રાણો પ્રતાપ/પાંચમો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાંચમો પ્રવેશ

'અંક પાંચમો


         સ્થળ : અકબરનો એકાંત ઓરડો. સમય : મધ્યાહ્ન.

અકબર અને માનસિંહ સામાસામા ઊભા છે.]

અકબર : માનસિંહજી! મેં બધુંય સાંભળ્યું. એક પછી એક કિલ્લા મોગલોના હાથમાંથી જવા લાગ્યા છે, અને આખરે મહોબતખાં પણ પ્રતાપને હાથે હાર્યો, પકડાયો ને રાણાની મહેરબાનીથી છૂટીને દિલ્હી પાછો આવ્યો! આ બધું આજ સાંભળવું પડ્યું!
માનસિંહ : જહાંપનાહ! પ્રતાપસિંહ તો અત્યારે મૂર્તિમાન કાળ બન્યો છે, એને રોકવાની કોની તાકાત છે?
અકબર : આપને બોલાવ્યા તે આવો જવાબ સાંભળવા માટે નહિ.

[માનસિંહ ચૂપ રહે છે.]

અકબર : માનસિંહજી! આપ જાણો છો ને, કે આ ફક્ત મોગલોનો પરાજય જ નથી, આ તો મોગલોની બેઆબરૂ અને દેશમાં અસંતોષની વૃદ્ધિ! આનો અર્થ તો એ કે દેશી રાજાઓની રાજભક્તિ ખૂટી! દુનિયામાં ફક્ત દર્દો જ ચેપી હોય છે એમ નથી, મહારાજ! તંદુરસ્તી પણ ચેપી છે. ફક્ત ભીરુતા જ નહિ, શૌર્ય પણ ચેપી હોય છે. ફક્ત પાપ જ નહિ, ધર્મ પણ ચેપી હોય છે. પ્રતાપની આ દેશભક્તિનો ચેપ પણ ફેલાવા લાગી ગયો એ નથી જોતા, મહારાજ!
માનસિંહ : જોઉં છું.
અકબર : તો પછી વખતસર એનો ઇલાજ કરવો જોઈએ. પ્રતાપનો આ ધસારો અટકાવવો જોઈએ. એ માટે માગો તેટલું સૈન્ય અને દ્રવ્ય આપીશ.

[માનસિંહ ચૂપ રહે છે. અકબર એના મનોભાવ સમજી જાય છે.]

અકબર : મહારાજા! પ્રતાપના શૌર્ય પર આપ મુગ્ધ હશો એમ લાગે છે. હું કબૂલ કરું છું, કે હું પોતે જ મુગ્ધ છું. પરંતુ જે સલ્તનત સ્થાપવામાં આપે અને આપના પિતા મારા પરમ સ્નેહી ભગવાનદાસે મને આટઆટલાં વર્ષો સુધી મદદ કરી છે, તે સલ્તનત આજે એક વરસમાં જ જમીનદોસ્ત થઈ જાય એવી તો આપની ઉએદ નથી ને?
માનસિંહ : પ્રતાપસિંહનો ઇરાદો આપની સલ્તનત પર હાથ લગાવવાનો છે જ નહિ. એ તો ચાહે છે ફક્ત ચિતોડનો ઉદ્ધાર. એ દેશહિતેચ્છુ છે, પણ પારકાનું ઝૂંટવી લેનાર નથી!
અકબર : હું જાણું છું. પરંતુ, મહારાજા! હું એ પણ જાણું છું કે ચિતોડ જાય તો આખું સામ્રાજ્ય જવાનું, એમાં શક નથી. મહારાજા! આપ તો મારા પરમ સ્નેહી ભગવાનદાસના પુત્ર! એક મહિના પછી એક ઑર સ્નેહગાંઠથી આપ અમારી સાથે બંધાશો. હું આપના પર જ બધો આધાર રાખી બેઠો છું, એ જાણો છો ને!
માનસિંહ : સમ્રાટ! ચિતોડ આપણા હાથથી ન જાય એવો જ બંદોબસ્ત કરીશ.
અકબર : શાબાશ! એવાં જ વેણ આપને છાજે.
માનસિંહ : ત્યારે હું રજા લઈશ.

[માનસિંહ જાય છે.]

અકબર : [સ્વગત] તે દિવસે સલીમને હું શિખામણ દેતો હતો કે બીજા પર સત્તા ચલાવવા જતાં પહેલાં પોતાની ઉપર સત્તા ચલાવવી પડે છે. પરંતુ એ બોલ્યા પછી બીજી જ પળે ગુસ્સાને વશ બની પ્રાણથીયે પ્યારી બેટીને હું હારી બેઠો. હવે પાછો વિકારને વશ બનીને રજપૂત રાજાઓની પ્રીતિ પણ ગુમાવી બેઠો. હવે જોઉં! બુદ્ધિબલથી ફરી એ પાછી મેળવી શકાય છે કે નહિ! મહોબતખાં પાસેથી મહેરના ખબર મળ્યા છે. મહેર! મારી પ્રાણાધિક પુત્રી! તેં પણ દુભાઈને બાપનો આશરો છોડી બાપના દુશ્મનનો આશરો લીધો! આ પણ સાંભળવું પડ્યું! હવે તો એની માફી માગીને મેં એને મારે ખોળે પાછી આવવાનું લખ્યું છે. હું બાપ ઊઠીને આજ દીકરીની માફી માગવા ચાલ્યો! અને તે પણ એ દીકરીના જ અપરાધની માફી! ઓ ખુદા! બાપનું હૃદય આટલું બધું સ્નેહદુર્બળ કાં બનાવ્યું?

[દ્વારપાળ આવે છે.]

અકબર : મહેરઉન્નિસા! મહેરઉન્નિસા! પાછી આવ! બેટા, તારા તમામ અપરાધ મેં માફ કર્યા છે, તો તું હવે મારો એક અપરાધ તો માફ કર.
દ્વારપાળ : ખુદાવંદ, મેવાડથી દૂત આવ્યો છે.
અકબર : [ચમકીને] મેવાડથી? શા સમાચાર લઈને આવ્યો છે? ક્યાં છે?
દ્વારપાળ : સાથે શાહજાદી મહેરઉન્નિસા પણ છે.
અકબર : સાથે મહેરઉન્નિસા! ક્યાં છે મહેરઉન્નિસા?

[બહાર જવા દોડે છે ત્યાં મહેરઉન્નિસા દાખલ થાય છે.]

માનસિંહ : બાબા! બાબા!

[એટલું બોલીને પાદશાહના પગમાં પડે છે. દ્વારપાળ બહાર જાય છે.]

અકબર : મહેર! બેટા તું! સાચોસાચ તું આવી!
મહેર : બાબા! મને ક્ષમા કરો. હું તો આપની નાદાન, રિસાળ, અણસમજુ દીકરી છું. મને ક્ષમા કરો. મેં મારી જ કમઅક્કલથી દૌલતનું સત્યાનાશ વાળ્યું અને મારું પણ સત્યાનાશ વાળ્યું. મને ક્ષમા કરો.

અકબર : ઊઠ, બેટા! મેં તને નહોતું લખ્યું કે હું તારા બધા અપરાધોની ક્ષમા કરું છું? આખા હિન્દનો પાદશાહ આજે તારી આગળ એક તરણા જેવો કમજોર બની ગયો! મહેર, તેં મને ક્ષમા કરી છે કે?

મહેર : આપને ક્ષમા શા માટે, બાપુ?
અકબર : મેં તારી માનું અપમાન કરેલું.
મહેર : તેની તો આપે માફી માગી લીધી છે.
અકબર : અને હું માફી ન માગત તો તું પાછી ન આવત કે?
મહેર : એ તો નથી જાણતી, બાપુ! એટલો બધો વિચાર કરીને હું કાંઈ પાછી નથી ફરી. આપનો પત્ર મળ્યો, વાંચ્યો, પછી રહેવાયું નહિ એટલે ચાલી આવી. બાબા! આપ મને કેટલા વહાલા લાગો છો એ અગાઉ હું નહોતી જાણતી.

[મહેર અકબરની છાતીમાં મોં છુપાવી રોવા લાગે છે. પછી રડવું દાબીને કહે છે.]

મહેર : બાબા! આટલે દિવસે મને સમજાયું કે સ્ત્રીનું કર્તવ્ય દલીલો કરવાનું નથી, પણ સહન કરવાનું છે. સ્ત્રીનું કર્તવ્ય બહારમાં નથી, પણ અંત :પુરમાં જ છે. સ્ત્રીનો ધર્મ સ્વેચ્છાચાર નથી, પણ સેવા છે.
અકબર : બેટા, રાણા પ્રતાપે કદી તારા પર અત્યાચાર તો નહોતો કર્યો કે?
મહેર : અત્યાચાર! બાપુ, એણે તો મને અભાગિનીને અત્યાચારમાંથી બચાવવા જતાં પોતાની સ્ત્રીની હત્યા કરી નાંખી છે.
અકબર : એ શી રીતે?
મહેર : એક દિવસ રાણાના પુત્ર અમરસિંહે દારૂમાં ચકચૂર બનીને મારો હાથ ચાલ્યો. રાજાએ એ જોતાં જ દીકરા પર બંદૂક છોડી. રાણાની સ્ત્રી દીકરાની રક્ષા કરવા વચ્ચે જતાં જખ્મી થઈ મર્યાં.
અકબર : પ્રતાપ! પ્રતાપ! તું આટલો મહાન! પ્રતાપ! તું જો મારો મિત્ર હોત તો મારે જમણે પડખે તારું આસન ઢાળત. પણ શત્રુ છે, એટલે તારું આસન મારી સન્મુખે શોભે! આવા દુશ્મનો તો મારા રાજ્યના શણગાર છે. હું જો સમ્રાટ અકબર ન થયો હોત તો હું રાણા પ્રતાપ થવાનું જ પસંદ કરત. હું એક શહેનશાહ છું, આખા ભારતવર્ષને વશ રાખવા ચાહું છું, પરંતુ મારી પોતાની જાતને વશ રાખતાં તો હું હજુ શીખ્યો નથી. અને પ્રતાપ! તું તો દીનદરિદ્ર હોવા છતાંયે, એક આશ્રિતાને ઉગારવા જતાં ક્ષત્રિયધર્મને ખાતર પોતાના સગા બેટાનું બલિદાન પણ સ્વહસ્તે આપી દેનારો! તું આટલો બધો મહાન!
મહેર : બાબા! મારી એટલી આજીજી છે કે હવે રાણા પ્રતાપની સામે હથિયાર છોડો અને એ વીરને છાજે એવું સન્માન આપો. પ્રતાપસિંહ શત્રુ છતાંયે એક વીર છે. એ માનવી નથી, દેવ છે. એના તરફ આવું આચરણ આપને ન શોભે. એ આજ દુખિત છે, એ આજ દુખિત છે, ને એના શોકની હદ આવી રહી છે. એની દીકરી અને સ્ત્રી મરી ગયાં, એના ભાઈને દેશવટો મળ્યો, ને એનો દીકરો નાલાયક નીવડ્યો. એના તરફ કૃપા બતાવો, બાબા!
અકબર : તારા બદલામાં મેં એને ચિતોડગઢ આપ્યો છે, બચ્ચા!
મહેર : પણ એમણે એ નથી રાખ્યો — હાં હું ભૂલી ગઈ હતી, બાબા! પ્રતાપસિંહે મારી સાથે આપને આ પત્ર મોકલ્યો છે.

[પ્રતાપનો પત્ર આપે છે.]

અકબર : ઓહો! ખુદ રાણાનો પત્ર! ક્યાં? લાવ તો! [લઈને પાછો મહેરને આપીને] મને બરાબર સૂઝશે નહિ. તું જ વાંચ તો!

[મહેરઉન્નિસા પત્ર વાંચે છે.]

પ્રતાપી શહેનશાહ જોગ!
લખતાં દુઃખ થાય છે કે આપની ભાણેજ દૌલતઉન્નિસા હવે આ દુનિયામાં નથી. ફિનશરાના યુદ્ધમાં દૌલતઉન્નિસા લડતી લડતી મરી છે. મેં એના દફનની વિધિપૂર્વક ક્રિયા કરાવી છે.
અકબર : દૌલતના મૉતની વાત તો અગાઉ જ મેં સાંભળેલી.

હાં, પછી? [મહેર આગળ વાંચે છે.]

દૌલતઉન્નિસાનું વૃત્તાંત યુદ્ધ થઈ ગયા બાદ શાહજાદી મહેરઉન્નિસાની પાસેથી સાંભળ્યું. ત્યાર પહેલાં જ કુળના કલંક શક્તસિંહનો મેં ત્યાગ કર્યો હતો. શક્તસિંહ મારો ભાઈ હતો. આ યુદ્ધમાં તો એ મારો જમણો બાહુ હતો. પરંતુ હવે તો એ શક્તસિંહ સાથે મારે કે મેવાડને કાંઈ સગપણ નથી રહ્યું! હું તો જેવો આપનો શત્રુ હતો તેવો જ શત્રુ રહેવાનો. ચિતોડ પાછો જિતાય કે ન જિતાય, તોપણ ભારતવર્ષને લૂંટનારા અકબરના એક શત્રુ તરીકે જ મરવાની મોટી આશા રાખીને હું બેઠો છું. આપ ઇચ્છો છો કે દૌલતઉન્નિસા કલંકની અને મહેરઉન્નિસાના આચરણની વાત બહાર ન પડે. ભલે, એમ જ થશે. મારી પાસેથી તો બહાર નહિ જ પડે. મહેરઉન્નિસાના બદલામાં મને ચિતોડગઢ પાછો દેવા આપનું મન છે, પણ મહેરઉન્નિસા તો પોતાની મરજીથી મારે આશરે આવેલાં. મેં એને યુદ્ધમાંથી કેદ નથી કરી આણ્યાં. એટલે એને પાછાં સોંપવાનો અધિકાર મારો નથી. પોતાની મેળે જ પાછાં જઈ શકે છે. એને રોકનારો હું કોણ? એના બદલામાં ચિતોડગઢ મારે ન ખપે. બનશે તો બાહુબળથી જ ચિતોડ ઘેર કરીશ. એ જ.

લિ. રાણા પ્રતાપસિંહ

અકબર : [ઊંચે અવાજે] પ્રતાપ! પ્રતાપ! મેં માનેલું કે તારું આસન મારી સન્મુખે છે. પણ ના, તારું આસન મારી ઉપર છે! મેં માનેલું કે તું પ્રજા ને હું રાજા. ના. તું રાજા ને હું પ્રજા. મેં માનેલું કે તું હારનાર ને હું જીતનાર : ના, તું વિજયી ને હું પરાજયી. જા, મહેર! જનાનામાં જા. તારી માગણી હું મંજૂર કરું છું. આજથી પ્રતાપ મારો દુશ્મન નથી, પણ મારો સાચો દોસ્ત છે! તાકાત નથી કોઈ મોગલની કે હવે એનો વાળ પણ વાંકો કરી શકે! જા, બચ્ચાં, જનાનામાં, હું હમણાં આવું છું.

[સમ્રાટ દરબાર તરફ ચાલ્યો જાય છે.]

મહેર : મારી મહેનત, મારાં સંયમ, દુઃખ અને અશાંતિ સાર્થક બન્યાં. રાણા અને પાદશાહ બન્નેની વચ્ચે આખરે હું આ સુલેહ સ્થાપી શકી. [બગીચા તરફની બારી પાસે જઈને] હાશ! પાછી હું મારા બચપણના આ પુરાણા, સુખની સ્મૃતિવાળા સ્થાને, આ હિંડોળા પાસે આવી પહોંચી — ઓ, એ-ની એ મીઠી નોબત શરણાઈ વાગી રહી છે, એ જ એ જ આ નિર્મળ જળવાળી યમુના નદી! બધું એ-નું એ. ફક્ત એક હું બદલી ગઈ. રે! હું જ બદલી ગઈ. મારાં નાદાન પગલાં ને ઉગ્ર આચરણથી મેં શક્તસિંહ, દૌલત અને રાજા પ્રતાપનું સત્યાનાશ વાળ્યું. જ્યાં ગઈ ત્યાં શાપ સમી નીવડી. પરંતુ ઈશ્વર જાણે છે કે મારો ઇરાદો મહાન હતો. મેં એકલીએ આખા સંસારના નિયમોની સામે ખડી થઈને કેવળ અનર્થો જ પેદા કર્યા! પરંતુ પ્રભુ જાણે છે કે હું સરલ સ્વાધીન ભાવે જખ્મો સહેતી, ન્યાયી બનીને ઊભી હતી. આજે હું આ નાટકના તખ્તા પરના શોરબકોરમાંથી ખસી જાઉં છું. ચુપચાપ એકાંતમાં, દીન બનીને કર્તવ્યની સાધના કરવા જાઉં છું. ઓ પ્રભુ! મને ન્યાય દેજે. હું તારી કરુણાને લાયક છું, તારા ધિક્કારને લાયક નથી.