લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યિક જીવનકથાનો પડકાર
સાહિત્યિક જીવનકથાનો પડકાર
ગુજરાતીમાં જીવનકથાનું સ્વરૂપ જેટલી ગંભીરતાથી ખેડાવું જોઈએ એટલી ગંભીરતાથી જો ખેડાયું નથી તો પછી સાહિત્યિક જીવનકથાની તો વાત જ કરવી મુશ્કેલ છે. ‘કવિચરિત્ર’ (૧૮૬૫)થી ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૪૭) સુધીના જૂજ પ્રયત્નો જોવા મળે છે, પણ એ પૂરતા સંતોષકારક નથી. પૂરતા સંદર્ભો અને પૂરતા સંશોધન સાથે લેખકના અંગત જીવનની, એના સર્જનમાં ઊતરેલા અને સર્જનમાંથી વ્યક્ત થતા જીવનની તપાસ પોતે તો એક સંકુલ પ્રક્રિયા છે જ, પણ એ પ્રક્રિયા, પછી, જીવનકથાના વાસ્તવકલ્પિતમિશ્રણ સાથે કોઈ કલાત્મક ઘાટમાં ઊતરે એ એનાથી વધુ સંકુલ પ્રક્રિયા છે. વળી, સાહિત્યિક જીવનકથા અંગે તો શંકાઓ પણ વારંવાર ઊઠી છે. એફ. સ્કૉટ ફિટ્ઝ જેવા કહે છે કે સારા નવલકથાકારની સારી જીવનકથા બની નથી, બની શકે નહીં. નવલકથાકાર પોતે જ અનેક વ્યક્તિ છે. તો ઑક્તાવિયો પાઝ જેવા કહે છે કે કવિઓની જીવનકથાઓ ન હોય. એમની કૃતિઓ જ એમની જીવનકથા છે. તો ડબ્લ્યૂ.એચ.ઑડેન જેવા તો છેલ્લે પાટલે બેસી સાહિત્યિક જીવનકથાને ઉસેટી દેતાં કહે છે કે સાહિત્યિક જીવનકથાઓ હંમેશાં ઉપરછલ્લી અને અપરુચિ ધરાવતી હોય છે. આગળ ઉમેરે છે કે લેખકના મિત્રો અને પરિવારને બાદ કરતાં લેખકના જીવનમાં કોઈને રસ નથી હોતો. ઉપરાંત, લેખકના જીવનની કાચી સામગ્રી વિશિષ્ટ સ્વાદ સાથે રજૂ થયેલી લેખકની શબ્દવાનગીઓને સમજાવી શકતી નથી. લેખકના જીવનની બાબતમાં આ બધો સંશોધન-અભ્યાસ નકામો છે. ઑડેન છેવટનો અભિપ્રાય આપતાં કહી દે છે કે સાહિત્યિક જીવનકથાકારો ગપસપિયા અને ફોગટના ડોકિયાં કરનારા અભ્યાસીઓ છે. ટૂંકમાં સાહિત્યિક જીવનકથા અંગે રહી રહીને એ પ્રશ્ન થયા કરે છે કે જ્યારે લેખકે પોતાની પૂરી જિંદગી પોતાને વ્યક્ત કરવામાં ખર્ચી નાખી હોય અને પોતાના જીવનની કટોકટીપૂર્ણ તેમજ સંવેદનશીલ સામગ્રીનો આધાર તરીકે ઉપયોગ કરી લીધો હોય તો પછી સાહિત્યિક-જીવનકથાકાર એમાં વધારાનું શું ઉમેરવાનો હતો? પરંતુ જોન અપડાઈકે ‘ધ ન્યૂયોર્ક રિવ્યૂ’ (ફેબ્રુઆરી ૪, ૧૯૯૯)માં સાહિત્યિક જીવનકથાને જે રીતે આવકાર આપ્યો છે એ આજે જીવનલેખન પર હટેલા ભારનો સૂચક છે. જૉન અપડાઈક વાચકને પક્ષે રહીને પૂછે છે કે આપણને સાહિત્યિક જીવનકથાનો શા માટે ખપ છે? અને પછી જવાબ આપે છે કે અનેક કારણસર આપણે વાંચતા હોઈશું, પણ મુખ્યત્વે લેખક સાથેની આપણી અંગતતાને આપણે લંબાવવા માંગીએ છીએ. લેખકનાં જે લખાણોમાંથી આપણે આનંદ મેળવ્યો એને જુદા અભિગમથી ફરી મેળવવા માગીએ છીએ. જૉન અપડાઈક આના અનુસંધાનમાં એકબે વિશિષ્ટ અભિગમની ચર્ચા કરે છે. આપણે ક્યારેક નિદાનની અપેક્ષાએ સાહિત્યિક જીવનકથા વાંચીએ છીએ, અને પરિપૂર્તિ અંગેની મનોવૈજ્ઞાનિક વિશ્લેષણની પદ્ધતિઓ અજમાવીએ છીએ, જેમાં લેખકનો સર્જકવેગ અને અન્ય ક્ષેત્રોમાં સર્જકનું સામર્થ્ય, એ બે વચ્ચેના સંબંધને પકડવા મથીએ છીએ. દાખલા તરીકે કાફકાના જીવનચરિત્રનું નિરૂપણ કરનારે કાફકાનો અનિદ્રા રોગ, પિતા અંગેનો એનો ભયંકર ડર, પોતાનો યહૂદીપણા પરત્વેનો દ્વિધા-ભાવ-વગેરેની સાથે કામ પાડવું પડશે. જૉન અપડાઈક, આજે અમેરિકામાં ‘જુડાસ જીવનકથા’નો પ્રકાર ઊપસી રહ્યો છે એની ચર્ચા પણ કરે છે. ‘જુડાસ જીવનકથા’માં જીવંત લેખકનો કોઈ પૂર્વેનો મિત્ર કે ભૂતપૂર્વ પત્ની એકદમ અંગત આલેખન આપે છે અને લેખકની તદ્દન અંદરની બાજુઓને અને એની નબળાઈઓને જાહેર કરે છે. આપણે ત્યાં સાહિત્યિક જીવનકથાનો પડકાર વિરલ કિસ્સાઓમાં જ ઝિલાયો છે. દ્વિરેફ, ઉમાશંકર, સુન્દરમ્, ચં.ચી. મહેતા, પન્નાલાલ પટેલ, દર્શક, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, સુરેશ જોષી જેવા ગાંધીયુગથી આજ સુધીના ઘણા લેખકો અંગે કોઈ પણ પ્રકારનું આભાવર્તુળ દોર્યા વગરની મનુષ્યછબી અને લેખકછબી સુલભ બનવી જોઈએ. લેખનના બદલાતા અભિગમ, લેખનની પદ્ધતિ, લેખનના આંતરિક વ્યાપારો, એના વ્યાપક સંદર્ભો સહિતની સાહિત્યિક જીવનકથા સાહિત્યક્ષેત્રે ઉપયોગી કામગીરી નિભાવે છે એમાં બે મત નથી.
●