લઘુ સિદ્ધાન્તવહી/કૃતિવાચનમાં વ્યૂહ અને યુક્તિ

૩૭

કૃતિવાચનમાં વ્યૂહ અને યુક્તિ

કોઈ કારખાનાનો કામદાર એના કામના સમયમાં પોતાના અંગત ઉપયોગ માટે કારખાનાના ક્ષેત્રનો ઉપયોગ કરે, કારખાનાનો સમય અને માલ વાપરીને ઘેર લઈ જવા માટે વાસણનો ઘોડો તૈયાર કરે, યા તો કોઈ દફતરનો કર્મચારી દફતરના સમય દરમ્યાન દફતરની સ્ટેશનરી વાપરીને અંગત પત્રો ટાઈપ કરે, યા તો કોઈ બિલ્ડરનો માણસ બિલ્ડરની ટ્રકનો ઉપયોગ ઘર બદલતા મિત્રની ઘરવખરી પહોંચાડવામાં કરે - આ બધા કિસ્સાઓ જાણીતા છે. પણ આ જાણીતા કિસ્સાઓને પોતાની વિચારણામાં ખેંચી લાવી એને કોઈ જુદી જ રીતે જોતા કરી મૂકનાર ફ્રેંચ મિશેલ દ સર્તો (Michel De Certeau)ને ઓળખવા જરૂરી છે. મિશેલ દ સર્તો કહે છે કે કારખાનું, દફતર યા બિલ્ડિંગ એ કાર્યક્ષેત્રો છે. એનાં પોતાનાં નિયમો, કાર્યો અને તંત્રો છે. જેને દ સર્તો વ્યૂહો (strategies) તરીકે ઓળખાવે છે. જ્યાં જ્યાં આવા ‘વ્યૂહો’ હોય ત્યાં ત્યાં ‘યુક્તિઓ’ (tactics) દ્વારા કુશળ વક્રગતિઓ (effacacious meanderings) દાખલ કરી શકાય છે. આ બધી ‘કુશળ વક્રગતિઓ’ વ્યૂહાત્મક વ્યવસ્થાનાં હેતુ અને કાર્યમાં ગાબડાં પાડે છે. એક રીતે જોઈએ તો ‘યુક્તિ’ એ વિશિષ્ટ અને વ્યવસ્થાવિરોધી ચાલ છે. એમાં શિસ્તવિરોધ જોઈ શકાય. યુક્તિઓ વ્યૂહાત્મક તંત્રનાં છિદ્રોને કે એમાં રહેલી જગ્યાઓને રોકી લે છે અને એક પ્રકારનો ભેદ (difference) ઊભો કરે છે. આ પ્રકારની ચાલ દ્વારા યુક્તિઓ વરતારો ન કરી શકાય એવી ઘટનાઓ જન્માવે છે. આ ઘટનાઓ વ્યૂહની વ્યવસ્થાને વિચલિત કરે છે. દ સર્તોના મત મુજબ વ્યૂહ એ એવું માધ્યમ છે, જેના મારફતે વર્ચસ્વી નિયમો અને ધોરણો નક્કી થયેલાં હોય છે. ‘યુક્તિ’ આ વ્યૂહની સામે પોતાના વ્યવહારથી કે પોતાની ક્રિયાથી નિયમોને ચાતરે છે. કહોને કે નિયમોને પોતાની સામે વાપરે છે. દ સર્તો આથી જ આ વ્યવહારોને વિરોધી વ્યવહારો (oppositional practices) તરીકે ઓળખાવે છે. આગળ વધીને દ સર્તો સમજાવે છે કે સમાજો વર્ચસ્વી વ્યૂહોથી નિયંત્રિત છે અને તેથી જ એને યુક્તિઓથી પડકારવામાં આવે છે. દ સર્તો આ પદ્ધતિને ‘મૂક ટેકનૉલોજી’ (silent technology) કહે છે. આ મૂક ટેકનૉલોજીની યુક્તિ એવી તો વૈયક્તિક ભૂમિકા ઊભી કરે છે કે એનું અર્થમાં કે અસંપ્રજ્ઞાત નિર્ણયમાં ન્યૂનીકરણ (reduction) થઈ શકે તેમ નથી. અહીં એક વાત સ્પષ્ટ થશે કે ‘વ્યૂહ’ એ વ્યાપક ભૂમિકા છે, જ્યારે ‘યુક્તિ’ સ્થાનિક છે. યુક્તિ વ્યૂહ પર નિર્ભર છે. વ્યૂહનો સિદ્ધાંત થઈ શકે, વ્યૂહનું સામાન્યીકરણ થઈ શકે, પણ યુક્તિનો સિદ્ધાન્ત કે એનું સામાન્યીકરણ શક્ય નથી. આ સમસ્ત ખ્યાલને અંકે કરવા દ સર્તાએ અપહ્યત (perruque) જેવી સંજ્ઞા ધરી છે. આ અપહૃતને આજની સાહિત્યવિવેચનની પદ્ધતિઓમાં પણ જોવાય છે. દ સર્તોએ લેખક અને વાચકથી સ્વતંત્ર થઈને સ્વાયત્ત થયેલી સાહિત્યકૃતિની ભૂમિકામાં ફરીને અધિભોક્તા (consumer)ને દાખલ કર્યો છે. અને સાથે વ્યૂહ અને યુક્તિને ગોઠવ્યાં છે. અધિભોક્તા વાચક તર્કનાં પ્રભાવી સ્વરૂપોથી તૈયાર થયેલા વાચનના વ્યૂહમાં પડકારની યુક્તિઓને સામેલ કરે છે અને પ્રભાવી, સ્પર્ધાત્મક અને સફળ વાચનથી ફંટાય છે. સાહિત્યકૃતિના વાચન દરમ્યાન વ્યૂહની સામે યુક્તિઓ પ્રયોજવામાં વાચક નિષ્ક્રિય ન રહેતાં એકદમ સક્રિય બને છે. અહીં કૃતિનો અર્થ પ્રકાશિત થાય છે એ કરતાં વાચક દ્વારા યુક્તિઓથી શી અસર ઊભી થાય છે એ વાત વધુ કેન્દ્રમાં આવે છે. વાચકપ્રતિભાવસિદ્ધાન્ત અંતર્ગત સમાવી લેવાય એવો મુદ્દો છે, છતાં દ સર્તોનું વાચક કે વાચનનું પ્રતિમાન જુદું પડે છે. દ સર્તોનો આશય કૃતિનો અર્થ ઉઘાડવા તરફ જેટલો નથી એટલો વાચકના અભિગમને ઉપસાવવા તરફ છે. અહીં કૃતિ વિવિધ પ્રકારે મૂર્ત અને વિશિષ્ટ ક્રિયોત્તેજનાઓનું કારણ બને છે. આથી યુક્તિયુક્ત વાચન માટે કૃતિ ક્રીડાક્ષેત્ર બને છે, અને વ્યૂહની ભૂમિકાનાં સંઘટન, સમરૂપતા અને સંયોગને સ્થાને વિઘટન, ભેદ અને અ-સંયોગને ઉપસાવે છે. એટલે કે વાચક પૂર્વે રચાયેલી સાહિત્યકૃતિઓનો અક્રિય અધિભોક્તા નથી. અધિભોગ (consumption)નું કાર્ય ‘દ્વૈતીયિક નીપજ’ (secondary Production)નું કાર્ય છે. આથી કૃતિ એના સંદર્ભ સાથે માત્ર સંલગ્ન નથી થતી, પણ કૃતિ પોતે પણ એક સંદર્ભ જન્માવે છે. આમ વાચક સામે વર્ચસ્વી કે અગ્રપ્રસ્તુત વાચનની પૂર્વરીતિઓ છે. રાજનીતિક અને સામાજિક પરિબળો છે અને સંસ્કૃતિ છે. આ બધાના વ્યૂહને એ સદંતર અતિક્રમી જઈ શકતો નથી. પરંતુ એમાં ‘શોર્ટ સરકિટ’ કરી યુક્તિ દ્વારા એ દ્વૈતીયિક નીપજ જન્માવી જરૂર શકે છે. અને એ દ્વારા સર્વવ્યાપી વર્ચસ્વી તંત્રોની સામે જે ‘સ્થાનિક’ છે, જે ‘હાંસિયા’માં છે, જે ‘વિશિષ્ટ’ છે એનું બળ ઊભું કરી શકે છે. મિશેલ ફૂકો અને ઝાક દેરિદાની જેમ મિશેલ દ સર્તોનું પ્રદાન પણ ઈતિહાસ, સાહિત્યવિવેચન અને સાહિત્યના ઇતિહાસ પરત્વે નવી દિશાઓ ચીંધી રહ્યું છે.