રામચન્દ્ર પટેલની કવિતા/જૂનું જીર્ણ ઘર ઉતારતાં

જૂનું જીર્ણ ઘર ઉતારતાં

જૂનું થયેલું ઘર, જીર્ણ પડું પડું થતાં
પ્હેલો જ ભારવટ સીસમનો ઉતાર્યો–
ને દોરિયા સહિત સૌ નળિયાં વળીયો
ખાપોનું છાવર કરી દૂર... મોવડીને
પાડી વિખૂટી : બન્યું મેડી મથાળું ખૂલ્લું.

ભીંતોય ઉતરી, પછીતની ઈંટ ઈંટ
ખોદી : હતાં દૃગ સમાં ઉર, બારી-ચોકઠાં
કાઢ્યાં, વળી મુખદુવાર જડેલ જાળિયાં.
શું પાણિયારું? તવી, ખાંડણિયો, મજૂસ
ચાલ્યાં ગયાં કહીંક, ભષ્મ વચાળ પિંડમાં.
–શોધું ઘડી ઘડી જહીં વસી સાત પેઢી,
ના ક્યાંક ચિહ્ન : જડ્યું, જોયું પડેલ કોડિયું...

ઓચિંતું જાગ્યું ઘર, અસ્સલ પ્રાણ સાથે,
પાછી કુંભી ઝગમગી... લઈ દીપ માથે.