રામચન્દ્ર પટેલની કવિતા/શિવ
શિવ
કેવા અડીખમ પહાડ સમા ન ડોલ્યા–
બોલ્યા, રહ્યા ચૂપ, ધરી રૂપ ઘાટ નોખા.
આવી હું તો ફફડતી ઘર-ગામ ત્યાગી
ધ્યાને પડ્યા ; પથ પરે બસ નૃત્ય આદર્યું...
તો યે ન જાગૃત થયાં, નહિ દેહ, સૃષ્ટિ
ખીલી : ન નીરખ્યું ઘડીભર નેત્ર ખોલી
‘જુઓ, વિહંગ, પશુ, વાદળ, વારિ, વૃક્ષો,
છે સાથ, દૃષ્ટિ ભરી સોડમ સ્વાદ આપું.’
થાકી હવે બળી જળી જઉં... સ્થાન છોડી,
આળોટતી ધખધખી ધૂળ પી, સમુદ્રે.
આવું પછી ઊડતી વાદળી વીજ છેડતી
છોડાવું જિદ વરસી પડીને સમૂળગી.
કેવા તમે ઊલટભેર ગયા જ ભેટી !
પાડી શક્યા ન, ઉરથી લગરિક છેટી.