લઘુ સિદ્ધાન્તવહી/પ્રકંદમૂલક વ્યવસ્થા

૧૮

પ્રકંદમૂલક વ્યવસ્થા

‘આપણે વૃક્ષોથી થાકી ગયા છીએ. વૃક્ષ, મૂળ કે થડમાં આસ્થા રાખવાનું માંડી વાળવું જોઈએ. આ બધાંએ આપણને બહુ દુઃખ આપ્યું છે’ આવા ઉદ્ગારો કોઈ પર્યાવરણ-પ્રેમી કે વૃક્ષપ્રેમી સાંભળે તો એને આઘાત લાગે એવા છે, પણ ઉદ્ગારો તત્ત્વવિચારમાં વારંવાર ઉલ્લેખાતા જ્ઞાનવૃક્ષને અનુલક્ષીને છે. આપણે ત્યાં જેમ ‘ગીતા’માં ઊર્ધ્વમૂલ અને અધઃશાખાયુક્ત અશ્વત્થનું જ્ઞાનવૃક્ષ આવે છે તેમ પશ્ચિમમાં પણ પ્લેટોથી શરૂ કરીને આજ પર્યંત અનુકરણાત્મક ઉચ્ચાવચતાનું જ્ઞાન ચર્ચાતું રહ્યું છે. પ્રતિનિધાન હંમેશાં સાદૃશ્યમૂલક હોય છે અને અસલની નજીક હોવા છતાં એ ચોકસાઈમાં ઊણું ઊતરતું હોય છે. આથી પ્લેટોએ પ્રતિનિધાનને ઊતરતું ગણ્યું છે. ઉચ્ચાવચતાને પોષતા આવા સદીઓ જૂના વૃક્ષાકૃતિ વ્યવસ્થાતંત્રના વર્ચસને તોડી પાડવામાં દેરિદાની જેમ જાય્લ્ઝ દેલ્યૂઝ અને ફિલિક્સ ગોત્તારીનું પ્રદાન પણ અવગણવા જેવું નથી. મિશેલ ફૂકો જેવાએ તો અતિરેકથી એમ કહ્યું છે કે ગત વીસમી સદી ભવિષ્યમાં દેલ્યૂઝિયન સદી તરીકે ઓળખાશે. અનુઆધુનિક જગતમાં રચનાતંત્રે કઈ રીતે કાર્ય કરવું જોઈએ, એ સમજાવતાં દેલ્યૂઝ અને ગોત્તારીએ ‘અ થાઉઝન્ડ પ્લેટોઝ : કૅપિટલિઝમ ઍન્ડ સ્કિત્સફ્રિનિયા’ નામક પોતાના પુસ્તકના પ્રારંભિક પ્રકરણમાં પ્રકંદ (Rhizome)નું ઉદાહરણ પ્રતિમાન તરીકે ધર્યું છે. પ્રકૃતિજગતમાં ઘાસ કે ગાંઠ-પ્રકંદ જાણીતાં છે. પ્રકંદ તંતુઓની જાળ છે. કેન્દ્રસ્થ નિયંત્રણ કે કેન્દ્રસ્થ સ્વરૂપથી એ સંચાલિત નથી. આઈવી (Ivy) કે ઘાસની જેમ એ સમવિસ્તારી (coextensive) છે અને વિકાસ સાથે એ બહાર અને આડાઅવળા માર્ગે વિસ્તરે છે. વૃક્ષનાં તો પાંદડાં, ડાળ, મૂળ - એમ વિવિધ અંગો ઓળખી શકાય છે પણ પ્રકંદમાં એવું બનતું નથી. સૈદ્ધાન્તિક રીતે તો પ્રકંદ કે ઘાસનું એક બીજ ઊગતું અને વિસ્તરતું આખી પૃથ્વીને છાવરી દઈ શકે છે પણ વૃક્ષ જે રીતે મૂળ નાખીને એક જગ્યાએ ઊભું રહે છે તેમ પ્રકંદ કોઈ ચોક્કસ બિન્દુએ કે સ્થાને હોઈ શકે નહીં. અહીં માત્ર પ્રસાર અને રેખાઓ જ હોય છે. વૃક્ષને બંધારણ છે અને ઉચ્ચાવચ વ્યવસ્થા છે, જ્યારે પ્રકંદ કે ઘાસ ઉદ્ગમના કોઈ નિશ્ચિત બિન્દુની સામે આ પ્રકારની ગતિઓની રેખાઓ દ્વારા કેન્દ્રનિરપેક્ષ (a-centred) વ્યવસ્થાને સૂચવે છે. પ્રતિબંધક અને નિયામક વૃક્ષો કરતાં પ્રકંદ કે ઘાસ વધુ ઉદાર અને રચનાત્મક છે. આવી ઉચ્ચાવચતા વગરની, બંધારણ વગરની, ખુલ્લી, ભ્રમણશીલ વ્યવસ્થાને દેલ્યૂઝ અને ગોત્તારી પુરસ્કારે છે. આ બંને વિદ્વાનો પ્રકંદ દ્વારા વૃક્ષતર્કને બદલે વિચરણ-તર્ક (nomadic logic)ને રજૂ કરે છે. આ વિચરણશાસ્ત્ર (nomadology) સૈદ્ધાન્તિક તર્કને બાજુએ રાખીને અનિર્ણીત ઇચ્છાઓ અને વૃત્તિઓને અનુસરે છે, તેમજ ઈચ્છાના નેતૃત્વ હેઠળ વિભક્તમનસ્કતા (Schizophrenia)ને ઉત્સાહથી પ્રયોજે છે. અહીં નિયંત્રિત થતાં જતાં પરિબળોને મુક્તિ આપવાનો પ્રયત્ન છે. આ દ્વારા વિચરણશાસ્ત્ર સાહસપૂર્ણ વિચારરીતિને પ્રસ્તુત કરે છે. અલબત્ત આ વિચરણશાસ્ત્રમાં પ્રકંદમૂલક પ્રક્રિયા એ નર્યું પ્રસારણ નથી, એને માળખું છે પણ સંયોજિત ક્ષણોથી સંઘટિત નથી. આને અનુલક્ષીને દેલ્યૂઝ જણાવે છે કે ઘણા બધાનાં માથામાં ઝાડ ઊગ્યે રાખતાં હોય છે પણ મગજ પોતે તો ઝાડ કરતાં ઘાસ જેવું વધારે છે. આ જોતાં સ્પષ્ટ થાય છે કે અનુસંરચનાવાદી અને અનુઆધુનિકતાવાદી બધી પ્રણાલીઓની જેમ દેલ્યૂઝ અને ગોત્તારી પણ ઉચ્ચાવચતા અને સર્વસત્તાવાહિતાની વિરુદ્ધમાં છે. વૈચારિક સ્થિરતા, સંગઠન અને એકતાનું આધિપત્ય એમને પણ પસંદ નથી. અને તેથી જ એમણે આ વૈકલ્પિક વ્યવસ્થાનું નવું પ્રતિમાન સૂચવ્યું છે. એમાં એમણે ‘થવાપણા’ - (becoming)નો વિચાર રજૂ કરી પારંપરિક વૈધાનિક તત્ત્વવિચાર સામે ‘અવૈધ તત્ત્વજ્ઞાન’ (Bastard Philosophy) મૂક્યું છે. આ પ્રકારની પ્રકંદમૂલક વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ ‘ઈન્ટરનેટ’ છે. ‘ઇન્ટરનેટ’માં સ્પષ્ટ તરી આવે એવું કોઈ કેન્દ્ર કે એવી કોઈ કેન્દ્રસ્થ સત્તા નથી હોતાં, અને એમાં કોઈ પણ બે બિન્દુઓ વચ્ચે તાત્કાલિક જોડાણ શક્ય બને છે. આ પ્રતિમાનને અનુલક્ષીને દેલ્યૂઝ અને ગોત્તારીને હાય્નરિખ, ક્લાય્સ્ટ, કાફકા, ગ્યોથ, નાતાલી સારૌ - વગેરેના સાહિત્યમાં અર્થને શોધતા નથી પણ ગતિરેખાઓ શોધે છે, જે ગતિરેખાઓ દ્વારા આ લેખકો પોતાને અન્યથી અને એમની રચનાઓને સ્થગિત વ્યવસ્થાઓથી અલગ કરી શક્યા છે.