લઘુ સિદ્ધાન્તવહી/‘ડાંડિયો’ અને ‘ધ બેલ’ તુલનાસામગ્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬૮

‘ડાંડિયો’ અને ‘ધ બેલ’ તુલનાસામગ્રી

સાહિત્યવિવેચન અને સાહિત્યસંશોધનને ક્ષેત્રે તુલનાનો વિષય હંમેશાં ધ્યાન ખેંચનારો છે. આ વિષય જેટલો રસપ્રદ છે એટલો જ જોખમકારક છે. જુદા ઇતિહાસો, જુદાં પરિબળો અને જુદી પરિસ્થિતિઓ વચ્ચે ઊભા થતા પ્રવાહો કે કિસ્સાઓને જ્યારે એકસરખા ગણીને ચાલીએ અને ઉત્સાહપૂર્વક ખોટા નિષ્કર્ષો પર આવીએ ત્યારે ગૂંચવાડાઓ એકઠા થવાને બદલે વધવાનો સંભવ વિશેષ છે. અલબત્ત, એકસરખાપણાનો નહીં, પણ સમાન્તરતાઓનો અભ્યાસ સાવધપણે મનુષ્યમનનાં સંચલનોની કેટલેક અંશે સમાનગતિને એના વિરોધના પરિપ્રેક્ષ્ય સાથે ગ્રહણ કરી શકે તો એકંદરે સાહિત્યસમજને વ્યાપ જરૂર આપી શકાય છે. સુધારકયુગની દાંડી પીટનાર નર્મદનું પાક્ષિક વર્તમાનપત્ર ‘ડાંડિયો’ નર્મદે કહ્યું છે તેમ “‘ધ સ્પેક્ટેટર’ના જેવું લખાણ કાઢવું”-ના આશય સાથે પ્રગટ થયું હતું અને ત્યારથી ‘ડાંડિયો’ની ચર્ચા વખતે જોસેફ ઍડિસન (Joseph Addison) અને રિચર્ડ સ્ટીલ (Richard Steele)ના તંત્રીપદા હેઠળ માર્ચ ૧૭૧૧થી ડિસેમ્બર ૧૭૧૨ સુધી અને પછી જૂન ૧૭૧૪થી ડિસેમ્બર ૧૭૧૪ સુધી ચાલેલા દૈનિક ‘ધ સ્પેક્ટેટર’નો ઉલ્લેખ કરવામાં આવે છે. ‘ધ સ્પેક્ટેટર’માં રાજકારણ સંપૂર્ણ બાકાત રાખવામાં આવેલું હતું અને સાહિત્ય, ધર્મ અને નીતિને લગતાં લખાણોનો સમાવેશ કરવામાં આવેલો એ વાત એમાં લગભગ ભુલાઈ જાય છે. નર્મદના ‘ડાંડિયો’એ સામાજિક પ્રશ્નો ઉપરાંત રાજકીય પ્રશ્નો પરત્વે પણ સારી પેઠે ધ્યાન આપ્યું છે. સમાજના દુષ્ટ રિવાજો, એનાં પાખંડ, ઢોંગ અને દૂષણો પર તો પ્રહારો ખરા જ, પણ જિલ્લાઓના અમલદારના જુલમ કે તુમાખીના અથવા લાંચરુશ્વતના બનાવો પણ એમાં છોડાયા નથી. સરકારી સમરી સેટલમેન્ટો, મ્યુનિસિપલ કમિટીનાં વહીવટકાર્યો, તત્કાલીન ધાર્મિક આચાર્યોની વિલાસિતાઓ - આ બધાંયને ‘ડાંડિયો’ અડફેટમાં લઈને ચાલ્યો છે. ઓગણીસમી સદીના પૂર્વાર્ધના અંતમાં અંગ્રેજી તાબા હેઠળની પ્રારંભકાળની ઔદ્યોગિકીકરણની પછાત, ધીમી, પ્રાકૃત અને બિનકાર્યક્ષમ ગતિ વચ્ચે શાસિત પ્રજા તરીકેનું માનસ જે રીતે જોવાય છે, જે રીતે સામાજિક રૂઢિઓની ધુંસરી, ઘોર અજ્ઞાન અને વહીવટી શોષણ જોવાય છે, જે રીતે યાતના અને જુલમો દ્વારા મનુષ્યની અવહેલના થતી જોવાય છે, બરાબર એવી જ સ્થિતિ એ સમયે રશિયન સામ્રાજ્યમાં વસતી પ્રજાની હતી. જેમ નર્મદે એમ ત્યાં પણ નવા ઉગ્રવાદીઓની પેઢી આકાર લઈ રહી હતી એમાં આલેકઝાન્દર હેર્ઝને (Alexander Herzen) એના અભિપ્રાયો અને એની પ્રવૃત્તિઓ દ્વારા રશિયાની સામાજિક વિચારણાની દિશા બદલી નાખી છે. એની સંસ્મરણાત્મક આત્મકથા ‘મારો ભૂતકાળ અને મારા વિચારો’ (My Past and Thoughts) તો એના સમકાલીન લેખકો તોલ્સ્ટોય, તુર્ગનેવ કે દોસ્તોયેવ્સ્કી જેવા સમર્થ લેખકોની હરોળમાં એને સ્થાન અપાવે એવી છે. પણ સૌથી વધુ રસપ્રદ બાબત તો એ છે કે નર્મદના ‘ડાંડિયો’ની જેમ એણે ઓગારેવ (Ogarev)ની સાથે રહી ‘The Bell’ (Kolokol)નામનું મુખપત્ર પહેલાં લંડનથી અને પછી જિનીવાથી કાઢ્યું છે. આનો સમયગાળો, લગભગ ‘ડાંડિયો’ની સમાન્તર, ૧૮૫૭ થી ૧૮૬૭નો રહ્યો છે. આ મુખપત્ર રશિયન એકહથ્થુતાની સામે વ્યવસ્થિત ક્રાંતિપ્રચારનું સાધન બન્યું. ગુપ્ત માર્ગોએ રશિયામાં પહોંચતું, એને ઉચ્ચ અધિકારીઓ તો વાંચતા, પણ કહેવાય છે કે એમ્પરર પોતે પણ વાંચતા. પોતાને મળતા પત્રો અને અંગત સંદેશાઓને આધારે હેર્ઝન રશિયન અમલદારશાહીના ભ્રષ્ટાચાર, ન્યાયપ્રપંચો અને જુલ્મોને તેમજ વગ ધરાવતા અધિકારીઓની અપ્રામાણિકતાઓને દસ્તાવેજી પ્રમાણોથી અને મૂંઝવતા પ્રશ્નોથી પ્રકાશમાં લાવતો. ટૂંકમાં, નર્મદે જેમ ગુજરાતી પ્રજાજીવનની કુરૂપતાને, તેમ હેર્ઝને રશિયન પ્રજાજીવનની કુરૂપતાને ઢંઢેરો પીટીને જાહેર કરેલી. ‘ડાંડિયો’માં દાંડી પીટી રોન ફરનારનો જેમ સંદર્ભ છે, બરાબર એવો જ સંદર્ભ હેર્ઝનનાં ‘ઘંટ’ (The Bell)માં છે. એકે ડાંડિયાના સાદે તો બીજાએ ઘંટના નાદે પ્રજાજાગૃતિનું સામાજિક અને રાજકીય ઉદ્દામવાદી કાર્ય સંભાળ્યું છે. ભવિષ્યના સંશોધકે નર્મદ સંદર્ભે ‘ધ સ્પેક્ટેટર’ ઉપરાંત ‘ધ બેલ’નો અભ્યાસ કરવો હવે જરૂરી બન્યો છે.