રાણો પ્રતાપ/સાતમો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાતમો પ્રવેશ

'અંક ત્રીજો


         સ્થળ : ઉદેપુરના જંગલમાં ગુફાની બહારનો ભાગ. સમય : સંધ્યા.

[પ્રતાપસિંહ એકલો ઊભો છે.]

પ્રતાપ : કોમલમીર પણ ગુમાવ્યું. ઘુમાટી અને ગોગુડા પણ શત્રુઓને હાથ સોંપ્યાં. છેલ્લું ઉદેપુર પણ મોહબતખાંને હાથ પડ્યું. બસ એ બધાંય ગયાં! એ દુઃખ તો ખમાય છે! કાળચક્રમાં આજે એ ખોવાયાં, તો કાલે વળી કાળચક્રમાં એ પાછાં મળશે. પરંતુ ઓ મારા માના! એ મારા રોહીદાસ! હલદીઘાટના યુદ્ધમાં તમને બેને ગુમાવ્યાં તે તો કદીય પાછા નથી મળવાના.

[ધીરે ધીરે ઇરા બાપુની સમક્ષ આવી ઊભી રહે છે.]

પ્રતાપ : ઇરા, ખાધું, બેટા?
ઇરા : હા બાપુ, આ કઈ જગ્યા, બાપુ?
પ્રતાપ : આ ઉદેપુરનું જંગલ.
ઇરા : બહુ રૂપાળી જગ્યા! આ પહાડ કેવો ભૂરો, કેવો શાંત અને સુંદર!

[ખાવાનું લઈને લક્ષ્મી આવે છે.]

પ્રતાપ : બચ્ચાંને ખવડાવી લીધું?
લક્ષ્મી : હા, આ તમારે માટે લાવી છું, ખાઓ.
પ્રતાપ : હું શું ખાઉં, લક્ષ્મી? પેટમાં ભૂખ નથી.
લક્ષ્મી : ના, ભૂખ છે. આખો દિવસ કાંઈ ખાધું તો નથી!
ઇરા : ખાઓને, બાપુ, નહિ તો બીમાર પડશો.
પ્રતાપ : લ્યો ત્યારે ખાઉં. મૂકો નીચે.
લક્ષ્મી : [ખાવાનું પ્રતાપની પાસે મૂકીને] હું જઈને બચ્ચાને સુવાડી દઉં.

[જાય છે.]

પ્રતાપ : [એ ફળમૂળનો આહાર કરી, પાણી પીને] કેવું આ ક્ષત્રિયોનું જીવન! આખા દિવસના કડાકા પછી પણ સંધ્યાએ આ ફળમૂળ ચાવવાનાં! આખા દિવસના કઠોર પરિશ્રમ પછી પણ આ ભોંય પર પથારી! આનું નામ રજપૂતનું સાચું જીવન કહેવાય. દેશને ખાતર તો આ ફળમૂળ અને પાંદડાં પણ સ્વર્ગની સુધાથીયે મીઠાં લાગે. માતાને ખાતર તો આ ભોંયપથારી પણ ફૂલોના બિછાનાથીયે સુંવાળી લાગે.

[ભીલોનો સરદાર આવીને રાણાને નમન કરે છે.]

પ્રતાપ : કોણ, માહુ?
માહુ : હા, રાણા. તું આવ્યાના વાવડ સાંભળીને હું દરશને આવ્યો છું!
પ્રતાપ : માહુ! રાજભક્ત ભીલ સરદાર! ઠીક કર્યું.
ઇરા : માહુ, મજામાં છો ને?
માહુ : અરે મારી બુન! બુન, તું તો બહુ દૂબળી પડી ગઈ!
પ્રતાપ : એ જીવતી રહી એ જ અજબ વાત છે, માહુ! એવું રોગિષ્ઠ શરીર, તેમાંયે વળી દવાદારૂની વાત તો દૂર રહી પણ રહેવાનું અને વખતસર ખાવાનું જ ક્યાં ઠેકાણું હતું? આ આખા દિવસમાં હજુ અત્યારે માંડ બે રોટલી પેટમાં પડી!
માહુ : અરે મારી બુન, આમ કરીશ તો પછી મરી જઈશ, હો!
પ્રતાપ : શું કરું, માહુ! બિઠુરના જંગલમાં જ્યાં ખાવાની તૈયારી કરી ત્યાં તો પાંચ હજારની મોગલ ફોજે ઘેરી લીધાં. મારા બસો અનુચરોને સાથે લઈને આ પહાડી રસ્તે દસ દસ ગાઉ પગે ચાલીને હું આંહીં પહોંચ્યો! આ બધાને ડોળી કરીને પહોંચાડ્યાં!
માહુ : એક ખબર મળ્યા છે, રાણા!
પ્રતાપ : શું?
માહુ : ફરીદખાંના બધા સિપાહી રાયગઢ છે. આંહીં તો એના ફક્ત એક હજાર સિપાહી બાકી રહ્યાં છે.
પ્રતાપ : અને ફરીદખાં? એ ક્યાં?
માહુ : આંહીં છે. પણ આજે એનો જન્મદિવસ છે, એટલે ખૂબ ધામધૂમમાં પડી જશે. ઘેરી લેવાનો લાગ છે.
પ્રતાપ : પરંતુ આંહીં તો મારી પાસે એકસોથી વધુ સૈન્ય ક્યાં છે?
માહુ : મારી પાસે હજાર ભીલ હાજર છે. રાણાને માટે એ બધા પ્રાણ કાઢી આપે તેવા છે.
પ્રતાપ : તો જા, તમામને સજ્જ થવા હુકમ કર. આજ રાત્રિએ જ એના તંબૂ પર તૂટી પડીએ. જા, જલ્દી જા.
માહુ : જેવી આજ્ઞા, બાપુ, રાણો માગે તો એ બધા પોતાના પ્રાણ કાઢી આપે. ઠીક ત્યારે, રામ રામ, બાપુ! બુન, શરીરને સાચવજે હો! નીકર મરી જઈશ મરી.

[જાય છે.]

પ્રતાપ : ભક્ત ભીલ સરદાર! તારા જેવો બંધુ જગતમાં દુર્લભ છે. આવી આફતને ટાણે તારું ભીલ-સૈન્ય આપીને જાણે તું કોઈ દેવની માફક મારી રક્ષા કરી રહ્યો છે, ભાઈ!
ઇરા : [મૃદુ સ્વરે] બાપુ!
પ્રતાપ : બોલો, બેટા!
ઇરા : આ લડાઈ શીદને માંડી છે? સંસારમાં આપણે કેટલા દિવસ રહેવા આવ્યાં છીએ? આ સંસારમાં આવીને એકબીજાં સાથે હેતપ્રીત રાખી, એકબીજાનાં દુઃખ ઓછાં કરી બે દિવસ વિતાવવાને બદલે કજિયા ને દુઃખ વધારવાં શા માટે, બાપુ?
પ્રતાપ : બહેન! જો પરસ્પર પ્રીતિ કરીને જ જીવતર વિતાડી શકાત તો પછી આ સંસાર સ્વર્ગ ન બની જાત.
ઇરા : સ્વર્ગ ક્યાં છે, બાપુ? આકાશમાં? ના ના, આ સંસાર જ એક દિવસે સ્વર્ગ બનવાનો — જે દિવસે આખા વિશ્વમાં કેવળ પરોપકાર, પ્રીત ને ભક્તિ વિરાજશે, જે દિવસે કોઈ નિઃસીમ પ્રેમનો પ્રકાશ વિશ્વમાં છવાઈ જશે, અને સ્વાર્થત્યાગ એ જ સ્વાર્થલાભ મનાશે. એનું નામ સ્વર્ગ.
પ્રતાપ : એ દિવસ બહુ દૂર છે, બેટા.
ઇરા : તો એને આપણાથી બને તેટલો નજીક કાં ન ખેંચીએ? લોહીની નીકો વહાવીને એને આઘો કાં ઠેલીએ?

[એ વખતે બાલકવેશધારિણી મહેરઉન્નિસાને લઈને અમરસિંહ આવે છે.]

પ્રતાપ : અમરુ, આ કોણ?
અમર : એ કહે છે કે ‘હું માનસિંહનો જાસૂસ છું’. પણ મને વિશ્વાસ નથી આવતો.

[મહેર એકીટશે પ્રતાપસિંહ સામે જોઈ રહી છે.]

પ્રતાપ : બોલ, બાળક! તું માનસિંહનો જાસૂસ છે?
મહેર : આપ પોતે જ રાણા પ્રતાપ? આ પર્ણકુટીમાં આપનો નિવાસ? આ ફળફૂલ જ આપનો ખોરાક? આ ઘાસ પર જ આપની પથારી?

પ્રતાપ : હા, ભાઈ! પણ તું કોણ? સાચું બોલજે.

મહેર : જૂઠું નહિ જ બોલું. પરંતુ સાચું બોલતાં બીક લાગે છે, કે કદાચ મારી કથની સાંભળ્યા પછી આપ મને તરછોડો તો?
પ્રતાપ : તને તરછોડું?
મહેર : આપ ક્ષત્રિયકુળના દીપક છો. માનવજાતિના ગૌરવ છો. મેં આપના વિષે ઘણું સાંભળેલું. ઘણી વાતો માનેલી ને ઘણીમાં વિશ્વાસ નહોતો બેઠો. પરંતુ આજે હું નજરે જોઉં છું તે તો અદ્ભુત, કલ્પનાથી અતીત, મહિમામય છે, રાણાજી! હું માનસિંહનો જાસૂસ નથી.

[બોલતાં બોલતાં ભક્તિ, વિસ્મય અને આનંદથી મહેરનો કંઠ રુંધાઈ જાય છે.]

પ્રતાપ : ત્યારે?
મહેર : હું સ્ત્રી છું.
પ્રતાપ : તું સ્ત્રી! આ વેશે? આ જગ્યાએ?
મહેર : આવી તો હતી બીજે કામ; પણ હવે તો મારી ઇચ્છા છે કે આંહીં રહી આપના પરિવારની સેવા કરું.
પ્રતાપ : બાલિકા! તું કોણ છે તે તો હજુ ન કહ્યું.
મહેર : બાઈ માણસનું નામ જાણવાની શી જરૂર છે?
પ્રતાપ : તારા બાપુનું નામ?
મહેર : મારા બાપુ આપના કટ્ટા દુશ્મન છે, પહેલાં વચન આપો કે મારા બાપુનું નામ જાણ્યા પછી આપ મને તરછોડશો નહિ. હું આપને આશરે આવી છું.
પ્રતાપ : આશ્રિતને તરછોડવો એ ક્ષત્રિયનો ધર્મ નથી. હું ક્ષત્રિય છું.
મહેર : મારા બાપુ —
પ્રતાપ : બોલ, બોલ, તારા બાપુ —
મહેર : મારા બાપુ, આપના કટ્ટા દુશ્મન અકબરશાહ.
પ્રતાપ : [સ્તબ્ધ બની. પલવાર ચુપ રહી, પછી મહેરના મોં પર તીક્ષ્ણ નજર ચોડી] સાચી વાત કે ઠગાઈ?
મહેર : ઠગાઈ તો જિંદગીમાં હજુ શીખી નથી.
પ્રતાપ : અકબર પાદશાહની પુત્રી મારા તંબૂમાં શા માટે? એ બને જ નહિ.
મહેર : છતાં બન્યું છે. હું નાસી આવી છું.
પ્રતાપ : શા માટે?
મહેર : હમણાં જ વિગતવાર કહું છું.
ઇરા : કોણ મહેર કે? હા ઓળખી.
પ્રતાપ : અરે ઇરા! તું એને ઓળખે છે?
ઇરા : હા બાપુ, એ અકબરશાહનાં પુત્રી મહેરઉન્નિસા.
પ્રતાપ : તું એમને ક્યાં મળેલી?
ઇરા : હલદીઘાટના રણમેદાન પર.
પ્રતાપ : [વિસ્મય પામીને] મહેરઉન્નિસા! તમે મારા શત્રુનાં બેટી છો. પરંતુ તમે આજ મારે આશરે આવ્યાં છો. જો કે અત્યારે તો આશરો દેવા જેવી મારી સ્થિતિ નથી, હું પોતે જ નિરાશ્રય છું, તોપણ તમને તો હું નહિ જ તરછોડું. આવો બેટા! ગુફાની અંદર લક્ષ્મી પાસે ચાલો.

[જાય છે.]

[જવનિકા પતન]