લઘુ સિદ્ધાન્તવહી/લેખકચિત્ત કે વાચકચિત્ત : સંઘર્ષનું ક્ષેત્ર
લેખકચિત્ત કે વાચકચિત્ત : સંઘર્ષનું ક્ષેત્ર
ઘણાખરા લેખકો અને વાચકોની સાહિત્ય અંગેની એક સીધી-સાદી સમજ હોય છે. લેખકો માને છે કે ભાષામાં કશુંક મૂકવાનું છે અને વાચકો માને છે કે ભાષામાંથી કશુંક લઈ લેવાનું છે. આમ બંને છેડે એક પ્રકારની નિષ્ક્રિયતાનો ભાવ જોડાયેલો છે. લેખકનો કૃતિ સાથેનો સંબંધ અને વાચકનો કૃતિ સાથેનો સંબંધ કોઈ પારસ્પરિક પ્રક્રિયા ઉપર કે સંઘર્ષ ઉપર ઊભેલો છે, એવી પ્રતીતિ તો બહુ ઓછાની હોય છે. કૃતિ સર્જક સાથે રચાતી આવે છે તેમ કૃતિ વાચક સાથે પણ રચાતી આવે છે. લેખકચિત્ત કે વાચકચિત્ત સામે આવતી કે એમાં પ્રવેશતી કૃતિની વૃદ્ધિ માટે ઝૂમવું કે ઝઝૂમવું પડે છે એવી સાહિત્યની આંતરિક અનુભૂતિનો તાર હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના ઉત્ક્રાંતિમૂલક જીવવિદ્યાના ચિકિત્સક ડૉ. ડેવિડ હેગ (David Haig)ના સગર્ભાવસ્થાના નિષ્કર્ષો સાથે મળતો આવે છે. ડૉ. હેગ માને છે કે હૃદય અને કિડની અંગે વિચારીએ છીએ ત્યારે દિવસ ને રાત વર્ષોનાં વર્ષો સુધી આ બંનેનું આશ્ચર્યજનક રીતે ધબકવાનું નજર સમક્ષ આવે છે. પરંતુ સગર્ભાવસ્થા વિશે એવું નથી. એમાં જાતજાતની સમસ્યાઓ સંકળાયેલી છે. ડૉ. હેગના કહેવા પ્રમાણે આ ભેદ એ છે કે હૃદય અને કિડની તો એક જ વ્યક્તિને હવાલે હોય છે, જ્યારે સગર્ભાવસ્થામાં માતા અને શિશુ એમ બે જણ આ કાર્યમાં સંકળાયેલાં હોય છે. વળી, આ કાર્ય હંમેશાં પૂરી સંવાદિતાથી પણ ચાલતું નથી. માતા જે પોષણ પૂરું પાડે છે એની બાબતમાં માતા અને અજન્મ બાળક બંને અભાનપણે સંઘર્ષમાં પરોવાયેલાં રહે છે. ડૉ. હેગની માન્યતા અનુસાર ગર્ભ માતાના ઉદરમાં નિષ્ક્રિય બેઠું રહેતું નથી અને નથી પોષણની રાહ જોતું. રહેલા ગર્ભનું પ્લેસેન્ટા (Placenta) આક્રમક રીતે લોહીવાહિકાઓને વિકસાવે છે અને માતાની શિરાગ્રંથિઓ પર હલ્લો કરી જાતે પોષણ મેળવી લે છે. અહીં હેગ સગર્ભાવસ્થાને ઉત્ક્રાંતિના અભિગમથી જુએ છે. આથી હેગને સગર્ભાવસ્થા પૂરેપૂરા સંઘર્ષનું ક્ષેત્ર લાગે છે. ગર્ભ માતા સાથે એકદમ નિકટનો સંબંધ વિકસાવે છે. આથી સ્વાભાવિક છે કે કુદરત જનીનોને એવી અનુકૂળતા કરી આપે કે ગર્ભ માતા પાસેથી વધુ ને વધુ સ્રોત મેળવી શકે. સગર્ભાવસ્થામાં માત્ર માતા ગર્ભને પોષણ આપતી નથી, ગર્ભ પણ પોતાની રીતે માતા પાસેથી પોષણના સ્રોત ખેંચે છે. સગર્ભાવસ્થાની-માતા અને બાળક - પરસ્પરની આ સક્રિયતા કોઈપણ સર્જન-પ્રક્રિયાના બે પક્ષની પરસ્પરની સક્રિયતા અને એમના સંઘર્ષને ચીંધે છે. ઉદાહરણરૂપે જોઈએ તો જમીનમાં થતો બીજનિક્ષેપ માત્ર માટી, પાણી ને સૂર્યપ્રકાશનું પોષણ લેતો નથી પણ સાથે સાથે માટીનું રૂપાન્તર કરે છે, પાણીમાંથી વનસ્પતિ રસ ઊભો કરે છે અને તડકામાંથી - ખોરાક જન્માવે છે. સાહિત્યક્ષેત્રે, ડો. હેગનો આ સિદ્ધાંત, સર્જકની કૃતિરચનાસમયની ચિત્તસ્થિતિને અને વાચકની કૃતિવાચનસમયની ચિત્તસ્થિતિ સમજવામાં ઉપયોગી ઠરે એવો છે. સર્જકમાં જે કોઈ વિચાર, કલ્પન, સંવેદનનો બીજનિક્ષેપ થયો, એ બીજનિક્ષેપ લેખક દોરાવે એમ વૃદ્ધિ પામતો નથી, પરંતુ લેખકને સુદ્ધાં આક્રમક રીતે અને ફરજિયાતપણે દોરે છે. ઘણી વાર નવલકથાકાર કે નાટકકારનું નિવેદન હોય છે કે પાત્રો સર્જ્યાં પણ પાત્રો પછી અમારે વશવર્તી ન રહ્યાં - અહીં એ જ સર્જનપ્રક્રિયાની સંઘર્ષસ્થિતિનો સંકેત છે. કલાઓના ક્ષેત્રે માધ્યમોમાં કામ કરતાં કરતાં માધ્યમો જે રીતે કલાસર્જકોને દોરે છે, એ વાતની પ્રતીતિને ડૉ. હેગનો વિચાર સમર્થન આપે છે. ટૂંકમાં ગર્ભસ્થાન જેમ મુકાબલાનું કે સંઘર્ષનું ક્ષેત્ર બને છે તેમ લેખકચિત્ત કે વાચકચિત્ત પણ કૃતિની વૃદ્ધિ દરમ્યાન મુકાબલાનું કે સંઘર્ષનું ક્ષેત્ર બને છે.
●