રાણો પ્રતાપ/બીજો પ્રવેશ2
Jump to navigation
Jump to search
બીજો પ્રવેશ
'અંક ત્રીજો
સ્થળ : દૌલતઉન્નિસાનો ઓરડો. સમય : સવાર.
[મહેર અને દૌલતઉન્નિસા ઊભાં છે, મહેર ટહેલતી ગાય છે.]
[રાગ : હું જાઉં છું, હું જાઉં છું]
પૂછ્યા વિના મેં પ્રેમ પીધો, વેદના સળગી ઊઠી,
પ્રેમના અમૃત મહીં છે ઝેર એ જાણ્યું નહિ!
પ્રેમનાં ફાની સુખો પલવારમાં ખૂટી જશે,
પણ વેદના કો’દી ન જાશે, એટલું જાણ્યું નહિ!
પ્રેમનાં પુષ્પો જરી સ્પર્શે જ સુકાઈ જતાં,
પણ પુષ્પનો કાંટો સદા રહેશે, અરે જાણ્યું નહિ!
દૌલત : | [મહેરને ધક્કો મારીને] બોલોને, શું થયું છે? |
મહેર : | વસમી વાત બની છે — [ગાય છે.] ‘પ્રેમનાં ફાની સુખો —’ |
દૌલત : | શી વસમી વાત? |
મહેર : | બહુ વસમી વાત — [ગાય છે.] ‘પલ વારમાં ખૂટી...’ |
દૌલત : | શી રીતે બહુ વસમી? |
મહેર : | અત્યંત વસમી — [ગાય છે.] ‘પણ વેદના કો’દી ન જાશે...’ |
દૌલત : | જા, મારે નથી સાંભળવું. |
મહેર : | અરે સાંભળ તો ખરી! |
દૌલત : | જા, મારે નથી સાંભળવું. |
મહેર : | ઠીક, ત્યારે કાંઈ નહિ. એમાં બિચારા શક્તસિંહ શું કરે? |
[દૌલત ઉત્સુકભાવે જોઈ રહે છે.]
મહેર : | શું કરે બિચારો? પોતાના ભાઈની રક્ષા કરવા જતાં પોતે જ જીવ ખોઈ બેઠો. |
દૌલત : | મહેર! |
મહેર : | અને એમાં સલીમનોયે શો ગુનો? એણે તો વાજબી જ કર્યું. વિદ્રોહીને મૉતની સજા કરી! |
દૌલત : | મહેર! તું આ શું બોલે છે? |
મહેર : | શું બોલું? મેં તો શતરંજ બરાબર જમાવી હતી; પણ સલીમે આખી બાજી ઊંધી વાળી દીધી. |
દૌલત : | એટલે શું સલીમે શક્તસિંહને મૉતની સજા ફરમાવી છે! |
મહેર : | હા, સાદી ગદ્યની ભાષામાં બોલીએ તો એ જ અર્થ નીકળે. |
દૌલત : | ના, તું મશ્કરી કરે છે! |
મહેર : | ઠીક, ત્યારે તો મશ્કરી. પરંતુ શક્તસિંહને મન તો હું માનું છું કે એ મશ્કરી નહિ લાગતી હોય! ગમે તેમ તોય પોતાના પ્રાણ કોને વહાલા ન હોય? |
દૌલત : | પણ સલીમે આ હુકમ શા માટે કર્યો? |
મહેર : | ખરચ બચાવવા માટે. સલીમ બરાબર સમજી ગયો કે વિધાતાએ જ્યારે શક્તસિંહને બનાવ્યો ત્યારે એક ભૂલ કરી હતી. |
દૌલત : | શી? |
મહેર : | એ કે એના હાથ પગ ઇત્યાદિ અવયવો તો બરાબર બેસાડેલા હતા, પણ એના ધડ ઉપર માથું બરાબર બેઠું નહિ. એટલે સલીમે એ માથું ઉડાવી દઈને વિધાતાની ભૂલ સુધારવાની ફક્ત ઇચ્છા જ જાહેર કરી છે. પરંતુ તાજ્જુબી એટલી કે શક્તસિંહે એ બાબતમાં લેશ પણ વાંધો ન ઉઠાવ્યો. |
દૌલત : | શાનો વાંધો? |
મહેર : | વાંધો ન લેવાય? માથું બંધબેસતું હોય કે નહિ, પણ ગમે તેમ તોયે ઈશ્વરે દીધેલું એ માથું! બીજાને એમાં પંચાત કરવાનો હક્ક? અને, બસ, હરકોઈ એક આદમી આવીને મારું માથું ઉડાવી નાખે, એ જોતાં પણ કેવું વિચિત્ર લાગે! હું ઊભી હોઉં; ત્યાં એકાએક જોઉં કે મારું માથું તો મારા પગ પાસે પડ્યું પડ્યું તરફડી રહ્યું છે! આવો દેખાવ જોઈને આંખો પણ કેટલી આકુળવ્યાકુળ બની જાય! કાં! તારા ચહેરા પરથી લોહી જ કેમ ઊડી ગયું? |
દૌલત : | મહેર! બહેન! તું એને બચાવ. તું જાણે છે ને, બહેન, કે એ મરશે તો હું એક દિવસ પણ નથી જીવવાની. હું સોગંદ લઉં છું કે એનું મૉત થશે, તો હું ઝેર ખાઈને પ્રાણ કાઢી નાખીશ. |
મહેર : | બસ, તો કાઢી નાખવા! એમાં વળી આટલું ધાંધલ શાનું? તું કાંઈ નવી નવાઈ નથી કરતી. વાર્તાઓમાં લખેલું સાચું હોય તો તો તારી અગાઉ કેટલાય લોકોએ પ્રેમની ખાતર પ્રાણત્યાગ કરેલ છે, એમાં ઢોલ પિટાવવા જેવી શી બહાદુરી બળી છે? |
દૌલત : | ત્યારે શું કશોય ઇલાજ નથી? |
મહેર : | [ગંભીર ભાવે ડોકું ધુણાવી] એનો એક જ ઇલાજ છે : આપઘાત કરવો! તે તો તું કરવાની જ છે. પણ જો, દૌલત! જો આપઘાત કરવાની હો તો એવી તરેહથી કરજે કે દુનિયામાં તારું નામ અમર રહી જાય. |
દૌલત : | એ શી રીતે? |
મહેર : | પ્રથમ તો તારા ઓરડામાં સુંદર જાજમ પાથરવી. તે ઉપર મખમલની ગાદી બિછાવવી. એના ઉપર છટાથી બેસવું. સામે એક મેજ પર જરીભરેલું કપડું બિછાવવું, તેના પર એક રૂપાનો પ્યાલો મૂકવો — પ્યાલો પણ જડાઉ હોવો જોઈએ હો! એ પ્યાલાની અંદર ઝેર રેડવું. સમજી? પછી સોનાની બંગડીઓથી શોભતા તારા ગોરા ગોરા હાથમાં એ પ્યાલો ઉઠાવીને, બસ, એકલાં એકલાં એકાદ કવિતા છેડવી. ત્યાર પછી એ ઝેરનો પ્યાલો નીચલા હોઠ પર લગાવવો; જરીક જ લગાવવો હો, કે જેથી દાઢી ઊંચી ન કરવી પડે. ત્યાર પછી એક ઇસરાજ લઈને લહેરથી બેસવું, શક્તસિંહને સંબોધીને એકાદ ગીત ગાવું — રાગ સિન્ધુ ખમાજ રાખવો; અને તાલ મધ્યમ. બસ, ત્યાર પછી એ જ હાલતમાં મરી જવું. જોજે હો, જરી પણ હલીશચલીશ ના. આમ કરીશ એટલે તારું નામ અમર રહી જશે. તારાં ચિત્રો દોરાશે. ભવિષ્યમાં તારાં નાટક લખાશે. |
દૌલત : | મહેર, મશ્કરી કરવાનો તને બીજો કોઈ પ્રસંગ ન મળ્યો કે? |
મહેર : | મશ્કરીનો આથી વધુ સરસ પ્રસંગ બીજો કયો હોય? તમે બે જણાં ફક્ત એક જ વાર મળ્યાં, અને તે પણ નહિ કોઈ કુંજમાં, નહિ યમુનાને કિનારે, કે ન તો કોઈ ચાંદની રાતે બાસ્ફરસની એકાદ નૌકાની અંદર. મિલન તો થયું આ તંબૂમાં, અને તે પણ યુદ્ધક્ષેત્રની અંદર! ખરેખર બહુ જ ગદ્યમય અવસ્થામાં! ઉપરાંત એ મિલન એકાંતમાંયે ન બન્યું, પણ ત્રીજા એક જણની સન્મુખ; અરે, ખુદ મિલન જ એ ત્રીજા જણે કરાવી આપ્યું! અચાનક આંખેઆંખ મળી ત્યાં તો પલકારે પ્રેમ બંધાયો. કેવો એ પ્રેમ! જરીક ન મળાય ત્યાં તો પ્રાણ જાય, સંસાર સહરા સમાન બની જાય અને એના વિના આપઘાત કરવા જેટલી હદે વાત આવી પહોંચે! મશ્કરીનો આથી સરસ મામલો બીજો કયો હોઈ શકે? |
દૌલત : | મહેર! સાચેસાચ શું આનો ઇલાજ નથી? તું કાંઈયે નહિ કર? સલીમની પાસે જઈને એનું જીવતદાન માગીએ તો ન મળે? |
મહેર : | ઓહો! ત્યારે તું એક કામ કર. |
દૌલત : | શું કરું? કહે, ઇન્સાફથી જે કાંઈ થઈ શકે તે હું કરીશ. |
મહેર : | તું એવી રીતે સૂઈ જા, કે સહુને તારી માંદગી ગંભીર લાગે : જાણે કે હમણાં જ તું મરી જઈશ. પછી હકીમો અને વૈદ્યરાજોની આવજા શરૂ થવાની. પણ કોઈથી આરામ થાય નહિ! હું સલીમને કહીશ કે દવાફવાથી કાંઈ નથી વળવાનું. એનો વિષમંત્ર છે, અને એ મંત્ર એક શક્તસિંહ જ જાણે છે. બોલાવો શક્તસિંહને. પછી શક્તસિંહનું આવવું, મંત્રનો ઉચ્ચાર, બીમારીનું મટવું, શક્તસિંહની સાથે દૌલતની શાદી, સંગીતનો જલસો, અને બસ, ખેલ ખલ્લાસ!
દૌલત : મહેર! બહેન! મેં બેવકૂફી કરી હોય, ગેરવાજબી કૃત્ય કરી નાખ્યું હોય કે હસવા જેવું કર્યું હોય, છતાં હું તારી બહેન છું, હો! |
[રડે છે.]
મહેર : | અરે દૌલત! સાચે જ શું તું રડી પડી! ના, ના, રડીશ ના હો! બસ, દૌલત! બહેનાં, મારી સામે જો. રોવાય? એમાં ચિંતા શી છે? હું પોતે જ શક્તસિંહને બચાવવાની, એને બચાવવાની, મારી શક્તિ ન હોય તો શું એના મૉતની વાતને હું આમ મશ્કરીમાં ઉડાવું ખરી? તારી હાલતને માટે તું નહિ, હું જ જવાબદાર છું. મેં જ મિલન કરાવ્યું, મેં જ તારા આ પ્યારને છૂપો છૂપો પાળ્યોપોષ્યો છે. હું શક્તસિંહને બચાવીશ એટલું જ નહિ પણ તારી સાથે પરણાવીશ. મહેરનાં શરૂ કરેલાં કામ અધૂરાં ન જ રહે. ઈશ્વરની સાક્ષીએ કહું છું કે હું શક્તસિંહને બચાવીશ. જા, હવે મોં ધોઈ આવ. પલવારમાં રોઈને તેં તો આંખોમાંથી યુફ્રિટિસ નદી વહેતી કરી મૂકી! જા રે, મૂરખી! |
[દૌલત જાય છે.]
મહેર : | [એકલી, ગદ્ગદ કંઠે] દૌલતઉન્નિસા! કદીયે જાણતી ના, બહેન! કે આ પરિહાસની નીચે કેટલી જ્વાળાને મેં ચાંપી રાખી છે! શક્તસિંહ! જેમ જેમ તને હૃદયમાંથી ધકેલવા મથું છું તેમ તેમ હું વધુ જોશથી જડાતી જાઉં છું! દાબી દેવા ખૂબ મથું છું, હસું છું, મર્મકટાક્ષો કરું છું, પણ એ આગ નથી બુઝાતી. પહેલાં તો તારી સુંદરતા પર ને વિદ્વત્તા પર મુગ્ધ હતી, હવે તારાં શૌર્ય પર ને મહત્તા પર મુગ્ધ બની છું. એ મુગ્ધાવસ્થા વધતી જ ચાલી છે. પરંતુ, ના! એ વિકારને હું ચાંપી રાખીશ. મારા પોતાના સુખની ખાતર નહિ પણ આ નાદાન બિચારી ભોળી છોકરી દૌલતના સુખની ખાતર. હે પ્રભુ! જોજો હો, એ બિચારી મારા પ્રાણની આ વાત જાણી ન જાય; નહિ તો એ બહુ વેદના પામશે! બહુ વેદના! |
[સલીમ આવે છે.]
સલીમ : | મહેરઉન્નિસા! |
મહેર : | કોણ? સલીમ! |
સલીમ : | તું એકલી કેમ? દૌલત ક્યાં? |
મહેર : | હમણાં જ અંદર ગઈ. પાછી આવે છે. હં, સલીમ! તેં શું શક્તસિંહને મૉતની સજા ફરમાવી દીધી? |
સલીમ : | હા. |
મહેર : | ક્યારે મારી નાખશો? |
સલીમ : | કાલે. એને કૂતરાને મોંએ ફાડી ખવરાવશું. |
મહેર : | સલીમ, તું બાળક છે એ વાત ખરી, પણ તેથી કાંઈ કોઈ માણસનો જાન લેવાની રમત રમવા જેટલો તો તું હવે નાનો નથી, હો! |
સલીમ : | એમાં રમત શાની? મેં તો ઈન્સાફ કર્યો છે. |
મહેર : | ઈન્સાફ! ઈન્સાફને નામે તો પૃથ્વી પર અનેક હત્યાઓ થઈ છે. ઈન્સાફ કરનારો તું કોણ? |
સલીમ : | હું પાદશાહનો પુત્ર! ઈન્સાફ કરવાનો મને હક્ક છે. |
મહેર : | તો હું પણ પાદશાહની પુત્રી છું. મને પણ એ હક્ક છે. |
સલીમ : | તારો અભિપ્રાય શો છે? |
મહેર : | મારો અભિપ્રાય એ છે કે શક્તસિંહને તું છોડી દે. |
સલીમ : | તારા કહેવાથી? |
મહેર : | હા! મારા કહેવાથી. |
[સલીમ હસે છે.]
મહેર : | સલીમ! ખડખડ હસ, કે ચાહે તે કર, બાકી શક્તસિંહને તો આ પળે જ છોડી દે. નહિ તો — |
સલીમ : | નહિ તો? |
મહેર : | નહિ તો હું જઈને સ્વહસ્તે એને છોડી દઈશ. આગ્રા નગરીમાં મને અટકાવે એવો હિંમતવાન કોઈ નથી. પાદશાહની બેટી મહેરઉન્નિસાને તમામ લોકો ઓળખે છે. |
સલીમ : | બાપુએ જ તને વધુ પડતા લાડ લડાવીને ચડાવી દીધી છે. |
મહેર : | વધુ પડતી વાતની જરૂર નથી. બોલ, શક્તસિંહને છોડવો છે કે નહિ? |
સલીમ : | તું જાણે છે કે શક્તસિંહે બે મોગલ સેનાપતિઓની હત્યા કરી છે? |
મહેર : | હત્યા નહિ, સામી છાતીએ યુદ્ધ કરીને હણ્યા છે. |
સલીમ : | યુદ્ધ કરીને હણ્યા? કે વિશ્વાસઘાત કરીને દગો દીધો? મોગલોના પક્ષમાં છતાં — |
મહેર : | સલીમ! એ જો વિશ્વાસઘાત હોય, તો એ વિશ્વાસઘાત પર પ્રભુનાં તેજ ઝળહળે છે. શક્તસિંહ ભાઈને બચાવવાને બદલે એની હત્યા કરત તો મને લાગે છે કે તું એની તારીફ કરત; ખરું? |
સલીમ : | બેશક. |
મહેર : | તો હું એને ફિટકાર આપત, સલીમ! સંસારમાં નોકર અને માલિકનો સંબંધ મોટો કે ભાઈ-ભાઈનો? પ્રભુએ જ્યારે માનવીને પૃથ્વી પર મોકલ્યાં, ત્યારે કોઈને કોઈનાં શેઠ યા નોકર બનાવીને નહોતાં મોકલ્યાં હો! અને ભાઈ-ભાઈ વચ્ચેનો સંબંધ તો જન્મથી મંડાય, તે મૃત્યુ સુધી ન છૂટે. શક્તસિંહ જ્યારે પ્રતાપની સામે વિદ્વેષને વશ બની વેર લેવા માટે મોગલોનો ગુલામ બનવા આવ્યો હતો, ત્યારે જ તમારે વિચારવું હતું કે વિદ્વેષ તો ભ્રાતૃસ્નેહનું એક રૂપાન્તર જ હોય; એ રૂપાન્તર ભલે વિરૂપ કે ભીષણ હોય. પણ આખરે એ તો ગુપ્ત વેશે એનો એ ભ્રાતૃસ્નેહ! પ્રીતિનો વિનાશ વેરઝેરથી ન બને, સલીમ! સદાકાળનો શીતળ સુમધુર વાયુ માત્ર ઘડીભર માટે જ ભીષણ વાવાઝોડાનું સ્વરૂપ ધરે છે. |
સલીમ : | વાહ વાહ. મહેરઉન્નિસા! શક્તસિંહના પક્ષમાં મજાની વકીલાત કરી! તારી સાથે દલીલો કરવા હું નથી ચાહતો. તું શક્તસિંહનો પક્ષ લે, એમાં અજાયબી શી? તું એના પ્યારની ભૂખી છો. |
મહેર : | જૂઠી વાત! |
સલીમ : | જૂઠી વાત? એકાંતમાં એના તંબૂની અંદર જઈને તું એને નથી મળી? |
મહેર : | એ ખુલાસો હું તારી પાસે આપવા તૈયાર નથી. |
સલીમ : | તારો ખુલાસો તો તું પાદશાહની પાસે કરવા તૈયાર હોઈશ, ખરું? |
મહેર : | બોલ, શક્તસિંહને છોડવો છે કે નહિ? |
સલીમ : | ના. ભલે તારી ઇચ્છા હોય તેમ કરજે. |
[જાય છે.]
મહેર : | [પલવાર વિચાર કરીને સ્વગત] સલીમ! ત્યારે તો શું મારે જ એ કામ કરવું? તું ધારે છે કે હું નહિ કરી શકું! જોઈ લેજે ત્યારે, કરું છું કે નહિ. |