રિલ્કે/7

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાલ્યાવસ્થા

બાલ્યાવસ્થાના પ્રસંગને નિરૂપતી રિલ્કેની એક અદ્ભુત કવિતા છે. બાળપણમાં મા તે આપણને વીંટળાઈને રહેલું આકાશ છે. એમાં જ આપણા સૂર્યચન્દ્ર અને ગ્રહનક્ષત્રો પ્રકાશે છે. કવિએ કોઈ ચિત્રકારની રીતે આખા કાવ્યનું સંયોજન કર્યું છે. ચિત્રમાં આવે છે તેવી અગ્રભૂમિ અને પશ્ચાદ્ભૂમિ બંને એમાં છે. અમેરિકી કવિએ આ કાવ્યની સરખામણી રેમ્બ્રાંના ચિત્ર સાથે કરી છે તે યથાર્થ જ છે. એમાં પ્રકાશછાયાનું સંયોજન, રેમ્બ્રાંનાં ચિત્રોમાં થતું હોય છે તેવું થયેલું લાગે છે. એમાં બે જ પાત્રો છે. બાળક તો મનસ્વી, કોઈ વાર એને ગોઠિયા વગર ગમે નહિ, તો કોઈ વાર એ પોતાનામાં જ મસ્ત બનીને એકલું એકલું રમે. ઢળતી સાંજે આમ બાળક એકલું રમતું હોય અને રમતમાં એવું તો મશગુલ હોય કે અન્ધકાર ધીમે ધીમે ગાઢો થતો ગયો તેનું એને ભાન ન રહે. ઓરડામાં જ અન્ધકારનું પ્રાચુર્ય અને અન્ધકારનું જ ઐશ્વર્ય છવાઈ જાય. બાળકને એ અદ્ભુત ખજાના જેવો લાગે. એનું વિસ્મયસમૃદ્ધ એકાકીપણું માણતું બાળક બેઠું જ રહે. આજુબાજુ બધું જ શાન્ત, ત્યાં માને ચિન્તા થઈ : ક્યાં ગયો મારો લાડકો? મા એ ઓરડામાં પ્રવેશે તે જાણે નિદ્રામાં ચોરપગલે પ્રવેશતાં કોઈ સ્વપ્નની જેમ પ્રવેશે. મા આવી એની ખબર શી રીતે પડી? કબાટમાં કાચનાદ્વ વાસણ મૂકેલાં તેમાંનું એકાદ વાસણ હાલ્યું અને હાલતાંની સાથે રણકુ ું, માને થયું : આણે મારી ચાડી ખાધી. મારે તો પાછળથી જઈને એને ઊંચકી લેવો હતો. ઓરડાએ માને છતી કરી દીધી. પછી તો માથી રહેવાય શી રીતે? તરત જ ઝૂકીને લાડીલાને ચૂમી લીધો અને પૂછ્યું, ‘તું અહીં જ છે ને?’ ચુમ્બનથી પ્રતીતિ તો થઈ, પણ આવી સુખદ પ્રતીતિને દોહરાવવાનું ગમે, બીજાને પણ આ આનન્દમાં સહભાગી બનાવવાનું ગમે. અહીં તો માદીકરા વચ્ચેની સંતાકૂકડી રમાય છે. પછી બંનેએ સફાળા પિયાનો તરફ જોયું. ઘણી વાર સાંજે મા પિયાનો વગાડે અને દીકરો એમાં ગુલતાન થઈને, જાણે સમાધિમાં હોય તેમ, બેસી રહે. આમ તો ઓરડામાં ઘણો બધો અસબાબ, પણ કવિની દૃષ્ટિ એક કાચને અજવાળે છે, બીજું નજરે ચઢે છે તે પિયાનો. આ સમગ્ર સમ્બન્ધશૃંખલાને ચિત્રકારે અને કવિએ તો એક ક્ષણમાં જ સમેટી લેવી પડે. એ ક્ષણ તે મા પિયાનો વગાડતી હોય છે તે ક્ષણ. આંગળી પરની મોટી વીંટીવાળો હાથ પિયાનો પર ફર્યા કરે – જાણે સદા ફર્યા જ કરે અને બાળક એને સદા જોયા જ કરે. ચિત્રની રીતે જુઅત્ન દ્મો મા અને દીકરાને કવિએ અમુક અન્તરે રાખ્યા છે. મા બાળકને પાસે લઈને છાતીસરસો ચાંપે કે ખોળામાં બેસાડીને હાથ ફેરવે એવી યોજના સાવ રેઢિયાળ બની ગઈ હોત. અહીં તો બે જુદાં જુદાં વિશ્વોની ત્રિજ્યાઓ વિસ્તરી એકબીજાને મળે છે (અથવા સ્પર્શીને ચાલી જાય છે). મા જાણે છે કે દીકરો પાસે જ છે, પણ એનું ધ્યાન સંગીતના સૂરોના સંયોજન તરફ છે; દીકરો જાણે છે કે મા પાસે જ છે, પણ એ દોડીને માના ખોળામાં બેસીને સૂરભંગ કરતો નથી. રિલ્કેને બહુ પ્રિય એવી આ ભાવના છે. પ્રેમીઓએ પણ એકબીજાના એકાન્તનું રક્ષણ કરવું. કશા ઉત્તેજનાપૂર્ણ અભિનિવેશથી એ એકાન્તને વિક્ષુબ્ધ ન કરવું એવું એણે કહ્યું છે. આમ બાળક પોતાના એકાન્તથી આવૃત છે. એની વિસ્મયવિસ્ફારિત દૃષ્ટિ પિયાનો પર ફરતા માના હાથ પર ઝળુંબી રહી છે. વીંટીના ભારથી માનો હાથ જાણે ઝૂકી ગયો છે; એ પિયાનોની ધોળી ચાવીઓ પર ફરે છે તે જાણે વરસતા બરફ વચ્ચેથી ગતિ કરીને આગળ વધતો હોય એવું લાગે છે. અન્ધકારની પશ્ચાદ્ભૂની પડછે કવિએ આ ચિત્ર ઉપસાવી આપ્યું છે. બાળકની દૃષ્ટિએ જગતને જોવું એ ભારે અઘરી વાત છે. આપણી વિદગ્ધતા વારે વારે બાળકની મુગ્ધતાને પામ્યા વગર પાછી આવે છે. બાળકની દૃષ્ટિ પણ પોતાની આગવી પસંદગીથી એક આગવું વિશ્વ રચી લે છે. એ વિશ્વ ચાક્ષુષ પ્રત્યક્ષોથી જ નહિ, શ્રુતિકલ્પનોથી સમૃદ્ધ હોય છે. ઇન્દ્રિયો ભેગી મળીને વિશ્વને આવકારવા દોડી જાય છે. ઇન્દ્રિયવિવેક કરતાં ઇન્દ્રિયવ્યત્યય એ એની પ્રિય પ્રવૃત્તિ છે. આ કૃતિ જે સમયમાં રચાઈ તે ગાળામાં કવિ ચિત્રકારો અને શિલ્પીઓના સાન્નિધ્યમાં રહેતા હતા. આથી સરસ રીતે ફ્રેઇમ કરેલા ચિત્રની જેમ આ કાવ્ય આપણને દેખાય છે. કવિએ કરેલી વીગતોની પસંદગી, એમાં રચેલી અગ્રભૂમિ તથા પશ્ચાદ્ભૂમિ અને અન્ધકાર – આ બધું રસિત થઈને આપણને તૃપ્ત કરે છે. સભરતા પણ ગાવા જેવી છે. રિલ્કેની એક કવિતા યાદ આવે છે. કવિ કહે છે : મારા જીવનનાં ઊંડાણો બહાર છલકાઈ ઊઠ્યાં છે અને ધસમસતાં આગળ વધે છે, જાણે કે કાંઠાઓ વિસ્તૃત થતા જાય છે. હવે મને લાગે છે કે આ મારી ચારે બાજુ જે છે તે ઘણુંબધું મારા જેવું છે. હવે જે ચિત્ર ઉપરટપકે જોઈને આંખ પાછી વળતી હતી તેના મર્મ સુધી મારી દૃષ્ટિ પહોંચી જાય છે. ભાષા જેને ઙ્ઘાંબી શકતી નથી તેની સાવ નિકટ હું સરી ગયો છું. પંખીઓ જેમ પાંખથી ગગનમાં ઊડે તેમ હું મારી ઇન્દ્રિયોથી મરુતગણથી સભર આકાશમાં વિહાર કરું છું. વૃક્ષની ઘટામાંથી હું બહાર નિસરું છું, આકાશથી વિખૂટી પડેલી તળાવડીમાં પણ હું પહોંચી જાઉં છું. મારી ઊમિર્ઓ એમાં નીચે ઊતરે છે – એમાંની માછલીઓનો આધાર લઈને. આપણે બધા સૂર્યના સૂત્રે ગુંથાયેલા છીએ. વૃક્ષ ઉન્મુખ થઈને પ્રકાશને તારસ્વરે ગાઈ ઊઠે છે. માનવી જ્યાં છે તેની સામી બાજુએ પણ હજી ઘણાં ગીતો ગાયા વગરનાં રહી ગયાં છે. માનવી હોવા છતાં એ સામી બાજુએ તો કવિને જવાનું જ રહેશે.