રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ ઇરાની
Jump to navigation
Jump to search
ઇરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ (૧૮૩૯, ૧૮૯૨): કવિ, નવલકથાકાર, નાટ્યકાર. ‘પારસી સાહિત્યના મેઘાણી' તરીકે ઓળખાયેલા આ અભ્યાસીએ પહેલી વાર ‘લોકકથા’ શબ્દ સ્પષ્ટ રીતે વાપર્યો છે. ‘રજપૂતવીરરસકથા ભાગ – ૧-૨-૩’ (૧૮૭૯), ‘લોકકથા' (૧૮૮૫), ‘વિલક્ષણ કથાગ્રંથ' (૧૮૮૬), ‘શાહાનશાહ અકબરશાહ કથાગ્રંથ' (૧૮૮૮) વગેરે એમનું લોકકથાઓનું સાહિત્ય છે. આ ઉપરાંત એમણે ઐતિહાસિક નવલકથાઓ ‘ગુલશીરીના’ (૧૮૮૯), ‘દોખમે નોશીરવાન', ‘અરેબીયન કિસ્સા’ અને કાવ્યસંગ્રહો ‘રૂસ્તમી ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૮૯૧), ‘રૂસ્તમી કવિતા', ‘રૂસ્તમી ગાયણ', ‘રૂસ્તમી ફાગબાજી’, ‘રૂપાઉ બેતબાજી', ‘રૂસ્તમી મુનાજાત’, ‘રૂસ્તમી ગંજબાજી’ જેવાં કુલ પચાસેક પુસ્તકો આપ્યાં છે.