લઘુ સિદ્ધાન્તવહી/મધ્યકાલીન સાહિત્યનું આંતરમુખી વલણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬૫

મધ્યકાલીન સાહિત્યનું આંતરમુખી વલણ

ગુજરાતી મધ્યકાલીન કાવ્યશાસ્ત્રના કોઈ સીધા સગડ જડતા નથી, એ એક હકીકત છે. આ અંગે અભિધારણાત્મક રચના કરવાની થાય ત્યારે ગુજરાતી મધ્યકાલીન કાવ્યશાસ્ત્રનાં પરિબળોમાં ગુજરાતની રાજકીય ચેતનાનું સ્થાન અગ્રેસર હશે એમાં કોઈ શંકા નથી. આક્રમક ઇસ્લામી શાસકોનાં જુલમો અને જોહુકમી વચ્ચે ગુજરાતની પ્રજાએ ઊંડે અંદર સંકેલાઈ જવાનું પસંદ કરેલું એ એના મધ્યકાળના સાહિત્યમાં વારંવાર પ્રતીત થતું જોઈ શકાય છે. ઈતિહાસ દર્શાવે છે કે માનવસિદ્ધિનો નૈસર્ગિક માર્ગ જ્યારે જ્યારે અવરોધ પામ્યો છે ત્યારે ત્યારે પ્રજા પોતાની અંદર ઊતરી ગઈ છે, પોતામાં લીન થઈ ગઈ છે. દુર્ભાગ્યવશ જે કાંઈ બહારથી એનું ઝૂંટવાઈ ગયું હોય એને આંતરિક રીતે પામવાની મથામણ થઈ છે. ખાટી દ્રાક્ષનું આ ભવ્ય સ્વરૂપ છે. તમે ખરેખર ઈચ્છતા હો એ વસ્તુ તમે જો મેળવી ન શકો તો તમને એ વસ્તુ જોઈતી નથી એવું જાતને શીખવી શકો. તમને જે જોઈએ છે તે તમને ન મળે તો તમે જે મેળવી શકો અને ઇચ્છવા માટે તમારી જાતને ફોસલાવો છો. આ અધ્યાત્મનું અંતરમુખ સ્વરૂપ છે. જગતના ભયાવહ અવરોધોની સામે જાતને સુરક્ષિત કરવા માટેનો આ પ્રકારનો ઉદ્યમ એ ભીતરી કિલ્લો રચવાનો ઉદ્યમ છે. પરશાસકોના શાસનમાં મને કોઈ હોદ્દો મળતો નથી, તો પછી હોદ્દો મામૂલી ચીજ છે. શાસક મારી મિલકત ઝૂંટવી લે છે તો પછી દુન્યવી સંપત્તિનો મને કોઈ મોહ નથી. મારાં સંતાનો પોષણના અભાવે મરી રહ્યાં છે તો કંઈ નહીં, ઈશ્વરના પ્રેમ આગળ સંતાનપ્રેમની કોઈ વિસાત નથી. આ રીતે ધીરે ધીરે આતંકિત પ્રજા પોતાની આસપાસ ચુસ્ત દીવાલો બાંધી પોતાને ઓછામાં ઓછી ઈજા પહોંચે એ રીતે પોતાની સુરક્ષાની પેરવી કરે છે. આ પ્રકારે બહારના આક્રમણ સામે આંતરિક સુરક્ષા શોધવાની પ્રજાગ્રંથિ જગતના ઇતિહાસમાં ઘણી વાર જોવા મળે છે. પ્રાચીન ગ્રીસમાં સિકંદરે નગરરાજ્યોનો ખાત્મો બોલાવ્યો ત્યારે સ્ટોઈકવાદી અને સુખવાદીઓએ વ્યક્તિગત મુક્તિ માટે નવી નૈતિકતાનો પ્રસાર કર્યો, જેમાં રાજકારણ અને નાગરિક જીવન મહત્ત્વ વગરનાં કર્યાં. પેરિક્લીઝ અને ડિમૉસ્થેનીઝ, પ્લેટો અને ઍરિસ્ટૉટલના મહાન આદર્શો તુચ્છ ગણાયા. બરાબર આ જ રીતે સત્તરમી સદીમાં જ્યારે ત્રણ સો જેટલા રાજકુમારો અને બારસો જેટલા કહેવાતા રાજકુમારો દ્વારા જર્મની શાસિત હતું અને રાજાનું ધ્યાન ઈટલી કે અન્યત્ર હોવાથી જર્મન ભૂમિ ઉપેક્ષિત હતી, ત્યારે એનો લાભ લઈ ફ્રાન્સના લૂઈ ચૌદમાએ પોતાનાં લશ્કરી દળો મોકલેલાં અને ત્રીસ વર્ષનાં યુદ્ધ દરમિયાન જર્મન પ્રજાના મોટાભાગની કતલ કરાવેલી. કહેવાય છે કે ચંગીઝખાનની ક્રૂરતા પછી આવી ક્રૂરતા કોઈએ આચરી નહોતી. જર્મન પ્રજા હતાશ થઈ ભાંગી પડેલી. જર્મનો માટે કોઈ કેન્દ્ર નહોતું. કોઈ જીવન નહોતું, કોઈ ગૌરવ નહોતું, કોઈ વિકાસ નહોતો, આવી તૂટી પડેલી જર્મન પ્રજામાં કટ્ટર ભક્તિવાદ લ્યૂથરેનિઝમ દ્વારા પ્રસરેલો. એમાં બાઇબલના અભ્યાસ પર અને ઈશ્વર સાથેના મનુષ્યનાં અંગત સંબંધ પર અધિક ભાર આવી પડ્યો. આધ્યાત્મિક જીવન શેષ બચ્યું, ઉત્સવ, વિલાસ, ઉલ્લાસ અને સંસ્કારો ઓસરી ગયા. આ કટ્ટર ભક્તિવાદે સામાજિક રીતે અને રાજકીય રીતે કચડાયેલી હતાશ જર્મન પ્રજાને થોડીક રાહત પહોંચાડી. ગુજરાતી સાહિત્યના ઇસ્લામશાસિત મધ્યકાલીન યુગની પણ આ જ સ્થિતિ છે. મધ્યકાલીન સાહિત્ય સામાજિક અને રાજકીય આવી હતાશ સ્થિતિમાંથી જન્મેલી અંતરમુખ આધ્યાત્મિકતાને લઈને ચાલે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ એમના ઇતિહાસમાં ભક્તિ આંદોલન દરમિયાન ગુજરાતી પ્રજાએ લીધેલા કલ્પિતો (fictions)ના આશ્રયનો જે નિર્દેશ કર્યો છે તે અહીં સંભારવા જેવો છે. મધ્યકાલીન કાવ્યશાસ્ત્રના અભિધારણાત્મક ગ્રથનમાં આ પ્રકારના ઘટકનું મહત્ત્વનું સ્થાન હશે. મધ્યકાલીન સાહિત્યના આંતરમુખ વલણને જગતના ઇતિહાસના અન્ય યુગોના આંતરમુખ વલણ સાથે તુલનાત્મક ભૂમિકાએ જોતાં એનું યોગ્ય પરિપ્રેક્ષ્ય સાંપડવા સંભવ છે. (સંદર્ભ : The Roots of Romanticism by Isaiah Berlin (Chatto & Windus, London)