રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રીજો પ્રવેશ

અંક બીજો

         સ્થળ : હલદીઘાટની ખીણમાં સલીમનો તંબૂ. સમય : સવાર.

                  [સલીમના તંબૂમાં દૌલત અને મહેર દાખલ થાય છે.]

મહેર : લ્યો, અહીં તો સલીમ નથી!
દૌલત : નથી કે?
મહેર : બસ! હું તો હવે આંહીં એની વાટ જોતી જ બેસીશ.
દૌલત : તારો મિજાજ આજ ગયો લાગે છે.
મહેર : જાય નહિ! ડાહ્યાં થઈને યુદ્ધ જોવા આવ્યાં! પણ આંહીં તો યુદ્ધનું ઠેકાણું જ ક્યાં છે? યુદ્ધને બદલે વધુ તો ખોટેખોટા ધડાકા-ભડાકા જ સંભળાય છે! ના, બાપુ! આપણને એ નથી પાલવતું. મારે તો હવે આંહીં આવી રીતે હાથપગ જોડીને કામધંધા વિના પડ્યા નથી રહેવું. હવે તો આંહીં એક પલવાર પણ રોકાવાની મારી મરજી નથી. હું તો આજ ને આજ ચાલી જવાની.
દૌલત : તારી તો, બહેન! મતલબ જ નથી સમજાતી. દોડાદોડ કરતી યુદ્ધ જોવા આવી, અને હવે જ્યારે યુદ્ધ થાઉં થાઉં થાય છે, ત્યાં તો બોલે છે કે ચાલી જવાની.
મહેર : ક્યાં છે યુદ્ધ? આજ પંદર-પંદર રોજ થયાં બન્ને લશ્કરો એકબીજાની સિકલ સામે જોતાં જોતાં બસ બેઠાં છે, ને સામસામા ડોળા ઘુરકાવે છે! લગાર પણ યુદ્ધ થયું છે હજુ! ના બાપુ! આપણાથી તો આટલી ધીરજ નથી રહેતી. તું સાંભળ ખોટેખોટા ધડાકા-ભડાકા! મારે તો નથી રોકાવું બહેન! હમણાં જ, આ પળે જ હું તો ચાલી જાઉં છું. આ સલીમ આવે!

[સલીમ પોતાના કપડાં ઝાપટતો ઝાપટતો ઝંખવાણો પડીને તંબૂમાં આવે છે.]

સલીમ : [તાજ્જુબીથી] અરે! આ શું? તમે આંહીં? મારા તંબૂમાં?
દૌલત : ભાઈ, મહેર તો ખૂબ ખિજાયેલી છે.
સલીમ : કેમ?
દૌલત : કહે છે, આજે જ હું તો ચાલી જવાની.
સલીમ : પણ થયું શું?
મહેર : [ઊઠીને] શું થયું? યુદ્ધ ક્યાં? આ બાજુ બાયલા મોગલો, અને સામી બાજુ બાયલા બધા રજપૂતો : બસ, સામસામા ઊભા છે! વચ્ચે વચ્ચે વળી હાકોટા-પડકારા થાય છે. પણ નથી થતું યુદ્ધ, કે નથી વાગતાં વાજાં! આનું નામ જ જો યુદ્ધ હોય તો મારે કશી પરવા નથી. ભાઈ, કૃપા કરીને મને માન સહિત ઘેરે પહોંચતી કર જલદી.
સલીમ : એમ તે કંઈ થાય? યુદ્ધ તો જરૂર થવાનું. શું કરું! એ તો માનસિંહ જેવો ડરપોક સેનાપતિ એટલે હલ્લો કરતાં ડરે છે. હું જો સેનાપતિ હોત —
મહેર : તું સેનાપતિ નથી? ત્યારે તું શું લાકડાનું પૂતળું બનીને અહીં આવ્યો છે? ના બાપુ! આ બધું જોઈને મારો મિજાજ તો ફાટી જાય છે. હવે આંહીં નથી રહેવું.
સલીમ : એ તો શી રીતે બને? એમ એકદમ તને આગ્રા પહોંચાડી દેવી એ શું સહેલી વાત છે? તારી પણ બહુ મજાની વાત, હો!
મહેર : મજાની હોય કે ન હોય! મને જો કાલ સવારે આગ્રે મોકલવી હોય તો મોકલ નહિ તો હું જોયા જેવી કરીશ. [જમીન પર જોરથી પગ પછાડે છે.]
સલીમ : શું જોયા જેવી કરીશ?
મહેર : કાં તો હું મહારાજા માનસિંહને રૂબરૂ જઈને કહેવાની, નહિ તો હું આપઘાત કરીશ. મારે તો બન્ને વાતો સરખી છે. સીધી વાત કરી નાખું છું. [માથું હલાવીને દૃઢતાપૂર્વક] હું હવે આંહીં એક દિવસ પણ નથી રહેવાની.
સલીમ : આવવું હતું ત્યારે તો પાગલ બની હતી! ઓરત જાતનો સ્વભાવ કાંઈ જાય? એ વખતે તો મારા પગ ચાંપવામાં કાંઈ બાકી રાખેલું?
મહેર : જેટલું બાકી રહ્યું હોય તેટલું, લે, અત્યારે પૂરું કરું. [સલીમના પગ પકડીને] મારો અપરાધ થયો છે, ભાઈ! મારા મનમાં હતું કે હું આંહીં બહાદુરોની સાથે આવી છું. પણ હું જોઉં છું કે બધા ડરપોક ને બાયલા છે! એક ઘેટાની અંદર જેટલી હિંમત હોય તેટલીયે તમારામાં નથી. લે, બાપુ, તારે પગે પડું છું. મરજી હોય તો કાલ ને કાલ કંઈક ઈસ પાર કે ઉસ પાર કરી નાખ; નહિ તો મને ઘેર મોકલી આપ. મને તો હવે યુદ્ધ ઉપર જ કંટાળો આવી ગયો છે.
સલીમ : ઠીક છે. તું ધીરી થા. મને એક વાર માનસિંહજી પાસે જઈ આવવા દે. ત્યાર પછી કરવાનું હશે તે કરશું. શાબાશ છે તને! તારાંયે તકદીર ઊંચાં કે મારી નાનેરી બહેન જન્મી! એટલે જ તારી હઠીલાઈ આટલી હદ સુધી ચાલે છે!

[સલીમ જાય છે.]

દૌલત : તેં તો બરાબરની જીદ લીધી!
મહેર : લઉં નહિ? આવી હાલતમાં કોઈ પણ સારા માણસનો મિજાજ ઠેકાણે રહે ખરો કે?

[એ વખતે ‘સલીમ સલીમ’ બૂમ પાડતો શક્તસિંહ તંબૂમાં દાખલ થાય છે. પણ બે રમણીઓને જોઈ ‘અરે, માફ કરજો,’ એમ બોલીને ચાલ્યો જાય છે.]

દૌલત : મહેર, આ કોણ?
મહેર : મેં સાંભળ્યું છે કે આ પ્રતાપસિંહના ભાઈ શક્તસિંહ છે. ખૂબસૂરત ચહેરો! ખરું?
દૌલત : હા–ના–એ —
મહેર : સલીમ કહેતો હતો કે શક્તસિંહ બહુ વિદ્વાન છે; ઉપરાંત ભારે મર્મભાષી છે. આહા! આવીને એકદમ ચાલ્યા જ ગયા! જરી બેઠા હોત તો કંઈક ગુફતેગો કરત ને! આ મયદાને જંગ કહેવાય, અહીં જરા અદબપડદો કમતી કરીએ તોયે શી હરકત? સાચું કહું તો, બહેન, મુસલમાનોના આ પડદાના રિવાજ ઉપર મને બહુ જ ખીજ આવે છે. આપણી ખૂબસૂરતીનો ખજાનો પાંચ-દસ આદમીની નજરે પડવાથી શું કમતી થઈ જવાનો હતો? ઠીક ચાલો આપણા તંબૂમાં. ઓહો! શું વિચારે ચડી! લે, ચાલ ચાલ!

[દૌલતનો હાથ પકડીને મહેર બહાર જાય છે.]