રાણો પ્રતાપ/ચોથો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

'અંક ત્રીજો


         સ્થળ : પૃથ્વીરાજનું અંત :પુર. સમય : રાત્રિ.

[જોશીબાઈ એકલી હતાશભાવે ઊભી છે.]

જોશી : બુઝાઈ ગયો! આખા રજપૂતાનામાં એક જ દીવો સળગતો હતો. આજે એ પણ બુઝાઈ ગયો. પ્રતાપસિંહ આજ મેવાડમાંથી નીકળી વનેવન ભટકતા ફરે છે. હાય! હીનભાગી રાજસ્થાન!

[પૃથ્વીરાજ આવે છે.]

પૃથ્વી : જોશી, ઓ જોશી —
જોશી : આ રહી હું.
પૃથ્વી : રાજસભાના કાંઈ નવીન સાંભળ્યા?
જોશી : તમારા વગર બીજું કોણ સંભળાવે?
પૃથ્વી : અજબ નવીન ખબર!
જોશી : શું થયું?
પૃથ્વી : અરે, જોયા જેવી થઈ. ગંભીર મામલો! ચૂપ કેમ રહી ગઈ?
જોશી : હું શું બોલું?
પૃથ્વી : ત્યારે સાંભળ. શક્તસિંહ કારાગૃહમાંથી રફૂચક!
જોશી : ભાગી ગયો?
પૃથ્વી : અરે, હજુ સાંભળ તો ખરી. એની સાથે દૌલત ઉન્નિસા પણ... [ભાગી જવાનો અભિનય કરી બતાવે છે] પોબાર.
જોશી : શું કહો છો!
પૃથ્વી : અરે સાંભળ તો ખરી. હજુ બાકી છે. મેં તને કહ્યું હતું ને, કે સલીમે માનસિંહ વિરુદ્ધ આરોપ મૂકીને શહેનશાહને કાગળ લખેલો?
જોશી : હા.
પૃથ્વી : શહેનશાહ ગુજરાતમાંથી કાલે પાછા આવે છે.
જોશી : કેમ?
પૃથ્વી : ટંટો પતાવવા. ટંટો તો કાંઈ જેવો તેવો નહિ ને? એક બાજુ માનસિંહ, ને બીજી બાજુ સલીમ, એટલે કે એક બાજુ રાજ્ય, અને બીજી બાજુ છોકરો. બેમાંથી એકેયને છોડાય? ટંટો મિટાવવો જ જોઈએ ને?
જોશી : શી રીતે?
પૃથ્વી : પાદશાહ સલીમને બોલાવીને કહેશે કે ‘ભાઈ! માનસિંહ તો આપણો આશ્રિત કહેવાય’. બીજી બાજુ માનસિંહને ફોસલાવશે કે ‘ભલા માણસ, સલીમ તો બચ્ચું કહેવાય!’
જોશી : રાણા પ્રતાપસિંહના કાંઈ ખબર?
પૃથ્વી : બીજા તે શા ખબર હોય? હવે તો મહેરબાન વનેવન આથડે છે. મેં પહેલેથી જ નહોતું કહ્યું, કે અકબર પાદશાહની સાથે યુદ્ધ ન હોય!