રિલ્કે/12

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવોદિત કવિને પત્ર

તમારો પત્ર મને થોડા દિવસો અગાઉ જ મળ્યો. તેમાં વ્યક્ત થયેલી શ્રદ્ધા માટે હું તમારો આભાર માનું છું. તમારી કવિતા વિશે હું ભાગ્યે જ કહી શકું. તમારી કવિતાના ગુણઅવગુણમાં હું ઊતરી શકું નહીં. કારણ કે કોઈ પણ પ્રકારના આલોચનાત્મક પ્રયોજનથી હું ઘણો દૂર છું. કલાકૃતિનો સમ્પર્ક સાધવામાં વિવેચનના શબ્દો જેટલી અવળી અસર બીજા કશાની હોતી નથી. એનું અનિવાર્ય પરિણામ ઓછેવત્તે અંશે સુખદ ગેરસમજૂતીઓ સિવાય બીજું કશું જ હોતું નથી. બધી બાબતો લોકો આપણને માનવા પ્રેરે છે એટલી હદે સમજાઈ જાય એવી વાણીમાં વ્યક્ત થાય એવી હોતી નથી. જ્યાં શબ્દની છાયા પણ નથી પડી એવા વાતાવરણમાં જઈ એ લય પામે છે અને આ બધામાં કલાકૃતિઓ સૌથી વધુ વાણીથી પર હોય છે. કલાકૃતિનું જીવન આપણા જીવનના વિલય પછી પણ વિસ્તરતું હોય છે. આટલું પ્રાસ્તાવિક લખ્યા પછી હું તમને એટલું કહીશ : તમારી રચનાઓમાં કોઈ વૈયક્તિક ગુણ નથી પણ મંગલ અભિગમ ધરાવતાં શાંત અને ગોપિત વલણો છે. છેલ્લી કવિતા ‘મારો આત્મા’માં હું આ સ્પષ્ટપણે જોઈ શક્યો છું અને પેલી સુંદર કવિતા ‘ટુ લીઓપાર્ડી’માં એ મહાન અને ઐકાંતિક માનવી સાથેનો કૈંક ગાઢ થતો જતો સમ્બન્ધ જોવા મળે છે. ગમે તેમ પણ આ રચનાઓ પોતે કશું જ નિર્માણ કરતી નથી. તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અને આમાં છેલ્લી રચના ‘ટુ લીઓપાર્ડી’નો પણ સમાવેશ થઈ જાય છે. આ કવિ સાથેના તમારા મિત્રતાભર્યા પત્રમાંથી હું તમારી કવિતાઓ વાંચતાં જોવા મળેલી અનેક ક્ષતિઓનો ખુલાસો મેળવી શક્યો. જોકે... તમે પૂછો છો કે મારી રચનાઓ સારી છે કે નહીં. તમે મને પૂછો એ પહેલાં તમે એ વાત બીજાઓને પણ પૂછી છે. તમે તમારી કવિતાઓ સામયિકોમાં મોકલો છો. બીજી કવિતાઓ જોડે સરખાવો છો અને કેટલાક તંત્રીઓ એને પાછી મોકલે ત્યારે તમને કષ્ટ થાય છે. હવે જ્યારે તમે મને સલાહ આપવાની અનુમતિ આપી છે ત્યારે હું તમને બધું જ છોડી દેવાની વિનંતી કરું છું. તમે બહિર્મુખ બનો છો, બીજું ગમે તે બનો તમારે બહિર્મુખ તો ન જ બનવું જોઈએ. તમને કોઈ જ સલાહ કે સહાય આપી શકે નહીં. કોઈ જ નહીં. માત્ર એક જ ઉપાય છે. અંતર્મુખ બનો. તમને લખવા પ્રવૃત્ત કરતા પ્રયોજનને શોધી કાઢો. જુઓ કે એ પ્રયોજનનાં મૂળ તમારા અંતરમાં કેટલે ઊંડે ગયાં છે અને જો તમને લખવા દેવામાં ન આવે તો તમે જીવી નહીં શકો એવું છે કે નહીં. રાત્રિની કોઈ શાન્ત ક્ષણે તમે તમારી જાતને પૂછો. મારે લખવું જોઈએ? એના ગહન ઉત્તર માટે હૃદયમાં ઊંડે સુધી ઊતરો ને જો ઉત્તર હકારાત્મક હોય, આ ગંભીર પ્રશ્નનો ઉત્તર સરળ અને મક્કમ ‘મારે લખવું જ જોઈએ’ એ શબ્દોમાં આવે તો પછી તમારે એ આવશ્યકતાના સંદર્ભમાં તમારા જીવનનું ઘડતર કરવું જોઈએ. તમારું જીવન તમારી બિનજરૂરી પળે પણ આ જ ભાવનાનું સાક્ષી અને પ્રતીક બની રહેવું જોઈએ. પછી તમારે કુદરત તરફ વળવું જોઈએ. તમે જે કંઈ જુઓ, અનુભવો, પ્રેમ કરો કે ગુમાવો, એ સર્વને સૌ પ્રથમ અભિવ્યક્તિ અપાતી હોય એ રીતે વ્યક્ત કરવા પ્રયાસ કરો. પ્રેમકાવ્યો ન લખતા. બહુ પરિચિત કે પ્રચલિત સ્વરૂપોને પ્રારમ્ભમાં દૂર જ રાખજો. એ ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યાં ભૂતકાલીન ભવ્ય પ્રણાલિકાઓ અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં વ્યક્તિગત મૌલિક પુરસ્કરણ કરવા માટે ખૂબ જ મહાન અને સંપૂર્ણત: પક્વ શક્તિની આવશ્યકતા હોય છે. આથી સામાન્ય વિષયોને બદલે તમારી વ્યથા અને ઝંખનાઓને આલેખો. તમારા ઊડતા વિચારોને અને સૌન્દર્યના કોઈક સ્વરૂપમાંથી શ્રદ્ધાને આલેખો. આ બધું જ અનુભૂત, શાન્ત, વિનમ્ર સહૃદયતાથી આલેખો, તમારી આસપાસ રહેલી વસ્તુઓ, તમારાં સ્વપ્નો અને સ્મરણોમાં રમતાં ભાવપ્રતીકોને વાચા આપો. તમારું રોજબરોજનું જીવન જો કદી તમને દરિદ્ર લાગે તો એનો દોષ ન કાઢતા. તમારી જાતને મનાવજો કે એની સમૃદ્ધિને સિદ્ધ કરવા જેટલા પ્રતિભાશાળી કવિ તમે નથી. સર્જક માટે કશું જ કંગાલ નથી. કોઈ જ સ્થળ બિનમહદૃવનું નથી. તમે કોઈ કારાવાસમાં પડ્યા હો અને ત્યાંની દીવાલોમાંથી દુનિયાનો કોઈ અવાજ તમારા કાન સુધી ન પહોંચી શકતો હોય ત્યારેય તમારી પાસે તમારું શૈશવ, એ બાદશાહી સમૃદ્ધિ, સ્મરણોનો ભંડાર તો હોય જ છે ને? તમારું લક્ષ ત્યાં કેન્દ્રિત કરો. એ અતીતમાં ગર્ક થયેલી લાગણીઓને ઉઠાવવાનો પ્રયત્ન કરો. તમારું વ્યક્તિત્વ દૃઢ બનશે. તમારા એકાન્તની સીમા વિસ્તરશે. અને આમ અન્તર્મુખી બનવાથી, તમારા આગવા વિશ્વમાં ડૂબકી મારવાથી કવિતા પ્રગટશે ત્યારે તમે એના સારાપણા વિશે કોઈનોયે અભિપ્રાય લેવાનું નહીં વિચારો. વળી સામયિકોને પણ આ રચનામાં રસ લેતા કરવાનો પ્રયત્ન તમે ન કરો. કારણ કે આ કવિતામાં તમે તમારી વહાલસોયી સંપત્તિનો અણસાર જોશો. તમારા જીવનનો સૂર પારખશો. કલાકૃતિ જો અનિવાર્યતામાંથી પ્રકટી હોય તો જ ઇષ્ટ હોય છે. આ કલાકૃતિના મૂળમાં જ એનું સાચું મૂલ્ય રહેલું છે. એ સિવાય બીજો કોઈ એનો માપદંડ ન હોઈ શકે. એટલે ભાઈ, હું આ સિવાય બીજી કોઈ સલાહ આપી શકું એમ નથી. તમે તમારા અન્તરમનમાં પ્રવેશો, જ્યાંથી તમારું જીવન વહે છે એ ઊંડાણોને શોધી કાઢો. ત્યાંથી તમને એ પ્રશ્નનો ઉત્તર મળશે કે તમારે સર્જન કરવું જોઈએ કે નહીં. એ ઉત્તરને જે રીતે સમજાય એ રીતે સ્વીકારો. એકેએક શબ્દમાં ઊતર્યા વિના કદાચ એવું બને કે તમે કલાકાર થવા નિર્માયા હો. જો એમ જ હોય તો તમારે આ ભાગ્યને તેના ભાર અને તેની મહત્તા સાથે સ્વીકારી લેવું જોઈએ અને એ પણ બહારના કોઈ પણ બદલાની અપેક્ષા રાખ્યા સિવાય. કારણ કે સર્જકનું જગત એમાં જ સમાયું હોય છે. એણે બધું જ પોતાનામાં અને પોતે જેની સાથે સંકળાયેલ છે એ પ્રવૃત્તિમાં જ શોધવું જોઈએ. કદાચ આ અન્તરમનમાં કે તમારા એકાન્તમાં અવગાહન કર્યા બાદ તમારા કવિ થવાના દાવાને છોડી દેવો પડે એવી પરિસ્થિતિ પણ પ્રગટે. (મેં અગાઉ કહ્યું છે તેમ લખ્યા વિના પણ રહી શકાય છે એવી લાગણી થતી હોય તો પછી આ સાહસ ન ખેડવા માટે એ પૂરતું કારણ છે.) પરંતુ આમ બને ત્યારેય આ અન્તર્મુખતા જતી નથી. એ પછીથી તમારા જીવનને તેના વ્યક્તિગત રસ્તાઓ મળી શકે અને હું ઇચ્છું કે તમારા માટે ભાવી ઇષ્ટ, સમૃદ્ધ અને દૂરગામી બને. વધુ શું કહું? દરેક વસ્તુને યોગ્ય બળ મળી રહેતું હોય છે, આખરે હું તમને તમારા વિકાસમાંથી શાન્તિપૂર્વક અને ગમ્ભીરતાપૂર્વક પરિપક્વ થવા સલાહ આપીશ. પ્રશ્નોનો ઉત્તર જીવનની કોઈ શાન્ત પળે અન્તરતમ અન્તરની લાગણીમાંથી જ મળી શકે. એનો ઉત્તર બહારથી મેળવવા માટે તમે બહિર્મુખ બની જશો તો તમે તમારા વિકાસના મૂળમાં જ આઘાત કરી બેસશો. તમારા પત્રમાં પ્રાધ્યાપક હોરાસેફનું નામ વાંચી મને આનંદ થયો. એ વ્હાલસોયા વિદ્વાન માટે મારા મનમાં ખૂબ જ આદર અને કૃતજ્ઞતા છે. મારા આ મનોભાવની તેમને જાણ કરશો. તેઓ મને હજીયે યાદ કરે છે એ એમનું સૌજન્ય છે અને એ માટે હું કૃતજ્ઞ છું. તમે મોકલેલી રચનાઓ આ સાથે હું પાછી મોકલું છું. તમારા વિશ્વાસની માત્રા અને ભ્રાતૃભાવ માટે હું ફરી તમારો આભાર માનું છું. સહૃદયતાથી અને મને સૂઝ પડી એ રીતે અપાયેલા આ ઉત્તરમાં મેં મારી જાતને હું માનું છું તે કરતાં વધુ પાત્ર લેખવાનો પ્રયત્ન કર્યોે છે. ઊહાપોહ : જુલાઇ, ૧૯૭૩