રા’ ગંગાજળિયો/૩૦. ઓ ગિરનાર! ઓ કુંતા!
નાગાજણ ગઢવીની હલકી સોબતમાંથી સ્વામીને ન છોડાવી શકેલાં રાણી કુંતાદે હતાશ બનીને જૂનાગઢની બહાર ચાલ્યાં ગયેલાં. દોંણ-ગઢડામાં પોતાના ભાઈ ભીલકુમારને પરણાવતાં પરણાવતાં એને કાને રા’નાં એક પછી એક દુષ્કૃત્યની વાતો આવી. વીશળ કામદારની નવી વહુ મોહિની સાથે વ્યભિચારની, નરસિંહ મહેતાને આપેલ આકરી કસણીની, નાગાજણની સાથે શત્રુતાની અને છેલ્લી આઈ નાગબાઈને દૂભવ્યાની વાત.
કુંતાદેએ ઘર છોડતી વેળા, આવી તો દુર્ગતિ સ્વપ્નમાં પણ કલ્પી નહોતી. અંત:પુરના વિશ્વાસુ અનુચરે આવીને કુંતાદેને કહ્યું કે, ઉપલી બાબતો બની તે અરસામાં રોજ એક કરતાં વધુ વાર રા’ પૃચ્છા કરાવતા હતા કે કુંતાદે પાછાં આવ્યાં છે? કુંતાદેનું મારે જરૂરી કામ છે. રાણીને કોઈ ઝટ જઈ તેડી આવોને! કોઈ કોઈ વાર તો પોતે રાણીવાસમાં આવતા અને બેસતા. બેસી જ રહેતા; માણસોને કહેતા કે દેવીને તેડી આવો; એ આવે ત્યાં સુધી હું આંહીં બેઠો છું. લમણાં પર હાથ જોરથી દબાવી રાખીને બેસતા, ને પછી પહોર અધપહોર વીત્યા પછી રોષ કરી કહી દેતા કે, “હવે કોઈ તેને તેડવા જશો નહીં. ભલે રઝળે. મારું ચા’ય તે થાય! જાઉં છું.”
કુંતાદેએ વિમાસણ કરી. પોતે હાજર હોત તો રા’ને આવા અત્યાચારો કરતા રોકી શકી હોત—કદાચ પોતાની જાત પરથી કાબૂ ખોઈ બેસવાને કારણે જ રા’ મારી પાસે આવતા હશે ને પોતાની જાતને મારા કાબૂમાં મુકાવવા માગતા હશે. શિવ! શિવ! હું રૂસણું લઈ શીદ નીકળી ગઈ? હવે તો જઈ પહોંચું. જતાં જતાં રસ્તામાં એ બે કોચવાયેલ સંતોને—મહેતાજી અને નાગબાઈને—મળતી જાઉં.
ઊપડતે પગલે કુંતાદે પ્રથમ માંગરોળ ગયાં. નરસિંહ મહેતાને પગે પડ્યાં. દડ દડ દડ પોતાનાં નેત્રોમાંથી આંસુ નીકળી પડ્યાં. મહેતાના સ્મિતભર્યા હોઠમાંથી તત્કાળ શબ્દો નીકળ્યા : “મા મારી, રોવાનું કારણ નથી. મારા નાથની પ્રીતિ મુજસું છે કે નહીં તેની આ તો પરીક્ષા થઈ. છબીલોજી મને છોડી નથી ગયા એ પરખાયું. ને મારોયે મદ ભાંગ્યો, મા! કલ્પાંત શીદ કરો છો?”
“તમારું હૃદય કોચવવાથી અમ માથે વિપદ ઊતરશે.”
“ના રે, મારી માતા! નરસૈંયો તે શું ડાકણ્યો છે? મારે તો સર્વમાં છબીલાજીનું જ દર્શન છે, માતા! તમમાંય એને દેખું છું, મહારાજમાંયે મને એનાં જ દર્શન થાય છે. છબીલો તો છબીલોજી જ છે ના! એ તો રીઝે ને ખીજે, હેત કરે ને બિવરાવે, વધુ હેત આવે તો આ ખોળિયું ખાલી કરાવી પોતાને હૈયે પણ લઈ લ્યે. જાવ મા, મહારાજને રાધેકૃષ્ણ કહેજો.”
કુંતાદેએ માંગરોળથી ઘોડવહેલ મોણિયા તરફ હંકારી. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે આઈ નાગબાઈ તો ગયાં.
“ક્યાં ગયાં?”
“હેમાળો ગળવા.”
“કેમ?”
“રા’ માંડળિકને પોતાનાથી શરાપાઈ ગયું, એ પ્રાછત લાગ્યાં તેથી કરીને.”
“કેટલુંક થયું?”
“સાડા ત્રણ દી થઈ ગયાં.”
“અરેરે! ભેટો ન થયો!”
“વલોપાત તો બૌ કરતાં’તાં આઈ : રાતે બોલતાં જ રે’તાં કે અરે ગંગાજળિયા! મને દેવી ટાળીને ડાકણ કરી?”
“નાગાજણ ગઢવી ક્યાં છે?”
“એ તો અમદાવાદથી આવેલ જ નથી પાછા. એનાં પાપે પણ આઈ હેમાળે દોડેલ છે.”
“શાં પાપ?”
“અમદાવાદના પાદશાનાં કટક આંહીં નોતરી લાવે છે.”
“કોણ? નાગાજણ ગઢવી?” કુંતાદે દિગ્મૂઢ બન્યાં.
“હા. નાગાજણ અને વીશળ કામદાર, બેઈ. કટક ગાજતાં આવે છે.”
કુંતાદે પલનો પણ વિસામો લીધા વગર મોણિયેથી પાછાં વળ્યાં. માર્ગે એણે જે જોયું તે ભયાનક હતું. નેસડા ને ગામડાં ખાલી થતાં હતાં. લોકો લેવાય તેટલી ઘરવખરી લઈને અને બાકીની રહેવા દઈને નીકળી પડતાં હતાં. કુંતાદેને ઓળખ્યા વગર, એનાં અલૌકિક રૂપ દેખી બુઢ્ઢા-બુઢ્ઢીઓ બોલતાં હતાં રસ્તે, કે “એ બાઈ! બેટી! તું આમ સામી ક્યાં ચાલી? સામે તો કાળ હાલ્યો આવે છે. તારાં રૂપને રોળનારા, ગાયોના ભક્ષનાર ચાલ્યા આવે છે. બાઈ! તારે માથે તે કોઈ મરદ છે કે નહીં?”
“આહાહા!” કુંતાદે નિ:શ્વાસ નાખતાં હતાં. માથે મરદ તો છે મૂછોનો ધણી; પણ શા ખપનો? આ વસ્તી ચાલી જાય છે, આ મર્દોનાં ટોળાં નાઠાં જાય છે, તેની રા’ને ખબર નહીં હોય શું? આ ભાગતાંને પડકારી પડમાં ઉભાડનારો રા’ ક્યાં ગયો? આંહીં ગામડાં સુધી ગભરાટ ફેલાયો છે, તો જૂનાગઢમાં શું હશે? કે સૌ સૂતાં હશે? નાગાજણ! નાગાજણ! તેં તો ખરી કરી!
“ઘોડવેલના પડદા ઊંચા ચડાવી દો!” એમ કહીને ઉઘાડી ગાડીમાં રાણી કુંતાદે ઊભાં થઈ ગયાં. માર્ગે મળતાં હજારો પ્રજાજનોને પોતે હાકલ દીધી : “ક્યાં નાઠાં જાઓ છો, મારાં પેટ! મારા વીરાઓ! પાછા વળો. તમને જોધારોને ભાગવું શોભે નહીં. તમે આ ધરતીનાં ધાન ને પાણી આરોગ્યાં છે. આ પૃથ્વીને કણે કણે તમારી કાયાઓ બંધાઈ છે. તમારો રાજા બદલ્યો હોય ભલે, પણ આપણી માતા ધરતી તો નથી બદલી. એને રોળાવા દેશો? હું કુંતાદે, ગઢજૂનાની રાણી, આજ વીરપહલી માગું છું, હું રાણી મટી ભિખારણ બનું છું. પાછા વળો. હાલો જૂનેગઢ, હું હમીરજી ગોહિલની ભત્રીજી ભીખ માગું છું.”
“ના રે બાપુ!” નાસતાં લોકો બોલતાં હતાં, “નાગબાઈનો શરાપેલ ગઢજૂનો હવે જાવા બેઠો છે. રાજપાલટો થયા વિના રહે જ નહીં. નાગબાઈ કોપી છે.”
ગામોગામ ભમતી ને ભીખતી કરુણામૂર્તિ કુંતાદે આખરે એકલ પંડે જૂનાગઢમાં દાખલ થઈ; ઉપરકોટમાં પ્રવેશી ગઈ; ઊંચા ગઢ પરથી જોતી રહી : કીડિયારું વેરાય તેમ જૂનાગઢનું લોક ચાલ્યું જાય છે ચોમેર. અને તે વખતે રા’ માંડળિક પોતાના સેનાનાયકોને કહી રહ્યા છે : “આવવા દ્યો સુલતાનને. મારા ખાંટ યોદ્ધાઓ એને ગિરનારની ઝાડીમાં જ ઠાર રાખશે. એના ઘોડા નથી હાલી શકવાના. ઉપરકોટનું સમારકામ કરાવી લો.”
“પણ મહારાજ, ખાંટો મહાબીલાની ખોમાં ભાગી ગયા છે. ઝાડી ઉજ્જડ થાતી જાય છે. વનરાઈને આગ લાગતી આવે છે.”
“આવવા દ્યો.” રા’ ઉપરકોટની રાંગ ઉપર ઊભા ઊભા પાછળની ભમ્મર ઊંડી ખાઈ જોઈ બોલ્યા : “કોઠારમાં બાર વરસ ચાલે એટલું અનાજ છે. પાંચ હજાર વર્ષનો જુગેશ્વર ને દેવતાઈ મારો કોટ છે. મને સુલતાન નહીં પહોંચી શકે. પણ કુંતાદે ક્યાં મૂઈ છે?”
“મહારાજ! સુલતાન આવી પહોંચ્યો. કિલ્લો ઘેરી લીધો છે, રાજા કોઈ મદદે આવ્યો નથી. પ્રજામાંથી કાંટિયાં વર્ણો તો નાગબાઈના કોપથી બી જઈને દૂર બેઠાં છે.”
“જરૂર નથી કોઈની, મારો કિલ્લો જ મારું બખ્તર છે, પણ ઓલી અભાગણી કુંતાને તો કોઈ લાવો. એને હું કાંઈક પૂછી જોઉં.”
“મહારાજ, ચાર જ દિવસ થયા છે, ત્યાં તો કિલ્લો તૂટ્યો નહીં એટલે સુલતાન પાંચ કરોડ સોનોમહોરો, ઘોડા, ને સોનાની મૂઠવાળાં ખંજરો ને તલવારો સિપાઈઓને ઇનામમાં લૂંટાવી રહ્યો છે.”
“લૂંટાવવા દ્યો. અરે, પણ કુંતા ક્યાં છે? કે એ પણ સુલતાનને તેડવા ગઈ છે?”
“મહારાજ, સુલતાનના સિપાહીઓની સુસ્તી ઊડી ગઈ છે. ફોજની ટુકડીઓ મુલકને ઉજ્જડ કરી ત્રાસ વર્તાવવા મોકલી આપી છે. લૂંટાલૂંટ ચાલી છે.”
“ચાલવા દ્યો, હું શું કરીશ? કુંતાદેને જે કરવું હતું તે કર્યું.”
ઉઘાડા પ્રદેશની વસ્તી પર કેર વર્તતો હતો. રાત વખતે આગમાં સળગતાં ગામડાં દેખાતાં હતાં. પણ રા’ ઉપરકોટમાંથી ઊતરતા નહોતા; જોગીઓ ગિરનાર પરથી ઊતરતા ન હતા; રજપૂતો છુપાઈ ગયા હતા.
રા’ એ અગ્નિઝાળો જોઈ જોઈ હસતા હતા.
રાત હતી. માંડળિકના મહેલમાં કોઈ નહોતું. એકાએક એણે સાંભળ્યું : “આવવા રજા છે?”
“કોણ એ?”
“હું કુંતાદે.” અબોલા લઈને એ પોતાને મહેલે બેસી ગઈ હતી તેને ઘણાં વર્ષો થઈ ગયાં. અવાજ જાણે ઊંડા પૃથ્વી-પડમાંથી ઊઠ્યો : “આવું ને?”
“શા માટે આજ?” રા’ એને જોઈ રહ્યા.
“આ ઝાળો જુઓ છો? ગંગાજળિયા ગઢપતિ! અહીં બેઠે બેઠે બધું શેં જોવાય છે?”
“વીશળ કામદાર ને નાગાજણ ગઢવી માથે મારું વેર વળી રહ્યું છે. મારી છાતી ઠરે છે.”
“અરે, ભૂલા પડેલા રા’! અટાણેય કમત્ય છોડતી નથી? ઉપરકોટ તૂટી રહ્યો છે.”
“તૂટ્યાં તૂટ્યાં હવે. તમે પણ ઠીક આવ્યાં. શીદ આવ્યાં? અહીં શું કામ હતું?”
“એ પછી કહીશ. પણ ઉપરકોટ તૂટે છે.”
“હેં! ઉપરકોટ તૂટે? આ દેવતાઈ ગઢ—આ પાંચ હજાર વર્ષ પૂર્વેનો ઉગ્રસેન જાદવનો ગઢ તૂટે?”
“તૂટે છે, મહારાજ! કાન માંડી જુઓ, આ તૂટે.”
“કોણ તોડે છે?”
“જેનો ધણી સોનાં ને રૂપાં વેરી રહ્યો હોય એના તુરક ફોજીઓ.”
કડડડ! દરવાજાનાં લાકડાં બોલતાં હતાં. શિલાઓ પડતી હતી.
“આંહીં આવશે?” રા’ બીકમાં બોલ્યા.
“આંહીં આવશે ને તમારા દેખતાં મારી લાજ લૂંટશે.”
“અરરર!”
“અટાણે અરરર હોય, રાજ? મારી લાજ લૂંટાય ને તમે નજરે નિહાળો—હસો, ગુલતાન કરો!”
“હેં—હેં—એ!”
“હા, વસ્તીની લાજ લૂંટાય છે ત્યારે તમારું વેર વળતું લાગે છે ને! મારા માથેય વેર—”
“ના—ના—ના—”
કડડ ધબ્બાંગ—અવાજો આવે છે.
“ના—ના—ના, ત્યારે તો એને જોઈએ તેટલું ધન આપો! સુલતાન કહે તે શર્તો સ્વીકારવા મારા વિષ્ટિકારોને મોકલો!”
“હું એમ નથી કહેતી, હું તો રાજ, તમને બખ્તરની કડીઓ ભીડી દેવા આવી છું. આજ રાત મારી પાસે મહાભારત સાંભળો, સવારે હું રણસાજ સજાવીશ.”
“ના રાણી, મારે એ નથી કરવું. વસ્તી રિબાશે. એ જેમ કહે એમ કબૂલ કરી એને વિદાય દેવાને જ હું કહેણ મોકલીશ.”
“ઓ સોમનાથ!” ઉચ્ચારતાં કુંતાદે જોઈ રહ્યાં અને રા’એ પોતાના વિષ્ટિકારો દોડાવ્યા.
માંડળિક પાસે ખંડિયાપણું કબુલાવી, ખંડણી નક્કી કરી, ભારી દંડ વસૂલ કરી સુલતાન પાછો ગયો.
અમદાવાદમાં બેઠાં બેઠાં સુલતાનને નાગાજણ ચારણે થોડેક દિવસે ખબર દીધા કે “રા’ તો માનતો જ નથી કે એ આપનો ખંડિયો છે.”
“કેમ?”
“એ તો હજીયે દેવાલયોમાં પૂજા કરવા જાય છે ત્યારે ભેગાં રાજછત્ર ને છડી લઈ જાય છે; સોનેરી પોશાક પહેરીને જાય છે. કંઠમાં રત્નજડિત ગંઠો પહેરે છે.”
એ બડાઈને ઠેકાણે લાવવા ફરી વાર ફોજ ઊતરી. અને કુંતાદે ફરી વાર રા’ પાસે આવ્યાં : “મારા રા’! હજુય શું જીવવું મીઠું લાગે છે?”
“કુંતાદે! કુંતાદે! તમે સાચું કહેતા’તાં હો!” રા’એ કુંતાદેને કહ્યું : “તમે મને આ ઠાઠમાઠ રાખવાની ના પાડતાં હતાં, તે હવે હું એ બધું સુલતાનને જ મોકલી આપું છું. ફોજને આંહીં આવવાપણું જ ન રહે. ઠીક ને? ઠાલી લપ શું રાખવી? છત્રછડી ન હોય તો શું ને હોય તોય શું?
કુંતાદેનું શિર શરમમાં ઝૂક્યું. છત્ર ને છડી, રાજલેબાસ અને જરજવાહર સુલતાનની હજૂરમાં અમદાવાદ ચાલ્યાં; અને સુલતાને એ મંદીલ, એ છત્ર, એ છડી, એ દ્રવ્ય, એ જવાહીર, એ સોરઠ રાજની ભેટો પોતાની ખિદમત કરતા ગવૈયાઓને એનાયત કરી.
‘બળ્યાં છત્ર ને છડી! બળ્યાં જર ને જવાહીર! સુખે રહો, ચમન કરો. ભલેને સુલતાન સોરઠમાં મસ્જિદો બાંધતો; ભલેને એના દરવેશો થાણાં નાખતા, ભલેને એમની વટાળ-પ્રવૃત્તિ ચાલતી. આપણે શી નિસ્બત! આપણે આપણું કરો. આપણે આપણાં ધર્મકાર્ય સાચવો. આપણું રોજેરોજનું ગંગાજળ-સ્નાન ન ગુમાવો. નિરાંત કરીને રહો. બાકી બધું જ આળપંપાળ છે. સ્વપ્ન છે, સનેપાત છે.’ રા’ની એ વિચારધારા વહ્યા કરતી. ગંગાજળિયો ગઢપતિ અફીણ, દારૂ, નાટારંભ અને ગંગાજળનું પ્રાત:સ્નાન ચૂકતો નહોતો.
એક દિવસ પાછો અમદાવાદથી કાગળ ઊતર્યો : સુલતાન ફરી પાછો ફોજ હંકારીને ગિરનાર પર ત્રાટકે છે.
“અરે રામ!” રા’ ઉચ્ચારી ઊઠ્યા : “પણ મારો ગુનો શો છે હવે? હું તો સુલતાનનો ચાકર થઈને ડાહ્યોડમરો બેઠો છું. હું હવે છત્ર-છડી તો નથી રાખતો, પણ અમસ્તોય દેવદર્શને નીકળતો નથી. કુંતા, હું જઈને સુલતાનને સામો મળું. નીકર નાહકની એ આપણી વસ્તીને પીંખશે.”
“ન જાઓ, રાજ! હવે તો બસ કરો. હવે કોણ જાણે શીયે થવાની બાકી હશે!” કુંતાએ રાજપોશાક ઉતારી નાખીને કાળાં શોકવસ્ત્રો ધારણ કરી લીધાં હતાં.
“ના કુંતા, સામો જ પહોચું.”
“આ સાથે લઈ જશો, રા’?” એક વીંટી બતાવીને કુંતાદેએ કહ્યું.
“શું છે?” રા’એ વીંટીના માણેકમાં અંગાર સળગતો જોતા હતા.
“મારા રા’! જીવતરની છેલ્લી અધોગતિમાંથી બચાવી લેનાર એ હીરાકણી છે—ચૂસો એટલી જ વાર.”
“ના, ના, એની જરૂર નહીં પડે. હા, હા, પણ એની જરૂર તમારે કદાચ…”
“મારી સગવડ કર્યા વગર તમને આપું કાંઈ?”
“એમ? ઠીક લાવો ત્યારે, લઈ જાઉં.”
ચૂસવાની સાથે જ જેનું ઝેર રગે રગે ચડે એવી એ હીરાકણીવાળી વીંટી રા’એ હાથમાં પહેરી.
“મારા રા’!” કુંતાદે માંડળિકને ચરણે ઢળીને બોલ્યાં : “જીવતરનું પ્રભાત થયું ત્યારે તમે કહેતા’તા ને, કે મારા કાકા ગોહિલ હમીરજીના જેવું માનભર્યું મોત મળે તો સંસાર જીતી જવાય!”
“કુંતા! એ દિવસોને યાદ ન કરો.” રા’નું હૈયું નબળું પડતું હતું.
“ના, હું એમ કહું છું કે ખરાખરીનું ટાણું આવે તો, જે રાતે તમે સતાર બજાવીને મને મારા કાકાની વાત કહેલી તે રાતને—સોહાગની ને સુખની, નિર્મળી, નમણી, નેહભીની એ રાતને—યાદ તો કરજો.”
“હો કુંતા!” કહેતા રા’ ભાગ્યા. સુલતાનને સોરઠના સીમાડા ઉપર મળ્યા. એણે હાથ જોડીને કહ્યું :
“પણ મારો શું ગુનો થયો છે? સુલતાન તરફ હવે મારી કઈ બેઅદબી થઈ છે કે મારું ખેદાનમેદાન કરવા આવ્યા છો?”
“તારો દોષ! તારો ગુનો! તારી બેઅદબી!” હસી હસીને મેવાના ફાકડા ભરતા છવ્વીસ વર્ષના સુલતાને પોતાની લાંબી મૂછોની અણીઓને વળ ચડાવતાં કહ્યું : “તું હિંદુ છે એ જ મહાન ગુનો છે. એ કરતાં મોટો ગુનો બીજો કયો હોઈ શકે? તારી મૂર્તિપૂજા એ કાંઈ જેવી તેવી બેઅદબી છે? તું સુખ ચાહે છે, માંડળિક?”
“બસ—બસ—હું સુખ જ ચાહું છું, સુલતાન.”
“તો ચલ મારી સાથ અમદાવાદ, પાક ઇસ્લામ ધર્મની દીક્ષા સ્વીકાર…”
સાંભળતાં જ રા’ને જાણે વીંછી ડસ્યો. એની દૃષ્ટિ કુંતાદેએ દીધેલ હીરાકણીની વીંટી પર પડી. સુલતાનનો ગુપ્ત મનસૂબો આટલી હદે ચાલતો હશે એની રા’ને ઊંડામાં ઊંડી પણ શંકા નહોતી આવી.
“ભલે, નામવર! વિચાર કરી જોઉં. કાલે પ્રભાતે ખબર દઈશ.”
રાતોરાત એ નાઠા. મોત કરતાંય વધુ વિકરાળ કોઈ મારણ તત્ત્વ એની પાછળ પડ્યું હતું. એ મારતે ઘોડે ઉપરકોટ પહોંચ્યા.
એણે કુંતાદેને કહ્યું : “ચાલો જલદી, ચાલો ઊંચા ગિરનારના ગઢમાં. મને સુલતાન વટલાવવા આવે છે. મને સ્વપ્નેય ધારણા નહોતી.”
ઉપરકોટથી નાસી ગિરનાર માથેના ઉપરકોટમાં રા’ ને રાણી પેસી ગયાં. અને “અમારા રા’ને મુસલમાન કરે છે!” એટલી વાત જાણીને વસ્તી જાગી ગઈ. રા’ના બધા જ અપરાધ વસ્તીએ વિસારી દીધા. તલવારો ઝાલી, મરણિયાપણાનો તોર ધર્યો અને દામા કુંડથી તળેટી સુધી, તળેટીથી છેક ગઢગિરનાર (ઉપરકોટ) સુધી પરબે પરબે હિંદુ સૈન્યની કતારો લાગી પડી. બે જ દિવસમાં તો ગીર, નાઘેર અને બીજાં પરગણાં સળવળ્યાં. સૈન્યનાં કીડિયારાં ઊભરાયાં. પહાડોનાં ટૂકમાંથી તાપ પડ્યે ઝરણાં ફૂટે તેમ સુલતાનના બદઇરાદાનો તાપ પડતાં પહાડે પહાડ પરથી લોક ઊભરાયાં. ભરતવન, શેષાવન, બોરદેવી ને બીજા ગાળેગાળા સજીવન બન્યા.
સુલતાનનાં બેશુમાર કટક ઊતરી પડ્યાં. બે દિવસની ઝપાઝપીમાં અમદાવાદી ફોજ પરબો પછી પરબો વટાવી ઉપર ચડવા લાગી.
રા’ ને કુંતાદે બેઉ ઉપર બેઠાં બેઠાં જુદ્ધ જોતાં હતાં. કતલ દેખાતી હતી, ઘોર કતલ ચાલતી હતી. રા’નું કટક કામ આવી રહ્યું હતું. પણ ગિરનારના કોટ ઉપર પહોંચતાં સુલાનનાં કટકો ઉપર એક જુદી જ દિશામાંથી કોણ જાણે કોનાં તીરના મેહુલા વરસતા હતા. તીરંદાજો દેખાતા નહોતા. તીરધારીઓએ રંગ રાખ્યો હતો. ત્રણ દિવસ સુધી રા’ને ઉગાર્યા હતા. ચોથા દિવસે તીરના હલ્લા ક્ષીણ બન્યા. પણ તીરંદાજો ઉપર ને ઉપર મોરચા બાંધ્યે આવતા હતા. જેટલા કતલ થતા તેટલા ગબડીને નીચેની કંદરાઓમાં જતા હતા. બાકી રહેનારાઓ ઉપર ને ઉપર પહાડની શિલાઓ પર ઠેકતા, વાંદરા જેમ ચડતા, સ્થિર પગલે મોરચા બદલતા, વંકામાં વંકી પગદંડીઓ પરથી તીર ચલાવતા હતા.
એક પછી એક પડતા ગયા. બાકી રહ્યો એક. એ છેક ગઢની નીચે સુધી આવી ગયો હતો. કુંતાએ નિહાળીને જોયો : એના શિર પર મોરપિચ્છનો ગુચ્છો હતો. એના કાનની કડીઓ લળકી ઊઠી. એની ભુજાઓમાંથી રુધિરનાં ઝરણાં વહેતાં હતાં. એની છાતી પર એક માદળિયું ઝૂલતું હતું.
“એ મારો ભાઈ!” એટલા જ કુંતામુખના ઉદ્ગાર : એ સાથે જ તીરંદાજનું પછવાડે ગરદન ફેરવી ઊંચે જોવું; ને એ જ ક્ષણે શત્રુની એક બંદૂકગોળીએ એને આંટ્યો, વીંધ્યો, પછાડ્યો, ઊંડી ખોપમાં ગબડાવી મૂક્યો, ને કુંતાદેએ ચીસ પાડી : “મારા રા’, તમારા ધરમ માટે મારો ભાઈ મૂઓ; રાજ, હવે ધરમ સંભાળો! કિલ્લાનાં દ્વાર તૂટે છે.”
“હેં—હેં—શું કરું, કુંતા?”
“ધર્મ સંભાળો. મોત ઉજાળો. જીવતરનું ખાલી પીંજરું છોડી દ્યો, રા’! જુઓ, હું પણ તમારી જોડે જ છું.” કહીને કુંતાદેએ પોતાની પાસેની હીરાકણી, આંગળીએ પહેરેલી વીંટીમાં સળગતી હતી તે બતાવી.
“હેં—હેં—હેં!” રા’ માંડળિક ફાટી નજરે પોતાની આંગળી પરની વીંટીમાં મઢેલી હીરાકણીને નિહાળી રહ્યા ને બોલ્યા : “ત્યારે કુંતા, પહેલી તું ચૂસ, તો મને હિંમત રહે.”
“લ્યોને, રાજ!” કહેતાંક કુંતાદેએ ઝેરી હીરાકણીને ચૂસી લીધી. પછી એ પતિની સામે જોતાં બેઠાં. રા’ તો સ્ત્રીની સામે જોઈ સડક બની ગયા : “આ તમે શું કર્યું, દેવડી!”
“હાં! હાં! મારા રા’! મને ફરી ફરી દેવડી કહો—દેવડી શબ્દને તમારા હોઠ ઉપર રમાડો—ફરી રમાડો—મીઠું મી…ઠું…”
કુંતાદેના ડોળા, એ બોલતાં બોલતાં ઘૂમવા લાગ્યા. એનું મોં લાલચોળ બની ગયું. એની જીભ ઝલાઈ ગઈ.
કડડડડડ!—દરવાજા તૂટવાના અવાજો.
તરફડતી કુંતાદે હાથની ઇશારતે રા’ને હિંમત આપે છે. રા’ કડાકા સાંભળી વધુ ગાભરા બને છે; વીંટીના હીરા સામે જુએ છે; દોડીને કુંતાદેને ખોળે લેવા મથે છે; કુંતાદે ઇશારતે ના કહે છે; તાકીદ રાખવાની સાન બતાવે છે, પણ રા’નો જીવ હાલતો નથી. એ તો ‘હેં-હેં-હેં!’ જ કરે છે.
કુંતાદે ઢળી પડ્યાં એટલે રા’ તુરત દોડ્યા. કિલ્લાના બુરજ પરથી એણે સફેદ પતાકા ફરકાવી. થોડી વારે સંહાર અટક્યો. રા’ કિલ્લો ઉઘાડી બહાર નીકળ્યા, નીચે ઊતર્યા, બંદીવાન બનીને સુલતાન મહમદ બેગડા સાથે અમદાવાદ આવ્યા.
અમદાવાદનું એ રસૂલાબાદ નામે પરું હતું. મુસ્લિમ સંત શાહઆલમની જગ્યા હતી. આ સંતની સન્મુખ એક મોટી ઉંમરનો શિષ્ય અદબ કરીને રોજ પ્રભાતે, બપોરે ને સંધ્યાકાળે બેસતો. સંત એ નવા દરવેશને સૌમ્ય શબ્દોમાં ઇસ્લામ ધર્મની કિતાબો શીખવતા.
“સમજ પડે છે, ખાનજહાં?” મુર્શદ શાહઆલમના મોંમાંથી વારે વારે એ બોલ ટપકતો. અને એ પ્રત્યેક પ્રશ્નના ઉત્તરમાં શિષ્ય શિર ઝુકાવી કહેતો કે, “બરાબર, બાબાજી! બરાબર છે.”
દરવેશોના સમૂહની સાથે ખાનજહાં બેસતો હતો, અને ઇસ્લામ ધર્મની તત્ત્વાલોચનામાં ભાગ લેતો. વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ વગેરેના સિદ્ધાંતોની સરખામણી પણ એ ટાંકતો. દરવેશો એની કાબેલિયત પર વાહ વાહ બોલતા.
થોડો કાળ તો આ વાહ વાહ અને વૃદ્ધ મુર્શદની દિલસોજી એને એનો ભૂતકાળ ભુલાવવામાં સફળ બની. ‘બધું ફાની છે!’ એણે મનને મનાવ્યું. ‘હું એ નહોતો, એ નથી, એ નહીં હોઉં,’ એવા શબ્દો વડે ખાનજહાં કશુંક ભૂંસ્યા કરતો, અને વચ્ચે વચ્ચે હસી પણ પડતો; મનને ચૂપ કરવા માટે કદી મોટે અવાજે પણ બોલતો : “એ સઘળું જૂઠ હતું, એ તો સપનું હતું. એને શીદ વળગી રહ્યો છે હજી?”
એમ વર્ષો વીત્યાં. નિત્યની પાંચ નમાજો, ને વર્ષોવર્ષ રોજા, ઈદ, મોહરમ, એ સર્વનું ખાનજહાં અચૂક પાલન કરતો, ને કોઈ કોઈ વાર જરાતરા ક્ષુબ્ધ બનતાં રુદાને રૂંધતો રૂંધતો ઠપકો દેતો : ‘બેઉ વાતો કાં બગાડે છે?’
વર્ષો ગયાં. માનેલું કે કાળનું કરવત ભૂત અને વર્તમાનને એકબીજાથી છેદી નાખી અલગ પાડી દેશે, ને હું છૂટો થઈ જઈશ. એવી રાહ જોવી નિરર્થક નીવડી. સમૂહની વચ્ચે બેસતાં ખાનજહાં બેચેન બનવા લાગ્યો, ને ખાનજહાંની ખોજે નીકળવું જગ્યામાં જરૂરી બનવા લાગ્યું.
એકાંતે બેસીને એક દિવસ એ અંતરનું સમાધાન કરવા મથતો હતો. રાત હતી. અંધકાર હતો. વચ્ચે વચ્ચે તારા ઝળહળતા હતા. એકાએક એને લાગ્યું કે પોતાના ખોળિયામાં અંદરથી કોઈક માનવી બહાર નીકળે છે, ઝાલ્યું ઝલાતું નથી, વછોડાવીને નાસી રહ્યું છે—નાસે છે નૈઋત્ય કોણની દિશે, પોતે જાણે એકસામટા હજારો સાંઈ અને ફકીરોનું ટોળું લઈને એની પાછળ દોટ દે છે, અલ્લાની આણ આપે છે, ધોકા બતાવે છે, હૂલો અને લાંબા સોયા ભોંકવાનો ડર દેખાડે છે, કિકિયાટા કરે છે, ‘દીન દીન’ પુકારે છે, તે છતાં પેલું નાસી રહેલું મન-માનવી નથી થોભતું. જાણે કે એક નિસરણીનો એને આધાર મળી જાય છે, ને એ આરોહણ કરે છે. પગથિયે પગથિયે એ પગ ઠેરવતું જાય છે. પહેલે પગથિયે એને માટે એક કાવડ ઊભી છે. એ કાવડના ગંગાજળે પોતે સ્નાન કરે છે.
બીજે પગથિયે એક સ્ત્રી બખ્તર, ઢાલ ને તલવાર ધરી ખડી છે. એના કંકુઆળા કંકણવંતા બે કર પોતાને સર્વ આયુધો સજાવી આપે છે.
ત્રીજે પગથિયે : કંકાવટી લઈને એ કોણ ઊભું છે? ચારણ્ય મીણબાઈ! હા હા! લ્યો આઈ, જનેતા, ટિલાવો મને. હવે નહીં ફરું.
ચોથે પગથિયે : અશ્વ ઊભો છે. પોતે છલંગ મારી પલાણે છે. હણહણાટી થાય છે, તે સાથે તો દમંગળ હિન્દવી ફોજના ‘હર! હર!’ રણઘોષ ગાજી ઊઠે છે, ને ગગનમંડળમાં એક વિરાટ છાયામૂર્તિ છવાય છે : કોણ તમે? હા રે હા! પ્રીછ્યા દેવ! કાકાજી હમીર ગોહિલ! આશિષો આપો!
પાંચમે પગથિયે તૂરી, ભેરી ને રણશિંગાના મહાનાદ : શંખ બજાવે છે—સોમૈયા દેવનું પૂજારીવૃંદ. પોતે ધન્યવાદ ઉચ્ચારે છે. “ધન્ય પુરોહિતો, મેં ધાર્યું નહોતું.”
“અમે ભૂલ્યા હતા. વિભ્રમ ગયો.” સામો જવાબ સંભળાય છે.
“મારીયે કમત્ય ગઈ.” કહેતો એક મહાનર મસાણેથી ઊઠે છે—શસ્ત્રસજ્જ સોરઠિયાનું દળકટક લઈને.
“કોણ? દુદાજી બાપુ? હાથીલાનો નૂતન જન્મ? વાહ વાહ!”
બોલીને એ મન-માનવી છઠ્ઠે પગથિયે ચડે છે. રણસ્થલના વિશાળ પટ પર, અસરાણ ફોજ પર મીટ માંડે છે, તે ભેળી તો ક્ષિતિજ પર આગ લાગે છે, ભડકા ઊઠે છે, અસરાણ ફોજના નેજા સળગે છે, નાસેડું લેતાં એ પરદેશી કટકની વાટ રૂંધી આ કોણ મહાકાય નારી ખડી છે?
“મા! આઈ નાગબાઈ! તમે છો શું?”
“હા બાપ. હેમાળેથી પાછી વળી. હવે બીશ મા.” એમ કહેતે કહેતે નાગબાઈ અઝાઝૂડ ભેકુંડ રૂપ પ્રકાશે છે, ઊભી ઊભી માંડે છે અસરાણને મોંમાં ઓરવા. કચડ કચડ કચડ : લાખોના બૂકડા કરી જાય છે.
સોરઠના સીમાડાની બહાર અસરાણને તગડી મૂકીને એ મન-માનવ ખુલ્લી કૃપાણે પાછો વળે છે; ગામગામને પાદરે જનતા વૃંદે વળી હોય છે; વિજેતાને ગળે જયમાળાનો પાર રહેતો નથી; વિશાલ ભાલ પર મંગળ અક્ષત-કંકુના થર ચડે છે; જૂનાગઢ પહોંચીને એ ગિરનાર દરવાજે એક ચોરામાં દાખલ થાય છે, ત્યાં શબ્દ સુણે છે : “વાહ રે છબીલાજી!”
“કોણ એ? મહેતાજી! તમો છો? ગાઓ, સદાકાળ ગાયે જજો.”
“લ્યો રાજન! જળ લ્યો, તરસ્યા ને થાકેલા છો!” એ બોલ ઉચ્ચારતી એક નારી દેખાય છે. હાથમાં પાણીએ ભરેલી ટબૂડી છે.
મન-માનવ મોં ખોલે છે : “સ્વહસ્તે મનેય પાશો શું, રતનમામી?”
“હા રાજન! સાચાં સહુને પાઈશ.”
મન-માનવ ઉપરકોટને દ્વારે આવે છે; ને પડખે એક મોરપિચ્છનો ઝુંડો લહેરાય છે. એક મસ્તક ઊંચું થાય છે. શામળું, સુંદર, કાને કડી લળકાવતું એક મોં દેખાય છે ને કહે છે : “હવે મને રજા છે, રાજન?”
“ઓહોહો! ભીલકુમાર? તમે શું મારી પાછળ પાછળ રક્ષા કરતા ઘૂમતા હતા? તમે મારી કુંતાદેનાં મહિયર નથી, તમે શૂદ્ર નથી, હું ક્ષત્રિય નથી, મહેતાજી નાગર નથી, સર્વે માનવો છીએ. આવો, સોરઠના દુર્ગપાલ બનો.”
ને પછી રાત્રિએ મન-માનવ ઊંચા મહોલે ચડે છે, ઝરૂખે જઈ બેસે છે. વાદળિયા ગિરનારનો ધૂંધળો મહાદેહ દેખાય છે. કોઈક આવીને સિતાર મેલી જાય છે. પોતે સિતારને ખોળે લઈ તાર મિલાવે છે. મિલાવટ બરાબર થઈ રહ્યે મહેલમાંથી એક ગાન ઊઠે છે :
તમસું લાલા! તમસું લાલા!
તમસું લાગી તાળી રે!
સિતાર પર સહસા એ ઢાળના ઝંકાર જાગે છે. અને ગાનારું વેગળા એક ખંડમાંથી અગાશી પર ચાલ્યું આવે છે. નૃત્ય કરતું, ચણિયાના સાગર-ઘેરને ઝોલે ચડાવતું, ચૂંદડીના છેડાને છોળો લેવરાવતું, છૂટા ચોટલાના વાસુકી-ગુચ્છની લહેરો લેવરાવતું, આવે છે ને સિતારના બજવૈયાને બાહુપાશે લપેટી લે છે.
“કુંતા! દેવડી! અહો! બહુ દમી તને! ક્ષમા—”
વાક્ય અધૂરું રહે છે બોલતા હોઠ પર એક ચુંબન ચંપાય છે.
“અલ્લા-હો-અકબર…”
ઊંચા મિનાર પરથી એક બાંગ પડી, ને દરવેશ ખાનજહાં કલ્પનાની સીડીને છેક ટોચ પગથિયેથી પટકાઈ પડ્યો. નિસરણી ઊથલી ગઈ.
આંખોમાંથી અશ્રુની ધારા દડી પડી. એ ઊઠ્યો, મસ્જિદમાં પ્રવેશ્યો, ઝૂક્યો. રોશનીમાં એની નેત્રધારા નિહાળી શકનારાઓએ કલ્પના કરી : “ઇસ્લામમાં કેવો ગળી ગયો છે!”
એક દિવસ ખાનજહાંનો દેહ પડ્યો. એને માનપાનથી અમદાવાદમાં લાવી, અહમદશાના રોજા અને રાણીના હજીરા નજીક દફનાવવામાં આવ્યો.
આજે ત્યાં કંદોઈ પોળમાં એક નાનકડી હાટડી છે. એ હાટડીમાં એક નજીવી કબર છે. એ છે ખાનજહાં નામધારી રા’ મંડળિકની મૃત્યુસમાધિ!