રામચન્દ્ર પટેલની કવિતા/હવે હું
Jump to navigation
Jump to search
હવે હું
ઘણું સાથે સાથે હળીમળીય વાતેય વળગી
ફરેલાં – આનંદે પળ પળ બધી પી, સમયને
કરી સોના જેવો, અઢળક ઢળી ચાંદની સમાં
થયેલાં બે હૈયાં રખ રખ સદા રાખી સતત
હતાં ઊડી રે’તાં – પનઘટ તમે, પાદર અમે.
નદીએ ભીનેરી સુરભિઝર લ્હેરો સહ સરી...
જતાં ક્યાંયે ચાલી પથમય બની ધૂળ-પગલાં
ધીરે રોપી રોપી ચડી લયહિલોળે નયનોનાં
હલાવી પાતાળોઃ રુધિરમહીં ઓગાળી વગડો,
– સમી સાંજે પાછાં નીરખી વળતાં ઢોર; ઊઠતાં.
હવે હું એકાકી તમ સ્મરણનાં કંકુ-ફણગા
ઉગાડી આંખોમાં લઈ સમય એ; ક્યાંક ઊડતો...
ભલે મારું લૂમાં બળવું પણ સ્હેવાતું નથી આ–
બળે છે કૂવો પાદર પથ નદી સીમ સઘળી.