે ઓળખાણ કરાવવા ખાતર તો હું દૌલતને તેડવા ગઈ હતી; અને આપે તો, બસ, એને જવા દીધાં! આ તે કઈ જાતની સજ્જનતા!
શક્ત : માફ કરો, શાહજાદી! મને એ વાત યાદ જ ન રહી. આ કોણ? આપની બહેન?
મહેર : હા, એ મારી બહેન દૌલતઉન્નિસા. કેવો સુંદર એનો ચહેરો! જોયો? દૌલત!! લગાર બુરખો તો ખોલ, બહેન!
દૌલત : ખસ! [એટલું બોલીને બુરખો વધુ ઢાંકી દે છે]
મહેર : અરે ખોલને! તારું મોં કાંઈ મીઠું ગુલાબજાંબુ નથી કે જે જોશે તે તોડીને ટપ દઈ ગલોફામાં મૂકી દેશે! હવે ખોલને બાપુ, ખોલ! પછી ઘેર જઈને જોજે, એમ લાગે કે એમાંથી કોઈ થોડું બટકું ભરી ગયું છે, તો ખુશીથી મને કહેવું હોય તે કહેજે. ખોલને અલી! (જબરદસ્તીથી બુરખો ઊંચો કરીને) હાં! હવે બરાબર નિહાળીને જોઈ લો! જોયું કે? પદ્મિણી ખરી કે નહિ!
શક્ત : ખરી પદ્મિણી! આટલું રૂપ મેં ક્યાંય નથી જોયું. કયા શબ્દોમાં આ રૂપનું વર્ણન કરું! નથી આવડતું.
મહેર : લ્યોને, હું જ કરી બતાવું. નિસ્તબ્ધ રાત્રિની અંદર જાણે ઇસરાજના પ્રથમ ઝંકાર જેવું, નિર્જન અરણ્યની અંદર અધખીલી ગુલાબની કળી સરીખડું, વસંતારંભે મલય વાયુની પહેલી લહરી સમું — કેમ, બરાબર કે નહિ?
દૌલત : હટ!
મહેર : પ્રથમ યૌવનમાં પ્રથમ પ્રેમના મધુર સ્વપ્ન સરીખું —

[દૌલત મહેરના મોં પર પોતાનો હાથ ચાંપે છે.]

મહેર : મોં શા માટે ચાંપે છે, અલી! છોડ તો! ગૂંગળાઈ જવાય છે. [શક્તસિંહને] કહો તો ભલા, મેં તો કેટલીયે વાર્તાઓની અંદર કેટલાંયે રૂપનાં વર્ણન વાંચ્યાં છે, પણ હું એક એવી રીતે વર્ણન કરી બતાવું કે જે હાફેજથી માંડીને ફૈજી સુધી કોઈ પણ શાયર નથી કરી શક્યો.
શક્ત : એ શી રીતે!
મહેર : સાંભળો જો આ ચહેરાને વધુ ખૂબસૂરત બનાવવા માટે વિધાતા બેઠો હોત, ને કાંઈ પણ ફેરફાર કરત, તો બસ —
દૌલત : જા. હટ!
મહેર : આ તો બધી પ્યારની જ નિશાનીઓ નજરે પડે છે. એકીટશે જોયા કરવું, સામસામી આંખો મળે ત્યાં તો નીચે જોઈ જવું, કાનનાં મૂળ સુધી ચહેરાનું લાલચોળ બની જવું, અને એ બધા ઉપરાંત, જેની વાતોના અંગારા સહેવાતા ન હોય તેને ‘ચાલ, ખસ, હટ,’ કહેવું કિતાબોમાં પ્યારની જે નિશાનીઓ વર્ણવી છે તેની સાથે આ બધી બરાબર મળી જાય છે હો! પણ અલી, આ તેં શું કર્યું? એ તે કાંઈ બને? એ તો રહ્યા રજપૂત અને આપણે રહ્યા મોગલ! પરંતુ, હા, શા માટે ન બને? બાપુ પોતે મોગલ છે, અને અમ્મા રજપૂતાણી છે; એના પણ વિવાહ થયા છે.
દૌલત : જા, હટ!

[એમ કહી નાસી છૂટે છે, શક્તસિંહ જરાક એની પાછળ પગલાં માંડે છે.]

મહેર : બ-અ-સ! આપની પણ એ જ હાલત કે? નહિ તો એ પોતાના તંબૂમાં જતી હોય, એમાં આપ શા માટે એને રોકવા દોડો! પણ સાંભળો, મહેરબાન! કિતાબો તો ઘણી વાંચી, પરંતુ આવી રીતે યુદ્ધક્ષેત્રમાં આવીને પ્રેમમાં પડવાની વાત તે ક્યાંયે વાંચવામાં નથી આવી! સમાલજો, સાવધાન રહેજો, જોજો ક્યાંઈક એવું કૃત્ય કરી બેસતા નહિ હો! [હસતી હસતી ચાલી જાય છે.]
શક્ત : અજબ આ બન્ને છોડીઓ! એક જોઈએ તો અલૌકિક સુંદરી, બીજી જોઈએ તો અદ્ભુત જ્ઞાનવતી. રૂપની પૂતળી આ દૌલતઉન્નિસાને તો જાણે ઘડીક ઊભી રાખીને જોવાનું મન થાય; અને મહેરઉન્નિસાયે જોવા જેવી તો ખરી! કેવી ચકોર, રસિક અને ખુશમિજાજ! બન્ને છોકરીઓ અતિ અદ્ભુત!
  1. અથવા બીજો અર્થ ‘હું બદસૂરત છું’ એ ભાવને એની ખૂબસૂરતીએ વધુ પોષ્યો છે. એની સુંદરતાની પડખે મારી કદરૂપતા ઊલટી વધુ કદરૂપ બને છે.