લઘુ સિદ્ધાન્તવહી/કવિતામાં અધૂરાપણાનાં સાહસ
કવિતામાં અધૂરાપણાનાં સાહસ
આપણા કવિએ ગાયું છે : ‘ગાણું અધૂરું મેલ્ય મા.’ કવિને પૂરા ગાણાની ઈચ્છા છે. અધૂરું ગાણું એને પસંદ નથી. આપણા પ્રસિદ્ધ વિવેચક ભૃગુરાય અંજારિયાએ પૂર્ણતાના આગ્રહને કારણે જે કાન્ત પરનો અફલાતુન મહાનિબંધ હંમેશ માટે પૂરો ન કર્યો. ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ વાલેરીએ પૂર્ણતાનો એવો આગ્રહ રાખ્યો કે અંતે એને જાહેર કરવું પડ્યું કે કવિતા ક્યારેય પૂરી થતી જ નથી. અધૂરી જ રહે છે. તેથી જ એનો મિત્ર એનું મહત્ત્વનું કાવ્ય ‘લ્યા જ્યન પાર્ક’ છેવટે એના હાથમાંથી ખેંચીને છાપવા માટે લઈ ગયો હતો. પૂર્ણતાનો આ મદ કે પૂર્ણતાનો આ મંત્ર અહીં કે ત્યાં બધે જ મનુષ્યજાતિને પીવડાવાયેલો છે. ભારતીય સંસ્કૃતિએ તો પૂર્ણમાંથી પૂર્ણ કાઢીને, પૂર્ણમાં પૂર્ણ ઉમેરીને કે એનો ગુણાકાર અને ભાગાકાર કરીને પણ પૂર્ણને પૂર્ણ રાખ્યાનો લ્હાવો લીધો છે. એટલું જ નહીં એ પૂર્ણને જ આદર્શ ગણ્યો છે. પૂર્ણતાની આવી બોલબાલા વચ્ચે કોઈ એકાદ વિદ્રોહી સૂર તમને એમ કહે કે ‘તમારે પૂર્ણ થવાની જરૂર નથી.’ (You don’t have to be perfect) તો આંચકો અને અચંબો એકસાથે લાગે અને જાગે. અને આવું બન્યું છે. ‘રીડર્સ ડાયજેસ્ટ’ (મે ૧૯૯૭-અમેરિકન આવૃત્તિ)માં કોઈ ખ્રિસ્તી પાદરી હેરલ્ડ એસ કશનેરે તારસ્વરે કહ્યું છે કે લોકો તમને ચાહે એ માટે તમારે પૂર્ણ થવાની જરૂર નથી. આપણને કોણ જાણે કેમ માતાપિતાએ સતત સુધારતા રહીને અને વધારે સારા બનાવવાની કોશિશમાં પૂર્ણતાનો સંદેશો અજાણે પસાર કર્યો છે. વર્ગમાં વર્ગશિક્ષકે પણ વધુ હોશિયાર અને ઓછા હોંશિયાર વિદ્યાર્થીઓના વર્ગો પાડીને આડકતરી રીતે પૂર્ણતાનો સંદેશ પહોંચાડ્યો છે. આપણા ધર્મગુરુઓએ પણ પાપપુણ્યોના માપદંડો દ્વારા આપણને ઈશ્વરની નિકટ અને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ ખ્રિસ્તી પાદરી તો કહે છે કે અપરાધવૃત્તિ જો આપણને બદલવા માટે પ્રેરક બની આવતી હોય તો બરાબર છે પણ જો આ વૃત્તિ મનુષ્યને અયોગ્ય અને ન ચાહવા જેવો બનાવીને છોડતી હોય તો એ વૃત્તિનો કોઈ ખપ નથી. પાદરીના જણાવ્યા પ્રમાણે વાત ખરેખર તો એવી છે કે આપણે અધૂરા છીએ એથી જ વધુ માનવીય છીએ એવું ગણી લોકો આપણને વધુ ચાહવાના છે. હેરલ્ડ કશનરે અધૂરાપણાની કામગીરી સમજાવતાં સમજાવતાં પોતાની અંગત કરુણ ઘટનાનું બ્યાન કર્યું છે. ૧૪ વર્ષનો નાની વયનો દીકરો જે દિવસે ગુમાવ્યો એ જ દિવસે ખરેખર તો આ જગતમાંથી પોતાની શ્રદ્ધા ઊઠી જવી જોઈતી હતી, પરંતુ કઈ રીતે પોતાની શ્રદ્ધા દૃઢ રહી એ બતાવવા કશનર પ્રાર્થના સમયે લોકો સમક્ષ થયેલ શેલ સિલ્વરસ્ટાયનની ‘લુપ્ત ખંડ’ (The missing piece) કથાનો ઉપયોગ કરે છે. કશનેરે આ કથાને પુખ્તો અંગેની પરીકથા તરીકે ઓળખાવી છે. આ કથા એક ખંડ જેનો લુપ્ત થયો છે એવા ચક્ર અંગેની છે. ચક્રનો એક મોટો ત્રિકોણ ટુકડો એમાંથી કાપી લેવામાં આવેલો. પોતાનું કોઈ અંગ લુપ્ત ન હોય એવા પૂર્ણ રહેવાની ચક્રની ઇચ્છા હતી. આથી ચક્ર એના લુપ્ત ખંડની શોધમાં નીકળ્યું. પણ ચક્ર ખંડિત હોવાથી બહુ ધીમે દોડી શક્યું. અલબત્ત, રસ્તે આવતાં ફૂલોને એણે નજીકથી જોયાં. એણે જીવજંતુઓ સાથે વાતો કરી. એણે તડકો માણ્યો. આમ તો એને ઘણું ઘણું મળ્યું, પણ કશું જ એના લુપ્ત થયેલા ખંડ બરાબર ન હતું. આથી એ બધાને એણે રસ્તાની કોરે મૂકી દીધાં અને શોધમાં આગળ વધ્યું. એક દિવસ ચક્રને એનો લુપ્ત ખંડ જડ્યો અને એ પૂર્ણ બન્યું. એ રાજી રાજી થઈ ગયું. હવે એ અખંડ હતું. કશું જ એનામાંથી લુપ્ત નહોતું. જડેલા ખંડને એણે પોતામાં જડ્યો અને દોડવા માંડ્યું. હવે એ પૂર્ણ ચક્ર હતું. એ એકદમ ઝડપથી દોડી જતું હતું. એટલી ઝડપથી કે ફૂલોને એ ભાગ્યે જ જોઈ શકે કે જીવજંતુઓ સાથે ભાગ્યે જ વાતચીત કરી શકે. આટલી ઝડપથી દોડવાને કારણે એને લાગ્યું કે જગત કેટલું બધું બદલાઈ ગયું છે! ચક્ર થોભ્યું. જડેલો ખંડ પોતાથી અળગો કરી એણે રસ્તાની કોરે મૂક્યો અને પછી બહુ ધીમે ધીમે દોડી ગયું. કશનેરે બોધ એ તારવ્યો છે કે જ્યારે આપણું કશુંક લુપ્ત થતું હોય છે ત્યારે આપણે વધુ પૂર્ણ હોઈએ છીએ. જે મનુષ્ય પાસે બધું જ છે તે ખરેખર તો દરિદ્ર છે. મનુષ્ય સંદર્ભે કશનેરે રજૂ કરેલી આ કથા મને મારી રીતે કવિતાના બોધ તરફ લઈ જાય છે. દરરોજની ભાષામાં કશું લુપ્ત હોતું નથી. અને ભાષાનું ચક્ર ઝડપથી પ્રત્યાયન કરતું ચાલ્યા કરતું હોય છે. એમાં એક પ્રકારની અખિલાઈ છે, પૂર્ણતા છે. અને તેથી એ ભાષા ભાગ્યે જ કશું નોંધે છે. કવિ ભાષાના એ પૂર્ણ ચક્રને ખંડિત કરી એની ગતિને ધીમી કરી નાખે છે. ભાષાનું ચક્ર ખોડંગાતું ચાલવા માંડે છે. અને એ સાથે ભાષામાં નવો લય દાખલ થાય છે. નિશ્ચિત્ત અર્થો ખડી પડે છે. વાક્યોના વિન્યાસોમાં ગાબડાં પડે છે. સંયોજકો લાપતા થાય છે. ક્યાંક ઉપમાન ગાયબ થાય છે તો ક્યાંક ઉપમેય ગાયબ થાય છે. ક્યાંક સાધારણ ધર્મ જ દેખાતો નથી. કલ્પનો વળી એક ઇન્દ્રિયથી છૂટાં પડીને બીજી ઈન્દ્રિયોને વળગવા મથે છે. કવિતાની ભાષાની આ અધૂરી અને ધીમી ચાલ આપણને કેટકેટલી વસ્તુ સાથે મેળાપ કરાવે છે, કેટકેટલી વણનોંધાયેલી વસ્તુઓ સાથે વાતચીત કરાવે છે, કેટકેટલી વણમાણેલી છૂટી ગયેલી વસ્તુઓને માણવા માટે આપણી તરફ ધકેલે છે. કવિતામાં અધૂરાપણાની એક ઉત્કટ વ્યવસ્થા છે અને સાથે સાથે અધૂરાપણામાં ઉદ્દામ સાહસો છે. કહેવાયું છે કે આપણું જગત અધૂરું છે અને સાહિત્યનું કે કવિતાનું જગત પૂર્ણ છે. પણ વાત તો ખરી એવી છે કે આપણું જગત પૂર્ણ છે અને સાહિત્યનું જગત અધૂરું છે. અને એ અધૂરું જગત જ આપણને આપણા જગતની વધુ નિકટ લાવે છે.
●