રિલ્કે/11
એક વાત કહું : આટલા બધા જુદા જુદા ચહેરાઓ મારી ચારે બાજુ હશે તેનો મને, આ પહેલાં, કદી ખ્યાલ નહોતો આવ્યો. માણસો તો આજુબાજુ જથાબંધ છે જ, પણ એથીય અનેકગણા ચહેરાઓ છે, કારણ કે એક માણસને એકથી અનેક ચહેરા છે. કેટલાક એવાય છે જે વરસો સુધી એકનો એક ચહેરો પહેરી રાખે છે; આથી, સ્વાભાવિક રીતે જ, એ જર્જરિત થઈ જાય છે, મેલો થઈ જાય છે, કરચલી વળતાં ફાટી જાય છે; મુસાફરી દરમિયાન પહેરી રાખેલાં હાથમોજાંની જેમ ખેંચાઈને ઢીલો પડી જાય છે. એ લોકો કરકસરિયા સાદા આદમી છે; એ લોકો ચહેરો વારે ઘડીએ બદલ્યા કરતા નથી; અરે કદી એને ધોવાય કાઢતા નથી. એ લોકો કહે છે : અમારું તો એનાથી કામ ગબડે છે. એમની વાતનેય ખોટીય શી રીતે સાબિત કરી શકાય? પણ એમની પાસે ઘણા ચહેરાઓ તો હોય જ છે, એટલે પ્રશ્ન થયા વિના નથી રહેતો : ‘એ લોકો બાકીના બીજા ચહેરાઓનું શું કરે છે?’ માત્ર સંઘરી રાખે છે. એમના મનમાં કદાચ એમ હશે કે અમારા દીકરા વાપરશે. પણ કેટલીક વાર એવુંય બને છે કે એમનાં કૂતરાં એ ચહેરા પહેરીને નીકળી પડે છે. ને શા સારું નહિ પહેરે? ચહેરો એટલે ચહેરો. કેટલાક એવાય હોય છે જે તમારા માન્યામાં નહિ એવી ઝડપથી ચહેરાઓ બદલ્યા કરતા રહે છે. આવી અદલાબદલીથી એમના ચહેરાઓ પણ ઘસાઈ જાય છે. શરૂઆતમાં તો એમને એવો ખ્યાલ હોય છે કે ચહેરાઓનો પુરવઠો એમની પાસે પૂરતા પ્રમાણમાં છે. આથી, અનિવાર્યતયા, કરુણ પરિણામ આવે છે. ચહેરાઓના વપરાશમાં કરકસર કરવાનું એમને આવડતું નથી. એમનો છેલ્લો ચહેરો એક અઠવાડિયામાં ઘસાઈ જાય છે; પછી ધીમે ધીમે અંદરનું અસ્તર – ચહેરાનો અભાવ – બહાર નીકળી આવે છે, ને પછી એ સાથે જ એઓ ફરતા હોય છે. પણ સ્ત્રી, પેલી સ્ત્રી : એ પોતાના હાથમાં માથું રાખીને પોતાનામાં જ પૂરેપૂરી દટાઈ ગઈ હતી. નોત્ર-દેઇમ-દ-શે’પ્સની ગલીના નાકે જ એ હતી. એને જોઈને હું હળવે પગલે ચાલવા મંડ્યો. ગરીબો વિચારમાં પડ્યા હોય ત્યારે એમાં ખલેલ નહિ પાડવી જોઈએ. એ લોકો જેને શોધી રહ્યા હોય છે તે કદાચ એમને એકાએક સૂઝી આવે. આખી શેરી સાવ સૂમસામ હતી; એની પોકળતા પોતાથી જ કંટાળી ગઈ હતી; મારું પગલું પડે તે પહેલાં મારા પગમાંથી એને એ જાણે ઝૂંટવી લેતી હતી ને લાકડાની પાવડીના જેવો એનો અવાજ અહીંતહીં ફેલાવતી હતી. આથી પેલી સ્ત્રી ચોંકી ઊઠી ને સફાળી પોતાનામાંથી ઊતરડાઈ ગઈ કે એનો ચહેરો એના બે હાથમાં જ રહી ગયો. એનું પોકળ માળખું એના બે હાથમાં પડેલું હું જોઈ શકતો હતો. મારી નજર એ હાથમાંથી જે ઉતરડાઈ ગયું હતું તેના પર ન જવા દેતાં એ બે હાથ પર જ સ્થિર રાખતાં મને કેટલી જહેમત પડી તે કહ્યું જાય એમ નથી. ચહેરાને અંદરની બાજુથી જોતાં મને કમકમાં આવ્યાં, પણ ચહેરા વગરના, ખાલ ઉતારેલા, નગ્ન મસ્તકને જોવાની મારામાં તો હામ જ નહોતી.