રિલ્કે/15

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શોકપ્રશસ્તિ

બાળપણમાં મરણની આછી ઝાંખી થયેલી. ત્યારે એ કીડીના ચટકા જેટલું નાનું ને નગણ્ય હતું. ક્રીડાક્ષેત્રની સરહદની અંદર એ પ્રવેશી શકતું નહીં. કોઈક વાર અસાવધાનીને કારણે સહેજ ખુલ્લાં રહી ગયેલાં બારણાંની બીજી તરફ ધોળી ચાદરથી ઢંકાયેલો દેહ, ઘીનો દીવો – એવી એની અલપઝલપ રેખા દેખાતી, પણ બીજી જ પળે પતંગ, લખોટી કે ભમરડાની સૃષ્ટિમાં જતાં રહેવાતું. ત્યાં મરણની છાયા સરખી પ્રવેશી નહીં શકતી. એમ તો સદા છોલાયેલાં જ રહેતાં ઘૂંટણ, મલેરિયાથી થરથર ધ્રૂજતું લઘુક શરીર, તાવે રચેલું એકાન્ત, ક્રીડાક્ષેત્રમાંથી થયેલી હદપારી – આવાં નાનાં નાનાં દુ:ખ ત્યારે હતાં. આંખમાં ‘બોર બોર જેવાં’ આંસુ પણ આવતાં, પણ પછી નીતરી બનેલી આંખમાં ઉલ્લાસની ચમક જરાય ઝાંખી બનતી નહીં. મુખ પર શાશ્વત સ્મિત ધારણ કરનારી ઢીંગલી ને અડાબીડ વન વીંધીને પાર કરાવનારો લાકડાનો ઘોડો – આ બધાંની સૃષ્ટિમાં પરાયાપણું લાગતું નહોતું, શરીર અને મન, બહાર અને અંદર એવા કશા ભેદ જ ત્યારે નહોતા. બ્રહ્મનો ભ્રમ ત્યારે રજમાત્ર નહોતો! બધે માયા જ માયા હતી. એ શૈલૂષીના નૃત્યવિભ્રમે એવા તોે ચકચૂર હતા કે બારણાંની તરડમાંથી દેખાતી બીજી બાજુની છાયાની કશી પડી જ નહોતી! શરીર અને મનની એ આદિમ અભિન્નતામાં છિદ્ર પાડીને પ્રવેશવાની એ છાયાની મગદૂર નહોતી. એ સૃષ્ટિમાંથી જ્યારે અધોગતિ થઈ ને જ્ઞાનનું ફળ ચાખવા હદપાર થયા ત્યારે પાકવાને માટે સંતાડેલા સીતાફળ ’ઢ્ઢડે એ કીડીના ચટકા સરખા મરણને પણ સંતાડી આવ્યા હતા. પછી એને સાવ ભૂલી ગયા. પણ એ તો પાકતું જ રહ્યું, બે વિશ્વયુદ્ધોની આંચમાં એ પાકતું જ ગયું; હવે તો એનાં ફૂલેલાં નસકોરાંમાંથી નીકળતો વિષાક્ત ફુત્કાર, એની ધમનીઓેેમાંનો અન્ધ ઉન્માદ ક્યારેક આપણા ઉચ્છ્વાસ અને ધબકાર સાથે ભળી જાય છે. ત્યારે એકાએક ભાન થાય છે કે એ આપણી અંદર રહીને સદાય પાકતું જ જાય છે. હૃદયને એ ધક્કા મારે છે, આંખોને એ છલકાવે છે, શ્વાસનો લય તોડે છે, ચાલતાં ચરણનો પ્રાસ પણ એ ભાંગી નાંખે છે. ને ત્યારે રહી રહીને રિલ્કેની આ પંક્તિઓ યાદ આવી જાય છે :

For we are only the husk and the leaf.
The great
death each has in himself, that is the fruit
round which all revolves.

મરણ સૌ સાથે અન્તિમ વિચ્છેદ કરાવે તે પહેલાં એની ભૂમિકા ક્રમશ: આપણાથી અગોચરે તૈયાર થતી જ જતી હોય છે. એ વિષાદ છે કે મોક્ષ? મોક્ષમાં વિષાદ નથી જ શું? જીવનનાં મૂળ ઊંડે ઊંડે નાંખીને, લક્ષ લક્ષ બાહુ પ્રસારીને પોષણ મેળવતા રહ્યા ને જ્યારે ફળ પ્રકટ્યું ત્યારે જાણ્યું કે એમાં જ મરણને પરિપક્વ કર્યું! આ વિષાદનું ધીમે ધીમે ઘેરું થતું જતું ધુમ્મસ લોકારણ્યની વચ્ચે આપણને એકલાઅટૂલા પાડી દે છે. આ એકલવાયાપણું, આ શૂન્ય – એની સાથે દૃષ્ટોદૃષ્ટ થાય છે ત્યારે આજ સુધી સંચિત કરી રાખેલી ભાષા વડે એને તાગવા જતાં જ સમજાઈ જાય છે કે એ કેટલી તો ઊણી છે! મૃત્યુની સાથે સાથે જ પરિપક્વ થતી આવતી, પોતાનામાં રસનો સંચય કરતી આવતી, નવી ભાષાનો ત્યારે ખપ પડે છે. એ ભાષા અસાધારણ નથી હોતી. મૃત્યુ જેવી મહાન ઘટનાને વર્ણવવાને રિલ્કે બીજી શોકપ્રશસ્તિમાં જીવનની સામાન્ય અતિપરિચિત ઘટનાઓમાંથી કલ્પનો ઊભાં કરે છે :

... Like dew
from the morning grass what's ours exhales from us,
like the heat
from a smoking dish.

સવાર પડતાં તૃણાંકુરો પરથી બાષ્પીભૂત થઈને વિખેરાઈ જતું ઝાકળ, ગરમ ખાદ્ય પદાર્થની ભરેલી રકાબીમાંથી વરાળને રૂપે ધીમે ધીમે ચાલી જતી ગરમી – આ સામાન્ય અને અસામાન્યને ભેગાં મૂકવાથી કવિ એમાં રહેલી પરિમાણની વ્યસ્તતાને ભયાનકની અનુભૂતિના ઉદ્દીપન લેખે યોજે છે ને સાથે સાથે મૃત્યુ જે રીતે અદૃશ્ય અગોચર રહીને વ્યાપે છે તેનું પણ તાદૃશ આલેખન કરે છે. કવિના શબ્દો લોકોત્તર નથી હોતા, એમાંથી એ જે નિષ્પન્ન કરે છે તે ચમત્કારી ને અલૌકિક હોય છે. આથી જ રિલ્કેએ એની કાવ્યરચનાના પ્રારમ્ભના તબક્કામાં જ કહેલું :

The humble words that famish in dull day,
the inconspicuous words are what I love.
I gave them hues out of my festivals,
and then they smile and slowly become gay.

દિવસના નીરસ લોકવ્યવહારમાં રજોટાયેલા, આપણું કોઈ રીતેય ધ્યાન નહીં ખેંચે એવા, પોષણ પામ્યા વિના દુર્બળ થઈ ગયેલા શબ્દો જ કવિને તો ખપના; એને એ પોતા તરફથી આગવું પોષણ આપી શકે, એમાં ગાંઠનો નવો રસ સીંચી શકે, હૃદયમાં ચાલતા ઉત્સવો(કવિના હૃદયમાં તો અવિરત ઉત્સવ ચાલ્યા જ કરતો હોવો જોઈએ. ખુદ મરણને પણ એમાં બજવૈયા તરીકે ઢોલક લઈને ઘૂમવું પડે)નો રંગ ફિક્કા શબ્દો પર નવી ચમક લાવી દે છે; અને પછી એ શબ્દો પર આછું સ્મિત પ્રકટે છે, પછી ધીમે ધીમે એમના મુખ પર ઉલ્લાસની ચમક આવે છે. રિલ્કે આ શોકપ્રશસ્તિઓમાં (હા, શોકપ્રશસ્તિ શબ્દ રિલ્કેની આ કૃતિઓને વર્ણવવાને પૂરેપૂરો યથોચિત છે. એમાં લેમેન્ટ છે, તો સાથે પ્રેઇઝ પણ છે, બલકે એ બન્ને એની રચનામાં અવિનાભાવી છે) જે કલ્પનો યોજે છે તે બહુધા શ્રુતિગોચર છે, દૃષ્ટિગોચર નથી. આમ તો ભાષા સાંભળવાની વસ્તુ છે ને! પહેલી શોકપ્રશસ્તિનો પ્રારમ્ભ જુઓ:

Who, if I cried, would hear me among the angelic orders ?

આ પ્રશ્નચિત્કાર ઘણી મથામણ રૂંધામણને અન્તે કવિના મુખમાંથી નીકળી જતો હોય એવું લાગે છે. અન્તરીક્ષ તરફ ઉન્મુખ થઈને અસહાયતાભરી સ્થિતિમાં, ચારે બાજુની નિર્જનતા વચ્ચે ઊભા રહીને કવિ આ પૂછે છે. આ પ્રશ્નચિત્કાર ચારે બાજુના શૂન્યમાંથી ઘૂમરાઈને ગોરંભાઈને આપણા કાનમાં ગાજી ઊઠે છે. અન્યત્ર આવો જ ગોરંભાતો ધ્વનિ આપણને સાંભળવા મળે છે :

And yet, like a ship's siren, there howls within me at night
the vast interrogation ‘Whither, whither, whither ?’

અહીં રાત્રિના નિ:શબ્દ એકાન્તમાં ઊપડતી સ્ટીમરના ભૂંગળાના અવાજનું કલ્પન કવિના પ્રશ્નની આજુબાજુ શૂન્ય અવકાશને પ્રસારી દે છે, ને તેથી જ તો એક વાર પુછાયેલો પ્રશ્ન જાણે કે બધી બાજુથી અથડાઈને પડઘા પાડે છે. (રવીન્દ્રનાથની આવી જ પંક્તિઓ યાદ આવી તે ટાંકું?

રાતેર શંખકુહર વ્યેપે, ગમ્ભીર રવ ઊઠે કેંપે
સંગવિહીન ચિરન્તનેર
વિરહ-ગાન વિરાટ મનેર
શૂન્યે કરે નિ:શબ્દેર વિષાદવિસ્તાર.)

રાત્રિના શંખકુહરમાંથી વ્યાપી જતો ગમ્ભીર રવ કંપી ઊઠે છે. નિ:સંગ ચિરન્તનના વિરાટ ચિત્તનું વિરહગાન શૂન્યમાં નિ:શબ્દના વિષાદને વિસ્તારે છે. અહીં કવિ શ્રુતિગોચર કલ્પનને આપણી આગળ મૂર્ત કરે છે; ધ્વનિને જે વ્યાપ જોઈએ તે અહીં મળી રહે છે. આ પ્રકારનો કોસ્મિક સ્વીપ કવિને મહાકવિ બનાવે છે. પણ કવિ એ બે પંક્તિમાં પણ સિદ્ધ કરે, એને માટે દીર્ઘ કાવ્ય લખવું હંમેશાં જરૂરી નથી). આવી જ થોડી પંક્તિઓ રિલ્કેની નવમી શોકપ્રશસ્તિમાં છે :

Just once,
everything, only for once. Once and no more. And we too, once. And
never again. But this
having been once, though only once,
having been once on earth _ can it ever be cancelled?
(૯,૧૨-૧૬)

અહીં કોઈ વિશાળ ગુંબજની નીચે કે કોઈ નિર્જન ખંડેરની વચ્ચે ઊભા રહીને કોઈ બોલતું હોય એવા પડઘા પડતા સંભળાય છે. આ પૃથ્વી પર બસ એક જ વાર જીવી જઈને ચાલ્યા જવાનું – સદાને માટે ચાલ્યા જવાનું – એની વેદનાનો ઉદ્ગાર ‘વન્સ’ના પડઘા સચરાચરમાંથી સંભળાય એવી રીતે કાવ્યમાં વિન્યાસ પામે છે. પશુસૃષ્ટિ, વનસ્પતિ, માનવસૃષ્ટિ અને ઉપરનું આકાશ – આ બધાં જાણે કવિના પ્રત્યેક ઉદ્ગારનો પડઘો પાડીને એમાં અનુમતિ આપતાં હોય એવો આપણને ભાસ થાય છે. આને જ મળતું આવતું ઉદાહરણ સાતમી શોકપ્રશસ્તિમાં પણ છે :

Oh, to be dead at last and endlessly know them,
all the stars ! For how, how, how, to forget them!

(૭, ૨૮-૨૯)

મરણની ભયંકરતા અહીં કવિ કેવી રીતે શ્રુતિગોચર કરે છે! મરવું એટલે લય પામવો એવું નહીં, પછી તો અન્તરીક્ષમાં જવું, દરેક તારાને ઓળખવો ને એનો ક્યારે અન્ત આવે! બ્રહ્માણ્ડના અનન્ત વિસ્તાર વચ્ચેની નિર્જનતામાં એક તારાથી બીજા તારા સુધી ફર્યા કરતી દૃષ્ટિનો આ રઝળાટ કેવો યાતનામય હશે! આ તારાને શી રીતે હતા ન હતા માની શકાય, એનું શી રીતે વિસ્મરણ થઈ શકે? આથી ‘હાઉ, હાઉ, હાઉ’ના પડઘા પણ જાણે ગ્રહોનક્ષત્રો સાથે અથડાઈને વિરાટ વિસ્તારમાં રઝળતા હોય એવો આપણને ભાસ થાય છે. આ શોકપ્રશસ્તિઓમાં પડઘા પાડતા પ્રશ્નો, આત્મસંલાપ, અદૃશ્ય નિયતિને સમ્બોધનો, વિષાદના નિ:શ્વાસ, ઉલ્લાસના ઉચ્છ્વાસ – આ બધું ફરી ફરી આપણને સંભળાય છે. છન્દો કેટલીક વાર શ્લથ મન્થર ગતિએ ચાલે છે, કેટલીક વાર વિરામ વિના એકીશ્વાસે વહી જતી પંક્તિઓ આવે છે, તો કેટલીક વાર કવિ વિન્યાસમાં જાણી કરીને શિથિલ બન્ધ યોજે છે. કેટલીક વાર એક મુદ્દો નિરૂપતાં નિરૂપતાં કવિ એને જાણી કરીને પડતો મૂકે છે, પણ તેથી એ ભુલાઈ જતો નથી, ફરી નવા વેગ સાથે એ કાવ્યમાં પ્રવેશે જ છે. આ કાવ્યોમાં કોઈક વાર (પહેલી શોકપ્રશસ્તિમાં છે તેમ) દબાવી રાખેલાં હીબકાં ‘શ’ અને ‘ફ’ વર્ણોનાં આવર્તનોથી સૂચવ્યાં છે; તો ગૌણ વાક્યો અને એ વાક્યોમાં પૂછેલા પ્રશ્નોથી કવિની દ્વિધા અને મથામણ પણ સમર્થ રીતે પ્રકટ થઈ છે. આ કાવ્યપ્રકારને કવિએ આ રચનાઓથી એક વિશિષ્ટ રૂપ આપ્યું છે.

3

રિલ્કેએ આ કાવ્યગુચ્છ લખવો શરૂ કર્યો તે પહેલાં ૧૫-૨૩ જાનેવારી, ૧૯૧૨માં ‘ધ લાઇફ ઓફ મૅરી’નો ગુચ્છ રચેલો. કુમારી મૅરીની સ્તુતિમાં ગ્રીક ભાષામાં લખાયેલું એક સ્તોત્ર ત્યારે એના વાંચવામાં આવ્યું હતું. એમાં જોસેફના મનમાં સંશય જાગે છે ત્યારે ફિરસ્તો એને ઠપકો આપે છે એ પ્રસંગ છે. એ વખતની જોસેફની સંશયાકુલ સ્થિતિને વર્ણવતાં મૂળ કવિએ ‘ઝંઝાવાત’ શબ્દ પ્રયોજ્યો છે. પણ એનો જર્મન ભાષામાં અનુવાદ કરનારે (કદાચ લહિયાના અક્ષરો નહીં ઉકેલી શકવાને કારણે) Raum એવો શબ્દ આપ્યો છે. એનો અર્થ space – અવકાશ થાય છે. આથી જોસેફના હૃદયમાં ઝંઝાવાત જાગ્યો એમ નહીં પણ જોસેફના હૃદયમાં વિશાળ અવકાશ પ્રકટ થયો એવો અર્થ રિલ્કેએ કર્યો. આમાંથી (આખરે તો એક લહિયાના પ્રતાપે) રિલ્કેની બહુ પ્રિય સંજ્ઞાઓેે heart-space, inner-space ઉદ્ભવી. રિલ્કેની કવિતાઓમાં બદ્ધ અને મુક્ત અવકાશ બહુ મોટો ભાગ ભજવે છે. અસ્તિત્વના અનુભવોને અવકાશનાં વિભિન્ન કલ્પનો દ્વારા મૂર્ત કરવાનું એને વધુ ફાવે છે. સમય અને અવકાશનો સન્નદ્ધ બન્ધ ગૂંથી શકાય એવાં કલ્પનોનો એને ખપ હતો. એ બે મળીને એક નવી સત્તાનો અનુભવ આપણને કરાવે છે. એને મન દૂરતા એ જોનાર અને દૃશ્ય પદાર્થ એ બે વચ્ચેનું તંગ ખેંચાણ માત્ર છે. એ ખેંચાણ દૂર થતાં નર્યો શુદ્ધ પ્રસાર વિસ્તરી રહે છે, જેને નથી આદિ, નથી અન્ત. નાનું સરખું ગામડું જોઈને એને વર્ણવતાં એ કહે છે : Transition between two endless spaces. ને એ ગામડાનું છેલ્લું ઘર તે વિશ્વને છેડે ઊભેલા કોેઈ ઘરના જેવું અટૂલું લાગે છે. ભગવાનનું વર્ણન પણ એ અવકાશની પરિભાષામાં જ કરે છે. ભગવાન શાશ્વતનાં વિશાળ મેદાનો પરની પ્રભાતની આભા છે... કાળની રાત્રિ પૂરી થયા પછીનો કુક્કુટધ્વનિ છે. મરણ એટલે જ મુક્ત અવકાશ; રિલ્કેના શબ્દોમાં કહીએ તો ઓપનનેસ. એક બાજુ આપણી ચેતનામાં એ બાહ્ય વિશ્વને જેટલું આત્મસાત્ કરી શકીએ, જે કાંઈ દૃશ્ય છે તેને આપણામાં ઇનવિઝીબલ બનાવીને સમાવી લઈએ તેટલે અંશે વિશ્વ ’ઢ્ઢડે આપણે અભિન્નતા સિદ્ધ કરી એમ ગણાય. દરેક શ્વાસોચ્છ્વાસની સાથે આપણે વિશ્વમાંના એ વિરાટ અવકાશને આપણામાં નથી સમાવતા? આથી આપણું શ્વસન જ રિલ્કેને મન અદૃશ્ય કાવ્ય છે. કવિ જે લયનો સાક્ષાત્કાર કરે છે તેનું સામું પલ્લું સ્થિર રાખનાર વજન આ શ્વસન જ છે. એ શ્વસનને કારણે દૂર દૂરનાં નક્ષત્રોનો સ્પર્શ પણ આપણામાં પ્રવેશે છે; ઘણા મરુતો આપણને પુત્રવત્ લાગે છે. જે આપણાથી ઇતર છે તે આ રીતે સ્વકીય બનતું જાય છે. આ અનુભવને વર્ણવતાં રિલ્કેએ એના પત્રમાં લખ્યું છે :

...the infinite passed into him from all sides so intimately
that he imagined that he felt the gentle presence of the
stars which had entered his breast.

રવીન્દ્રનાથે પણ બ્રહ્માણ્ડ સાથેની આવી એકલતાના અનુભવને ગાયો છે : ‘લક્ષ જોજન દૂરેર તારકા સેઓ મોર નામ જાને.’ બાહ્યને અન્તરમાં આત્મસાત્ કર્યા પછી એને વ્યક્તિગત ગણીને જાળવી રાખવાનું શક્ય બનતું નથી. એને મૃત્યુના મુક્ત અવકાશમાં વિસજિર્ત કરી દેવાનું જ રહે છે. મૃત્યુનો એ શુદ્ધ અવકાશ – એ તરફ સૌને અભિમુખ થવાનું છે. પુષ્પો એ મુક્ત અવકાશમાં જ ઉન્મુખ બનીને ખીલે છે ને પછી આત્મસમર્પણ કરી દે છે. પુષ્પ ખીલતી વેળાએ બીજા પદાર્થો તરફ ઉન્મુખ બનીને જોતું નથી, તેથી જ એના વિકસનમાં નિર્બાધતા છે. આ મુક્ત અવકાશને એની લાક્ષણિક રીતે ઓળખાવતાં રિલ્કે કહે છે : nowhere without no. એ આ કે તે સ્થળે નથી એમ કહેવાથી તો એને પરિમિત કરી દેવા જેવું થાય; એ ક્યાંય નથી એમ કહીએ તો નેતિવાચક વર્ણન થયું; આથી બીજા નકારથી નેતિનો છેદ ઉડાવીને વર્ણન કર્યું. એ અવકાશ કલુષિત થયેલો હોતોે નથી. બહારના એ મુક્ત અવકાશને જો આપણે આપણી નિદ્રામાં ચેતનાના ઊંડામાં ઊંડા સ્તર સુધી લઈ જઈ શકીએ, એ સમસ્ત સહિત ગાઢ નિદ્રામાં નિમજ્જન કરી શકીએ તો એના ઊંડાણમાં કલવાઈને એ બધું કેવું તો હળવું ફૂલ બની રહે! કદાચ મરણમાં આ સ્થિતિનો અનુભવ થતો હશે. આવી નિદ્રામાંથી જાગનારો બીજે દિવસે નવી પ્રફુલ્લતા સહિત વિશ્વમાં આંખ ખોલે. એનામાં પછી કશું વાસી ઉબાઈ ગયેલું નહીં રહે. આ શુદ્ધ અને મુક્ત અવકાશ તે જ શાશ્વતી. એક ક્ષણમાં પણ એનો સાક્ષાત્કાર થઈ શકે. કવિની આન્તરચેતના અને આ મુક્ત અવકાશ – આ બેના સન્નિકર્ષથી જે નવીન અને અપૂર્વ ઉદ્ભવે તે કળા. રાત્રિના અન્ધકારમાં રિલ્કે ઘણી વાર આ મુક્ત અવકાશને અનુભવે છે. એ કેટલીક વાર ભયંકર એકલવાયાપણાની અસહાયતાનો અનુભવ કરાવે છે, વિશાળ આકાશમાં કોનો સહચાર આશ્વાસનરૂપ થઈ પડે એવો પ્રશ્ન પ્રથમ શોકપ્રશસ્તિમાં કર્યા પછી એની દૃષ્ટિ રાત્રિ પર સ્થિર થાય છે, ને કવિ બોલી ઊઠે છે :

Oh, and there's Night, there's Night, when wind full of cosmic space feeds on our faces: ...

આ રાત્રિ કાંઈ આશ્વાસનરૂપ નથી, એના વિરાટ અવકાશના સ્પર્શવાળા મરુતો એની અનેક જિહ્વાઓથી જાણે આપણને ચાટીને નિ:શેષ કરી નાખે છે. એ રાત્રિ આશ્રય આપતી નથી, એના મરુતો આપણને એની જિહ્વાઓથી ભક્ષી જાય છે! આ રાત્રિના અન્ધકારમાં જ આપણાં પરિમાણો આકાર પામે છે, આપણા હૃદયમાં મૌન પુષ્ટ થાય છે ને વિશ્રબ્ધિને તળિયે ડૂબકી મારી જઈને વસ્તુમાત્રના અન્તર્ગત આન્દોલન સાથે આપણે એકરૂપ થઈ જઈએ છીએ. સાવ નિશ્ચલ નિસ્તરંગ જળમાં પછી આપણી ગતિ નાનો સરખો તરંગ ઉપજાવતી નથી, કારણ કે પછી એ આપણી ક્યાં રહી હોય છે? આ અગાધતા જ મૃત્યુ નહીં? પણ કવિને અનુભવનું આ પરિમાણ સિદ્ધ કર્યા વિના કેમ ચાલે? આ પરિમાણ સિદ્ધ કર્યા વિના એની અનુભૂતિને એનો સાચો આકાર પ્રાપ્ત થાય નહીં. રિલ્કેએ પોતાને થયેલો આવો અનુભવ ભારે સૂક્ષ્મતાથી વર્ણવ્યો છે. આ શોકપ્રશસ્તિના રચનાકાળ દરમિયાન જ એ અનુભવ એને થયેલો. એક વૃક્ષની બે પાંખાળી ડાળને અઢેલીને એ આરામથી ઊભો હતો. એવી સુખદ સ્થિતિમાં થોડી વાર ઊભા રહ્યા પછી એને એક વિલક્ષણ અનુભૂતિ થઈ. વૃક્ષના થડમાંથી ઉદ્ભવતાં આંદોલનો એ જાણે પોતાના શરીરની બહાર રહીને જોઈ રહ્યો હોય એવો એને અનુભવ થયો. એ શરીર પોતે જ જાણે કે એક નવું ચૈતન્ય હોય ને એનાથી નિરપેક્ષપણે સંવેદનો અનુભવતું હોય એવું એને લાગ્યું. પોતાની કઈ ઇન્દ્રિય વડે એ આ સંવેદનો અનુભવી રહ્યોે છે તે આથી જ એ શોધી શક્યો નહીં. આથી જ આ અનુભવને સુખદ કે દુ:ખદ એવી સંજ્ઞાથી વર્ણવી શકાય તેમ નહોતું. આમ છતાં એણે ભારે સાવધાનીથી આ પરિસ્થિતિનો તાગ કાઢવાનો પ્રયત્ન કર્યો. આમ કરવા જતાં એને નવો સાક્ષાત્કાર થયો. એને લાગ્યું કે એ હવે પ્રકૃતિની સામી બાજુએ પહોંચી ગયો છે. પોતાના જ શરીરમાં એ આગન્તુકની જેમ વસતો હોય એવું એને થયું. પછીથી, આ વિલક્ષણ અનુભવ અળપાઈ ન જાય તેની સાવધાની રાખીને, એણે પોતાની ચારે બાજુ નજર કરી, આજુબાજુના પરિચિત પદાર્થોને ઓળખ્યા, એને બધું યાદ આવ્યું, પણ હવે જાણે એ બધું કોઈ દૂરના સમયનું હોય એવું એને લાગ્યું; કોઈક કાળે એનો આ બધા ’ઢ્ઢેડે સમ્બન્ધ હોય એવી માત્ર સ્મૃતિને જ જાણે એ તાદૃશ ન કરતો હોય! આ બંનેથી એ સ્વતન્ત્ર હતો. આ ક્ષણે કોેઈએ એનો સમાધિભંગ કર્યો હોત તો કદાચ એને ભારે આઘાત લાગ્યો હોત. એ સમય દરમિયાન એ ઘરનાં મૃતજનો પૈકીનું કોઈ જો કબરમાંથી ઊભું થઈને આવ્યું હોત તો એની ’ઢ્ઢડે એણે સ્વાભાવિકતાથી વાત કરી હોત. દૂર દૂર ચાલી આવ્યા પછી પાછું વાળીને એ જાણે વિશ્વને જોતો હોય એવું એને લાગ્યું. આથી આ ‘જોવા’માં એક નવો સ્વાદ ભળ્યો :

as if everything had been spiced with a touch of the
blossom of farewell.

કાપ્રીના નિવાસ દરમિયાન એક પંખીનો ટહુકો એની ચેતના સાથે એવો તો અભિન્ન ભાવે ભળી ગયો હતો કે શરીરની સીમાઓ ભેદ્યા વિના જ, સીધો, એ જાણે એનામાં પ્રવેશી શક્યો હોય એવું એને લાગ્યું હતું. ટહુકાનો પ્રતિધ્વનિ પાડતી પોતાની ચેતના અને ટહુકો બંને એક અખણ્ડ અવકાશમાં એકરૂપ થઈ ગયાં હતાં, એને બીજાં સ્તર નહોતાં. એ વખતે એણે આંખો બંધ કરી દીધી હતી, જેથી પોતાના શરીરની આકારરેખા વિક્ષેપકારક ન બને. એ ક્ષણે શાશ્વતીનો નિર્બન્ધ પ્રવાહ એનામાં થઈને વહી જતો એણે અનુભવ્યો હતો. આકાશમાં જ ઊગેલા તારા જાણે પોતાના ચિદાકાશમાં ઊગીને એમનું સૌમ્ય તેજ વેરી રહ્યા હોય એવું એને લાગ્યું હતું. આવી સમ્પૂર્ણ શરણાગતિ સંભવે ત્યારે જીવનમૃત્યુની સીમારેખાઓ ભુંસાઈ જાય છે. ત્યારે આપણા બધા જ કાળ શિશુની જેમ આપણી ચેતનામાં ક્રીડા કરતા દેખાય છે. માનવો સાથેના સમ્બન્ધમાં કશુંક આછું આવરણ આપણી ને બીજા વચ્ચે છવાઈ જઈને જુદા પાડી ન દેતું હોય એવું આપણને લાગે છે. એ હોય છે તો માત્ર આછો, લગભગ પારદર્શી, અવકાશ. પણ એને ભેદી શકાતો નથી, એમાં ઓગળી જઈ શકાય ખરું! એમાંથી એક એક અનુભવને નોખા નોખા પસાર કરી શકાય, પણ એ અનુભવો વચ્ચેના સમ્બન્ધને તો એ અવકાશ શોષી જ લે. આ વિચ્છેદ આપણી જેમ જ બીજા અનુભવતા હશે ખરા? આથી એક પ્રકારનો નિર્બન્ધ વ્યવહાર કરવાની મોકળાશ આપણને મળે છે ખરી? પ્રેમીઓે પણ આ અવકાશને ભેદીને આલંગિન કરી શકતાં નથી. આલંગિન કરતી વેળાએ આ અવકાશને જ ખરેખર તો એઓ આલંગિતાં હોય છે. આલંગિનના આવેગથી સંચારિત અવકાશ આકાશમાં કોઈક પંખીની પાંખને વેગ આપે કદાચ, પણ પ્રેમીઓે તો કદી અભિન્ન થઈ શકતાં નથી. આપણા સૌની આજુબાજુ આ શૂન્ય અવકાશનું વાતાવરણ છે. બાકીનું બીજું બધું એની બહાર છે.

ઓડેને રિલ્કેને Santa Claus of loneliness કહ્યો છે. રિલ્કેમાં પયગંબરી અભિનિવેશ દેખાય છે. એ ગુહ્યમાં શ્રદ્ધા ધરાવે છે, એનું ‘દર્શન’ ઘણી વાર આપણા ગળે ઊતરે એવું હોતું નથી. આમ છતાં એની અભિવ્યક્તિને માટેની એની નિષ્ઠા ને એ નિમિત્તે ભાષા જેવા નબળા માધ્યમ પાસેથી એણે કઢાવેલું કામ ’ઢ્ઢઈને આપણે ચકિત થઈ જઈએ છીએ. મને આ દસ રચનાઓ પૈકીની કઈ ગમે છે એ કહેવું સહેલું નથી. આમાં કોઈ અણમાનીતી નથી, બધી જ માનીતી છે. પણ એ બધાની ક્યાંથી વાત થાય? એ પૈકીની એક (જે કદાચ બીજાને સારી નહીં પણ લાગે) – ચોથી શોકપ્રશસ્તિ મને વધારે ગમે છે, એ વિશે થોડુંક કહેવાનું મને મન છે. આ રચનામાં નાટ્યાત્મકતા, અત્યંત સંયત સ્વરૂપની ને માટે જ ધનુષ્યની પણછના જેવી સન્નદ્ધ નાટ્યાત્મકતા છે. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન એ રચાઈ હતી. આથી એ સમયનો કવિનો આન્તરિક સંઘર્ષ પણ એમાં સૂક્ષ્મ રૂપે મૂર્ત થયો છે, એમાં કવિના અંગત જીવનનાં પણ કેટલાંક દૃશ્યો વણાઈ ગયાં છે. એના કેન્દ્રમાં મૂળ પ્રશ્ન છે તે કલાની વાસ્તવિકતાનો. અન્યત્ર રિલ્કેએ ઉદ્ગાર કાઢ્યો હતો :

O what a world is this ! Pieces, pieces of men, parts of animals, remains of things that have been, and still in movement, driving confusedly as in some uncanny wind, carried and carrying, falling and overtaking itself in its fall.

પહેલા વિશ્વયુદ્ધે સર્જેલા ભંગારનું આ તાદૃશ વર્ણન છે. આ બધાંમાંથી કશુંક અખણ્ડ સરજી શકાય ખરું? વૃક્ષોના જીવનમાં ઋતુઓ વરતાઈ આવે છે, પણ આપણે માનવીઓ આપણા હૃદયની આબોહવા પારખી શકીએ છીએ ખરા? આપણે એક અને અખણ્ડ નથી. ઋતુના બદલાવાનો અણસાર પામીને જ સ્થળાન્તર કરતાં પંખીઓની સાહજિક સૂઝ આપણામાં નથી. આથી પ્રતિકૂળ પવનમાં આપણે ઊડવા મથીએ છીએ ને થીજી ગયેલા સરોવર પર ઊતરીએ છીએ ત્યાં આવકાર પામતા નથી. પુષ્પ અને ફળ – આ બન્ને સ્થિતિ વચ્ચે આપણે અવકાશ રાખતા નથી. પ્રકૃતિમાં આ સ્થિત્યન્તરોનો જે ક્રમ છે તે આપણે જાળવી શકતા નથી. આપણે એકમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે પછીની સ્થિતિ સાથેનો સંઘર્ષ અને એને માટે ચૂકવવાનું મૂલ્ય – આનું ભાન આપણને હોય જ છે. આથી જ રિલ્કે કહે છે : The next's our enemy. દરેક ક્ષણ પોતપોતાનામાં પર્યાપ્ત થઈને રહે તો સંઘર્ષ જ નહીં રહે, પણ એની પછી બીજી ક્ષણ આવે છે ને એ સંઘર્ષ ઊભો કરે જ છે. માનવસમ્બન્ધોમાં પણ એવું જ નથી? પ્રેમી પોતાની પ્રેમિકામાં વધુ અવકાશ મેળવવા ઝંખે છે, આથી એ એને અનુસરે છે, એને સતત શોધતો પાછળ પાછળ ભટકે છે ને આખરે ઘરની આશ્વસ્તતા પામવા મથે છે. પણ વાસ્તવમાં એવું બને છે ખરું? આપણા જીવનની ઘટનાઓ તે કોઈ ચિત્રમાંના જુદા જુદા રંગના લસરકા જેવી છે, એકના વિરોધમાં બીજા રંગને એમાં ઉપસાવવામાં આવ્યો હોય છે. આ વિરોધની ભૂમિકા – a ground of contrast's painfully prepared – આપણા અનુભવમાત્રનું અનિવાર્ય ઘટક બની રહે છે. આગામી વેદનાની કલ્પના જ વર્તમાનના સંવેદનને કેમ જાણે ‘સુખ’ની સંજ્ઞા આપતી હોય! આપણામાં ઉદ્ભવતી ને આપણા વડે અનુભવાતી લાગણીઓનાં રૂપને આપણે નથી ઘડતા! એને ઘડનારાં બાહ્ય બળોને જે કેવળ આપણે જાણીએ છીએ. લાગણીના પૂરેપૂરા વ્યાસને આપણે કદી પામી શકતા નથી, આપણી પરિમિતતાના સન્દર્ભમાં એનો જેટલો અંશ ઊપસી આવે છે તેટલાને જ આપણે બહુ બહુ તો જાણીએ છીએ. આટલે આવ્યા પછી એકાએક કવિના જીવનનું એક દૃશ્ય આ રચનામાં વણાઈ જાય છે. કવિ કહે છે : પોતાના જ હૃદયના ખૂલનારા પડદા આગળ કોણ ઊંચે શ્વાસે નથી બેસતું? એ પડદો ઊઘડે છે. પહેલું દૃશ્ય છે વદાયનું. એ તો આપણને માનવીને સમજાયા વિના રહે? એ પરિચિત ઉદ્યાન (પ્રકૃતિ અને માનવીનું મિલનસ્થાન) જે પવનમાં આછું ઝૂલે છે (કે પછી નાટકમંડળીનો ઉદ્યાનનું દૃશ્ય બતાવતો જીર્ણ પડદો આછો આછો હાલે છે? આખરે આ નાટક જ છે ને!) ને ત્યાં એક નૃત્યકાર પ્રવેશે છે. એને ’ઢ્ઢતાં જ કવિ ચિત્કાર કરી ઊઠે છે : Not him! ના, એ નહીં, બસ, બહુ થયું. એ ભલે ને ગમે તેટલી ચાતુરીથી અભિનય કરતો હોય, છતાં એનું મહોરું એના ચહેરાથી નોખું પડી આવે છે. એ આપણા જેવો ઘરખૂણિયો આદમી છે, એ રસોડામાં થઈને ઘરમાં પ્રવેશે છે. આમ ઉદ્યાનની રોમેન્ટિકતા રસોડા આગળ પૂરી થાય છે. મહોરું પહેરવાથી કાંઈ કલાકાર થઈ જવાતું નથી કે જંદિગીની કપરી વાસ્તવિકતા સાથે ઢાંકપિછોડો કરી શકાતો નથી. અરધાપરધા આવા કલાકારો કરતાં તો સો ટકા ખોટી (અથવા બીજી રીતે કહીએ તોે સાચી) ઢીંગલીઓ સારી. એમાં ભરેલું ભૂસું, એના શરીરના તાર, ને એના પરનું કડક કપડું, એના મુખ પરની શાશ્વત મુદ્રા – આ બધું કવિને વધુ સ્વીકાર્ય છે. કવિ બેઠાં બેઠાં આ કઠપૂતળીનો ખેલ ’ઢ્ઢવા તૈયાર છે. નાટ્યશાળાના દીવા બુઝાઈ જાય પછી, ‘હવે ખેલ ખતમ થયો’ એમ સૂત્રધાર કહે ત્યાર પછી પણ, રંગમંચ સુધ્ધાં ખાલી થઈ ગયો હોય ત્યારે, એની રિક્તતામાંથી વાતી ભૂખરને સહી લઈને આજુબાજુમાં કોઈ અવાક્ પૂર્વજ બેઠા નહીં હોય કે હૂંફ આપનાર કોઈ નારી નહીં હોય તોય, સાવ એકાકી કવિ બેસી રહેવા ઇચ્છે છે, કારણ કે there's always some spectacle to lookat! આ દુનિયામાં કવિને ક્યારે જોવાનું ખૂટે છે! પણ કવિના આ મરણિયાવેડા શા માટે? બે પેઢી વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ ચાલે છે. પિતાને સમ્બોધીને કવિ કહે છે : મારા જીવનનો પ્રવાહ તમને કટુ નહોતો લાગ્યો? મારા ભાવી વિશે તમે સચિન્ત નહોતા બન્યા? આથી પિતા પુત્રની આંખમાં મીટ માંડે છે ત્યારે એની દૃષ્ટિ એમને ડહોળાયેલી લાગે છે. આ ધૂંધળાપણું એની આન્તરિક અનિશ્ચિતતાને કારણે છે. આ જ પ્રશ્ન કવિ એને ચાહનારી બીજી વ્યક્તિઓને પૂછે છે. પ્રેમનો પ્રારમ્ભ થતાં જ કવિ તો એનાથી મુખ ફેરવીને ચાલતા થાય છે. રિલ્કેની આ અંગત પશ્ચાત્તાપની લાગણી છે. એ કદી પ્રેમથી બંધાઈને રહ્યો નહીં. એનું કારણ એ અહીં આમ આપે છે: ...because the space within your faces changed, even while I loved it, into cosmic space where you no longer were... કવિ તો કેવળ cosmic spaceની શોધમાં હતા. કોઈ વિશિષ્ટ વ્યક્તિની શોધમાં નહીં. આથી કવિ કઠપૂતળીનો ખેલ ’ઢ્ઢવાનું પસંદ કરે છે ને એને એવી તો ઉત્કટતાથી જુએ છે કે એ ઉત્કટતાના નમી ગયેલા પલ્લાને સરખું કરવા સામે પલ્લે ફિરસ્તાને જ મૂકવાનો રહે છે – આ પૃથ્વી પરનું બીજું કશું એ પલ્લામાં આવી શકે નહીં. આથી કવિ, કંઈક વ્યંગના કાકુ સહિત ઉદ્ગાર કાઢે છે : Angel and doll! Then there's at last a play. ને આખરે ઢીંગલી અને ફિરસ્તો, આ બે પાત્રોનું નાટક જામ્યું ખરું! ઢીંગલી અભિનય કરે છે, ને ફિરસ્તો દોરીસંચાર કરે છે. એ ઢીંગલી શું કરે છે તે જોતો નથી, તે એ પરત્વે સાવ ઉદાસીન છે. આ બેના મિલનમાં અન્તરાયરૂપ કશું થતું હોય તો માનવી. એની દ્વિધાગ્રસ્ત ચેતના ઢીંગલી અને ફિરસ્તાના અખણ્ડ અસ્તિત્વને શી રીતે તાગી શકે? પણ ઢીંગલી અને ફિરસ્તો – આ બે મળતાં વર્તુળ પૂરું થાય છે. આ વર્તુળ જ્યાં પૂરું થાય છે ત્યાં અખણ્ડતાની ઝાંખી થાય છે. એ સ્થિતિએ નાટકની – કળાની શક્યતા ખરી. આટલે આવ્યા પછી કવિની લાગણીના તંગ દોર ઢીલા પડે છે. માનવીની દ્વિધા પશુમાં નથી; નટ કે અભિનેતા પોતાનો પાઠ ભજવતી વેળાએ એ પાઠ સાથે અભિન્નતા અનુભવે છે, એટલા પૂરતો એ દ્વિધાગ્રસ્ત નથી, તેમ છતાં એ માનવી અને મહોરાનું અધકચરું સંમિશ્રણ બનીને અટકી જાય છે. તો નર્યું મહોરું – કઠપૂતળી જ અખણ્ડ કહેવાય? આવો ક્રમ આ કૃતિમાં છે. રિલ્કે કલ્પે છે તેવી અખણ્ડતા આપણા નસીબમાં છે ખરી? એ કેવળ મુક્ત અવકાશમાં અભિન્ન બની ગયા પછી, ફિરસ્તાની અવસ્થાને પામીને અન્તરીક્ષમાં પહોંચ્યા પછી, શક્ય નથી? આમ છતાં, દ્વિધાના દૂઝતા વ્રણને સ્વીકારીને માનવી નિયતિથી દૂર ભાગતો છતાં, એમ કરીને જ પોતાની નિયતિને ઘડતો જાય છે. આથી જ કદાચ માનવી ચાહવા જેવો લાગે છે. રિલ્કેએ અનુભૂતિનાં નવાં પરિમાણનો સ્વાદ કરાવ્યો છે તેનો જગતની કોઈ પણ કવિતાને ખપ છે. એ આપણી ચિત્તધાતુમાં એકરસ થાય, આપણાં સંવેદનોને એનો પુટ ચઢે તે જરૂરી છે.