રાણો પ્રતાપ/ચોથો પ્રવેશ3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

અંક ચોથો


સ્થળ : પર્વતની ગુફા. સમય : સંધ્યા.

[બીમાર ઇરા પથારીમાં સૂતી છે. સામે મહેરઉન્નિસા બેઠી છે.]

ઇરા : મહેર!
મહેર : બોલો, બહેન!
ઇરા : મા રોતી રોતી બહાર કાં ચાલી ગઈ? હું મરી જવાની છું, એટલા માટે?
મહેર : બળ્યું, ઇરા! એવું તે શું બોલતી હોઈશ?
ઇરા : એ કેમ ન બોલું? મહેર! સંસારમાં એથી મોટું બીજું કયું સત્ય છે? આ જીવતર કેટલા દિવસ માટે? અને મરણ તો સદાને માટે. જીવતર તો મરણ સમુદ્રની અંદર એક મોજાની માફક ઘડીભર માટે જ ઊછળી આવે. પછી પાછું બધું શાંત બની જાય. જીવતર તો કદાચ માયા હોય, પણ મૃત્યુ તો અવિચળ સત્ય છે. જીવન તો સદાકાળની ઘોર નિદ્રાની અંદર ચિંતાતુર મગજના કોઈ સ્વપ્નસમું આવે, ને સ્વપ્નસમું ચાલ્યું જાય. હેં મહેર!
મહેર : બોલો, બહેન!
ઇરા : તું મોગલ રાજકુમારી છો ને હું રજપૂત રાજકુમારી છું. તારા બાપુ અને મારા બાપુ બન્ને શત્રુ છે. એવા શત્રુ છે કે એકબીજાનું મોઢું જોવામાં પણ કદાચ મહાપાપ સમજતા હશે? છતાં તું તો મારી મિત્ર બની છે; આ મિત્રાચારી જાણે ઘણા દિવસોની જૂની! જાણે પૂર્વ જન્મારાની હોય ને! છતાં તારી સાથેનો પરિચય તો કેટલો બધો ટૂંકો! : મારા કાકાના તંબૂમાં તે દિવસ આપણે મળેલાં, યાદ આવે છે?
મહેર : હા, બહેન.
ઇરા : ત્યાર પછી કોઈએ જાણે સ્વપ્નમાં આપણ બન્નેનું મિલન કરાવી દીધું. એ સ્વપ્ન બહુ જ ટૂંકું, પણ બહુ જ મીઠું હતું. હવે જાણે મને લાગે છે કે હું તને છોડીને જાઉં છું, છતાં ફરી પાછા મળશું એમ તને નથી લાગતું?
મહેર : ફરી ક્યાં મળશું?
ઇરા : [ઊંચે આંગળી ચીંધીને] ત્યાં! અત્યારે એ તને નહિ દેખાય; કારણ કે જીવનના તીવ્ર અજવાળામાં એ ઢંકાઈ રહેલ છે — સૂર્યના તીવ્ર પ્રકાશમાં કરોડો તારાઓ ઢંકાઈ રહ્યા હોય છે તેવી રીતે. હમણાં જ અજવાળું ઊતરી જશે ને પછી એ અપૂર્વ જ્યોતિનું રાજ્ય વિશ્વને સીમાડે સીમાડે ઝળહળી ઊઠશે. અહા, કેવું સુંદર એ દૃશ્ય!

[મહેર ચુપચાપ બેસે છે.]

ઇરા : આ જુએ છે ને, મહેર! આ આકાશ કેવું આસમાની, અગાધ અને સુંદર! આ બાજુ સંધ્યાનો સૂર્ય આથમી રહ્યો છે : પૃથ્વીને જાણે કોઈ ધગધગતા સુવર્ણ-રસના પૂરમાં ઝબકોળીને ચાલ્યો જાય છે. આકાશની અંદર આ રંગબેરંગી મેઘમાળા! અહો, કેવી એ રંગની રમતો! જાણે કોઈ નીરવ રાગિની! તને શું એમ લાગે છે, મહેર, કે આ બધી અસલ વસ્તુઓ દેખાય છે?
મહેર : અસલ નહિ ત્યારે?
ઇરા : એ તો એ પડદા ઉપર અસલ ચીજોના પડછાયા જ પડી રહ્યા છે. એ અસલ સૌંદર્ય તો એની પાછળ રહ્યું છે, આ આકાશની ને આ સૂર્યની પાછળ.

[મહેર ચૂપ જ રહે છે.]

ઇરા : [થોડી વાર સ્તબ્ધ રહીને] મને ઊંઘ આવે છે; લે ઊંઘ કરું.

[ધીરે પગલે પ્રતાપ આવે છે.]

પ્રતાપ : [ધીરે સ્વરે] ઊંઘે છે?
મહેર : હા, હમણાં જ ઊંઘી ગઈ.
પ્રતાપ : મહેર, તું જા, આરામ કર. હું બેઠો છું.
મહેર : ના, હું બેઠી છું. આપ આખા દિવસના થાક્યાપાક્યા વિસામો લ્યો.
પ્રતાપ : ના, મને વિસામાની જરૂર નથી. જરૂર પડશે ત્યારે તને બોલાવીશ, બચ્ચા.
મહેર : સારું. [ઊઠે છે.]
પ્રતાપ : લક્ષ્મી ક્યાં?
મહેર : બચ્ચાં માટે રસોઈ કરે છે. બોલાવું?
પ્રતાપ : કામ પૂરું કરીને એક આંટો આવવાનું કહેજે.

[મહેર જાય છે.]

પ્રતાપ : આ મારું જીવતર! આજ ત્રણ દિવસ થયાં દુશ્મનોથી નાસતો નાસતો જંગલેજંગલ ભટકું છું. એક ટંક પણ આહાર નથી પામ્યો. ખાવાનો અવસર જ ન મળે ને! ઓછામાં પૂરું આ પથારીવશ પુત્રી, અને એક ટાણું અનાજ પામતાં બચ્ચાંની ફિકર!

[ચુપચાપ ઇરાની પાસે બેસે છે. અંદરથી બાળકોને રડતાં સાંભળે છે.]

પ્રતાપ : કાલ તો બરાબરનો પકડાઈ જાત! એ બદનામીમાંથી તો મારા ભીલ સરદારને પ્રતાપે જ બચી ગયો, મારો જીવ બચાવવા એણે પોતાના પ્રાણ દીધા! આવી રીતે મારા રક્ષણને ખાતર કેટકેટલા જીવ ગયા હશે! કેટલાની સ્ત્રીઓ અનાથ બની હશે! બાળબચ્ચાં રઝળી પડ્યાં હશે! એ બધું મારે ખાતર, મને બચાવવા માટે. ઓ પ્રભુ! હવે ટેક નહિ ટકે, નહિ ટકાવી શકું.

[લક્ષ્મી આવે છે.]

લક્ષ્મી : ઇરા ઊંઘે છે?
પ્રતાપ : લક્ષ્મી! બચ્ચાં રોતાં હતાં શા માટે?
લક્ષ્મી : એ બિચારાં રોટલો લઈને ખાવા બેઠાં હતાં, ત્યાં તો વગડાઉ બિલાડો આવીને રોટલો ઉપાડી ગયો.
પ્રતાપ : ત્યારે આજ રાતે શું?
લક્ષ્મી : આપણા ભાગનો રોટલો મેં એને આપી દીધો છે. આપણે એક દિવસ તો ભૂખ્યાં રહી શકશું.
પ્રતાપ : [પલવાર ચૂપ રહીને] લક્ષ્મી!
લક્ષ્મી : બોલો, પ્રભુ!
પ્રતાપ : લક્ષ્મી! મારે પનારે પડીને તેં બહુ દુઃખ સહ્યું. હવે તારે નહિ સહેવું પડે હો! હું હવે પકડાઈ જઈશ.
લક્ષ્મી : પકડાઈ જશો શા માટે, નાથ?
પ્રતાપ : હવે તો આ નથી સહેવાતું. તમારાં આ દુઃખ જોયાં જાતાં નથી. હવે તો આમ ક્યાં સુધી શિયાળિયાની માફક જંગલોમાં નાસતો ફરું? આહાર નહિ! ઊંઘ નહિ! ઘરબાર નહિ! હું પોતે તો આ બધુંય સહી શકું, પણ તું —
લક્ષ્મી : હું! વહાલા! મારે તો તમારી આજ્ઞા ઉઠાવવી એ જ પરમ આનંદ છે.
પ્રતાપ : સહન કરવાની પણ એક સીમા હોય છે. હું તો કઠણ પુરુષ બધું ભોગવી લઉં, પરંતુ, સ્ત્રીજાત —
લક્ષ્મી : નાથ! સ્ત્રી કહીને મારી અવગણના કાં કરો? અમે સ્ત્રીઓ સ્વામીના સુખમાં સુખ પણ માણી જાણીએ, અને સ્વામીના દુઃખને પણ શિર પર ઉપાડી જાણીએ. અબળાને કષ્ટ ભોગવતાં તો આવડે છે, વહાલા! કષ્ટ ભોગવવું એ જ એનું જીવતર છે. પ્રાણ સમર્પી દેવામાં તો એને અપાર આનંદ છૂટે. તમે નહિ જાણતા હો, નાથ! પણ જે ઘડીએ તમારા પગમાં કાંટા ભોંકાય છે તે ઘડીએ એ કાંટા તો મારી છાતી વીંધી નાખે છે. અમે સ્ત્રીજાત. માવતરને અમે પ્રાણ ભરીને પ્રીતિ કરીએ, પતિને અમારી બાથમાં રાખીને રક્ષા કરીએ, અને સંતાનોને અમારી છાતીનાં લોહી પિવડાવીને પાળીએ.
પ્રતાપ : પણ આ બિચારાં બચ્ચાં, એનાં દુઃખ!
લક્ષ્મી : પહેલો પોતાનો દેશ કે પહેલાં બચ્ચાં?
પ્રતાપ : લક્ષ્મી, ધન્ય છે તને. તારી તોલે કોઈ ન આવે. આ સંકટને સમયે તેં જ મને ઊંચો રાખી લીધો છે. પણ હવે તો મારાથી નથી સહેવાતું. હું બલહીન બની ગયો છું; તું મને બલ દેજે. હું અસ્થિર બની ગયો છું; તું મને પ્રકાશ દેખાડજે.
ઇરા : મા!
લક્ષ્મી : શું કહ્યું, બેટા?
ઇરા : કેવો સુંદર! અહો કેવો સુંદર! જોયો ને, મા! કેવો સુંદર!
લક્ષ્મી : કોણ, બેટા?
ઇરા : એક રંગીન સમુદ્ર. કેટલા કેટલા દેશમુક્ત આત્માઓ એમાં તરતા તરતા જાય છે! પ્રકાશના કેવા અપરંપાર કકડા દોડાદોડ કરી રહ્યા છે! આકાશમાંથી કેવું મધુર સંગીત અતૂટ ધારે વરસી રહ્યું છે! આહા! વિચારો સદેહે વિચરી રહ્યા છે! ઇચ્છાઓ રંગથી ઓળખાઈ રહી છે.
પ્રતાપ : [લક્ષ્મીને] એને સ્વપ્ન આવ્યું છે.
ઇરા : [ચમકી જાગીને] હત! ઊડી ગયું! આ શું, મા! આપણે ક્યાં છીએ?
લક્ષ્મી : આપણે આ રહ્યાં, બહેન!
ઇરા : હાં. ઓળખ્યાં; મહેર ક્યાં?
લક્ષ્મી : બોલાવું? આ આવે.

[ચુપચાપ મહેર આવે છે.]

ઇરા : તું ક્યાં હતી? આ વખતે હવે છોડીને જવાય? જો, હું તો હવે જાઉં છું. તને એક-બે વાતો કહેવી છે.
લક્ષ્મી : બળ્યું, આવું શું બોલતી હોઈશ, ઇરા!
ઇરા : સાચોસાચ, મા, હું જાઉં છું. તમે કોઈ ન સમજી શકો : પણ હું સમજું છું કે હું જાઉં છું. જતા પહેલાં બે વાત કહી દઉં, યાદ રાખજે. મા, મારા બાપુને શરીરે ઠીક નથી. તો હવે શીદ આ નિષ્ફળ યુદ્ધ કરવા તું એને ઉશ્કેરે છે? હવે એનાથી નહિ સહેવાય, હો! અને બાપુ! હવે યુદ્ધ શા માટે? માણસથી જે બની શકે તે બધું તમે કરી ચૂક્યા. પાદશાહ જો હેવાન બનીને ચિતોડ જીતવાથી સુખી થાતો હોય તો થાવા દો. મારામારી કાપાકાપીથી શું વળશે? છોડી દો. અકબરને ચિતોડ જોઈતું હોય તો લેવા દો, બીજું પણ જે કાંઈ તમારી પાસે હોય તે આપી દો. બધુંય ભલે એ લઈ જાય! એ બધું કેટલા દિવસ, બાપુ? ત્યારે હવે જાઉં છું, બાપુ! હું રજા લઉં છું. બહેન! બાપુ, મારી જગ્યાએ હું મહેરને બેસારી જાઉં છું. એને પુત્રીની પેઠે, મારી પેઠે પાળજો, હો! અહા, કેવી શુભ ઘડીએ મહેર આંહીં આવી હશે! એ ન આવી હોત તો હું કોને તમારી કને મૂકી જાત, ઓ મહેર! તું અને હું જેવાં મિત્ર બન્યાં તેવા જ તારા અને મારા બાપુ પણ આખરે મિત્ર બનજો! તારાથી બને તો એ બેઉની વચ્ચે શાંતિનું જળ છાંટજે. ભૂલીશ નહિ, હો બહેન!
મહેર : નહિ ભૂલું, ઇરા!
ઇરા : ત્યારે હવે જાઉં! બાપુ! મા! ચરણરજ લેવા દો. [માબાપની ચરણરજ લઈને] મહેર! જાઉં છું, બહેન! હું બહુ સુખમાં મરું છું. માવતરને ખોળે સૂતી સૂતી, એની સાથે છેલ્લી વાતો કરતી કરતી મરું છું! ત્યારે રામ રામ!
લક્ષ્મી : ઇરા! ઇરા! ઇરા! બેટા, ચાલી ગઈ?
પ્રતાપ : ઓ પ્રભુ!