રા’ ગંગાજળિયો/૩. ઓળખીને કાઢ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. ઓળખીને કાઢ્યો

દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસુંબાની કટોરીઓ ભરાતી હતી. પંચાવન વર્ષની જેની ઉંમર ટેવી શકાય તે ઠાકોર દુદાજીની દાઢી-મૂછો આભલાંજડિત બુકાનીમાં જકડેલી હતી. બીજા તમામનાં માથાં પર મોળિયાં ને ધોતિયાં બાંધેલ હતાં. દુદાજીની બુકાની એના ચહેરાને વિશેષ કરડો દેખાવ આપી રહી હતી. એણે કહ્યું : “આંહીં સોરઠમાં શું ધૂડનાં ઢેફાં માણીએ? માણે છે તો મારા દીકરા અમદાવાદના સુલતાનના માણસો. આ હમણાં જ સંખેડા બહાદુરપરની લૂંટ કરી સુલતાન અહમદશાએ. એનાં સિપાહી-સપરાંય હીરામાણેક ને મોતીની કોથળિયું ભરી ભરી ઘોડાં માથે નાખતા આવ્યા.” “હીરામોતી? હેં બાપુ? અધધધ!” “હીરામોતીને માથે ય પાછી લટકાંની એક એક જણશ.” “ઈ શું?” “હે-હે-હે-હે!” દુદાજી ગોહિલે આંખ ફાંગી કરી : “મોરનાં પીછાં જેવી… જેવી—જેવી—જેવી—શું! કહો જોયેં?” “ઘોડિયું?” એકે અનુમાન કર્યું. “એં-હેં-હેં! કહ્યાં કહ્યાં તમે.” “તરવારું?” બીજાએ કલ્પના લડાવી. “રાખો, રાખો હવે. બાપગોતર ભાળ્યું હોય તો ના?” “તો હવે બાપુ! તમે કહી નાખો. અમારાથી સબૂરી રાખી શકાતી નથી.” “એ… રૂપાળી બાયડિયું, બાયડિયું…” “મારા દીકરાઓ…ઓ.” સાથીદારોનાં મોં પાણી પાણી બની રહ્યાં. “હવે ઈ ગુજરાતનો સુલતાન લૂંટે એનું કાંઈ નહીં, ને આપણે થોડા લોંટાઝોંટા ગુજરાતમાંથી કરી લાવીએ એમાં તો રા’ આપણા માથે ધૂંવાંપૂવાં થઈ જાય.” “હા એ તો. અબઘડી સાંઢણીસવાર આવ્યો જ સમજો.” “સાંઢણીસવાર ભલેને રોજ રા’ના ઠપકાના બીડા લાવતો. હું તો એ કાગળિયાને સીધા આ સગડીમાં જ પધરાવી દઈશ.” “રા’ને સુલતાનની બહુ ભે લાગે છે.” “ત્યારે? ઓલ્યા ઝાલાવાડના રાજા સતરસાલ ભાગીને રા’ની મદદ લેવા આવ્યા, તો રા’એ એને સંઘર્યા જ નહીં. ઇડરરાજ પૂંજા, ચાંપાનેરના રાજ ત્રંબકદાસ અને નાંદોદવાળા ઠાકોર એકસંપ થયા, સુલતાનના કાકા માળવાવાળા હોશંગખાનની સાથે દળ બાંધ્યું, તોય આપણો રા’ માંડળિક વાંકો ને વાંકો.” “એનું કહેવું એમ કે રાજપૂતો જૂથ બાંધીને પોતાનો ટકાવ કરો, પણ એક મુસલમાનને કાઢવા માટે બીજા હરીફ મુસલમાનને ઊભો કરો મા. કેમકે તો તો પાછું ભૂત નહીં ને પલીત જાગશે.” “હે-હે-હે-હે,” દુદાજી હસ્યા, “ઈ તો લોઢું લોઢાને કાપે. તરકટ અને પરપંચ કર્યા વગર કાંઈ ન હાલે. મૂરખો રા’ રાજપૂતની જૂની વિદ્યાને ભણ્યો જ નથી. એનું ભણતર જ અવળું છે. મુસલમાનોને માંહોમાંહ કજિયા કરાવ્યા વગર કાસળ નીકળે કદી? ન નીકળે, ભાઈ, ન નીકળે. અટાણે તો મ્લેચ્છોએ માંહોમાંહે કાપાકાપી માંડી દીધી છે. અટાણે ન લૂંટીએ તો પછી ક્યારે દાળદર ફીટવાનાં?” એવી એવી વાતોના રંગમાં ભંગ પડ્યો. ચોકિયાતો એ ભીલ જુવાનને લઈ હાજર થયા. દુદાજી ગોહિલે ઊંચું જોયું તે વખતે તો એ ભીલ જુવાન એમના ચરણોમાં હાથ લંબાવી કહેતો હતો : “કાકાબાપુ, જે સોમનાથ.” “કોણ છો, ભા?” દુદાજીએ આંખ મરોડી, “તું વળી કોણ ભત્રીજો ફાટી નીકળ્યો?” “કાકાબાપુ! મારાં મા તો કહેતાં’તાં કે તમે મને જોતાવેંત પરખી લેશો.” જુવાન રાજી રાજી થઈ રહ્યો હતો. “હું કાંઈ દેવનો દીકરો નથી, ભાઈ! તારી ઓળખાણ? “હું ગરમાંથી આવું છું.” “ગામ?” “દોંણ-ગઢડાનો નેસ.” દોંણ-ગઢડાના નેસનું નામ સાંભળીને દુદાજી ગોહિલ જરાક ઝબક્યા, જુવાનને નિહાળી નિહાળી જોવા માંડ્યા, પછી બોલ્યા : “અમારું કોઈ સગુંસાગવી એ તરફ નથી સાંભળ્યું, ભાઈ! ને તારો વેશ પણ વિચિત્ર છે. રાજપૂતો ચામડાંના ડગલા નથી પહેરતા. તારી કમરે તરવાર નથી. આ તીરકામઠું શું તેતર-સાંસલા મારવા માટે છે, કે કાંઈ ભડવીરાઈ કરી જાણછ?” “કાકાબાપુ, મારા ગોઠિયા તો ગરના સાવજ છે. તમને એબ લગાડું તેવી રીતે મેં તીરકામઠું વાપરેલ નથી.” “કેવા છો?” “કેવો? કેમ કરી કહું? તમે મને ગણો તેવો.” “તારે શું કહેવું છે, ભાઈ?” “કાકાબાપુ, માએ તમને એકલા કહેવાનું કહ્યું છે.” “હાલ આમનો.” બાજુના ઓરડામાં ગયેલા એ બેઉ જણા થોડી વારે બહાર નીકળ્યા ત્યારે દુદાજીના મોં ઉપર ત્રાંબાનો ધગધગતો અગ્નિરસ જાણે રેલાયો હતો, ને જુવાનનો ચહેરો ભોંઠામણમાં ગરકાવ હતો. “જા ભાઈ!” દુદાજીએ જુવાનને જણાવ્યું, “જૂનેગઢ પોગી જા. ત્યાંની કોટવાળીમાં તને નોકરી જડશે. આંહીં જગ્યા નથી. ને ખબરદાર જો ફરી આવ્યો છો ને, તો જીવતો હાથીલામાંથી જાવા નહીં પામ. તારી ચાલાકી રા’ માંડળિક પાસે ચાલશે, આંહીં હાથીલાના રાજમાં નહીં ચાલે, હો કે ભત્રીજા!” દરબારગઢની દેવડીમાંથી એ જુવાન પાછો ફરતો હતો, ત્યારે ગુણિકાતળાવની અંદર તરતી બતકો એની સામે તાકતી હતી. એની પાછળ પાછળ ભાલાળા ચોકીદારો એને ધમકાવતા ધમકાવતા ચાલતા હતા. એની આંખો ચકળવકળ ચારે બાજુ જોતી હતી. ચોકીદારો એને હાકોટા કરી કહેતા હતા : “સીધું જોઈને હાલવા મંડ, જુવાન! નીકર ભાલો ખાઈશ.” બહારના તળાવની પાળે બેઠેલી માને એણે કહ્યું : “હાલો, માડી, સોમૈયાજીએ મારે માથે મહેર કીધી. હાલો, મારા ગોઠિયા ગરના સાવજડા વાટ જોતા હશે.” દીકરાની મુખમુદ્રા વાંચીને મા પણ ચાલી નીકળી. હાથીલા રાજની સીમા આવી ત્યાં સુધી ચોકિયાતો એ મા-દીકરાને મૂકી આવ્યા. એક દુદાજી ગોહિલ સિવાય બીજા કોઈને ખબર ન પડી કે આ જુવાન કોણ હતો, શા કામે આવ્યો હતો ને કેમ પાછો ફરી ગયો! સીમાડો વટાવી ગયા પછી એણે માને સમજ પાડી કે શું શું બન્યું હતું. “હોય, દીકરા! રાજવળું આપણા સગપણે શરમાય. જીવતાં માણસ સગપણ ના-કબૂલશે, પણ મૂવાં થોડાં કહેવાનાં છે કે ના, તું મારી અસ્ત્રી નથી ને તું મારો દીકરો નથી? મારે તો હવે તને તારા બાપની ને મારા બાપની ખાંભીને ખોળે લઈ જાવો છે. આવતી ભાદરવી અમાસે એની તથ્ય છે. રૂડું એક નાળિયેર લઈ જાશું, ને વાટકી સિંદૂર લઈ જાશું. દીવો કરીને હાથ જોડીશ. કહીશ કે, ગોહિલ રાણા! લ્યો આ તમારો પુતર. સુરાપરથી દુવા મેલો કે સુકર્મી થાય; તમારી જેમ એય ધરમની, ગાયની ને અસતરીની રક્ષા કરે.” “મા, મોટાબાપુનીયે ખાંભી છે?” “હા, માડી, તારા બાપુની ખાંભી સોમનાથના મંદિરના ચોગાનમાં કિલ્લાની અંદર છે, ને મારા બાપુની ખાંભી દરવાજા બહાર છે.” “એમ કેમ?” “એનું કારણ એમ કે મારા બાપુનું નામ હતું વેગડોજી. વેગડો એટલે સીધાં પાધરાં લાંબાં શિંગવાળો ધોરી. તારા બાપુની ભેળા એ ભીલરાજ પોતાના ભીલોનું દળકટક લઈને ગયેલા. દરવાજાની બહાર આડા રહીને લડેલા. પાદશાની ફોજ એને વીંટળી વળી, બીજા બધા નાની બારીએથી કિલ્લામાં પેસી ગયા; મોટા બાપુનેય ઘણું કહ્યું કે વેગડાજી, નાઠાબારીએથી અંદર આવી જાવ. પણ મોટા બાપુજી તો વટદાર, એટલે જવાબ મળ્યો કે, ‘હું કહેવાઉં વેગડો. મારાં તો શિંગ છે પાધરાં. મારું એ જીવ્યામૂવાનું બિરદ. હું સાંકડી બારીએથી કઈ રીતે ગરું? શિંગ મારાં આડાં આવે છે. એટલે કે બિરદ મારું મને સંતાઈ જતો રોકે છે. હું વેગડો! ગઢબારીમાં ગરું નહીં.’ એમ કહેતા કહેતા લડ્યા ને ખપી ગયા. એનો તો દુહોય ગીરમાં કહેવાય છે કે—

વેગડ વડ ઝુંઝાર ગઢ બારીએ ગર્યો નહીં;
 શિંગ સમારણહાર અંબર લગે અડાવિયાં.

“એટલે કે એનાં શૂરાતનનાં શિંગ તો ઠેઠ આકાશ લગી અડી ગયાં.” જુવાનના હૃદયની આરસી ઉપર પોતાના પિતા અને માના પિતા, બેઉની આકૃતિઓ પ્રતિબિંબ પાડતી રહી. ખાંભીઓ પાસે પહોંચવાના હરખમાં ને હરખમાં એના પગ જોરથી ઊપડ્યા. “હવે તો મારે તને એક બીજે ઠેકાણેય લઈ જાવો છે. જોઉં તો ખરી, તારી બેન એ સગપણ કબૂલે છે કે નહીં?” માની આંખો એ બોલતાં બોલતાં ત્રીશેક ગાઉના અંતરે આખા સીમાડાને રોકીને પડેલા એક વાદળના કટકા સરીખા પહાડ ઉપર નોંધાઈ ગઈ હતી. “બેન? કોણ બેન? મારે વળી બેન પણ છે? ભેળાં રમવા જેવડી?” “રમવા જેવડી તો નહીં, બાપ! પરણેલી છે. એને ઘરેય રાજવળું છે. એ તો પાછું તમામ રાજવળાંનું શિરોમણિ!” “કયું?” “ગઢ જૂનાણું. ગરવા દેવનો રખેવાળ છે તારો બનેવી.” “રા’ માંડળિક? મારો બનેવી? તુંય પણ મા, વગર મહુડાં ખાધેય કેફમાં ગરકાવ લાગછ.” “મહુડાં તો અવતાર ધરીને એક જ વાર—એક જ રાત પીધાં છે, તે પે’લાં કે તે પછી કદી ચાખ્યુંય નથી. એ રાત તો એના ભેળી જ ગઈ. એ રાત પાછી આવે ના. ને અવતાર આખામાંથી એકાદ દા’ડો જ સાચવી રાખવા જેવો નીકળે છે. બાકીના દનડા તો ફોતરાં છે ફોતરાં. જીવતરના દન તો મહુડાનાં ફૂલ છે. માંહીંથી દારૂડો તો એકાદ કૂંપી જ નીતરે. મેં તો ભવોભવનો કેફ કરી લીધો છે. એ કેફમાં હું પચીસ વરસથી ચકચૂર છું. મારે શી પડી છે બાકીના દનની!” મા બોલ્યે જ જાતી હતી. દીકરો કાંઈ સમજે નહીં તેવી એ ચકચૂર વાણી હતી. મા દીકરાને નહોતી સંભળાવતી, પોતાની જાતને સંભળાવતી હતી. “પણ માડી, મારી બેન કોણ?” “રા’ માંડળિકની રાણી કુંતાદે. તારા દુદાજી બાપુથી નાનેરા અરજણજી બાપુ હતા, એની એ દીકરી.” “એ મને શેની ઓળખે?” છોકરાએ જાણે ધોખો ધર્યો. દિવસ ચડી ગયો હતો. બેઉ ચાલ્યાં જ જતાં હતાં. ગિરનાર નિકટ ને નિકટ આવતો હતો. સપાટ ધરતીના ખૂમચામાં જાણે વાદળી રંગનું મોતી પડ્યું હતું. ઢૂકડો-ઢૂકડો-ઢૂકડો આવે છે પહાડ : ડગુમગુ ચાલતા બાળને તેડી લેવા માટે મલપતી ચાલે ચાલ્યા આવતા દાદા જેવો ગરવો દેવ!