લઘુ સિદ્ધાન્તવહી/સંજ્ઞાનવિજ્ઞાન અને વિવેચન

૪૨

સંજ્ઞાનવિજ્ઞાન અને વિવેચન

આજે મનોવિજ્ઞાનક્ષેત્રે માનવબુદ્ધિ અંગે વિવિધ સિદ્ધાન્તો પ્રવર્તી રહ્યા છે ત્યારે વર્તનવાદના પતન ઉપર સંજ્ઞાનવિજ્ઞાન (cognitive science) આધારિત છે એવું જણાવી વર્તનવાદનો અંત જાહેર કરતા મનોવિજ્ઞાની ગાર્ડનર હાવર્ડ સંજ્ઞાનવિજ્ઞાન દ્વારા ચિત્તનું વિજ્ઞાન (science of mind) પુરસ્કારી રહ્યા છે, અને માનવીય સર્જકતા પર મહત્ત્વનું સંશોધન કરી રહ્યા છે. વર્તનવાદ જો પર્યાવરણ અને પરિવેશ ઘટનાઓ તેમજ માનવવર્તન વચ્ચેના સંબંધને સમજાવે છે, તો સંજ્ઞાનવિજ્ઞાન જ્ઞાનની પ્રકૃતિ અંગેની સમજને અંકે કરવા મથે છે. વર્તનવાદ જીવવિજ્ઞાનની જેમ પ્રાકૃતિક વિજ્ઞાન છે, તો સંજ્ઞાનવિજ્ઞાન ઈતિહાસની જેમ સમાજવિજ્ઞાન છે. સંજ્ઞાનવિજ્ઞાન મહત્ત્વનાં છ લક્ષણોથી ધ્યાન ખેંચે છે : પ્રતીક કલ્પન, વિચારો કે અન્ય માનસિક પ્રતિનિધાનોની સંજ્ઞાઓમાં જ્ઞાનપ્રક્રિયાને વર્ણવી શકાય છે એવી સંજ્ઞાનવિજ્ઞાનની શ્રદ્ધા; કમ્પ્યુટરને અભ્યાસનું ઉપકરણ માનવાનો એનો અભિગમ; પ્રતિક્રિયા, સંદર્ભ, સંસ્કૃતિ કે ઈતિહાસ પરત્વેનો ભાર ઓછો કરવા અંગેની એની મથામણ; આંતરવિદ્યાકીય આદાનપ્રદાનોમાં એની દૃઢ માન્યતા; અને પ્રશિષ્ટ તત્ત્વવિચારવિષયક સમસ્યાઓમાં સંડોવાયેલાં એનાં મૂળ - જો આ પ્રકારે, ગાર્ડનર હાવર્ડ ‘ધ માય્ન્ડઝ ન્યૂ સાયન્સ : અ હિસ્ટ્રી ઑવ ધ કૉગ્નિટિવ, રીવૉલ્યૂશન’(૧૯૮૬)માં સંજ્ઞાનવિજ્ઞાનનું ક્લેવર ચર્ચે છે, તો આ અગાઉ ‘ફ્રેમ્સ ઑવ માય્ન્ડ’ (૧૯૮૩)માં ગાર્ડનરે બુદ્ધિ (intelligence)નું ક્લેવર ચર્ચ્યું છે. બુદ્ધિપ્રમાણ (intelligence quotient) એ પ્રમાણભૂત કસોટી રહી ન હોવાથી મનોવૈજ્ઞાનિક શબ્દભંડોળમાંથી એને બાકાત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને મનુષ્યજાતિમાં વંશીય ભેદના વાતાવરણ માટે આવી કસોટીએ શંકાસ્પદ આધાર પૂરો પાડ્યો છે. આવી કેટલીક ભૂમિકા પરથી અન્ય મનોવિજ્ઞાનીઓ અને ખાસ ગાર્ડનર હાવર્ડ બુદ્ધિને માનસિક ક્ષમતાઓના સમૂહ તરીકે જોવા માંડ્યા છે. એવું જોવા મળ્યું છે કે મસ્તિષ્કના ડાબા ભાગમાં ચોટ લાગી હોય એવી વ્યક્તિઓ બોલવાની ક્ષમતા ગુમાવે છે, પણ ગીતો ગાઈ શકવાની ક્ષમતા ધરાવે છે. કારણ, સંગીતવિષયક જમણું મસ્તિષ્ક અકબંધ રહ્યું હોય છે. એ જ રીતે મસ્તિષ્કના જમણાં ભાગમાં ચોટ પામેલી વ્યક્તિઓ અસ્ખલિત વાંચી શકે છે, પણ અર્થઘટનની ક્ષમતા એમણે ગુમાવી દીધી હોય છે. આવાં નિદર્શનો પરથી ગાર્ડનરે તારવ્યું કે બુદ્ધિ માનસિક ક્ષમતાઓની બનેલી છે અને આ માનસિક ક્ષમતાઓ માત્ર સ્વતંત્રપણે વ્યક્ત જ નથી થતી, પણ આ માનસિક ક્ષમતાઓ મસ્તિષ્કનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાંથી વ્યક્ત થાય છે. ગાર્ડનરે માનવબુદ્ધિના વ્યાપક સાત પ્રકારોની અભિધારણા કરી છે, જે માનવીય સર્જકતા સાથે સંકળાયેલી છે. ગાર્ડનરની આ અભિધારણાનો સાહિત્યની સર્જકતાને સમજવામાં પણ આધાર લઈ શકાય તેમ છે. ગાર્ડનર બુદ્ધિના રૂઢિગત ત્રણ પ્રકારો વર્ણવે છે : ભાષાબુદ્ધિ (verbal intelligence), ગણિતબુદ્ધિ (mathematical intelligence) અને સ્થલબુદ્ધિ (spatial intelligence). ગાર્ડનર રૂઢિગત પ્રકારોમાં પોતાના તરફથી બીજા ચાર પ્રકાર ઉમેરે છે : સંગીતબુદ્ધિ (musical intelligence), શરીરબુદ્ધિ (bodily skills), સંબંધબુદ્ધિ (adroitness in dealing with others) અને આત્મબુદ્ધિ (self-knowledge). સાહિત્યસંદર્ભે ભાષાબુદ્ધિ ભાષા પરત્વેની ચોક્કસ સંવેદનશીલતા આપે છે, ગણિતબુદ્ધિ સામગ્રીના સમાયોજન તરફ લઈ જાય છે, તો સ્થલબુદ્ધિ સમગ્ર પરિવેશ અને ભૂગોળના આકલનને સમાવે છે. સંગીતબુદ્ધિ લયતરાહોની પરખ ધરે છે, તો સંબંધબુદ્ધિ ચરિત્ર-ચરિત્ર વચ્ચેના વ્યવહારોનું પરિપ્રેક્ષ્ય રચે છે. સાહિત્યનો સમગ્ર વ્યાપાર, આમ જોઈએ તો, સર્જકના ‘આત્મજ્ઞાન’ અંગેનો, પોતાની ઓળખ અંગેનો છે. દરેક લેખકની માનસિક ક્ષમતાઓ ઓછેવત્તે અંશે કામ કરે છે અને એની વિશિષ્ટ માનસિક ક્ષમતાને લક્ષમાં રાખીને એના સાહિત્યનું મૂલ્યાંકન થઈ શકે તેમ છે; તો જુદાં જુદાં સાહિત્યસ્વરૂપો-જેમ કે ઊર્મિકવિતા કે કથાસાહિત્ય-જુદી જુદી માનસિક ક્ષમતાઓની અપેક્ષા રાખે છે. બુદ્ધિના નવા સિદ્ધાંતો અને સંજ્ઞાનવિજ્ઞાન વિવેચનમાં નવી પીઠિકા ઊભી કરી આપે તો એમાં નવાઈ પામવા જેવું કશું નથી.