રામચન્દ્ર પટેલની કવિતા/કૃષિક
Jump to navigation
Jump to search
કૃષિક
ઊગે સૂરજ, આથમે ચાંદ;
દિવસરાત તો પીપલપાંદ.
સીમવગડો પી જીવે જીવ;
માથે રાખી પાર્વતી શિવ.
વાદળ વીજ વળી વનરાઈ,
બળદ જોડે સાંધી સગાઈ.
હળ હાકું ને ખેચું કોસ,
જળમાં વ્હેતા શ્રાવણ - પોષ.
તડકો, વાયુ બે ભેરુબંધ,
સદાય સાથે આપે કંધ.
નીચે ધરતી ઊંચે આભ,
કૃતિકા ભરે ધાન્યની છાબ.
ઘર-ખેતર ના રાખી વાડ,
ભવ તરતો તોડીને પ્હાડ.