રાણો પ્રતાપ/છઠ્ઠો પ્રવેશ1
Jump to navigation
Jump to search
છઠ્ઠો પ્રવેશ
અંક બીજો
સ્થળ : સ્ત્રીઓના તંબૂની બહાર. સમય : મધરાત.
[મહેરઉન્નિસા શાંત રાત્રિમાં તંબૂની બહાર ટહેલતી ટહેલતી મૃદુ કંઠે ગાન ગાય છે.]
[રાગ : પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં]
હું તો બાંધું બાંધું ને તૂટી જાય રે
પાળ મારા અંતર કેરી! અંતર કેરી!
હું તો દાબું દાબું ને છૂટી જાય રે
પ્રાણ એવા જાગ્યા વેરી! જાગ્યા વેરી!
રોકું, રોક્યું નવ રહે, ના પાડું, ન મનાય;
મનડું માઝા નવ સહે, એને ચરણ જડાય.
હરિ! ઠારો હૈયામાં ઊઠી લાય રે
કાં તો ડસી નાગણ ઝેરી! નાગણ ઝેરી! — હું તો.
[એટલામાં દૌલતઉન્નિસા દાખલ થાય છે.]
દૌલત : | મહેર, આટલી મોડી રાતે તું જાગે છે? |
મહેર : | અને તું તો કેમ જાણે સૂઈ ગઈ હઈશ! |
દૌલત : | મને તો નીંદ આવતી નથી. |
મહેર : | મારી પણ એ જ હાલત છે. મનેય નીંદ નથી આવતી. |
દૌલત : | કેમ? તને નીંદ કેમ ન આવે? |
મહેર : | વાહ! હું પણ તને એ જ સવાલ કરવાની હતી. આપણી બન્નેની વચ્ચે કેવો મેળ મળવા લાગ્યો છે! તને નીંદ કેમ નથી આવતી, દૌલત? |
દૌલત : | તું શું આમ આડી જ વાતો કર્યા કરીશ કે? |
મહેર : | એનો જવાબ મારી પાસે ન મળે. સાચી વાત કહું તો આ વખતે હું તો તારી પાસે હારી ગઈ — પૂરેપૂરી હારી ગઈ! બસ હવે સાંભળ. રાત્રિનો પહોર જામ્યો છે તારે અને મારે બેઉને માટે. બેઉ બેઠાં બેઠાં જાગીએ છીએ તું અને હું બન્ને : એનું કારણ પણ એકનું એક — નીંદ નથી આવતી! નીંદ ન આવે તેનું પણ એક જ કારણ. એ કારણ કહેવાય જ નહિ — ન તારાથી કે ન મારાથી. |
દૌલત : | શું કારણ? |
મહેર : | કહ્યું નહિ કે એ ન કહેવાય! |
દૌલત : | કહે ને બાપુ, શું કારણ? |
મહેર : | તું તો બહુ ખરાબ, બાપુ! હરએક વાતમાં હઠીલાઈ! હું બધો ભેદ જાણી ગઈ છું કે નહિ તેની પરીક્ષા કરતી હોઈશ, ખરું ને? હું તો બધુંય જાણી ગઈ છું બરાબર સમજી ગઈ છું હો! |
દૌલત : | શું? |
મહેર : | ઓહ! મોગલ સેના તો પડી પડી ઘોરે છે! |
દૌલત : | બોલને! |
મહેર : | છેક આંહીં સુધી એનાં નસકોરાં સંભળાય છે! |
દૌલત : | આહા! બોલને હવે! |
મહેર : | આઘે આઘે રજપૂત સેનાની મશાલો બળે છે, દેખી? |
દૌલત : | નહિ બોલ? નહિ બોલ? |
મહેર : | કદાચ ચોકી કરતા હશે. |
દૌલત : | ઠીક ત્યારે, હટ, મારે સાંભળવું જ નથી. |
મહેર : | આહાહા! એમ હો! સાંભળ. |
દૌલત : | ના, ખબરદાર, બોલીશ ના! |
મહેર : | હું તો બોલવાની. |
દૌલત : | તો હું સાંભળીશ નહિ, |
મહેર : | તારે સાંભળવું જ પડશે. |
[દૌલત મોં ફેરવે છે. મહેર એનું મોં પોતાની સામે ફેરવવા મહેનત કરે છે, પણ વ્યર્થ.]
મહેર : | તારે સાંભળવું નથી ને? ભલે, સાંભળીશ નહિ ત્યારે! આહ! [બગાસું ખાઈને] તો મને નીંદ આવે છે. ચાલ સૂઈ જાઉં. |
દૌલત : | જઈશ તે ક્યાં? લે બોલ! |
મહેર : | હમણાં તો કહેતી હતી કે નથી સાંભળવું! |
દૌલત : | ના, ના, બોલ, હું તો પારખું કરતી હતી. |
મહેર : | હું પણ પારખું કરતી હતી. |
દૌલત : | શું? |
મહેર : | કે હું જે ધારતી હતી, સાચું કે નહિ! હવે જોઈ લીધું કે એ સાચું છે. વાર્તાઓમાં જે જે લખ્યું હોય છે તે બરાબર મળી જાય છે. એક તો રાત્રિએ નીંદ ન આવે, બીજું છાનામાના વિચાર ચાલે કે એ મને મળશે નહિ, ત્રીજું એથીયે વધુ ફિકર તો એ થાય કે કોઈ આપણી વાત જાણી તો નથી લેતું ને — જેવી રીતે કોઈ લપસીને પડી જાય, ત્યારે પહેલી ચિંતા એ કરે કે કોઈ દેખી તો નથી ગયું ને! બાપુ, એમાં મારી આગળ તે શું છુપાવતી હોઈશ? હું કાંઈ તારા વહાલા શક્તસિંહને ઝૂંટવી તો નથી જવાની! |
[દૌલત મહેરનું મોં ચાંપી દે છે.]
મહેર : | [દૌલતનો હાથ છોડાવીને] બોલ, તારી બીમારી મેં બરાબર પકડી પાડી કે નહિ? નીચું કાં જોઈ જા? |
દૌલત : | જા, હટ! |
મહેર : | બહુ સારું, આ ચાલી. [જવા માંડે છે.] |
દૌલત : | જાય છે તે ક્યાં? સાંભળ. |
મહેર : | શું? બોલવું હોય તે બોલી નાખ ને! વળી ચૂપ બની ગઈ! બોલ, બરાબર પકડી પાડી છે કે નહિ! |
દૌલત : | હા બહેન! પણ બહેન, આમાં કાંઈ આશા જેવું નહિ? |
મહેર : | આશા! શાની આશા? બોલને? મોંમાંથી કાંઈ બોલીશ કે નહિ? ખેર! ન બોલ તો કાંઈ નહિ, પણ એમાં નિરાશા શાની? મોગલોની સાથે રજપૂતની શાદી એ કાંઈ નવીન નથી. |
દૌલત : | પણ એ કબૂલ ન કરે ને! |
મહેર : | કેમ જાણ્યું કે કબૂલ ન કરે? |
દૌલત : | એ તો ગર્વિષ્ઠ ક્ષત્રિય રાણા ઉદયસિંહના પુત્ર રહ્યા! |
મહેર : | અને તું પણ ગર્વિષ્ઠ મોગલ-શહેનશાહ હુમાયુંની ભાણેજ રહી! તું કાંઈ ઓછી ઊતરે તેવી નથી. |
દૌલત : | રે! જો બની શકે તેવું હોય તો — તો — |
મહેર : | એમાં તો-તો શું? એક વાર અજમાયશ કરીને જોઈ લેવું! બહુ સારું, લે, એ બોજો હું મારે શિરે લઉં છું — જો કે કોઈ બીજાએ એ પોતાને શિરે લીધું હોત તો બહેતર થાત. |
દૌલત : | કેમ ભલા? |
મહેર : | કાંઈ નહિ! ચૂલામાં ગઈ એ વાત! ઠીક છે; જોઉં તો ખરી; હું શાદી-દલાલનું કામ કરી શકું છું કે નહિ? |
દૌલત : | તને લાગે છે કે એ બનશે? |
મહેર : | લાગે છે! લાગવુંબાગવું મારી પાસે વળી કેવું? હું તો જાણું છું કે બનવાનું જ. જે કામમાં મહેર હાથ લગાડે, એ કામ પાર ઉતાર્યા સિવાય મહેર પાછી ફરે નહિ. એમાં જીવ જાય તો પણ કુરબાન. અને સાચી વાત કહું? આ મામલામાં મને પણ જરા લહેર પડવા લાગી છે. |
દૌલત : | શી રીતે? |
મહેર : | તારો અને શક્તસિંહનો પ્રથમ મેળાપ કરાવનારી હું જ હતી. હવે એ મિલનને આખર સુધી ન પહોંચાડું ત્યાં સુધી તો મારાથી ઝંપીને શે બેસાય? આખું માળખું ખડું કરી દીધું; હવે તો ગારો લઈને બાંધકામ ન કરું તો આટલી મહેનત નકામી જાય ને! મેં તો કહી દીધું છે કે મહેર જે કામ કરવા બેસે, એ અધૂરું મૂકીને ન જ ઊઠે — પાર ઉતાર્યે જ જંપે. ચાલો, હવે જરા સૂઈએ. રાત પણ ખલાસ થવા આવી. |
દૌલત : | ચાલો, બહેન! તને હવે વધુ શું કહું? |
મહેર : | કાંઈ કહેવું નહિ પડે. જા, હું આવું છું. |
[દૌલત જાય છે.]
મહેર : | ઓ પ્રભુ! મને બચાવી લેજો! દૌલત બિચારી નથી જાણતી કે એ જેને ચાહી રહી છે તેને હું પણ ચાહું છું! જાળવજો, ઓ ઈશ્વર! કે દૌલતને આ વાતની જરાયે ખબર ન પડે. એ વાત તો, હે નાથ! ફક્ત હું અને તમે બે જ જાણીએ! મારી એટલી જ પ્રાર્થના છે, પ્રભુ! કે દૌલતની મુરાદ હું પૂરી કરી શકું; એમ થશે એટલે મારી મનોવાંચ્છના પણ પૂરી થશે. મારે પોતાને માટે બીજી કશીયે માગણી હું નથી કરતી, નાથ! ફક્ત એટલું જ માગું છું, કે મારા મનના બળવાન વિકારને હું દબાવી શકું એટલી શક્તિ દેજો, પ્રભુ! મારા કોમળ હૃદયને કઠણ કરજો! મારી પ્રબળ પ્રેમવાસનાને પારકાની શુભેચ્છારૂપે પલટી નાખજો! |