રા’ ગંગાજળિયો/૧૭. ફરી પરણ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭. ફરી પરણ્યા

વળતે દિવસે નાગાજણ ગઢવી રાજરજવાડામાં ભમીને ઉપરકોટ પર હાજર થયા. એના સમાચારમાં શ્વાસ નહોતો. ચિતોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું શિરછત્ર. એના સર્વ ધમપછાડા ઉપર ગુજરાત અને માળવાની સંયુક્ત સુલતાનિયતે મીઠાં વાવી દીધાં. એણે ચારણને જવાબ વાળ્યો હતો કે, “સૌરાષ્ટ્રનાં દેવસ્થાનાંને લગતી કોઈ પણ વાત આંહીં કાઢશો નહીં ને હમીરજી ગોહિલની રખાત કોઈક ભીલડીના છોકરાને માટે, રા’ મંડળિકને કહેજો, પાદશાહી સાથે ઊંડો ખોપ ખોદશો નહીં.” ઈડરરાજે જવાબ આપ્યો કે, “અમે તો, બાપા, અમારી રિયાસત ટકાવવા માટે ગુજરાતના સુલતાનને દીકરી પણ દીધી છે. હવે વળી અમે બેઉ વાતને બગાડીએ? રા’ માંડળિકને કહેજો કે થોડા વધુ વ્યવહારુ બની જાય. ભીલના છોકરાને જમાઈ કરવા કરતાં સુલતાનના સાળા-સસરા થવું શું ખોટું છે? ગુજરાતનો સુલતાનવંશ અસલ તો ક્ષત્રિય ઓલાદનો જ છે ના, ભાઈ! સમા પ્રમાણે વર્તવું એ ક્ષત્રિયનો સૌ પહેલો ધરમ છે.” પાવાગઢનો પતાઈ રાવળ તો હસવા જ લાગેલો : “રા’ને કહો, લે’ર કરી લે લે’ર. આપ મૂવા પછી ડૂબ ગઈ દુનિયા!” એમ એક પછી એક તમામ રાજવીઓના હોઠ ઉપર પહેલો તેમ જ છેલ્લો તો એકનો એક જ બોલ હતો કે ઉતાવળો થઈને એકલો દોડી જીવ ગુમાવનાર એ અવ્યવહારુ હમીરજીને વીર શા માટે કહેવો? સુલતાનને સંદેહ જન્મે એવી એની નવેસર પ્રતિષ્ઠા શીદ કરવી? અને એક ક્ષત્રિયને રસ્તામાં ભેટેલી નીચ વર્ણની રખાતના છોકરાને રાજપૂતીને છાપરે ચડાવવાની કુબુદ્ધિ સોરઠના રાજાને કેમ સૂઝે છે? નાગાજણ ગઢવીના આ બધા સમાચારોએ રા’ને થોડી વાર તો થિજાવી દીધા. પણ વધુ વિચારે રા’ના હૃદયનો એક છૂપો, છાનો, અદીઠો, અતલવાસી માંહ્યલો અવાજ બોલી ઊઠ્યો : ‘તું શા માટે ગાડા હેઠળનું કૂતરું બની રહ્યો છે? જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે…’ “ઠીક, છોડો એ વાત.” કહીને રા’એ પોતાના બેઉ લમણાં પર આંગળીઓ દબાવી. પછી નાગાજણ ગઢવીએ કહ્યું : “હુકમ હોય તો એક બીજો જે સંદેશો રાજ-રજવાડાંએ કહાવ્યો છે તે સંભળાવું.” નાગાજણનું મોં સહેજ મલકાયું એટલે રા’નું કૌતુક જોર પર આવ્યું. એના કાન ચંચળ બન્યા. નાગાજણે કહ્યું : “ચિતોડ, ઈડર ને સોરઠનાં સૌ રજવાડાં એક અવાજે ઠપકો દઈ રહ્યાં છે કે રા’ ગંગાજળિયો હજી કેમ નીંદર કરી રહ્યા છે?” “શેની નીંદર?” “પારકાના ભવિષ્યની પળોજણ કરે છે પણ પોતાના ભવિષ્યનું ભાન જ કેમ નથી રહ્યું?” “મારા ભવિષ્યનું ભાન?” “એટલે એમ કે ગઢ જૂનાનો વારસ ક્યાં છે? ગરવાદેવ જેવું તીર્થ, સૌને દીકરા વહેંચે, ત્યારે ઘરમાં જ કેમ અમીની છાંટ નથી પડતી?” “શું કરીએ, ભાઈ! એમાં તો પ્રારબ્ધનો દોષ છે.” “ના, મારા રા’!” ગઢવી નાગાજણે રા’ના જવાબમાં સુંવાળપ જોઈને વખતસર પગ લસરતા મૂક્યા : “પ્રારબ્ધ આડું નથી. એક કરતાં એકવીસ રજવાડાં પોતાની પદમણિયું જેવી પુત્રિયું રા’ ગંગાજળિયાને માટે ઓળઘોળ કરવા તૈયાર છે. ને ખમા! અમારાં કુંતાદે બોન પણ એ-ની એ જ વાત ઝંખે છે; ધરાઈને ધાન નથી જમતાં.” “ખરે જ, શું કુંતાદેએ તમને કાંઈ કહ્યું હતું, ગઢવી?” “હું વિદાય લેવા ગયો હતો ત્યારે છેલ્લી ને પહેલી ભલામણ એ જ હતી કે ભા! મારે માથેથી મે’ણું ઉતરાવતા આવજો.” “કુંતાદે તો સાચી દેવી છે,” રા’નું મોં પ્રફુલ્લિત બન્યું, “આવી મોટા મનની સ્ત્રીની તો હું પૂજા કર્યા કરું એવા ભાવ થાય છે.” આવા સુંદર શબ્દોનો લેબાસ ધરીને રા’ના હૃદયની નબળાઈ બોલી રહી હતી. એણે પૂછ્યું : “નાગાજણભાઈ, તમે મારા ચારણ નહીં પણ સગા ભાઈને ઠેકાણે છો. તમારું શું ધ્યાન પડે છે તે કહેશો?” “હું તો મારા રા’, ઠેકાણું પણ જોઈ કરીને આવ્યો છું.” “એટલી બધી ઉતાવળ?” “શું કરું? મારાં બોન કુંતાદેને તે વગર મોં કેમ કરી બતાવું?” “ક્યાં જોયું ઠેકાણું?” “સિદ્ધપુરના ભીમરાજને ઘેર. પણ મારા રા’, એ તો સોરઠભરમાં ડંકો વાગી જાય એવી કન્યા છે.” “તમારી વાર્તાઓમાં અપ્સરાનાં વર્ણન આવે છે એવી?” “એવી જ—એ જ.” “કુંતાદેની આમન્યા તો પાળશે ને?” “ચારણનું ગોતેલ ઠેકાણું—ફેર પડે તો ફરી મારું મોં ન જોજો, ગંગાજળિયા! પણ એક વાર હસીને હા પાડો તો તે પછી જ હું રાણીજી પાસે જઈ શકું.” “હા-હા!” રા’એ નિ:શ્વાસ મૂક્યો, “ગાદીનો વારસ જોઈએ, ત્યાં મારી હા કે ના શા ખપની? મારું હૈયું કોણ વાંચી શકશે? હું કોની પાસે કલેજાં ચીરી બતાવું?” પછીની કથા તો સીધીદોર છે. સિદ્ધપુર જઈને જૂનાગઢનું ખાંડું ભીમરાજની કુંવરીને તેડી આવ્યું; ને રા’ માંડળિકના હોઠે નવા લગ્નની એક પછી એક રાત્રિએ મદિરાની પ્યાલીઓ મંડાતી રહી. રાત્રિભર રા’ મદિરા લેતા, પ્રભાતે રા’ ગંગાજળે નાહતા. હર પ્રભાતે ત્રીજા પહોરે મોણિયેથી નાગાજણ ગઢવી અચૂક હાજર થતા, ને તેના હાથનો કસુંબો લીધા પછી જ રા’ની નસોમાં પ્રાણ આવતા. અફીણના કેફમાં થનગનાટ કરતો રા’નો જીવ તે પછી ગઢવી નાગાજણને મોંએથી વહેતી અપ્સરાઓની વાતોમાં પણ તણાતો, ખેંચાતો, વમળે ચડતો, ઘૂમરીઓ ખાતો, ને આકાશલોકથી પાતાળલોક સુધીનાં પરિભ્રમણો કરતો. તેજનો જ્યોતિર્ગોળો જાણે અનંત આલોકને સીમાડેથી ખરતો, ખરતો, ખરતો, ગતાગોળામાં જઈ રહ્યો હતો. એને તો આ પૃથ્વી પર જ સ્વર્ગ સાંપડ્યું હતું. આટલાં વર્ષો પારકી પળોજણમાં નકામાં ગુમાવી દીધાની વાત પણ એને કોઈ કોઈ વાર સાંભરી આવતી ને પોતે પોતાની જ એ ભૂલ ઉપર હસાહસ કરી ઊઠતા. અમદાવાદની સુલતાનિયત પણ આ સમાચાર સાંભળી સંતોષ પામી હતી. દુદાજીને નાબૂદ કરવા બાબત સુલતાને રા’ની વફાદારીની નોંધ લીધી હતી. અને રા’ને નાહવાની ગંગાજળની કાવડ એક પણ વિઘ્ન વગર ગુજરાત તેમ જ માળવાની સીમમાંથી પસાર થાય તેનો પાકો બંદોબસ્ત સુલતાને રખાવ્યો હતો. સુલતાન કુતુબશા પણ, ચિતોડ સુધીનાં તમામ ક્ષત્રિય રાજ્યો ઉપર પોતાની સત્તા બેસાડી લઈને જિંદગીનું બાકી રહેલું કામ કરતો હતો—જશનો ભરવાનું, સુંદરીઓ સાથે મહોબ્બત કરવાનું, શરાબો ઉડાવવાનું, ને મોટી મોટી ઇમારતો બંધાવવાનું.