રામચન્દ્ર પટેલની કવિતા/ચાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચાલ...

ચાલ... કુંજલડી આભમાં ઊડીએ સાથે,
આ મલકમાં ડિઝલની મ્હેક પીડે, મેઘટીપુંય નથી પડતું માથે,

સૂરજને કે’શું આંખમાં, પાંખમાં બાંધ્યા ભોંયમાટીના શ્વાસ,
પીંછ પીંછામાં ટાંક્યાં વનરાઈનાં ડૂસકાં, પશુ પર વર્તાતો ત્રાસ,
ભૂતળમાં બૉમ-તોપની ધણધણાટી... બંદૂકનાળચે શિશુની લાશ,

ગટર ગટર કહોવાડ ભરેલો વાયુ ઊડી આવીનો રોજ પડે છે બાથે.

મકાન મકાન માંહ્ય મંડાય ઝાંઝવાં, ખરીપાંખનો ખોરાક માગે,
વીજ સ્તંભ સ્તંભ તારકાંટ્યની વાડ, નીડની નિરાંતને વાગે,
જાતે કર્યાની ના રહી ખાંખત, કાચ-કપચાં ક્રૂડ વ્હાલાં લાગે,

અહીં લેણદેણ ખૂટ્યાં, કોણે અન્ન લૂટ્યાં કે આખું વન બાળ્યું આપણા હાથે,
ચાલ... કુંજલડી આભમાં ઊડીએ સાથે...