લઘુ સિદ્ધાન્તવહી/જેન ટોમ્પકિન્સનો વિવેચનવિકલ્પ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૪

જેન ટોમ્પકિન્સનો વિવેચનવિકલ્પ

તાજેતરમાં ‘શબ્દસૃષ્ટિ’ દીપોત્સવી વિશેષાંક-૨૦૦૪ ‘કાવ્યાસ્વાદ’નો છે. એમાં વિવેચનની પરિભાષાનો ઉપયોગ ન કરવાની જિકર છે. વર્ષો પહેલાં મેં ‘મધ્યમાલા’માં સંરચનાવાદને લોકસમુદાય માટે સુગમ કરેલો. તો ‘રચનાવલી’માં સરેરાશ વાચક માટે મેં વિવેચનનો ભાર હળવો કરેલો. વિવેચનનાં આ બધાં વૈકલ્પિક સ્વરૂપો છે. આવા જ એક વૈકલ્પિક સ્વરૂપની તરફેણ કરતી નારીવાદી જેન ટોમ્પકિન્સ (Jane Tompkins) ખાસ ધ્યાન ખેંચે છે. ક્લિન્થ બૂક્સ અને વિલ્યમ વિમ્સેટ જેવા પ્રાધ્યાપકોની બોલબાલા હતી એવી યેલ યુનિવર્સિટીથી જેનનું સંશોધનકાર્ય શરૂ થાય છે ખરું, પણ ‘કૃતિની નિકટતમ રહો’ (stay close to the text)ની મળેલી સલાહથી ઉફરાંટે જઈ એણે પછીથી કૃતિ કરતાં પોતાની જાત તરફ નિકટતમ જવાનું પસંદ કર્યું છે. એક બાજુ અમેરિકી ‘નવ્ય વિવેચન’ના આંદોલને સર્જેલું પ્રતિવ્યક્તિવાદી (antipersonal) વલણ હતું, તો બીજી બાજુ રોલાં બાર્થ તેમજ તોદોરોવ જેવાના પ્રયત્નો સાહિત્યના વિવેચનને માનવતાવાદી અભિગમના ક્ષેત્રને બદલે માનવવિજ્ઞાનોના ક્ષેત્રમાં ખેંચી ગયા હતા. એમણે તત્ત્વવિચાર, ભાષાવિજ્ઞાન ને સંરચનાવાદી નૃવંશવિજ્ઞાન જેવાં સમાજવિજ્ઞાનોમાં અખત્યાર થતી બિનંગત શૈલી અને શાસ્ત્રીય પરિભાષાને અપનાવેલી. પછી તો અન્ય સિદ્ધાન્તકારો દ્વારા સિદ્ધાન્તોનો ઘટાટોપ રચાયો. તટસ્થ જટિલતાના સિદ્ધાન્તમાર્ગોએ ભાષા, ભાષાબંધ વ્યવસ્થાતંત્ર, નેટવર્ક - વગેરેનો બિનંગત દુઃસ્તર પ્રદેશ ઊભો કર્યો. આ પરિસ્થિતિની વચ્ચે કેટલાક વિવેચકો સિદ્ધાન્તોની ભાષાથી હટીને આત્મકથા અને સંસ્મરણો બહાર પાડે છે. આની નાન્દી જેન ટોમ્પકિન્સના ‘હું ને મારો પડછાયો’ (Me and my shadow) નામક ગ્રંથમાં જોવાય છે. જેન ટોમ્પકિન્સે વિવેચનલેખનનો બીજો વિકલ્પ સ્વીકાર્યો, એણે પોતાની લાગણી અને ભાવજગતના ભોગે પહેલાં સિદ્ધાન્તવાદી વિવેચન કરેલું, અને એને વ્યાવસાયિક સામયિકોમાં લખવા માટે એક અને ડાયરી લખવા માટે બીજી - એમ બે ભિન્ન ભિન્ન શૈલીઓ ઉપયોગમાં લીધેલી. છેવટે ‘હું અને મારો પડછાયો’માં એણે આ બંને શૈલીઓને સંયોજિત કરી. સિદ્ધાન્તકેન્દ્રી વિવેચન અંગે એને એવી પ્રતીતિ થાય છે કે મેં જે કર્યું છે તે કરવા માટે મારે ‘પુરુષ’ થવું પડ્યું છે. જેનની આ નારીવાદી પ્રતીતિ હતી, આ સાથે જ જેન સાહિત્યપ્રણાલીમાં લાગણીના મૂલ્યને આગળ ધરે છે. અને આરોપ મૂકે છે કે પુરુષસત્તાક પૂર્વગ્રહને કારણે લાગણીનું મૂલ્ય બાદ થઈ ગયું છે. જેન લાગણીને આધારે પિતૃભાષા અને માતૃભાષાનો ભેદ કરે છે. પિતૃભાષા માત્ર તર્ક નથી કરતી પણ વ્યક્તિ અને વસ્તુ વચ્ચે એક અંતર ઊભું કરે છે, એક ખાઈ રચે છે. પ્રયોગશાળાઓ, સરકારી દફતરો અને વેપારી પેઢીઓમાં આ જ ભાષા બોલાય છે. પિતૃભાષા અધિકારની ભાષા છે. એકમાર્ગી છે, એને કોઈ પ્રત્યુત્તરની અપેક્ષા નથી. તો લેખિત કે ઉચ્ચરિત માતૃભાષા પ્રત્યુત્તરની અપેક્ષા રાખે છે એ સંવાદ રચે છે માતૃભાષા માત્ર પ્રત્યાયન નથી, સંબંધ છે. એ જોડે છે. એનું બળ જુદા કરવામાં નહીં પણ ભેગા કરવામાં છે. પિતૃભાષા અને માતૃભાષાના આ ભેદ સાથે જેન સિદ્ધાન્તવિવેચનોને લાગણીહીન જણાવે છે તેમ પ્રતિસ્પર્ધા તેમજ આક્રમકતાનાં પુરુષસ્વરૂપો તરીકે ઓળખાવે છે. જેન વિવેચનલેખનોમાં અંગતતાને ભેળવતી ચાલે છે. શાસ્ત્રીય તર્કને સ્થાને સર્જનાત્મક રીતરસમો અને અંગત નિબંધશૈલીનો આગ્રહ રાખે છે. બહાર આવતી અને વહી રહેતી લાગણીઓને સમર્પતા કોઈ કેન્દ્રની વચ્ચે એ પોતાની જાતને મૂકતી રહે છે. સિદ્ધાન્તોના આધિપત્ય સામેની આ પ્રતિક્રિયા છે. વસ્તુલક્ષી સિદ્ધાન્તવાદિતા વચ્ચે આવા આત્મલક્ષી અભિગમો પાછળ જેનની અંગતતા સહિતની નારીવાદી નિસ્બત છે. આત્મકથનાત્મક લેખન સાથે અંગત-વિમર્શો અને વિવેચનતર્કને સાંકળતા આવા પ્રવાહને પછીથી ‘આત્મકથનાત્મક સાહિત્યવિવેચન’ ઉપરાંત ‘સ્વીકૃતિવિવેચન’ (confessional criticism) ‘વ્યક્તિગત વિવેચન’ (personal criticism) કે ‘નવ્ય લલિતવાદ’ (New Belletrism) વગેરે નામો અપાયાં છે. અલબત્ત, આ પ્રકારના ‘અંગત વિવેચન’માં સનસનાટીભરી વિગતો પ્રવેશી જવાની, આત્મરતિની અતિશયતાનો, લોકપ્રિય ચોપાનિયામાં આવતી ગપસપ જેવું કશુંક ધૂસી જવાનો, વાગ્મિતાનો પડછાયો પડવાનો કે કૃતક લાગણીના તાણાવાણા ગૂંથાઈ જવાનો ભય ઓછો નથી.