લઘુ સિદ્ધાન્તવહી/ડેવિસનો વિકલાંગ અભ્યાસ
ડેવિસનો વિકલાંગ અભ્યાસ
ખામીભર્યા અંગો સહિતનાં શરીરને સાધારણ શરીરો કરતાં ઊતરતાં ગણીને એને અંગે ‘અશક્ત’ ‘હૅન્ડીકેપ’ ‘અપંગ’ કે ‘વિકલાંગ’ જેવી અપકર્ષી સંજ્ઞાઓ વપરાતી રહી છે. છેલ્લા થોડા સમયથી આ અંગેની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. આને સ્થાને ‘ભિન્ન રીતે સશક્ત’ (differently able) જેવી સંજ્ઞા પ્રચારમાં આવી છે. વર્ષમાં એકાદ વાર ‘વર્લ્ડ ડિસેબલ ડે’ની ઉજવણી પણ કરવામાં આવે છે. આ આખો ઉપક્રમ સમાજના એક વિશિષ્ટ જૂથ કે વર્ગને એના મૂળભૂત માનવઅધિકારો સહિત સન્માનથી અને પૂરી સંવેદનાથી સ્થાપિત કરવાનો અને એમનામાં આત્મવિશ્વાસ જગાવવાનો છે. આ સંદર્ભે સાહિત્યવિવેચનક્ષેત્રે અનુવાદ-અભ્યાસ (Translation studies) નારી-અભ્યાસ, સંસ્કૃતિ-અભ્યાસની જેમ વિકલાંગતા-અભ્યાસ (Disability studies) આજે વિકસી રહ્યો છે. અને એના પ્રણેતા લેનાડ જે. ડેવિસ (Lennard J. Davis) છે. બધિર માતાપિતાનું સંતાન હોવાથી ડેવિસ પોતાના અંગત અનુભવો સાથે વર્તમાન વિવેચનની સિદ્ધાન્તકેળવણીને સાંકળીને વિકલાંગતાનાં નિરૂપણો વિશે નવો પ્રકાશ પાડી રહ્યા છે, તેમજ આ નિરૂપણોને આશ્રય આપતી સાધારણતા-(Normalcy)ની વિભાવનાને વિશદ કરી રહ્યા છે. વિકલાંગતા-અભ્યાસનું લક્ષ્ય સશક્ત અને અશક્ત વચ્ચેના તેમજ સાધારણ અને અસાધારણ વચ્ચેના દ્વન્દ્વને તોડવાનું છે. હજી લગી વિકલાંગતાને બહુ સંકુચિત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આંખ પરના ચશ્માં કરતાં કાનનાં સાંભળવાના યંત્રને જુદી રીતે જોવામાં આવે છે. શસ્ત્રક્રિયાથી સ્તનને દૂર કરવામાં જોવાતી સ્ત્રીત્વ કે યૌનજીવનની હાનિની સામે સુન્નતને પુરુષત્વની હાનિ તરીકે જોવાતી નથી. આ વિકલાંગતા-અભ્યાસ ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓથી યુક્ત બધી વ્યક્તિઓને આવરી લઈ શકે એવી કોઈ બૃહદ વિભાવનાની અપેક્ષાએ આગળ વધી રહ્યો છે. એમ મનાય છે કે પશ્ચિમમાં ૧૮મી સદી સુધી ‘સાધારણતા’ (Normalcy)નો ખ્યાલ નહોતો. એ સંસ્કૃતિમાં શરીર અંગેનો આદર્શ જ કેન્દ્રમાં હતો. તેથી આ ખ્યાલ પ્રમાણે બધા જ શરીર આદર્શની રીતે ઊણાં ઊતરતાં ગણવામાં આવતાં હતાં. પણ પછી ઔદ્યોગિક મૂડીવાદને કારણે કારખાનાંઓમાં ધોરણસરનાં શરીરોની માંગ રહી, તેથી વિકલાંગ શરીરને ‘અસાધારણ’ની કોટિમાં મૂકવામાં આવ્યાં. આજે હવે અસાધારણ કોટિમાં મુકાયેલાં વિકલાંગોનાં શરીરોને એમની પોતાની ઓળખ (indentity) પાછી આપવાની છે. લિંગ, યૌનક્ષેત્ર, વંશ, જાતિ વગેરે જે રીતે છેલ્લા દાયકાઓમાં ઓળખ પર ભાર મૂકે છે તે રીતે વિકલાંગતા-અભ્યાસ પણ ઓળખ પર ભાર મૂકે છે. ઓળખ કઈ રીતે શરીર સાથે સંકળાયેલી છે અને એના પર સાધારણતા તેમજ સીમાવર્તિતાનાં સમાજમાળાખાંઓ કઈ રીતે ચણવામાં આવ્યાં છે એની સમીક્ષા થવી હવે આવશ્યક છે. ડેવિસ દર્શાવે છે કે શરીર સામાજિક નિર્મિતિ છે, એ કંઈ સર્વદેશીય સત્તા નથી. આ સમીક્ષામાં ડેવિસ એડવર્ડ સૈદ અને રોલાં બાર્થના સંપર્કમાં હોવાથી મનોવિશ્લેષણ, સંસ્કૃતિમીમાંસા, નારીવાદ અને ખાસ તો શરીરમીમાંસા (body studies)ના વ્યાપક સંદર્ભો ખેંચી લાવે છે. કલા, સાહિત્ય અને ચલચિત્રોમાં વિકલાંગતાનાં નિરૂપણને વિશ્લેષિત કરતાં ડેવિસે ઝાં લકાંના ‘વિખંડિત શરીર’ (fragmented body)નું પ્રતિમાન ચર્ચામાં લીધું છે. કોઈ પણ બાળક એના શરૂના તબક્કે હાથ-પગને છૂટા માને છે, પોતાને વિખંડિત સંવેદે છે. દર્પણને તબક્કે (mirror stage) જ બાળકને પોતાની અખિલાઈનો ભ્રમ મળે છે. ડેવિડ અખિલાઈને ભ્રમ ગણે છે, અને વિકલાંગ પરત્વેનાં વર્તનોમાં સાધારણોની સંરક્ષાત્મક વ્યૂહરચના (defensive mechanism) જુએ છે. ડેવિસના ‘સાધારણતાનું પ્રવર્તન : વિકલાંગતા, બધિરતા અને શરીર’ (૧૯૯૫) નામક પુસ્તકના ‘વિકલાંગ શરીરનું દૃષ્ટિગત થવું : પ્રશિષ્ટ નગ્ન અને વિખંડિત કલંક’ પ્રકરણમાં વિનસ દ મિલોની વિખંડિત ગ્રીક પ્રતિમા અને જીવંત વિકલાંગ સ્ત્રીની સરખામણી કરીને એક પ્રશ્ન કરાયો છે કે વિનસને હાથ વગરની સુન્દર અને હાથ વગરની જીવતી સ્ત્રીને વિરૂપ અને કદરૂપી કેમ ગણવામાં આવે છે. આ ગ્રંથિને વિશ્લેષિત કરતાં ડેવીસ તારવે છે કે હાથપગ કપાયેલા અપંગો જેમ ભૂતિયાં અંગો (phantom parts)ને અનુભવે છે તેમ કલાવિવેચક વિનસની પ્રતિમામાં કલ્પનાથી ભૂતિયાં અંગ બેસાડી એને અખિલાઈમાં જોવા પ્રેરાય છે. આ રીતે કલાવિવેચક વિનસની વિક્ષત પ્રતિમાને અખિલાઈનું કૌમાર્ય પ્રદાન કરે છે. ડેવિસનો વિકલાંગતા-અભ્યાસ નવી દિશા ઉઘાડે છે. વિકલાંગનું સાહિત્ય અને સાહિત્યમાં વિકલાંગોનું નિરૂપણ નવા પરિપ્રેક્ષ્યમાં જોવું પડે એવી સ્થિતિ જન્મી છે. ઉમાશંકરની ‘મંથરા’ને નવેસરથી તપાસી શકાય. દલપતરામના ઉત્તરવયના સાહિત્યને કે પંડિત સુખલાલના લેખનોને નવી સારણે ચઢાવી શકાય, ધીરેન્દ્ર મહેતા કે વિપાશાનાં લખાણોમાં સામાજિક રીતે અને વૈયક્તિક રીતે ગૂંચવાયેલી માનસિક ગ્રંથિઓએ કઈ રીતે માર્ગ કર્યો છે એની નવેસરથી ગવેષણા થઈ શકે. ‘વિકલાંગતા-અભ્યાસ’ એ અનુઆધુનિક સમયનું એક નવું સાહિત્યિક પ્રસ્થાન છે.
●