રામચન્દ્ર પટેલની કવિતા/રૂપેણનાં વ્હેણ
રૂપેણનાં વ્હેણ
રૂપેણનાં વ્હેતાં વ્હેણ
ઝલમલ ઝલમલ ઝગતાં જાણે કો’કનાં નમણાં નેણ.
સતીના સત જેવાં એનાં સાચકલાં મીઠાં પાણી;
હોલાં કાબર ચકલાં મોર ચૂગતાં મન આણી,
– નિર્મલ નીલી હૈયે મ્હોરે-ધૂપસુગંધ-વાણી
લીલમલીલાં તરુ-તરુણાંમાં ઊડે એનું મદભર છેલછબીલું ઘેન.
અણદીઠાની મ્હેકે બાંધી રંગરંગની રેશમી માયા,
બે કાંઠા બીચ પથરાયી એની તાંબાવરણી કાયા,
– સપના શી સરતી એમાં નભની સુંદર સુંવાળી છાયા.
હું એનો તટબાસી, મારે એની સંગ લોહીની પૂરી લેણદેણ
રૂપેણનાં વ્હેતાં વ્હેણ.