રાધે તારા ડુંગરિયા પર/શત્રુંજય મહાતીર્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શત્રુંજય મહાતીર્થ

ભોળાભાઈ પટેલ

ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ
દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન

એક દિવસ જર્મન મિત્ર માર્ટિન કેમ્પચેનનો પત્ર આવ્યો. ગુજરાત-રાજસ્થાનનાં મહત્ત્વનાં જૈનતીર્થોની મુલાકાત લેવાની તેમની ઇચ્છા હતી. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ તરફથી તેમને આ માટે પ્રવાસ-અનુદાન પણ મળ્યું હતું. શ્રી માર્ટિન આમ તો જર્મન સાહિત્યમાં ડૉક્ટરેટની ઉપાધિ ધરાવે છે, પણ છેલ્લા દાયકાથી ભારતમાં રહે છે. અહીં આવ્યા પછી તેમણે ભારતીય દર્શનોનો અભ્યાસ કર્યો. તુલનાત્મક ધર્મના વિષયને પોતાના અધ્યયનનું કેન્દ્ર બનાવ્યું છે. ‘ખ્રિસ્તીધર્મ અને હિન્દુધર્મમાં પવિત્રતાની વિભાવના’ વિશે તેમણે તુલનાત્મક સંશોધન કર્યું છે. આપણા દેશની પ્રેમ-ભક્તિ-કવિતાનો જર્મન ભાષામાં ‘કૃષ્ણની વાંસળી’ — ક્રિશ્નાઝ્ ફ્લ્યુટ નામથી અનુવાદ કર્યો છે.

શ્રી માર્ટિન માત્ર પ્રવાસી તરીકે નહિ, એક યાત્રિક તરીકે આવતા હતા. તેમની સાથે એક સ્વીડિશ મિત્ર હાન્સ પણ આવવાના હતા. હાન્સ શાંતિનિકેતનમાં ભારતીય સંગીત, ખાસ તો સિતાર શીખવા આવ્યા છે. શાંતિનિકેતનમાં બન્ને મિત્રો થયેલા.

જૈન ધર્મમાં અષ્ટાપદ, આબુ, ગિરનાર, સમેતશિખર અને શત્રુંજય પંચ મહાતીર્થ ગણાય છે. અષ્ટાપદ મહાતીર્થ આ ધરતી પર ક્યાં છે તે કહેવું મુશ્કેલ છે. સમેતશિખર તો બિહારમાં છે. આબુ હવે રાજસ્થાનમાં છે. શ્રી માર્ટિન ગુજરાતમાં આવે ત્યારે અમદાવાદ અને અન્ય સ્થળોનાં મહત્ત્વનાં જૈન દેરાસરો તો જુએ, પણ સમય ફાળવીને ય શત્રુંજય મહાતીર્થ જુએ, એવું આયોજન વિચાર્યું.

શત્રુંજયગિરિ સિદ્ધક્ષેત્ર ગણાય છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન યુગાદિદેવનું મંદિર ત્યાં છે. આ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવને આદીશ્વર ભગવાનને નામે ઓળખે છે. ‘દાદા’ એવું હુલામણું નામાભિધાન પણ છે.

નર્મદા નદીના પટ અને પ્રવાહમાં અનેક નાનામોટા પથ્થરો છે. એ વિશે કહેવાય છે કે ‘કંકર એટલા શંકર’. એમ કહેવામાં એ પથ્થરોની પવિત્રતાનો નિર્દેશ છે. તીર્થરાજ શત્રુંજય વિશે એવું કહેવાય છે કે અહીં અનંતા આત્માઓ સિદ્ધિ પામ્યા છે. એના પ્રત્યેક કંકરમાં સિદ્ધિનો વાસ છે, એટલે શત્રુંજય તીર્થ વિશે અને તીર્થનાયક આદીશ્વર ભગવાન વિશે અનેક સ્તોત્રો અને સ્તવનો જૈન ધર્મમાં મળે છે. અનેક ચૈત્યપરિપાટીઓ મળે છે. એ તીર્થના અનેક પટ ચીતરાયા છે.

નાનપણમાં દેવદિવાળીને દિવસે એટલે કે કારતક સુદ પૂર્ણિમાને દિવસે મારા ગામની ભાગોળમાં જૈન તીર્થોના પટ જુહારવામાં આવતા. શત્રુંજયતીર્થનું પ્રથમ દર્શન તે આવા પટમાં કરેલું. મારા અનેક મિત્રો જૈન હોવાને કારણે તેમની સાથે હું પણ અત્યંત ભાવથી વંદના કરતો.

શત્રુંજયનું ખરેખરું દર્શન તો તે પછી ઘણાં વર્ષો વીત્યે થયું. ત્યારે અષાઢ બેસી ગયો હતો અને વર્ષારંભ થઈ ચૂક્યો હતો. ચાતુર્માસમાં ભાવિક શ્રાવકો શત્રુંજયગિરિ પર ચઢતા નથી. અષાઢ સુદ પૂનમ સુધી તેની યાત્રાએ જાય છે. તે પછી ચાર માસ યાત્રા બંધ રહે. કારતક પૂનમથી તીર્થયાત્રાનો ફરી પ્રારંભ થાય.

અષાઢી પૂનમને હજી બે-ત્રણ દિવસની વાર હતી. વર્ષની છેલ્લે છેલ્લે યાત્રા કરી લેવા આવેલા યાત્રીઓથી પાલીતાણા શહેર ઊભરાતું હતું. બસસ્ટેશને જ એનો અનુભવ થઈ ગયો હતો. પણ ત્યાં દૂરથી જ શત્રુંજયનાં દર્શનથી મન પ્રસન્ન થઈ ગયું. સમગ્ર ગિરિરાજ લીલોછમ હતો! એનું આકર્ષણ એટલું બધું હતું કે તે દિવસે સાંજે જ ગિરિ પર ચઢ્યા અને બીજે દિવસે સવારે પણ. સવારે તો આખે માર્ગે અને દાદાના મંદિરે ભારે ભીડ. સહસ્રાધિક મંદિરોથી શોભતા પવિત્ર હરિયાળા ગિરિરાજનું એ દર્શન મનમાં અંકિત થઈ ગયું.

માર્ટિન અને હાન્સને નિમિત્તે ફરી એક વાર શત્રુંજયતીર્થ જવાનું વિચાર્યું. માર્ટિનનો સ્વભાવ બધી વસ્તુઓને ગંભીરતાથી લેવાનો છે. જિજ્ઞાસા પણ એટલી જ પ્રબળ, એટલે આ તીર્થ વિશે જૈન અનુશ્રુતિઓ વિશે પણ થોડી જાણકારી મેળવી, પણ એટલું પૂરતું નહોતું. જૈન ધર્મનું કોઈ સાથે હોય એ જરૂરી હતું. અમારી વિનંતીથી અમારી યાત્રામાં અધ્યાપિકા અનિલા દલાલ જોડાયાં. એટલું જ નહિ, શત્રુંજયયાત્રાની બધી વ્યવસ્થા પણ એમણે સંભાળી લીધી. એ વાતનો વસવસો અવશ્ય રહ્યો કે આ હજી ચાતુર્માસના દિવસો હતા એટલે વિરાધના થતી હતી, પણ માર્ટિનને આ જ દિવસો અનુકૂળ હતા.

પાલીતાણાના જૈન બાલાશ્રમમાં અમારો ઉતારો હતો. એ સાંજે અમે ગિરિરાજની તળેટીમાં આવેલાં અને નવાં બનતાં જૈન દેવાલયો જોઈ લીધાં. જૈનો તળેટીને ‘તલાટી’ કે આદરાર્થે ‘જયતલાટી’ કહેતા હોય છે. માર્ટિન અને હાન્સ દેવાલયો બાંધવાની જૈન શ્રાવકો-શ્રેષ્ઠીઓની ધાર્મિક ભાવનાથી અધિકાધિક આશ્ચર્યો અનુભવતા હતા. સાંજ આથમતાં એક બાજુ સૂર્યનું લાલબિંદુ પશ્ચિમ ક્ષિતિજે દેખાતું હતું. ત્યાં પૂર્વમાં થોડી વારે આસો સુદ ચૌદશના પૂર્ણિમાપ્રકલ્પ ચંદ્રે દેખા દીધી.

બીજે દિવસે વહેલી સવારે શત્રુંજયગિરિ ચઢવાનું નક્કી કર્યું હતું. રાત્રે અમારા આવાસની દક્ષિણની બારીમાંથી ચાંદનીરસિત શત્રુંજય સાચે જ રહસ્યાવૃત લાગતો હતો. જૈન અનુશ્રુતિઓના સંદર્ભમાં કદાચ વિશેષ. હજારો વર્ષથી આ તીર્થના માહાત્મ્ય વિશે જૈન સાહિત્યમાં કેટલું બધું કહેવામાં આવ્યું છે! શત્રુંજય એક શાશ્વત તીર્થ છે. પ્રાચીનકાળમાં પુંડરીક આદિ ગણધરો અનેક મુનિઓ સાથે અહીં મુક્તિ પામ્યા છે. શત્રુંજયનાં અનેક નામોમાં એક નામ પુંડરીકગિરિ પણ કહેવાય છે. જૈન પરંપરા પ્રમાણે અહીં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા હતા અને સૌધર્મ ઇન્દ્રે પૂછેલા પ્રશ્નોના તેમણે ઉત્તરો આપ્યા હતા. આચાર્ય ધનેશ્વરસૂરિરચિત ‘શ્રી શત્રુંજય માહાત્મ્ય’ ગ્રંથમાં સ્વયં મહાવીર પ્રભુને મુખે આ તીર્થની મહત્તા વર્ણવાઈ છે.

શત્રુંજય ચઢવા માટે અમે વહેલી સવારે તૈયાર થઈ ગયાં. હજી પીળો ચંદ્ર પશ્ચિમના આકાશમાં હતો. મૃગશીર્ષ નક્ષત્ર ધ્યાન ખેંચતું હતું. શત્રુંજય એક પહાડના છાયાચિત્ર રૂપે દેખાતો હતો. જૈન બાલાશ્રમમાંથી અમે અડવાણે પગે જ નીકળી પડ્યાં. આ પવિત્ર પહાડ પર ચામડાનાં પગરખાં પહેરી કોઈ ભાવિક યાત્રીઓ ચઢતા નથી. પૂર્વમાં આછેરો ઉજાસ પ્રગટવા લાગ્યો હતો અને પહાડ પરથી તારાઓ ઝાંખા થતા અદૃશ્ય થવા લાગ્યા હતા.

માર્ટિન અને હાન્સને ખુલ્લા પગે સડક પર ચાલવામાં આનંદ જ હતો. ચાલતાં ચાલતાં અમે જયતલાટીએ આવી પહોંચ્યાં ત્યારે તલાટીજીમાં મંગલ ચોઘડિયાં બજી રહ્યાં હતાં. ચાતુર્માસના દિવસો હતા એટલે ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુગણ સૌ અહીં તલાટીમાં જ ગિરિરાજની પૂજા કરતાં હતાં. આ દૃશ્ય જોતાં જ અનિલાબહેનને મુખેથી સ્તવનની પંક્તિ સરી પડી:

શ્રી રે સિદ્ધાચલ ભેટવા
મુજ મન અધિક ઉમાયો…

માર્ટિને આ દિવસોમાં જૈનધર્મ અને ઉપાસનાપદ્ધતિ વિશે ઘણું વાંચી લીધેલું હતું. અમદાવાદમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સાથે વિનમ્રભાવે વાર્તાલાપો કર્યા હતા. પ્રત્યક્ષ પૂજાપદ્ધતિ પણ જોઈ હતી. આ દૃશ્યનો પ્રભાવ એમની ચેતનાને પ્રસન્નકર લાગ્યો. અનિલાબહેને તો ચૈત્યવંદન કરી લીધું.

શત્રુંજયની તળેટીથી જ પગથિયાં શરૂ થાય છે, ત્યાં શરૂઆતમાં જ નવસહી અથવા બાબુનું મંદિર આવે છે. મુર્શિદાબાદવાળા બાબુ ધનપતસિંહે એ બંધાવેલું છે. મંદિરમાં દીપ પ્રકટી ચૂક્યા હતા. આ મંદિર બહુ જૂનું નથી, પરંતુ આ સ્થળે આશુક મંત્રીએ બારમી સદીમાં ભગવાન નેમિનાથનું મંદિર બંધાવેલું હતું. છેક સોળમી સદી સુધી આ મંદિર હોવાના ઉલ્લેખો જૈન ચૈત્ય પરિપાટીઓમાં થતા રહ્યા છે.

બાબુના મંદિરની બાજુમાંથી જ પગથિયાં જાય છે. પહેલાં આવાં સગવડભર્યાં પગથિયાં નહોતાં. પ્રસિદ્ધ જૈન મંત્રી તેજપાળે તેરમી સદીમાં પથ્થરો ગોઠવી ઉપર ચઢવાનો માર્ગ તૈયાર કરાવેલો. એ ‘સંચાર પાજા’ કહેવાતો. ગિરિરાજ પર ચઢવાના માર્ગને આજે પણ ‘પાજ’ કહે છે. હમણાં જે પાજ છે, તે તો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તૈયાર કરાવી છે. એને લીધે યાત્રિકોને ભારે સુવિધા થઈ છે. અઢારસો ફૂટની ઊંચાઈએ આવેલા આદીશ્વર દાદા સુધી પહોંચવા આ ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ પગથિયાં ચઢવાં હવે સરળ લાગે છે. વળી ગિરનારની જેમ એકદમ સીધા ચઢાણનાં થકવી નાખે એવાં આ પગથિયાં નથી, અને થાક લાગે તો પણ શ્રદ્ધાન્વિત જૈન તો કહેશેઃ

એકેકું ડગલું ભરે,
ગિરિસન્મુખ ઉજમાળ;
કોડિસહસ ભવનાં કર્યાં,
પાપ ખપે તતકાળ.

અમે થોડાં પગથિયાં ચઢ્યાં કે પૂર્વ દિશામાં લાલ આભા પ્રગટી, અને સૂર્ય બહાર નીકળ્યો. એ દિશામાં શેત્રુંજી નદીનો પ્રવાહ અને ગોપનાથના સમુદ્રની જળઝાંય દેખાતાં હતાં. સૂર્યને જોતાં જ હાન્સે પોતાનો કૅમેરાવાળો થેલો બાજુ પર મૂકી દીધો અને સૂર્ય સામે જોઈ સૂર્યનમસ્કાર શરૂ કરી દીધા. અહીંથી સમગ્ર પરિસર જોતાં મનને સહેજે પ્રસન્નતા થતી હતી.

ચોમાસું ઊતરવામાં હતું, પણ છેલ્લે જતાં જતાં સારો વરસાદ પડી ગયો હોવાથી પહાડ આછો લીલો હતો. તેના પર તડકો પથરાવા લાગ્યો. ક્યાંક ઠંડકમાં બુલબુલ ‘શ્રી…પ્‌શ્રી પ્રભુ’ બોલતું હતું અને ક્યાંક હોલો ‘કુણ કુણ કુણ’ કે ‘પરભુ તું… પરભુ તું’ બોલતો હતો. અહીંથી નીચે નજર કરતાં પાલીતાણા રમ્ય લાગતું હતું.

પાલીતાણા પણ અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી પાલીતાણા નામ પડ્યું હોવાનું મનાય છે. આ મુનિ ઈસવીસનના આરંભના સૈકાઓમાં થઈ ગયા. બારમા સૈકામાં કુમારપાળના મંત્રી વાગ્ભટ્ટે શત્રુંજયની તળેટી નજીક કુમારપુર નામનું ગામ વસાવ્યું હતું. ત્યાં તેમણે જિનાલય પણ બંધાવ્યું હતું. આજે તે તળેટીમાં જ જંબુદ્વીપ, સમવસરણ, જૈન આગમ મંદિર આદિ અનેક જિનાલયો બંધાયાં છે, બંધાતાં જાય છે.

દૂર સુધી ઊંચે જતાં પગથિયાં ‘પ્રભુ સુધી પહોંચવાના માર્ગ’ના પ્રતીકરૂપ જ હતાં. પ્રત્યેક પગથિયે જાણે ઊર્ધ્વ ભણી આરોહણ કરીએ છીએ. તીર્થમાં આસ્તિક યાત્રિકને આવો આછોપાતળો પણ અનુભવ થાય છે.

પહેલાં ધોળી પરબ આવી, પછી લીલી પરબ. હજી તો સવારના સાત વાગ્યા હતા. પછી હિંગરાજના હડાની શરૂઆત થઈ. હાન્સ આગળ ને આગળ ચાલે. ફોટોગ્રાફ લેતા જાય. બાઇનોક્યુલરથી દૂરની દૃશ્યાવલી કે નજીકની ઝાડીમાંનાં પંખી જોતા જાય. માર્ટિન અનિલાદી સાથે વાત કરતા જાય. વચ્ચે આવતાં દેવસ્થાનોની નોંધ કરતા જાય.

ચાતુર્માસ હોવાથી ઉપર ચઢનારા યાત્રિકો ઓછા હતા; પણ બીજા રોજબરોજના આ વિસ્તારમાં રહેતા ભરવાડ કે છાણાં વીણનાર જોવા મળતાં. છાલાકુંડ આગળ એક એકાક્ષ પરબવાળો હાન્સના અનેક ફોટાનો વિષય બની ગયો. પરબવાળો પણ એ કહે તેમ ‘પોઝ’ આપે. ત્યાં હાન્સે કેટલીક છાણાં થાપનારી બહેનો જોઈ. એમનો પહેરવેશ સૌરાષ્ટ્ર વિસ્તારની સ્થાનિક લાક્ષણિકતા છતી કરતો હતો. હાન્સે તેમનો ફોટો લેવા રજા માગી, પણ પેલી બહેનો, સંકોચને કારણે કેમે કરી રાજી ન થઈ. હાન્સને નિરાશા જ મળી.

માર્ગમાં અનેક દેરીઓ આવતી ગઈ. પાંચ પાંડવોની દેરી પણ આવી. તે પછી આવ્યું હનુમાનદ્વાર. હવે પહાડ પર આવેલાં મંદિરોનાં ઊંચાં શિખરો ધ્યાન ખેંચી રહ્યાં. મંદિરનું નગર એટલે કે દેવોનું નગર. આવું દેવનગર મનુષ્યલોકમાં ભાગ્યે જ બીજું હોય! માર્ટિન અને હાન્સ આશ્ચર્યમાં ગરકાવ હતા.

અહીંથી હવે બે માર્ગ ઉપર જવા માટે છે. ડાબે હાથે થઈ ભગવાન આદીશ્વરની ટૂક તરફ જતો આજે મુખ્ય ગણતો માર્ગ છે. જમણી તરફનો માર્ગ નવટૂક થઈને જાય. પ્રાચીન કાળથી જૈન યાત્રાસંઘો નવટૂકને માર્ગે જતા આવ્યા છે. અનિલાબહેને આવા પગપાળા યાત્રાસંઘોનો માર્ટિન અને હાન્સને ખ્યાલ આપ્યો, તેમાંય ખાસ તે છ’રી (શબ્દને અંતે ‘રી’ આવે) પાલિત યાત્રાસંઘ (આવો એક છ’રી પાલિત યાત્રાસંઘ થોડા દિવસ પહેલાં જ આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સિદ્ધગિરિરાજની યાત્રાએ નીકળે છે.) આ છ’રી પાલન તે આ પ્રમાણે: (૧) સચિત્ત પરિહારી (સચેત હોય તેવા ખાનપાનનો ત્યાગ) (૨) એકલ-આહારી (એકાસણું) (૩) ગુરુ સાથે પાદચારી (ગુરુ મહારાજની પાછળ અડવાણે પગે ચાલવું), (૪) ભૂમિસંથારી (ભૂમિ પર શયન કરવું), (૫) બહ્મચર્યધારી, (૬) આવશ્યક દોયધારી (બે વખત પ્રતિક્રમણ કરવું). તીર્થયાત્રા કરતી વખતે આ છ‘રી’નું પાલન યાત્રાનું સાચું ફળ આપે છે.

અમે નવટૂકવાળા રસ્તે જવાને બદલે આદીશ્વરવાળા માર્ગે ચાલ્યાં. સાડા આઠ વાગ્યે તો અમે રામપોળ દરવાજે પહોંચી ગયાં. વર્ષો પહેલાં રામપોળ જૂનો જર્જરિત દરવાજો હતો. હવે તો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી નવો ભવ્ય દરવાજો બાંધવામાં આવ્યો છે. અલબત્ત મને જૂને દરવાજે જવાનું ગમ્યું હોત.

આ દરવાજા બહાર દહીં વેચનારાં બેઠાં હોય છે. એ દહીંનો સ્વાદ વખણાય છે. પણ પહાડ પર કંઈ પણ ખાવું તેમાં આશાતના થાય. હાન્સે અહીં પણ થોડાક ફોટા લીધા. એ પછી અમે આ દેવનગરના સિંહદ્વારમાં પ્રવેશ કર્યો.

રામપોળ એટલે ગિરિરાજ શંત્રુજય પર આવેલાં સહસ્રાધિક જૈન દેરાસરોના સંકુલનું પ્રવેશદ્વાર. એમાં પ્રવેશ કરતાં એ દરવાજા સાથે રામનું નામ કેવી રીતે જોડાયું હશે એ વિચાર આવી ગયો. કોઈ ખાસ કારણ તો જડ્યું નહિ, પણ એ નામ જોડાયેલું છે તે ગમ્યું. કુલપરંપરાએ કરીને અમે રામોપાસક છીએ, જોકે મારાં બચપણ અને કિશોરાવસ્થાનાં મુગ્ધ વર્ષો જૈનો વચ્ચે પસાર થયાં છે. મારા કિશોર જૈન મિત્રો મારી સાથે રામજી મંદિરમાં આવતા અને અમારી સાથે ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન…’ ગાતા. હું પણ તેમની સાથે ઘણી વાર દેરાસરમાં જ તો. ચાતુર્માસમાં અપાસરામાં વ્યાખ્યાન સાંભળવા જતો. ચોવીસ તીર્થકરોનાં નામ અને નવકાર મંત્ર કડકડાટ બોલી જતો. પાડોશમાં રહેતાં વૃદ્ધ કાશી ફોઈ પાસેથી કેટલી બધી જૈન કથા-આખ્યાયિકાઓ સાંભળેલી! કિશોર વયની સદાપ્રદીપ્ત કથાભૂખ એથી સંતોષાતી; એટલું જ નહીં, એ કથાઓએ કલ્પનાલોકમાં વિહાર કરતાં પણ શીખવ્યું.

જૈન મિત્રો આજે પણ છે અને જૈન પાડોશીઓ પણ. એટલું જ નહીં, પંડિત દલસુખ માલવણિયા કે ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા જૈન દર્શન અને સાહિત્યના આરૂઢ વિદ્વાનોના સાન્નિધ્યનો લાભ પણ મળતો રહે છે. ખબર ન પડે એમ કેટલું બધું જૈન સાહિત્ય વંચાઈ ગયું છે. શિલ્પ-સ્થાપત્યના નમૂનારૂપ કેટલાં બધાં જૈન દેરાસરો જોવાનું બન્યું છે! એટલે જૈન ધર્મ પ્રત્યે માત્ર સમભાવ જ નહિ, કંઈક ‘મમભાવ’ પણ અનુભવતો આવ્યો છું. ઘણી વાર મારા જૈન મિત્રોને ચીડવવા હસતાં હસતાં કહું ખરો કે અમારાં શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ‘કરીણાં તાડ્યમાનાપિ ન ગચ્છેત જૈનમંદિરમ્’ – હાથીઓ પાછળ પડ્યા હોય તોય – દેરાસરમાં ન જવું એમ કહ્યું છે, પરંતુ દેરાસરમાં જવાનો અવસર ઘણુંખરું જવા દઉં નહિ.

શત્રુંજયનાં મંદિરો જોવામાં ચેતનામાં પડેલું કેટલું બધું સળવળી ઊઠતું હતું! મને થતું હતું કે એકદમ જુદા જ દેશમાંથી આવેલા અને જુદો જ ધર્મ પાળતા માર્ટિન અને હાન્સના મનમાં કેવા પ્રતિભાવ જાગતા હશે? અનિલાબહેન તો શ્રાવિકા હતાં, પણ માર્ટિન તો ભાવિક કૅથોલિક ખ્રિસ્તી હતા અને હાન્સ હતા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી. મેં જોયું કે એ બન્ને પણ માત્ર પરધર્મ-કુતૂહલથી નહિ પણ ભાવનાથી બધું જોતા હતા. તેમાંય માર્ટિન તો હતા તુલનાત્મક ધર્મોના અભ્યાસી. એમનેય ધર્મોની શુષ્ક તાત્ત્વિક ચર્ચાઓ કરતાં પળાતા જીવંત ધર્મમાં વિશેષ રુચિ હતી. તીર્થવિષયક પૌરાણિક અનુશ્રુતિઓ અને પૂજાપાઠપદ્ધતિમાં પણ રસ ધરાવતા.

એકને જોઈએ અને બીજાને ભૂલીએ એવાં દેરાસરોની દુનિયામાં પ્રવેશતાં જ પહેલાં તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાય. હાન્સને તો આ દૃશ્યાવલિને કૅમેરામાં ઝડપવી હતી. અહીં પર્વત પર આવેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અનુમતિ એ માટે મેળવી. દેરાસરોના બહારથી ફોટા લેવાની છૂટ. જિનબિંબની છબી નહિ લેવાની.

મુખ્ય માર્ગની બંને બાજુએ નાનાંમોટાં દેરાસરોની હાર શરૂ થઈ ગઈ હતી. એવું લાગે કે આ પવિત્ર ગિરિરાજની આ સ્થળની એકએક ઇંચ જગ્યાનો દેવાલયો માટે ઉપયોગ કરી લેવાયો છે. એને લીધે એવું થયું છે કે એક કલાકૃતિ તરીકે દર્શક પર પ્રભાવ પાડવા આસપાસ જે પ્રમાણપુર:સર અવકાશ જોઈએ તે અહીં નથી, ધર્મભાવાધિક્યે કલાદૃષ્ટિને આ બાબતે ગૌણ કરી દીધી લાગે.

એટલે તો કોઈ પ્રાચીન બાંધણી કે મંદિર જૂનું કે જીર્ણ થાય એટલે તેમને હટાવી તેમને સ્થાને નવાં નિર્માણ થઈ જ જાય. જૈનો પાસે દ્રવ્ય પણ ઘણું; એટલે આ અત્યંત પ્રાચીન તીર્થ છે, પણ ઘણાંખરાં દેરાસર બંધાયે બહુ વખત નથી થયો એવું જણાય. આજે જ્યાં રસ્તાની જમણી બાજુ મોતીશા શેઠની ટૂકનાં દેરાસરોનું સંકુલ છે, ત્યાં એક કાળે, મંત્રીશ્વર તેજપાળે પોતાની પત્નીના નામથી ‘અનુપમા સરોવર’ બંધાવ્યું હતું, તે ક્યાં છે?

અમે વાઘણ પોળમાં પ્રવેશ્યાં. એનું સંસ્કૃત નામ ‘વ્યાઘ્રીપ્રતોલી’ છે. આ પોળમાં વસ્તુપાળે તેરમી સદીમાં અનેક મંદિરો બંધાવેલાં, પણ એ વખતનાં મંદિરોમાંનું એકેય હાલમાં નથી. જૈનધર્મમાં જીર્ણોદ્ધારનો મહિમા ઘણો. જીર્ણોદ્ધારકોનું માહાત્મ્ય કરતો ઇતિહાસ તીર્થમાહાત્મ્યના ગ્રંથોમાં મળે. જૈન અનુશ્રુતિ પ્રમાણે તો શત્રુંજયના આદીશ્વરના મંદિરનો જીર્ણોદ્ધારકોની પરંપરામાં ભરતરાજ પછી શ્રી રામચંદ્ર અને પાંચ પાંડવોનાં નામ પણ આવે છે. રામપોળ નામ સાથે એને કોઈ સંબંધ હોય કદાચ.

આદીશ્વર દાદાના દર્શન કરતાં પહેલાં ડાબી બાજુએ આવેલાં ચક્રેશ્વરી માતાનાં દર્શન કરવાનું અનિલાબહેને સૂચવ્યું. દરેક તીર્થંકરનું જેમ એક ‘લાંછન’ હોય છે, તેમ એક યક્ષ અને યક્ષિણી પણ હોય છે. આદીશ્વર ઋષભદેવનું લાંછન છે વૃષભ. તેમનો યક્ષ છે કપર્દી (કવડજક્ષ), અને યક્ષિણી છે ચક્રેશ્વરી. એ ગિરિરાજની સેવા કરનારનાં વિઘ્નોનો નાશ કરે છે અને સંઘની સંભાળ રાખે છે. ડાબી બાજુએ થોડાં પગથિયાં ઊતરી ચકેશ્વરીનાં દર્શન કર્યા. અહીં અને અન્ય સકલ જૈન દેરાસરોમાં જે વસ્તુ ધ્યાન ખેંચે છે, તે સ્વચ્છતા. જાણે સ્વચ્છતા બધે પવિત્રતાની પર્યાય બની રહી લાગે. વાઘણપોળમાં વિમલવસહી તરીકે ઓળખાતાં દેરાસર જોયાં. એને ભુલવણીનું મંદિર પણ કહે છે. એનાં શિલ્પ અને સ્થાપત્ય આંખમાં વસી જાય. સ્તંભો અને છતો કલાત્મક શિલ્પોથી ખચિત છે. એટલે તો શિલ્પસ્થાપત્યકલાના વિશારદોને મંદિરોની આ સમગ્ર રચના ‘ગંધર્વ સભા જેવી આભૂષિત અને ઘાટીલી’ લાગી છે. અહીં નૈમરાજુલની ચૉરીનું શિલ્પ પણ ધ્યાન ખેંચે.

મંદિરની પાસે પા૫પુણ્યની બારી છે. આમ તો બારી એટલે પથ્થરમાં કોતરેલી સાંઢણીના ચાર પગ વચ્ચેથી નીકળી જવાની વાત છે. અમે નીકળી શક્યાં. અહીં તો સ્થૂલ કાયાવાળાં સૌ પાપી ઠરે એવું બને!

અમે હાથીપોળમાં પ્રવેશ કર્યો. આ દરવાજો પણ નવો બનાવવામાં આવ્યો છે. નામ પ્રમાણે દરવાજા પાસે એક મોટો હાથી પણ કંડારેલો છે. દરવાજામાં પ્રવેશ કરો એટલે ફૂલ વેચનારા બેઠેલા દેખાય. પૂજાના આ દિવસો નથી, એટલે બહુ ફૂલોવાળા નથી. પછી રતનપોળ પાર કરીએ એટલે ભગવાન આદીશ્વરના મંદિર સામે જઈને ઊભા રહી જઈએ.

બે માળનું આ ભવ્યસુંદર મંદિર આસપાસ બીજાં દેરાસરોથી ઘેરાયેલું છે, પરંતુ અહીં સૌથી વધારે આંખને કઠે છે તે તો મંદિર આગળના ખુલ્લા પ્રાંગણમાં સ્નાત્રમંડપ બાંધવા માટે ઊભું કરેલું લોખંડની ફ્રેમોનું એક વરવું અને કાયમી સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર મંદિરની ભવ્યતાને હાનિ પહોંચાડે છે. મંદિરના પ્રવેશદ્વારનો અવિકલ ફોટો લેવાના હાન્સના પ્રયત્નો સફળ થતા નહોતા. આંખના પાટા જેવું આ માળખું દૂર કરી શકાય તો!

કહે છે કે પહેલાં અહીં લાકડાનું મંદિર હતું. એ લાકડાના મંદિરની આકૃતિ જાળવી રાખીને બારમી સદીમાં મંત્રી વાગભટ્ટે (બાહડે) અહીં પથ્થરોના મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિર પણ વિધર્મીઓના હાથે નંદવાતું રહ્યું છે. એનોય જીર્ણોદ્ધાર થતો રહે છે. થોડાંક વર્ષો અગાઉ પહેલીવાર આવેલ ત્યારે મંદિરનાં પીઠ-મંડોવરની આસપાસ બંધાયેલી ઓરડીઓ દૂર કરી, તેમાં ઢંકાયેલી અદ્ભુત શિલ્પસૃષ્ટિને ખુલ્લી કરાઈ રહી હતી. (આવું પુરીના જગન્નાથ મંદિરમાં જોયું હતું. જૂનાં કલાત્મક શિલ્પોને પ્લાસ્ટરથી છાંદી દેવામાં આવ્યાં હતાં, જેના પરથી હવે પ્લાસ્ટર હટાવાય છે.) હવે તે આ મંડોવર પરનાં કલાત્મક શિલ્પોથી મંદિર એક સમગ્ર સ્થાપત્યરચના રૂપે મનને પ્રભાવિત કરે છે.

મંદિરમાં પ્રવેશી આદીશ્વર પ્રભુનાં દર્શન કર્યાં. અત્યારે પૂજા થતી નથી, નહિતર આટલી શાંતિથી પ્રભુમૂર્તિને નીરખી શકાઈ ન હોત. ભીડ, ભીડ, ભીડ – એ મેં જોઈ છે એક વાર. મૂર્તિ અત્યંત ભવ્ય છે.

જૈન અનુશ્રુતિ પ્રમાણે ઋષભદેવ અહીં ‘પૂર્વ ૯૯ વાર’ (અનેક અનેક અનેક વર્ષો પહેલાં) અત્રે આવી સમવસર્યા છે. તે પછી ભગવાન નેમિનાથ સિવાય બધા જ તીર્થંકરોનું અહીં આગમન થયું છે. નેમિનાથ માત્ર કેમ નહિ? નેમરાજુલની હૃદયસ્પર્શી કથા નાનપણમાં સાંભળેલી. એની સાથે યાદ આવી સ્મૃતિમાં ભંડારાયેલી જૈન સ્તવનની એક પંક્તિ ‘રાજુલ વીનવે નેમ, પિયુજી પાછા વળો ને!’ રાજુલ સાથે લગ્ન કરવા ગયેલા નેમ લગ્નોત્સવ નિમિત્તે થનારી પ્રાણીઓની હત્યાના વિચારે લગ્ન કર્યા વિના જ પાછા વળી દીક્ષિત થઈ ગયેલા. વિવાહનાં વસ્ત્રો સજેલી રાજુલ ‘પાછા વળો’ એમ કહેતી વિલપતી તેમને અનુસરી રહી. (એટલે તે ભુલવણીના મંદિરમાં નેમરાજુલનાં એ અધૂરા રહી ગયેલાં લગ્નની ચાૅરીનું શિલ્પ જેટલી એની કલામયતાથી તેના કરતાં વધારે તો તે દ્વારા પ્રકટતી ‘આઈર્‌ની’ વિધિ-વિડંબનાથી ઊંડો પ્રભાવ મૂકી જાય છે.) નેમરાજુલનું સ્તવન ગામના અમારા ઘર સામે આવેલી એક હવેલીના પહેલે માળે એક જૈન વિધુર હારમોનિયમ સાથે વારે વારે ગાતા… એકાએક ક્યાંનું ક્યાં પહોંચી જવાયું!

પછી તો પુંડરીક સ્વામીનાં દર્શન કર્યાં. મહિમાવંત રાયણ પગલાંને વંદન કર્યાં અને ફરી એક વાર આદીશ્વરના મંદિરની પ્રદક્ષિણા કરી. આજુબાજુ નજર કરીએ, દેરાસર જ દેરાસર!

બધે ફરી ફરીને દર્શન કરવામાં પહોંચી પણ વળાય નહિ. એટલે કોઈ ભાવિક શ્રાવકની જેમ આપણે પણ કહેવું રહ્યું કે સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે બધાં નામતીર્થો છે અને જે બધાં જિનબિંબો છે, તે સર્વને વંદન કરું છું:

જે કિંચિ નામત્તિથં
સગ્ગે પાયાલિ માણુસે લોએ
જાઇ જિણબિંબાઇ
તાઇં સવ્વાઇં વંદામિ.

{Poem2Open}} તડકો ચઢતો જતો હતો, પણ શત્રુંજયની આ ઊંચાઈએ આકરો લાગતો ન હતો. વળી સ્ફૂર્તિપ્રદ પવન તો હતો જ. ખરેખર તો દેરાસરોથી વિભૂષિત આ ગિરિરાજ પર તડકાછાંયાનો વિચાર કરીએ તો જ આવે. હજી તો અમે આદીશ્વરની ટૂકનાં બધાં દેરાસર જોયાં નહોતાં. અને હજી નવટૂકનું પરિક્રમણ તો બાકી હતું. હવે અમે સમય વિશે સભાન પણ થયાં, કેમ કે આજે સાંજે ભાવનગરની મહિલા કૉલેજમાં માર્ટિનનું ‘તુલનાત્મક ધર્મ’ વિશે એક વ્યાખ્યાન આચાર્ય જયેન્દ્રભાઈએ ગોઠવ્યું હતું.

આદીશ્વરના મંદિરથી પાછા વળતાં જમણી બાજુના શતથંભિયા મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાંના પરિચારકે કહ્યું કે, આ થાંભલા ગણી શકાતા નથી. ગણવામાં ભૂલ થઈ જ જાય. મંદિરમાં કાચનાં ઝુમ્મરો છે. એ ઝુમ્મરો ખખડાવી એણે દરેકની ગુણવત્તાની કશીક દક્ષિણાની અપેક્ષાએ ઉત્સાહથી વાત કરી.

હાન્સની કૌતુકપ્રિય નજરે બાજુના મંદિર પરથી ઉપર જતાં પગથિયાં શોધી કાઢ્યાં. અમે સૌ ઉપર ચડ્યાં. અહીંથી લગભગ સમગ્ર ગિરિરાજનાં જિનાલયોનો ખ્યાલ આવી જતો હતો. નીચે ઘેટીની પાગ હતી. આ એક જૂનો માર્ગ છે. કહેવાય છે કે આદીશ્વર ઋષભદેવ આ ઘેટીની પાગથી આ પર્વતે ચઢ્યા હતા. અહીંથી દેખાતા અનેકાનેક શિખરો એક અનુપમ દૃશ્ય રચતાં હતાં.

ખરેખર તો હનુમાનદ્વારને રસ્તેથી શરૂ થાય છે નવટૂકનો માર્ગ, પરંતુ અમે ઊલટા ક્રમે ગયા. મોતીશાની ટૂકને તો અમે બહારથી જ જોઈ લીધી. હવે અમારી ચાલવાની ઝડપ વધી હતી. સાથે હાન્સ અને માર્ટિનનું આશ્ચર્ય વધતું જતું હતું.

માર્ટિને આ બધાં મંદિરો બાંધવા પાછળ કેટલું બધું દ્રવ્ય ખરચાતું હશે, એનો વિચાર કરતાં પૂછ્યું પણ ખરું કે જૈનો દેવાલયો પાછળ આટલો ખર્ચો કરે છે, પણ તેમના માનવબાંધવો માટે કંઈ કરે છે ખરા? એક સાચા ખ્રિસ્તીના હૃદયમાંથી નીકળેલો આ પ્રશ્ન હતો.

અનિલાબહેને જવાબ આપ્યો કે જૈનોએ સહધર્મી વાત્સલ્યનાં અનેક ફંડો પણ સ્થાપ્યાં છે. એ ફંડોનું દ્રવ્ય માનવકલ્યાણમાં વપરાય છે. માર્ટિન અને હાન્સને લાગ્યું કે ગમે તેમ પણ આ જૈન લોકો પાસે અઢળક ધન હોવું જોઈએ.

જતાં માર્ગમાં અદબદજીનું દેરાસર આવ્યું. પહેલાં તો ખ્યાલ જ ન આવે કે ‘અદબદજી’ એટલે શું? પછી ખ્યાલ આવ્યો કે અદ્ભુત આદિનાથ પરથી અદબદજી થઈ ગયું હશે. અહીં આદિનાથની બાર હાથ ઊંચી મૂર્તિ ખડકમાં કોતરેલી છે. અહીંના પરિચારકે પણ ઉત્સાહથી અદબદજીના માહાત્મ્યનું વર્ણન કરવા માંડ્યું : ‘આ આદીશ્વરની ૫૦૦ પુરુષની કાયા છે’ વગેરે. આ પ્રતિમાનો ઉલ્લેખ જૈની ચૈત્યપરિપાટીઓમાં ‘સ્વયંભૂ આદિનાથ’ વગેરે નામથી પણ થયો છે. લોકમાનસમાં આ વિરાટ મૂર્તિ ભીમની મૂર્તિ તરીકે પ્રતિષ્ઠિત થઈ છે.

હવે અમારે પગથિયાં ચઢવા-ઊતરવાનાં હતાં. મોટા ભાગના યાત્રિકો નવટૂકને માર્ગે જતા નથી. મોટા ભાગની ટૂકનાં દેરાસરો શાન્ત અને સ્વચ્છ છે. એનાં દર્શન મનને અનુપમ શાંતિ પમાડી રહે છે. મોદીની ટૂકે જતાં આ અનુભવ થયો. આ બધી ટૂકોના નિર્માણમાં અનેક શ્રેષ્ઠીઓએ ધન વહાવ્યું છે.

ઊજમફઈની ટૂક તરીકે ઓળખાતી ટૂક અમદાવાદના નગર શેઠ પ્રેમાભાઈનાં ફઈ ઊજમફઈએ બનાવી છે. તેમણે ત્યાં નંદીશ્વર દ્વીપની રચના કરાવી છે.

ઊજમફઈની ટૂક પછી હીમાભાઈની ટૂક આવી. આ ટૂકનાં મંદિરોમાં મુખ્ય મંદિર અજિતનાથનું છે. બે ચૌમુખજીનાં મંદિરો પણ છે. તે પછી અમે સાકરશાની ટૂક તરફ ગયાં. એ જોતાં જ માર્ટિનના મોઢેથી ઉદ્ગાર સરી પડ્યો – ‘ઑફુલી ગ્રેટ’.

તે પછી ચૌમુખજીની ટૂક ભગવાન ઋષભદેવના ચતુર્મુખ મંદિરથી સ્મૃતિમાં રહી જાય છે. આ ટૂકનું નિર્માણ સત્તરમી સદીમાં અમદાવાદના શિવજી સોમજી (સવા સોમ)એ કરાવ્યું છે. આ મંદિરની ઊંચાઈ અને આયોજનની સ્થાપત્યકલા- મર્મજ્ઞોએ પ્રશંસા કરી છે. તે ઉચિત જ છે. છીપાવસહીની ટૂકનાં મંદિરોનો ઉલ્લેખ ચૈત્યપરિપાટીઓમાં થતો રહ્યો છે. છીપાવસહીનું મંદિર પણ આંખમાં વસી જાય એવાં નાજુક શિલ્પ ધરાવે છે.

તે પછી, કેશવજી નાયકની ટૂક બહારથી જ જોઈ અમે અંગારશા પીરની દરગાહ જોવા ગયાં. કોઈને પણ આશ્ચર્ય થાય કે આ પવિત્ર જૈન તીર્થમાં પીરની દરગાહ ક્યાંથી આવી? એ વિશે અનેક દંતકથાઓ છે. કેટલાકને ખ્યાલ એ છે કે મુસલમાનો અહીં આક્રમણ ન કરે એટલે પીરની દરગાહ બનાવવામાં આવી હશે. ગમે તેમ, પણ અત્યારે કંઈ પણ જૈન યાત્રાસંઘ આવે ત્યારે અહીં સૌપ્રથમ દરગાહ પર ચાદર ચઢાવે છે.

દરગાહની પાસે અનેક નાનાં ઘોડિયાંના ગંજ ખડકાયા હતા. પુત્રકામનાથી દંપતીઓ અહીં ઘોડિયાં ચઢાવે છે. હાન્સને આ સ્થળ ખૂબ ગમી ગયું.

હનુમાનદ્વારેથી અમે બહાર નીકળ્યાં. અહીં પણ દરવાજે, દહીંવાળા બેઠા હોય છે. આશાતનાનો દોષ વહેરીને પણ મેં અને હાન્સે અહીં દહીં ખાધું.

થોડી વારમાં તો અમે પગથિયાં ઊતરવાનું શરૂ કરી દીધું. ચાલતાં ચાલતાં માર્ટિનના ગળામાં માળા જોઈને અનિલાબહેને પૂછ્યું કે ખ્રિસ્તી ધર્મમાં માળાનું શું મહત્ત્વ છે? એ માળામાં કેટલા મણકા હોય છે? એ મણકા કેવી રીતે ગણાય છે? પછી તો ધર્મ-આચાર અને માળા વિશે સારી એવી ચર્ચા ચાલતી રહી.

પગથિયાંના પથ્થરો હવે ગરમ થઈ ગયા હતા. અડવાણે પગે ચાલતાં દઝાતા ઉપરાંત ક્વચિત્ કાંકરા પણ ખૂંચતા હતા. હવે તડકો પણ ધ્યાનમાં આવતો હતો અને પેટમાં ભૂખ લાગી છે, એની પણ ખબર પડતી હતી. છતાં અદ્ભુત દેવસૃષ્ટિ તરફ અમે પાછાં વળી વળીને નજર નાખી લેતાં હતાં. એ ભવ્ય અને અદ્ભુત સૃષ્ટિનાં દર્શનથી થયેલા આનંદની સરખામણીમાં આ કષ્ટની ગણતરી કોણ કરે?