લીલુડી ધરતી - ૧/બેડું વહાલું કે આબરુન
ભોળુડો ટીહો !
એણે તો આવતી કાલે પાણી શી રીતે ભરશે એ અંગેની પત્નીની મૂંઝવણનો સરળ ઉત્તર આપી દીધો :
‘બેડું તો રઘા ગોરની હૉટલમાં પડ્યું છે. અબઘડીએ જ લઈ આવું !’
‘તમારે મન તો જાણે હથેળીનો ગળ !' હરખે સંભળાવી. ‘એમ ક્યાં બેડાં રેઢાં પડ્યાં છે !’
‘પણ મને નદીની પાટમાં નહાતાં નહાતાં રઘાબાપાએ કીધું ઈ ખોટું ?’
‘ઈ તે આંયાકણે ય હજાર દાણ કઈ ગયા છે. પણ એમ ક્યાં બાપને ઘીરે બેડાં ઠારી મેલ્યાં છે !’
‘હા રઘાબાપા કાંઈક લાકડી પાછી સોંપી આવવાની વાત કરતા’તા ખરા.’ ટીહો બોલ્યો. ‘લાવો લાકડી ને લઈ આવું બેડું—’
‘લાવો લાકડી ! લ્યો બોલ્યા !’ હરખે પતિની ઉક્તિને વ્યંગાત્મક પુનરોચ્ચાર કરીને કહ્યું, ‘ઈ લાકડીની તે હુંધી ય મોંકાણ છે !’
‘ભલા ઈ શાદૂળભાની શી વાત છે ? મને કિયો જોયીં !’ રઘોબાપો કાંઈક બબડતો'તો ખરો.’
‘પૂછોને તમારી ગગીને, મને શું પૂછો છો ?’ કહીને હરખ મૂંગી થઈ ગઈ.
‘સંતુ, દીકરા ! સરખી વાત તો કર્ય !’ ટીહાએ કહ્યું. કાબરી પાસેથી ઊઠીને સંતુ ઓસરીમાં આવી.
‘આ શાદૂળિયાને શું કામ વતાવ્યો તેં ?’
‘હું ક્યાં એને વતાવવા ગઈ’તી ? જઈ મૂવે મારી ખેંધે પડ્યો છે.’
‘ઈ તો છે જ વંઠેલો.’
‘મૂવો તાવડીવાજામાં મારા નામનાં ગીત ગવડાવે છે, ને હું હોટર પાસેથી નીકળું છું તં યે મારી ચેષ્ટાળી કરે છે. નખોદિયો પાનની પિચકારિયું મારે છે. કાંકરિયું ફેંકે છે, ને મોઢેથી ભૂડાં બોલે છે.’
‘બોલનારનું મોઢું ગંધાય, આપણે તે સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખવું.’
‘આટલા દન તો એમ જ કર્યું'તું પણ આજ સવારમાં પાણી ભરવા ગઈ તયેં—’
‘કાંઈ અટકચાળો કર્યો ?’ ટીહાએ પૂછ્યું.
‘અટકચાળો તી કાંઈ જેવો કે નંઈ તેવો ! જરાક ગાફેલ રઈ હોત તો મોંભર પડી હોત.’
‘અરરર !...’
‘વાંકી લાકડીની મારા પગમાં આંટી લીધી... માથેથી બેડું તો પડ્યું, પણ હું ય પડતાં પડતાં માંડ રઈ !’
‘શાદૂળિયો છે જ નફટ ને નઘરોળ...’
‘ને ઈ નફટ સાવ નરમઘેંશ થઈ ને લાકડી પાછી મંગાવે છે.’
‘તી લાકડી તું ભેગી લેતી આવી છો ?’
‘મારે લેવી તો નો’તી, પણ પગમાં આંટી ભરાતાં મેં ઝાટકો માર્યો, એમાં એના સાંઠીકડા જેવા હાથમાંથી સરકી ગઈ, ને હું ભેગી લેતી આવી.’
હવે હરખે વચ્ચે ટમકો મૂક્યો : ‘જીવોભાઈ ખવાહ જેવું માણહ આવીને કહી ગયા કે બેડું ને લાકડીના સાટાંપાટાં કરી લ્યો, પણ સંતુડી માનતી જ નથી.’
‘જીવોભાઈ આવે કે જીવાનો બાપ આવે. મેં તો ચોખું કીધું કે લાકડીના ધણીને જ મોકલો લેવા.’
‘આવો તંત શું કામ કર છ, દીકરી ?’
‘ઈ વન્યા આ મલકના ઉતાર જેવા માણહ સીધા નો થાય.’
વળી હરખે વચ્ચે ઉમેર્યું : ‘લાકડી ય કોણ જાણે ક્યાં સંતાડી દીધી છે ! હું ગોતીગોતીને થાકી...’
‘ક્યાં સંતાડી છે ?’ ટીહાએ પૂછ્યું.
‘ક્યાંય સંતાડી નથી. મેં સાચવીને મેલી છે. શાદૂળિયો લેવા આવે એટલે સોંપી દઈશ.’
‘પણ શાદૂળિયો જ લેવા આવે એવું કાંઈ લખી દીધું છે ! એવા રાશી માણહને આપણે આંગણે ય શું કામ ઢૂંકવા દેવો ?’
‘આંગણે આવે એટલી જ વાર છે. સંતુએ કહ્યું.’ ‘મૂવાનો હું ય રોફ ઉતારી નાખું, ને સીધોદોર કરી નાખું.’
‘આવા સાવજને શું કામ કે’વું કે તારું મોઢું ગંધાય છે ? ઈને તો છેટા રાખ્યા જ સારા.’
‘ઈ સાવજને મારી સામે ઊભવા તો દિયો એક દાણ ? સોજો સસલા જેવો કરી મેલીશ.’
સાંભળીને ટીહો મનમાં જ થરથરી રહ્યો. છોકરીએ બહુ બળિયા હાર્યે વેર બાંધ્યું હતું. સામા પક્ષે શાદૂળને બદલે કોઈ બીજો માણસ હોત અથવા આ પક્ષે ટીહાને બદલે કોઈ ખમતીધર ખોરડું હોત તો પ્રશ્ન આટલો વિકટ ન બન્યો હોત, પણ ટીહાનું તો સાવ વસવાયાની કક્ષાનું ઘર, ને સામી બાજુ સર્વસત્તાધીશ જેવા તખુભા દરબારનો દીકરો. કાચી ઘડીમાં ટીહાને ગામમાંથી ઉચાળા ભરાવી શકે.
‘બીજું બધું ય તો ઠીક, પણ કાલ્ય સવારે પાણી શેનેથી ભરશું ?’ હરખની દૃષ્ટિએ જે મુખ્ય ચિંતાનો વિષય હતો એ વારંવાર વ્યક્ત થતો હતો. ‘મા ! તું બેડાની ફકર્ય કશું કામે કરછ ? કાલ્ય હું આ પાણિયારે ખાલી ગોળા નઈ રેવા દઊં... ગમે એમ કરીને ભરી આવીશ.’
‘હાંડા ને ઘડા વન્યા કેમ કરીને ભરીશ ?’ હરખને હજી સંતુની યોજના સમજાતી નહોતી.
‘કેમ કરીને ભરીશ, એની તારે શી પંચાત ? તારે મમ્મ્મ્ થી કામ છે કે ટપટપથી ?’
‘તું જાણ્ય ને તારાં કરમ જાણે’ કહીને હરખે તો આ પ્રકરણમાં હાથ ધોઈ નાખ્યા, અને પતિને ઉદ્દેશીને કહ્યું :
‘હાલો, ઊઠો હવે તમે, હાથબાથ ધોવો તો ઝટ રોટલા ભેગા થાવ. સવારના પહોરના ભૂખ્યા હશો.’
‘મને ભૂખ નથી લાગી.’ કહીને ટીહો લમણે હાથ દઈને બેસી ગયો.
ક્યારની અકળાઈ રહેલી સંતુની અકળામણ વધી. ફળિયામાં બાંધેલી કાબરી ભાંભરી તેથી સંતુ ઊઠી. જઈને જોયું તો વાછડીને નીરેલી કડબ ક્યારની એમ ને એમ પડી હતી. કાબરીએ એક પાંદડું ય મોઢામાં નહોતું લીધું. સંતુને નવાઈ લાગી. રોજ તો પૂરો એક કડબ ભરડી જનારી વાછડી આજે આમ કેમ કરે છે ? એણે કાબરીની ડોક ઉપર વહાલસોયો હાથ ફેરવવા માંડ્યો, પણ ત્યાં તો એ મુંગા જીવે મણ એકનો નિસાસો મૂક્યો તેથી સંતુ ચોંકી ઊઠી. અર૨૨ કાબરી, તને ય આજ શું થયું છે ! મારા મનની વાત જાણી ગઈ કે શું ? ‘એલી છોકરી ! ઊઠ્ય હવે ઊઠ્ય, વાછડી હાર્યે રમત્યરોળાં કરતી ઊઠ્ય ઝટ, વાળુ અસૂરાં થાય છે.’ હરખે કર્કશ અવાજે પુત્રીને આદેશ આપ્યો, ને પછી સંભળાવ્યું : ‘કાલ્ય સવારે સાસરે જાઈશ, ત્યાં આવાં રમત્યરોળાં કેમ કરીને હાલશે ?’
હરખનો આ ટોણો સાંભળીને સંતુને એવી તો ચીડ ચઢી કે એણે ફળિયામાંથી જ સંભળાવી દીધું : ‘મારે વાળુ નથી કરવું !’ ‘લ્યો બોલ્યાં બેનબા : મારે વાળુ નથી કરવું ! સહુ ત્રાગાં કરીને બેહો મારી સામે !’ હરખે હવે હૈયાવરાળ કાઢવા માંડી. ‘હાથે કરીને હોળી સળગાવી છે. જીવોભાઈ જેવો જીવોભાઈ ઊંબરે આવી કહી ગ્યો તો ય માનતી નથી, ને પારકી ચીજ દબાવીને બેઠી છે !...ગામમાં રે’વું ને મઘર હાર્યે વેર બાંધવાં તી ક્યાંથી પોહાય ? સત્તા આગળ શાણપણ શું કામનું...કોઈ વાર બે વાત ખમી ખાતા ય આવડવું જોયેં...જેની તેની હાર્યે આમ બાખડી પડતાં હાલીએ તો તો જિવાય કેમ ? હંધીય વાત કાંઈ ગણીને ગાંઠે બંધાય ?...ને સામા માણસના મોભાનો ય વચાર કરવો જોયીં ને ?...’
કાણી ટાંકીમાંથી ટપકતાં પાણીની જેમ હરખની આ વાક્ધારા રહી રહીને ટપક્યા કરતી હતી. એવામાં ઓચિંતો જ એક માણસ સાવ ઉઘાડે ડિલે ડેલીમાં પ્રવેશ્યો. માત્ર પંચિયાભેર આવી પહોંચેલ એ માણસ બીજો કોઈ નહિ પણ રઘો ગોર જ છે, એમ સમજતાં ટીહાને વાર ન લાગી. ગુંદાસરની ચારે સીમ વચ્ચેની હરફર માટે રઘો ટૂંકા પંચિયાથી વધારે પોષાક બગાડતો નહિ, કોઈ વાર એને બહારગામ જવાનું થાય ત્યારે એ અંતરિયાળ ભૂધર મેરાઈની હાટડીએ ઊભાં ઊભાં પહેરણ સીવડાવતો.
‘કાં ગોરબાપા ?’ ટીહાએ કહ્યું.
‘એલાવ, તમે મોઢેથી બાપા બાપા કરો છો, પણ આમ તો મારા જ બાપ થઈને ફરો છો !’
‘આવું બોલાય, ગોરદેવતા ?’
‘મારાં વેણ ખોટાં હોય તો પાછાં આપી દે ! આ તને નદીની વાટમાં સાનમાં સમજાવ્યો, તો ય કાંઈ સમજ્યો લાગતો નથી.’
‘હંધું ય સમજી ગયો છું.’
‘સમજી ગયો છો, તો હવે વાટ કોની જોવાની છે ? સારું મૂરત જોવાનું બાકી છે ? કહે તો મારા ટીપણામાંથી લાભ ચોઘડિયું કાઢી દઉં...’ ‘ના ના, એમાં ચોઘડિયું તો શું જોવાનું હોય ? આ તો—’
‘એલા તું નહિ માન્ય, પણ અટાણે સાચે જ તારા લાભનું ચોઘડિયું છે.’ રઘાએ ટીહાના કાનમાં કહ્યું : ‘જો અટાણે અધારું થઈ ગયું છે, તો છાનોમાનો લાકડી મેલી જા, ને બેડું ઉપાડી જા. કોઈ ભાળશે ય નહિ, ફક્ત હું, તું ને રામ જાણે !’
‘બરાબર છે.’ ટીહાએ કહ્યું.
‘તો પછી ? તમે કણબાંભાઈ કીધાં એટલે હાંઉં, સાનમાં તો કાંઈ સમજો જ નહિ ! પચ્છમબુદ્ધિ ભ્રમ જેવાં તમને તો ડફણાં વાગે ઈ જ લાગનાં છો !’
આટલું કહીને રઘાએ ઓસરીનાં પગણિયાં પાસે જ ખળળ કરતો પાનનો કોગળો નાખ્યો.
એ દૃશ્ય જોઈને દૂર ઊભેલી સંતુએ ઊબકો આવતો હોય એવો દેખાવ કર્યો, પણ અંધારામાં રઘો એ જોઈ શક્યો નહિ.
‘તમારે ગોરબાપા ઠેઠ અહીં સુધી ધક્કો થયો, ઘરડે ઘડપણ.’ ટીહાએ વિવેક કર્યો.
‘ઘડપણ તો છે, ને આંખ્યે ય હવે રાતવરત સૂઝતું નથી, પણ શું કરું ? આ વાત ઠેઠ તખુભાબાપુ લગી પૂગતી’તી એટલે મારો જીવ બળ્યો. મનમાં થયું કે ગરીબ કણબી દંડાઈ જાશે, હાલ્ય ટીહાને સાનમાં સમજાવતો આવું.’
‘સમજી ગયો, ગોરબાપા ! હંધું ય સમજી ગયો. હવે તો તમે જાવ. તમારી વાંહોવાંહ હું આવ્યો સમજો !’
રઘાને વિદાય કરીને ટીહાએ સંતુને કહ્યું :
‘ગગી ! લાકડી લાવ્ય, હોટરે જઈને આપી આવું ને બેડું લેતો આવું.’
સંતુ મૂંગી રહી એટલે હરખે કહ્યું :
‘એલી, આપી દેની લાકડી ! તઈણ હાથની લાકડી સાચવીને શું કરવું છે ? ચૂલામાં નાખું તો એના તાપમાં મારો એક રોટલો ય પૂરો નઈ શેકાય. ઈના સાટામાં બેડું પાછું લઈ આવો ની ! કેવું મજાનું ભારેસલ્લ, ઘડાઉ તાંબાનું સોના જેવું બેડું છે મારું ! આજ નવું લેવા જાવ તો ખબર પડે !’
માતાને મોઢેથી લાકડી અને બેડાંના તુલનાત્મક લાભાલાભ સાંભળી લીધા પછી સંતુએ એટલું જ કહ્યું :
‘મા ! તું હવે મુંગી રહીશ ?’
મૂંગા રહેવાનું સ્વીકારતાં સ્વીકારતાં પણ હરખની જીભ આટલાં વેણ તો વેરતી જ ગઈ :
‘હવે તો મૂંગાં જ રહેવું પડશે ને ? કહેવાયે ય નહિ ને સહેવાયે ય નહિ એવું કરી આવી છે !’
ટીહાએ નમ્ર અવાજે કહ્યું :
‘સંતુ, દીકરા ! હવે આમાંથી કાંઈક રસ્તો કાઢ્ય !’
‘લાકડી નથી સોંપવી.’
‘એમ તી કાંઈ હાલે ? શાદૂળિયાને તું ઓળખતી નથી; ભૂંડા માણહની પાંચશેરી ભારે.’
‘હું ઓળખું છું શાદૂળિયાને. હવે સાંકડા ભોણમાં આવ્યો છે, એટલે ટાઢો પડ્યો છે. અટાણે જો આપણે પોચું મેલશું તો વળી પાછો ઈ ઊંચું ભાળી જશે, અટાણે લાગ આવ્યો છે, તો એને સીધોદોર કરી નાખવા દિયો, તો હંમેશનું સાલ જાય—’
‘પણ બાપુ ! આપણે ગામમાં રહેવું ને ગરાશિયા હાર્યે વેર રાખવાં કેમ પોહાય ?’
‘ઈ ગરાસિયાની ચોટલી હવે મારા હાથમાં આવી ગઈ છે. આવો મોકો ફરીથી નહિ જડે. જરાક કડપ દેખાડશું તો પછી ઈ શાદૂળિયો જિંદગી આખી મારી સામે ઊંચી આંખ નઈ કરે.’
‘તારી વાત હંધી ય સોના જેવી છે, દીકરા ! પણ આપણું ખોરડું ગમે એવું તો ય દૂબળું ગણાય. આપણે દબાયેલાં માણહ. આવા જોરૂકા જણ હાર્યે વેરઝેર જીરવવાનાં આપણાં ગજાં નઈં.’ રાતના મોડે સુધી આ રકઝક ચાલી. ઘરમાં કોઈએ વાળુ કર્યાં નહિ.
આખરે હરખની ધીરજ ખૂટી. એણે ફરી પોતાના વજનદાર ને મોંઘાં રાચ સમા બેડાંની ફિકર કરી :
‘અરે ઈ લાકડી ગઈ ચૂલામાં. મારું ઘડાઉ તાંબાનું સોના જેવું બેડું લઈ આવ્ય પાછું, નીકર ઘરમાં નઈં ગરવા દઉં !’
નહિ નહિ તો ય વીસમી વાર ઉચ્ચારાયેલું માનું આ મહેણું સાંભળીને સંતુને એવી તો ઝાંઝ ચડી કે એ ઊભી થઈ ગઈ. શ્વાસભેર એ બોલી ગઈ :
‘મા ! તને ઈ તારું દસ શેર તાંબાનું બેડું વા’લું છે કે તારી દીકરીની લાખ રૂપિયાની આબરૂ વા’લી છે ? ’
'અટાણે તો બેડું જ.’ હરખને કોણ જાણે શી કમત સુઝી તે ખીજની મારી બોલી ગઈ.
‘બેડું વધારે વા’લું છે ને ?’ સંતુએ ડેલી તરફ જતાં, ધ્રુજતે અવાજે કહ્યું, ‘તો અબઘડીએ જ હાજર કરું છું.’
‘સંતુ, સતું !’ ટીહાએ બહાર જતી પુત્રીને રોકવા પ્રયત્ન કર્યો. ‘સાંભળ તો ખરી ? વાત કહું. અરે, જરાક ઊભી તો રે’ ?’
પણ સંતુ અત્યારે પિતાની વાત સાંભળવા રોકાઈ નહિ. એ તો ઝડપભેર ડેલી બહાર નીકળી ગઈ. જતાં જતાં સંભળાવતી ગઈ : ‘બેહો તમે હંધાય બાયલાંવ !’
છેલ્લો શબ્દ સાંભળીને ટીહો સમસમી રહ્યો. એને પુત્રીની વાત અને વલણ સાવ સાચાં લાગ્યાં. બાવરો બનીને એ ઊભો થયો, અને પુત્રીની પાછળ ગયો.
‘સંતુ, દીકરા સંતુ ! મારી વાત સાંભળતી જા ! સંતુ !—’
ટીહાના આ શબ્દો, આથી નીકળી ગયેલી સંતુએ તો ન સાંભળ્યા પણ હરખે એ સાંભળીને ટકોર કરી : ‘હવે મેલો ને ખહતી ! દીકરા દીકરા કરીને બવ મોઢે ચડાવી છે, તી કોક દી આપણને અફીણ ઘોળાવશે.’
‘હવે તું મૂંગી મરીશ ? ડહાપણ તો હંધુય તારામાં જ ભરી દીધું લાગે છે !’ પત્નીને ધમકાવીને ટીહો સંતુની પીઠ પાછળ તાકી રહ્યો. ઘડીભર તો એને થઈ આવ્યું કે દોડીને પુત્રીને આંબી લઉં. અને એને સમજાવીને પાછી લાવું. પણ સંતુનો અટંકી અને જિદ્દી સ્વભાવ એનાથી અજાણ્યો નહોતો. તેથી હવે તો શું થાય છે એની રાહ જોવાનું જ ઉચિત ગણીને એ ડેલી બહાર ઊભો રહ્યો.
ટીહાએ તો ધાર્યું હતું કે સંતુ અત્યારે બેડું લેવા માટે રઘા ગોર પાસે જ જઈ રહી છે અને હમણાં જ એ હૉટેલમાં જવા માટે ગલીમાં વળશે પણ ટીહાની એ ધારણા ખોટી પડી. સંતુ તો હૉટેલવાળી ગલી છોડીને પણ કણબીપાની શેરીમાં સીધી ને સીધી જ આગળ વધતી રહી; તેથી ટીહો વિચારમાં પડી ગયો. અરે, છોકરી ક્યાં જતી હશે ? ક્રોધની મારી કૂવોઅવેડો તો નહિ પૂરે ? પાછળ દોડીને પકડી લાવું ? ના ના, તો તો સૂતેરી શેરી આખી જાગી ઊઠે, ને છોકરી કાંઈ જીભાજોડી કરી પડે તો નાહકનો ગામગોકીરો થાય...
ટીહો આમ વિચારતો રહ્યો ત્યાં તો સંતુ જમણે હાથે એક ખાંચામાં વળતી દેખાઈ.
અરે ! સંતુ એ તરફ ક્યાં ગઈ ? જમણી દિશાના ખાંચામાં તે હાદા ઠુમરની ખડકી છે ! સંતુનાં સાસરિયાંનું જ ખોરડું ! છોકરી સાસરે પહેાંચી કે શું ?