રાણો પ્રતાપ/સાતમો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાતમો પ્રવેશ

અંક બીજો

         સ્થળ : હલદીઘાટનું રણમેદાન. સમય : પ્રભાત.

[પ્રતાપસિંહ અને રજપૂત સરદારો]

પ્રતાપ : ભાઈઓ! આજે યુદ્ધ મંડાશે. આજ દિવસ સુધી જે તાલીમ મેં તમને આપી છે, તેની આજ પરીક્ષા થવાની. મારા બાંધવો! હું જાણું છું કે મોગલસેનાને મુકાબલે આપણી સેના તો મુઠ્ઠીભર જ ગણાય. પરંતુ ક્ષત્રિયોનું સૈન્ય થોડું હોય તેથીયે શું? એની ભુજામાં તો શક્તિ ભરી છે ને! રે, આજ એક વાત ઉચ્ચારતાં ઉચ્ચારતાં મને શરમ આવે છે, મારો કંઠ રૂંધાય છે, મારી આંખોમાં પાણી ઊભરે છે! આજ આ યુદ્ધમાં શત્રુની બાજુએ મારો જ એક સ્વદેશી રાજા, મારો જ એક ભાઈ અને મારો એક ભત્રીજો જઈને ઊભા છે. છતાં મારો તંબૂ કાંઈ ઉજ્જડ નથી. સલુંબરાનો સ્વામી, ઝાલાઓનો ધણી, ને ચંદ અને પુત્તનાં સંતાનો આજ મારી પડખે ખડાં છે. ઉપરાંત આપણી પડખે તો ઇન્સાફ, ધર્મ અને ક્ષત્રિયજાતિના ખુદ કુળદેવતાઓ ખડા છે. સામંતો યુદ્ધમાં હારીએ કે જીતીએ, એ તો વિધાતાને હાથ છે. આપણે તો, બસ, યુદ્ધ જ કરી બતાવશું, એવું યુદ્ધ કરશું કે જે સેંકડો વર્ષો સુધી શત્રુઓનાં હૈયામાં કોતરાઈ રહેશે, એવું યુદ્ધ કરશું કે જે મોગલોનાં સિંહાસનને ખળભળાવી મૂકશે! યાદ રાખજો, બંધુઓ, કે આપણી સામે કોઈ મામૂલી રાજા નથી, પણ ખુદ શહેનશાહ અકબર છે જેનો પુત્ર અને જેના સેનાપતિ માનસિંહ પોતે આવા સમરાંગણમાં હાજર થયા છે. જો યુદ્ધ કરીએ તો આવા શત્રુઓને શોભે એવું જ યુદ્ધ આજ થવું જોઈએ.
બધા : જય! રાણા પ્રતાપસિંહનો જય!
પ્રતાપ : ભાઈ રામસિંહ! જયસિંહ! ભૂલશો મા કે તમે તો એ બેદનોરના ધણી જયમલના પુત્રો છો કે જે જયમલ ચિતોડગઢની રક્ષા કરતો કરતો અકબરની બંદૂકની છૂપી ગોળીએ હણાયો હતો. સગ્રામસિંહ, સંભારજે, ભાઈ! કે સિસોદિયા વીર પુત્તના વંશમાં તારો જન્મ થયો છે : જે વીરે ફક્ત સોળ વરસની ઉંમરે તો પોતાની જનેતાને તેમ જ ઠકરાણીને સાથે લઈને આ ચિતોડને ઉગારવા યુદ્ધ ખેડ્યું હતું. જોજે હો! આજ એની આબરૂ ન જાય! સલુંબરા સ્વામી ગોવિંદસિંહ! ચન્દાવત રોહીદાસ! ઝાલાના ધણી, ભાઈ માના! સ્વતંત્રતાને ખાતર તમારા એકેએકના પૂર્વજોએ પ્રાણ કાઢી આપેલા છે. ભૂલજો મા, કે આજે પણ એ જ સ્વતંત્રતાનો સંગ્રામ મંડાયો છે. એ તમામની કીર્તિ યાદ કરીને જ આજે આ યુદ્ધની જ્વાળાઓમાં ઝંપલાવજો. શૂરવીરો! સહુ પોતપોતાનાં માવતર સામું જોજો.

[જાય છે.]

સામંતો : જય! રાણા પ્રતાપનો જય!

[સામંતો જાય છે. થોડે દૂર રણશિંગાં અને નગારાં વાગે છે. દૃશ્ય બદલાય છે.]

[દૃશ્યનો પલટો]

સ્થળ : હલદીઘાટનું મેદાન. સમય : પ્રભાત. સલીમ અને મહોબત ઊભા છે.
મહોબત : શાહજાદા! પ્રતાપસિંહને ઓળખ્યા?
સલીમ : ના.
મહોબત : જુઓને એ ભગવી ધજા નીચે એ તેજસ્વી આસમાની ઘોડા ઉપર બેઠેલો આદમી : ઊંચું મસ્તક, વિશાળ છાતી, અને હાથમાં ઉઘાડી તરવાર! પ્રભાતનાં સૂર્યકિરણોને કાપીને કેમ જાણે સો સો ટુકડા કરી નાખતી હોય એવી એ તરવાર! અને બાજુમાં ભાલો લટકી રહ્યો છે! એ જ પ્રતાપ.
સલીમ : અને પેલો કોણ, પ્રતાપસિંહની જમણી બાજુએ?
મહોબત : ઝાલાપતિ માનો.
સલીમ : ડાબી બાજુ?
મહોબત : સલુંબરાપતિ ગોવિંદસિંહ.
સલીમ : ઓહો! એ તમામના ચહેરા પર કેટલો વિશ્વાસ છવાયો છે! એમના મરોડમાં કેટલી દૃઢતા છે! એ બધા આપણા પર હુમલો કરવા ધસ્યા આવે છે. ધિક્કાર છે મોગલસેનાને! હજુયે બધા પથ્થરોની માફક ઊભા છે. અરે, હલ્લો કરો!
મહોબત : માનસિંહનો હુકમ છે કે સામા હુમલાની વાટ જોવી.
સલીમ : બેવકૂફી! હું કહું છું કે હલ્લો કરો!
મહોબત : શાહજાદા, માનસિંહનો હુકમ નથી.
સલીમ : માનસિંહનો હુકમ? માનસિંહનો હુકમ મને ન હોય! બોલાવ મારા પાંચ હજાર અંગરક્ષકોને. હું હુમલો કરીશ.
મહોબત : કુમાર, સળગતા અગ્નિકુંડમાં ન ઝંપલાવો તો સારું.
સલીમ : મહોબત! તું પણ નથી માનતો? જાય છે કે નહિ?
મહોબત : જેવો હુકમ. [જાય છે.]
સલીમ : માનસિંહની સત્તા આ તમામ સેનાપતિઓની ઉપર કેટલી બધી જામી પડી છે! અને મારું તો એક મામૂલી અમલદાર જેટલું પણ ન ઊપજે? મારો હુકમ કોઈ ન માને? ગર્વિષ્ટ માનસિંહ, તારી વાત બહુ વધી છે. પણ ફિકર નહિ. એક વાર આ યુદ્ધ ખતમ થઈ જવા દે.

[જાય છે.]


[દૃશ્યનો પલટો]
સ્થળ : હલદીઘાટનું સમરાંગણ. સમય : સાંજ
શસ્ત્રધારી પ્રતાપ અને સામંતો — ઘોડા પર બેઠેલા.
પ્રતાપ : ક્યાં છે? માનસિંહ ક્યાં છે?
માનો : માનસિંહ એના તંબૂમાં બેઠો છે. બાપુ, આપનું છત્ર મને આપો.
પ્રતાપ : શા માટે, માના?
માનો : શત્રુઓ આપને ઓળખી પાડે છે.
પ્રતાપ : એમાં શો વાંધો?
માનો : આપને ઓળખીને આપની તરફ જ સૈન્યો ધસ્યાં આવે છે.
પ્રતાપ : આવવા દો. સંતાઈને લડવું પ્રતાપસિંહને ન હોય. ભલે સલીમ જાણે, માનસિંહ જાણે, મહોબત પણ જાણે, કે હું પોતે જ પ્રતાપસિંહ છું.
માનો : રાણા —
પ્રતાપ : ચૂપ કર, માના. પેલો સલીમ કે?
રોહીદાસ : હા, રાણા.

[ખુલ્લી તરવાર લઈ સલીમ દાખલ થાય છે.]

સલીમ : તું પ્રતાપસિંહ કે?
પ્રતાપ : હું પોતે જ પ્રતાપસિંહ.
સલીમ : હું સલીમ. આવ, ચલાવ તરવાર.
પ્રતાપ : વાહ, સલીમ, તું સાચો મરદ. ચલાવ તરવાર.

[બન્ને યુદ્ધ કરે છે. સલીમ પાછો હટવા લાગે છે. પાછળથી મહોબતખાં પોતાની ટુકડી લઈને આવે છે. પ્રતાપ પર તૂટી પડે છે. સલીમ યુદ્ધમાંથી છટકે છે.]

પ્રતાપ : કોણ, કુલાંગાર મહોબત? [એટલું બોલીને પોતાની આંખો ઢાંકી દે છે.]
મહોબત : હા, પ્રતાપ.

[મહોબત પ્રતાપ પર પોતાની ટુકડી સાથે તૂટી પડે છે. તે જ વખતે બીજું એક સૈન્ય આવીને પાછળથી પ્રતાપ પર ધસે છે. પ્રતાપ બહુ ઘાયલ થાય છે. એ વખતે ઝાલાપતિ માનો પ્રતાપની રક્ષા કરતો કરતો ઘાયલ થઈને ભોંય પર પડે છે.]

માનો : રાણા, મને જીવલેણ જખમ થયો.
પ્રતાપ : કોણ, મારો માનો પડ્યો?
માનો : હું મરીશ તેની ચિંતા નહિ, પણ તમે પાછા ફરો. રાણા! દુશ્મનો ટોળે વળીને આંહીં દોડ્યા આવે છે. બીજો ઉપાય નથી.
પ્રતાપ : તું એકલો જ શું મરી જાણે છે, માના? અને મને મરતા નથી આવડતું? આવવા દે દુશ્મનોને.

[મહોબત સાથે લડતાં લડતાં અચાનક પ્રતાપનો પગ લપસે છે. એક મુડદા ઉપર એ પડી જાય છે. મહોબત પ્રતાપસિંહનું માથું ઉડાવવા જાય છે, ત્યાં તો ગોવિંદસિંહ આવે છે.]

માનો : ગોવિંદસિંહ, રાણાની રક્ષા કરો!

[ગોવિંદસિંહ મહોબત ઉપર ધસે છે. લડતી લડતી બન્ને ટુકડીઓ આઘે ચાલી જાય છે.]

માનો : રાણા! હવે આશા નથી રહી. આપણું લશ્કર જેર થઈ ગયું. તમે પાછા જાઓ!
પ્રતાપ : ના, એ ન બને. દેહમાં પ્રાણ રહેશે ત્યાં સુધી તો નહિ ભાગું. [ઊઠીને] લાવ તરવાર.
માનો : હવે તો ભાગો! દુશ્મનોનો જબરદસ્ત હલ્લો ચાલ્યો આવે છે.
પ્રતાપ : આવવા દે! ક્યાં છે તારી તરવાર? રે કોઈ તરવાર આપો! [જમીન પર પડેલી એક તરવાર લઈને] ક્યાં છે મારો અશ્વ? [જાય છે.]
માનો : હાય રે, રાણા! કોની તાકાત છે કે મોગલ ફોજના મહાપૂરને અટકાવી શકે? રાણાનું હવે આવી બન્યું. માતા ભવાની! શું આમ જ ધાર્યું હતું?