રામચન્દ્ર પટેલની કવિતા/શોકાંજલિ
શોકાંજલિ
(સ્વ કવિ લાભશંકર ઠાકરના મૃત્યુ નિમિત્તે)
પહેલા પરોઢનો મરઘો બોલ્યો કે...
દુવારકામાં એવો શંખ કોણે ફૂંક્યો?
ધરુજી ગિરનારની કાય રે...
પીપળાની પીઠેથી ઊડી પાલખી
માંહ્ય પોંઢ્યા જાદવરાય રે...
પહેલા પરોઢનો મરઘો બોલ્યો કે...
ઉજ્જૈન ગઢમાં કાળો ઘોડો આયો
વિક્રમે કીધાં પલાણ કરે...
વૈશાખી વા વાયો કે આયો વંટોળિયો
ડાકલાં વાગ્યાં મસાણ રે,
પહેલા પરોઢનો મરઘો બોલ્યો કે...
પાટડી પંથક પાક્યો આંબલો
હેઠે નાચ્યો અષાઢી મોર રે...
એના પીંછે પીંછે મઢ્યો મેઘમઠ
દખ્ખણમાં પસર્યું ભોર રે...
પહેલા પરોઢનો મરઘો બોલ્યો કે...