લીલુડી ધરતી - ૧/વિયોગના ઓછાયા વચ્ચે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિયોગના ઓછાયા વચ્ચે

“અરરર ! ઈ કાળમખાને આપણે ઊંબરે શું કામ ચડવા દીધો ?’

‘ઈ રોયા રાખહનો ઓછાયો અડે તો ય અભડાઈ જાઈં, ઈને તમે ઢગમાં સોંઢાડ્યો ?’

‘હાય રે હાય ! ઈ કાળોતરા ભોરિંગની મીઠી મીઠી વાતું સાંભળીને તમે બાપદીકરા બેય કાં ભોળવાઈ ગ્યા ? આતા તો સતીમાના ગોઠિયા રિયા; એટલે ભગવાનનું માણહ ગણાય. એના રૂદામાં તો ભોળપણું ભર્યું હોય, પણ તમ જેવો ચતુર જણ પણ સાવ ભોળોભટાક થઈને ભરમાઈ ગ્યો ?’

હાદા કુમરની ખડકીમાં એકઢાળિયા ઓરડામાં એક સાંગામાંચી જેવા, માંકડભર્યા ઢોલિયા પર આ ઉક્તિઓ ઉચ્ચારાઈ રહી હતી.

વરવહુ વાસકસજ્જાને પોઢ્યાં હતાં પણ કમનસીબે આ ઓરડાનું વાતાવરણ વાસકરજનીનું નહોતું. લોકસાહિત્યમાં વર્ણવાય છે એવા થંભ અહીં થડકતા નહોતા, મેડી હસતી નહોતી. ખાટ ખટુકતી નહોતી. ખુદ ઢોલિયા તળેનો ઓળીપો જ ઊખડી ગયો હતો. એમાં ઉંદરોએ ઊંડાં ઊંડાં ભોણ પાડ્યાં હોવાથી આખો ઓરડો ખાડાખૈયાવાળો બની ગયો હતો. કચિયલ ભીંતડાં પરથી ગારના પોપડા પડી ગયા હતા તેથી આખી ય દીવાલો બિહામણી લાગતી હતી. મિલનરાત્રિએ અહીં મોલુંમાં દીવા શગે નહોતા બળતા. પણ વરસો થયાં મેશ ખાઈ ખાઈને કાળાભઠ્ઠ પડી ગયેલા ગોખલામાં ​મૂકેલા મીઠા તેલના મોઢિયે દીવે વારંવાર મોઘરો ચડતો હતો, તેથી પતિ-પત્ની બન્નેને એમાં કોઈક અકળ ભાવિનાં અપશુકન દેખાતાં હતાં. વર્ષો થયાં જેનું વરણ બદલાયું જ નહોતું એ ખપેડામાં જામેલી અઘોચરમાંથી થોડી થોડી વારે ઓજીસારો ખર્યા કરતો હતો.

રાત્રિ મિલનની હતી, પણ આ ઓરડામાં મિલન કરતાં વિજોગના ઓછાયા જ વિશેષ હતા. આ જ સ્થળે આજથી વીસેક વર્ષ પહેલાં દેવશી અને ઊજમ પોઢ્યાં હતાં અને થોડા જ સમયમાં એમની વચ્ચે વિયોગ સરજાયો હતો. આ જ સ્થળે પરબત અને એની પત્ની મળ્યાં હતાં, અને પછી પરબતે ઘાસણીના રોગમાં શેરડીની જેમ પિલાઈ પિલાઈને પ્રાણ છોડ્યા હતા. એ વિયોગી આત્માઓના ઓછાયા હજી ય ઓરડાને ગૂંગળાવી રહ્યા હતા. આ શાપિત સ્થળ જાણે કે બાપોકાર કહી રહ્યું હતું : ‘હું કોઈને સુખી નહિ થવા દઉં... અહીં વસનારાને કોઈને કદાપિ સુખી નહિ થવા દઉં...’

વિયોગના ઓછાયાઓની આ ભીંસને કારણે જ કદાચ આ નવદંપતીને કશી મધુર ગોષ્ઠિ નહોતી સૂઝતી, કશા પ્રેમપ્રલા૫ જીભે નહોતા ચડતા. ઉચ્ચારાતી હતી માત્ર અંતરવલોવતી વ્યથા.

‘આતાને તો હવે આંખે ઓછું સૂઝે છે, પણ ઈ મલકના ઉતારની ખંધી આંખ્યમાં સાપોલિયાં સળવળે છે, ઈ તમારી નજરે કેમ ન કળાણાં ? ઢગ ભેગો ઈ ગુડાણો તંયે ફળિયામાં સહુની હાર્યે ખાટલે બેઠો’તો, તંયે ઈ મૂવા નિલજાની નજર રાંધણિયા સોંસરવી મને વીંધતી’તી, ઈ કેમ કોઈએ ભાળ્યું નઈં ?’

વ્યથિત સંતુ એકનો એક પ્રશ્ન ફેરવી ફેરવીને પૂછતી હતી.

ગોબર પાસે તો ફક્ત એક જ ઉત્તર હતો : ‘માંડણિયે હવે માફામાફી કરી લીધી છે. ગમે તેવો કલાંઠ તો ય અંતે તો કુટુંબનો માણસ છે. કાલે સવારે સારેનરસે પ્રસંગે ભાયાતનો દીકરો ખપ લાગશે, પારકો નહિ.’ ​‘ભાયાતનો દીકરો સારો હોય તો તો આડા ઘા ઝીલે–’ સંતુ સામું સંભળાવતી હતી.

‘ઈ તો ખરે ખબર્યું થાય, એવો સમો આવશે તો ભાઈબંધ પણ આડા ઘા ઝીલશે–’ ગોબર શ્રદ્ધાપૂર્વક કહેતો હતો, પણ સંતુને ગળે વાત ઊતરતી નહોતી.

*

ઓસરીમાં સૂતેલી ઉજમને થોડી વારે દમના હુમલાની ધાંસ ચડતી હતી. એનો અવાજ આ નવદંપતીને વારંવાર ખલેલ કરી રહ્યો હતો. ફળિયામાં ખાટલો ઢાળીને પડેલ હાદા પટેલનાં નસકોરાંનો ઘરડ...ઘરડ અવાજ એકધારો સંભળાતો હતો. કણબીપા અને મુમણાવાડને મિલનસ્થળે બન્ને લત્તાઓનાં કૂતરાંઓ કોઈક નાજુક પ્રકારના પ્રશ્ન પર સામસામાં ભસતાં હતાં એમાં ડાઘિયા કૂતરાનો ભયંકર અવાજ પણ આ યુગલને ઊંઘમાં ખલેલ કરી રહ્યો હતો. અને આટલું કેમ જાણે ઓછું હોય, તે પછીતની દિશામાંથી એકાએક લયબદ્ધ અવાજ શરૂ થયો :

‘અઢાર ને ચાર બાવીસ, બાવીસ ને આઠ ત્રીસ... ત્રીસ... ત્રીસ...ને ઈગિયાર, એકતાલી...એકતાલી, એકતાલી ને નવ પચા... પચાની સૂન, વદી પાંચ...પાંચ...પાંચ...પાંચ...’

સાંભળીને સંતુ બોલી ઊઠી : ‘આ શું ? કોણ લે છે ?’

‘ગિધો લુવાણો.’ ગોબરે જવાબ આપ્યો. ‘એનું પછવાડું આપણી પછીતમાં જ પડે છે... આડું એક સાંકડું નવેળું જ —’

‘પણ આ મધરાત્યે ઈ શું માંડીને બેઠો છે ? નિહાળિયાંને ભણાવે છે ?’

‘ના ના, નામુ માંડે છે... દિ’ આખાની લેણ દેણના હિસાબખિતાબ કરે છે–’

‘દિ’ આખો વેપલો કરી કરીને રાત્યે ય ઊંઘતો નથી ?’

‘ના, દિ’ આખો કમાય ને રાત્રે રૂપિયા ગણે...ને પછી ​મોડી રાત્યે ગામ આખામાં ગજર ભાંગી જાય પછી પટારા હેઠે ખાડો ખોદીને દાટે.’

‘લે કર્ય વાત ! ગિધા પાહે એટલા બધા રૂપિયા ? આમ દીઠ્યે તો કેવો રાંકા જેવો લઘરવઘરિયો લાગે છે !’

‘રાંકા જેવા થઈને રિયે છે એટલે તો આટલું નાણું સંઘરી શક્યો છે.’

‘દ્રવ્યોપાર્જન, સંઘરો વિનિમય વગેરે એક લાગતા પ્રશ્નો પર પતિપત્ની મૂગાંમૂગાં વિચાર કરી રહ્યાં.

‘ચાલીમાંથી આઠ ગિયા, વાંહે વધ્યા બતરી... બતરીમાંથી બે બાદ... રોકડા વધ્યા તીસ...’

ગિધાનું ગણિતશાસ્ત્ર એકધારું ચાલતું એમાં એની વહુ ઝમકુએ ખલેલ કરી : ‘હવે તો હાંઉ કરો. હવે તો ગાંગરતાં આળહો !’

‘તારા કાનમાં કાંઈ કીડા ગરી ગયા ?’ ગિધાએ પૂછ્યું.

‘તમને તો કરમમાં જંપવારો માંડ્યો નથી, પણ બીજાને ય જંપવા દેતા નથી.’

‘તું તો સમી સાંજની સોડ્ય તાણીને સૂતી છે. ઊંઘી રે’ની મૂંગીમૂંગી ! નીકર આ પાનશેરી છૂટી મેલીશ માથામાં–’

‘પણ તમે આ ઝડાસ દીવો બાળીને બેહો, એમાં ઊંઘ આવે ક્યાંથી અમને ?’ જમકુએ ફરિયાદ કરી. અને પછી એક આદર્શ ઘરરખ્ખુ ગૃહિણી તરીકે, પતિને હાથે બળતા ‘ઝડાસ દીવા’ને પરિણામે થઈ રહેલા કેરોસીનના વધારે પડતા વ્યય અંગે ટકોર કરી :

‘ઘાસલેટના ડબાને અમાહ તો ભાળવા દેતા નથી.’

‘રાંડ ડાયલીની !’ ગિધાનો બરાડો સંભળાયો. અને પછી ધડિમ્‌ કરતોક ને કશાકનો અવાજ આવ્યો. એની સાથે જ ઝમકુના મોઢામાંથી ચીસ નીકળી ગઈ :

‘વોય માડી રે...!’

પ્રત્યક્ષ નહિ પણ બબ્બે પછીતોની આરપાર ભજવાતા આ ​ નાટકનો આસ્વાદ આ બાજુના ઓરડામાં સૂતેલાં દંપતી માત્ર રેડિયો નાટકના શ્રવણની ઢબે જ માણી રહ્યાં હતાં. સંવાદો સુસ્પષ્ટ સંભળાતા હતા પણ એના ‘એક્‌શન’ કે ‘બિઝનેસ’નો બહુ ખ્યાલ આવી શકતો નહોતો. તેથી જ, પેલો ધડિમ્ અવાજ અને એની જોડે જ ઉચ્ચારાઈ ગયેલી ‘વોય માડી રે...’ની ચીસ સાંભળીને સંતુએ ગોબરને પૂછ્યું :

‘શું થયું ? શું થયું ?’

‘ઈ તો ગિધાએ ઝમકુ ઉપર પાનશેરીનું તોલું ફેંક્યું.’

‘અરરર ! પાનશેરીનું તોલું ?’

‘રોજ ફેંકે છે ઈ તો,’ ગોબરે સમજાવ્યું. ‘તોલું રાખ્યું છે તો રૂપિયાની નોટું દબાવવા સારુ. પણ જરૂર પડ્યે ગિધો ઝમકુ ઉપર એનો ઘા કરી લ્યે—’

‘પણ બાઈને બિચારીને વાગે નંઈ ?’

‘વાગે કોઈ વાર, માથામાં લોહીની ફૂટબૂટ થાય તો હળદર દાબી દિયે એટલે મટી જાય એની મેળે.’

આ નવદંપતી, પછીતની પેલી બાજુનાં રીઢાં દંપતીના જીવનવ્યવહાર વિષે આવી રસિક ગોષ્ઠિ કરી રહ્યાં હતાં, ત્યાં જ ઊંડાં ઊંડાં ગવ્હરોમાંથી કોઈનો દબાયેલે અવાજ ઊઠતો હોય એમ ઝમકુનો ૨ડતો સાદ કાને આવ્યો :

‘માડી રે ! મરી ગઈ...મરી...ગઈ...’

‘કાલ્ય મરતી હોય તો આજ મર્ય !’

‘હું મરીશ તો છૂટીશ ને તમે ય છૂટશો મારાથી. તમારે તો ગલઢે ગઢપણ હજી ઘરઘવાના કોડ છે ને !’

‘ઘરઘીશ, ઘરઘીશ; એક વાર નંઈ, સાત વાર ઘરઘીશ !’

ગોબરે સંતુને સમજાવ્યું કે ગિધો હજી શાપરના એક નાતીલાની છોકરી જોડે પુનર્લગ્ન કરવાનાં સપનાં સેવે છે, અને તેથી ઝમકુને પરેશાન કર્યા કરે છે.

પછીતના નેપથ્યમાં સંવાદ આગળ વધ્યો : ​‘પણ ભગવાન મને મોત મોકલવા ક્યાં નવરો છે ?' ઝમકુ ડૂસકું ભરતાં બોલતી હતી. ‘આ તો પેટની માંયલો જીવ મરી જાશે, પાનશેરીનો ઘા ખાઈને.’

‘કાલ્ય મરતો હોય તો આજ મરે.’ કહીને ગિધો ગણિતકામમાં આગળ વધ્યો : ‘એકાસીમાંથી સાત ગિયા એટલે ચિમોતેર... ચિમોતેરમાંથી તન વટાવના, એકોતેર... એકોતેર... એકોતેર..’

ઝમકુનો આર્દ્ર અવાજ સંભળાયો : ‘અર૨૨, આ બેજીવસુ પેટ ઉપર પાનશેરીનો ઘા ફેકતાં જરા ય વચાર ન કર્યો ?’

‘વધુ ડબ ડબ કર્યું છે તો હવે પાનશેરીને બદલે આ અધમણિ જ માથામાં મારીશ. સત્તર તેરી એકાસી ને નવ પંચા પિસ્તાલી... પિસ્તાલી ને એકાસી એકસો છવી... છવી... છવી...’

હવે તો ગોબરને પણ મનમાં અરેરાટી છૂટી. ‘ગિધિયે મારે હાળે ગજબ કરી નાખી... બાયડીને સુવાવડ આવવાની છે, તે પેટમાં પાનશેરી મારી માળા હાળા કહાઈએ–’

‘મૂવો ખાટકી જેવો લાગે છે !’ સંતુએ કહ્યું. અને પછી કુતૂહલથી પૂછ્યું : ‘ગિધિયાને છોકરાં કેટલાં ?’

‘છોકરાં તો ગાડું ભરાય એટલાં છે.’

‘પણ તો ય ?’

‘એની કાંઈ ખબર ના પડે. ઈ તો જલમે ને મરે, વળી પાછાં જલમે ને વળી મરે—’

‘શેરીમાં તો છ-સાત રમવા આવે છે એને હું ઓળખુ છું. બાકીનાં—’

‘ઘરમાં હશે.’

‘પણ કેટલાં ?’

‘મને ય બરાબર ખબર નથી.’

‘પણ તમારાં બેયના ઘરની પછીત સાવ પડખોડખ ને તમને આવું યાદ ન હોય ?’ ​ ‘ભઈ કેટલાં છોકરાં છે ઈ તો ગિધિયાને ય કદાચ યાદ નહિ હોય ! ગિધિયો તો રૂપિયા ગણી જાણે...’

પ્રથમ મિલનરાત્રીએ જ સંતાનો અને પ્રેમની બાબતમાં એક દંપતીનું આવું ક્રૂર વલણ વગેરે જાણીને સંતુ વ્યગ્ર બની ગઈ. નેપથ્યમાં ગિધા-ઝમકુએ ભજવેલા નાટકને પરિણામે સંતુના હૃદયમાં દામ્પત્ય અને સંતાન અંગેની ઘણી ઘણી ગુલાબી ખ્યાલાતો ખતમ થઈ ગઈ.

‘હે માડી !... વોય વોય રે !’ થોડી થોડી વારે કણસતી ઝમકુનો વોયકારો આ નવદંપતીને એમની તંદ્રામાં પણ સંભળાતો હતો.

માંડ માંડ માંડણિયાની મોંકાણ ભૂલીને પતિપત્ની જરાક જંપ્યાં હશે ત્યાં તો ભલભલા ઊંઘણસીની ઊંઘ ઉડાડી દે એવી ચીસ ઝમકુએ પાડી :

‘વખતીને બરકો ઝટ, વખતી સુયાણીને... હું મરી જાઉં છું...’

‘વખતીની સગલી, મૂંગી મૂંગી મરી રે’, નીકર આ અધમણિયો મેલીશ તો માથું રંગાઈ જાશે....’ કહીને ગિધો તો હિસાબખિતાબમાં પરોવાઈ ગયો.

સંવાદ સાંભળીને સંતુ વધારે વ્યગ્ર બની ગઈ. કોણ જાણે કેમ, પણ એની નજર સામે ભાવિ જીવનનાં કેટલાંક વરવાં દૃશ્યો તરવરવા લાગ્યાં. ઓચિંતું જ એણે ગોબરને કહ્યું :

‘ભગવાન તમને ભલી મત્ય આપે તો માંડણિયાનો તમે જરા ય વશવા કરશો મા, હો !’

‘અરે, એનું નામ બાળ્ય ને ! અટાણે એને શું કામ સંભારશ ?’

‘ન સંભારું તો ય સાંભરી આવે છે. ઈને રોયાને શાદૂળિયે સાધી લીધો છે; માથેથી રઘલા મા’રાજની ચડામણી છે. હંધાય ઉપર રહીને કાટલું કઢાવી નાખે ઈ માંયલા છે.’

‘તું તો સાવ બકરી જેવી બીકણ જ રહી !’ ​ ‘જેમ કે’વું હોય એમ કિયો, પણ ઈ દુશ્મનથી દહ ગાઉ આધા રે’જો !’

‘ભલે, દહને બદલે વીહ ગાઉ આઘો રૈશ; હવે છે કાંઈ ? ઊંઘી જા ભલી થઈને !’

***

પણ આજે આ દંપતીનાં નસીબમાં ઊંઘ હતી જ ક્યાં ? જરાક જંપ્યાં. ન જંપ્યાં–ત્યાં તો પછીતની પેલી બાજુથી સાંકળ ખખડી અને ધીમો પડકાર થયો :

‘ગિધાભાઈ !’

ગિધાએ પૂછયું : ‘કોણ ?’

સામેથી અવાજ આવ્યો : ‘ઉઘાડજો જરાક.’

કોણ આવ્યું છે એની તપાસ કર્યા વિના આવી કાળી રાતે કમાડ ઉધાડી નાખે એવો ગિધો ગાફેલ નહોતો. એણે તો સ્પષ્ટ સંભળાવી દીધું :

‘નામ પાડ્યા વિના નઈ ઊઘડે.’

‘હું જીવોભાઈ છું.’ સાવ ધીમે અવાજ સંભળાયો.

તરત ઓરડામાં તાબડતોબ કશુંક આઘુંપાછું મૂકવાની, ઢાંકોઢૂંબો કરવાની વગેરે પ્રવૃત્તિ થતી જણાઈ. એ પછી જ કમાડનો આગળિયો ખસ્યો.

ફરી સંતુ અને ગોબર સચિંત બનીને આ નવી ઘટનાના સંવાદો સરવા કાન કરીને સાંભળી રહ્યા :

‘આવો જીવાભાઈ ! કાંઈ બવ અસૂરાં ?’

‘કામ પડ્યું છે. તમે તો અસૂરાં ય નામું માંડતા જાગો છો. એટલે તમારું કમાડ ખખડાવ્યું.’

ક્યારની કણસતી ઝમકુએ વચમાં ટમકો મૂક્યો ‘ભલે અસૂરું થયું. વખતી સુયાણી હજી ય જાગતી હશે; ઝટ બરકો, નીકર હું મરી જાઈશ.’ ​ તુરત ગિધો તાડૂક્યો : ‘મરતી હોય તો મર્યની ઝટ, તો છૂટકો થાય અમારો !’ અને પછી અવાજને અત્યંત મૃદુ બનાવીને પૂછ્યું :

‘બોલો જીવાભાઈ ! શું કામ પડ્યું ?’

‘કામ તો એવું છે કે કાંઈ કીધું જાય નઈ.’

‘હોય. માણસને માણસનું કામ પડે–’

‘એટલે તો આ કાળી રાત્યે તખુભા બાપુએ તમારું કમાડ ખખડાવવા મોકલ્યો.’

‘બાપુ તો આપણા માવતર... માગે તો માથું ઉતારી દઉં.’

‘હવે સમજ્યા. ગિધાભાઈ ! બાપુ અટાણે હાથભીડમાં—’

‘હોય, માણસના હંધાય દિ’ સરખા ન હોય. કોઈ વાર હાથ મોકળો હોય, કોઈ વાર ભીડમાં ય હોય.’

‘અટાણે તમારી ઉપર બાપુની નજર ઠરી છે–’

‘હું તો બાપુનું ફરજંદ ગણાઉં, શાદૂળભા જેવું જ. હુકમ ફરમાવે એટલી જ વાર...’

સંતુ અને ગોબર બન્ને એકબીજા સામે તાકી રહ્યાં અને સાંકેતિક ઢબે એકબીજાને સમજાવી રહ્યાં. સંતુને સ્ફૉટ કર્યો કે સમી સાંજે, ઢગ વળાવતી વખતે ગામમાં પોલીસની મોટર આવેલી અને સીધી દરબારની ડેલીએ ગયેલી... તુરત ગોબરે એમાં પૂર્તિરૂપે સમજાવ્યું કે રૂપાં રબારણના ખૂનની વાત ચોપાનીયે ચઢી એની તપાસ એજન્સી વાળી પોલીસ હમણાં કરે છે ખરી... આજના ઉજાગરામાં આ અણધાર્યો ઊભો થયેલો આપત્તિકાણ્ડ હવે કેવી રીતે આગળ વધે છે એ જાણવામાં બન્નેને રસ પડ્યો. પોતપોતાના સરવા કાનને વધારે-સરવા બનાવીને ગિધાની પછીતની દિશામાં માંડ્યા, પણ હવે અંદરની વાતચીત જરા ધીમે સ્તરે થતી હોય એમ લાગ્યું. આખાં વાક્યોને બદલે તૂટક તૂટક શબ્દાવલિઓ જ કાને પડતી હતી.

‘ભાયાતુની અદાવત... બાપુની જતી જિંદગાની ધૂળધાણી કરવાના કારહા... ધોળામાં ધૂળ નાખવામાં જ રાજી... ઘરનાં જ ઘાતકી... ​ સમો વરતવો પડશે... એજન્સીની પોલીસ...મોઢાં ભર્યાં વિના છૂટકો જ નંઈ... બાપુનું વેણ રાખો... મોસમ ટાણે દૂધે ધોઈને પાછા...’

'હમણાં છૂટા ક્યાં છે ?... બવ સલવાઈ ગ્યો... ગામનાં ખોરડાં હંધાય લાહાં... ઉઘરાણી પાકે જ નંઈ... કાકા મટીને ભત્રીજા થાવા જેવું... દઈને દુશ્મન.....’

સામેથી દલીલ થતી હતી :

‘પણ બાપુ તમને ગિરોખત લખી દીયે, ખીજડિયાળું ખેતર ને પડખેનું વાડીપડું... બેયના દસ્તાવેજ તમારા કબજામાં... પછે સવા મણની તળાઈમાં સૂઈ રિયો તમતમારે...’

ગિધો હવે મોંઘો થવા લાગ્યો :

‘દરબારી ખેતરવાડી મારે ઘેરે નો શોભે... મારું તો વાટકડીનું શિરામણ... અમે લુવાણાભાઈ તો ડુંગરી વેચી જાણીએ... માંડ માંડ રોટલા કાઢીએ... અમારી લાજ રાખે ધન્ય માતા ડુંગળી... વાડીવજીફા સાચવવાનાં મારાં ગજા નંઈ...’

‘અટાણે બાપુનું વેણ રાખો... આબરૂના કાંકરા.... તમે માંડો એટલું વિયાજ કબૂલ... આવતી મોશમે દૂધે ધોઈને પાછા....ખણખણતા ગણી લિયો...’

દરબારની ગરજ જોઈને ગિધાએ વધારે મોણ નાખવા માંડ્યું :

‘સવારે વિચાર કરું... દિ’ આથમ્યા કે ઈસ્કોતરો ઉઘાડાય નહિ.... પાપ લાગે....’

‘આ તો ધરમનું કામ છે, ગિધાભાઈ !.... બાપુનો અવતાર રોળાઈ જાય.... એનાં ધોળાં પળિયાં સામે જુવો.... સમો સાચવી લિયો... પોલીસને રાજી કરવી પડે...’

‘રાતવરતનો ઈસ્કોતરો ઉઘાડીએ તો બરકત નો રિયે... લખમીમાતા કોપે... ધનોતપનોત કાઢી નાખે....’

‘ઈસ્કોતરો ભલે બંધ રિયો... ૫ટારા ઉઘાડો... આડો હું સાંબેલું લઈને ઊભું...’ ​‘સંતુ–ગોબર માટે આ સંવાદ વધારે રસદાયક બની રહ્યો.

સંતુએ પૂછ્યું : ‘ગિધો તો સારીપટ કહવાળો લાગે છે.’

‘વાણિયાને ય વટલાવે એવો છે. અડધું ગુંદાસર તો ગિરવી રાખીને બેઠો છે. પણ ઠેઠ શાપર લગી એની ધીરધાર હાલે છે. આ આપણું ખોરડું ય ગિધાને ઘીરે ગિરવી દીધું છે—'

‘સાચે જ ?’

‘હા. પરબતભાઈના મંદવાડમાં બવ ખરચ થઈ ગ્યું... ખોરડાં મેલીને કઢારે કઢવવા પડ્યા... તો ય પરબતભાઈ જીવ્યો નઇં...’

સાંભળીને સંતુ એકાએક ગમગીન થઈ ગઈ. વળી એને પેલી સતત પજવતી વ્યથા ઊપડી. બોલી : ‘તમે ચેતતા રે’જો હો ! માંડણિયાનો જરા ય વશવા નો કરતા—’

‘ભલે.’

પછીત પછવાડે કશુંક કે ખોદકામ થતું હોય એવો અવાજ સંભળાયો.

‘ગિધો દાટેલા રૂપિયા ખોદે છે.’ ગોબરે સમજાવ્યું.

‘સાટામાં એને ખીજડિયાળું ખેતર ને સોનાના કટકા જેવું વાડીપડું જડશે ને !’

થોડી વાર પછી ગિધાના ઘરમાં શાંતિ પથરાઈ ગઈ લાગી. જીવો ખવાસ રૂપિયા લઈને ગયો હોય એમ લાગ્યું. ક્યારની કણસી રહેલી ઝમકુ પણ વ્યાજવટાવની આ વાટાઘાટો સાંભળીને જંપી ગઈ હોય એમ જણાયું.

સારી વાર પછી સંતુએ તંદ્રામાં મોટરનું હોર્ન વાગતું સાંભળ્યું અને એણે ગોબરને જગાડ્યો.

‘પોલીસની જ મોટર પાછી જતી લાગે છે.’ ગોબરે અનુમાન કર્યું. ‘જીવો ખવાહ રૂપિયાની ફાંટ બાંધી ગ્યો’તો. એમાંથી સહુને પતાવ્યા લાગે છે.’

મોટરગાડી ગયા પછી આખુ ગુંદાસર શાંત થઈ ગયું લાગ્યું ​ ઓસરીમાં ઊજમને પાછલી રાતે દમનો હુમલો બેસી ગયો જણાયો. હાદા પટેલનાં નસકોરાંનો ઘરડ ઘરડ અવાજ જરા ઓછો થયો લાગતો હતો. કણબીપા અને મુમણાવાડને નાકે ઝઘડતાં કૂતરાંના બન્ને પક્ષો વચ્ચે હવે યુદ્ધવિરામ જાહેર થયો જણાતો હતો. અનેક ઘટનાઓની એકસામટી અસરને કારણે ઉદ્વિગ્ન બની ગયેલી સંતુ જરાતરા સ્વસ્થ થઈ ત્યાં તો ગિધાના ઘરમાં એકબે છોકરાં ઊંઘમાંથી ઝબકીને જાગી જતાં ભેંકડો જોડીને રડવા લાગ્યાં. ક્યારની પિડાઈ રહેલી ઝમકુને આ ખલેલ અસહ્ય લાગવાથી એણે છોકરાંઓને ધડિમ ધડિમ પીટવા માંડ્યાં : ‘મારાં રોયાંવ ! કાળનાં કાઢેલાંવ ! લોઈ શું કામે પિયો છો ?’

સંતાનો અંગે ઉચ્ચારાતાં ઝમકુનાં આ સ્વસ્તિવચનોએ સંતુને વધારે અસ્વસ્થ કરી મૂકી, માંડ માંડ ભુલાયેલાં ભાવિ જીવનનાં કેટલાંક વરવા દૃશ્યો ફરી આંખ આગળ તરી આવ્યાં. એકાએક ઓરડામાં દીવાનો ઉજાસ ઓસરતો લાગ્યો. જોયું તો મોઢિયા દીવા ઉપર મોગરો બહુ મોટો થઈ ગયો હતો; સંતુએ ઊઠીને દીવા પરથી મોગરો ખંખેર્યો.

***

પાછી આવીને ઢોલિયા પર બેઠી ત્યાં તો ફળિયામાં કાબરી ભાંભરી.

‘અરે, મારી કાબરી બચાડી ભૂખી થઈ લાગે છે !’ કરતીક ને સંતુ કમાડ ઉઘાડીને ફળિયામાં ગઈ.

કાબરી જાણે કે પોતાની સહીપણીની રાહ જ જોઈ રહી હોય એવું એની આંખો પરથી લાગ્યું. સંતુએ કોઢમાંથી કડબનો પૂળો લઈને કાબરીને નીરણ કર્યું અને પછી માથા પર, ડોક પર, ડિલ પર હૂંફાળો હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું : 'કેમ આજ જાગી ગઈ, કાબરી ? ઊંઘ નથી આવતી ? થળફેર જેવું થઈ ગ્યું એટલે ગમતું ​ નથી ?'

કાબરીએ માથું હલાવ્યું. એને નકારાત્મક ઉત્તર ગણીને સંતુએ ઉમેર્યું : ‘અરરર ! ઈમ હોય મારી બે’ન ? હવે તો તારે આંયાંકણે જ રે’વાનું છે. આપણે તો એકબીજાનાં સખદખની સહીપણી છીએ...’ અને પછી પ્રેમાળ ડચકારે બોલાવીને ઉમેર્યું : ‘ધીમે ધીમે સોરવી જાહે ને હંધું ય સદી જાહે.'

પોતાની સહોદરા સમી ગાય ઉપર સારી રીતે હાથ પસવારીને સંતુ ઓરડામાં પાછી ફરી ત્યારે ગોબરે પૂછ્યું :

‘કાબરીને નીરણપૂળો કરી આવી ?’

‘લે ! ગઈ તંયે તું તો ઊંઘતો’તો, ને તને ક્યાંથી ખબર પડી ગઈ !’

‘કાબરી આવીને મારા કાનમાં કહી ગઈ.’

‘જા રે જા, ખોટાબોલા ! ગઈ તંયે જાગતો જ હઈશ. કાબરીનું ભાંભરડું તેં સાંભળ્યું જ હશે. ને મેં કમાડ ઊઘાડ્યું તંયે તું ઝીણી આંખે હંધું ય જોતે જ હઈશ !’

‘મારા ઘરમાં તો હવે એકને સાટે બે કાબરી થઈ છે ને !’

‘લે !’ આપણી ટીલાળીનું ય નામ કાબરી રાખ્યું છે ?’

‘ટીલાળીની વાત નથી કરતો. આ તો કાલે સાંજે ઢગ ભેગી બે કાબરી આવી, ઈની વાત કરું છું—’

‘બે ?’ સંતુ હજી ય કશું ય સમજી નહિ તેથી પૂછી રહી : ‘બીજી ક્યાં છે ?’

‘આ ઊભી !’ ગોબરે હસતાં હસતાં કહ્યું. ‘એક કાબરી ચોપગી છે બીજી બે પગાળી છે—’

સાંભળીને સંતુ જરા ક્ષોભ સાથે થોડો હર્ષ પણ અનુભવી રહી. બોલી :

’મને ગવતરી ગણી છે તે હવે ગાયની જણીની ઘોડ્યે જ મારું જતન કરીશ ને ?’ ​‘કબૂલ.’

‘ગાયને ધણમાં સાવજ પડે તંયે ગોવાળ એને ડંગોરે ડંગોરે પૂરો કરે, એમ તું ય પૂરો કરી નાખીશ ને ?’

‘સાવજ ?’ સાંભળીને ગોબર ઘડીવાર વિચારમાં પડી ગયો. ‘સાવજ પડે એટલે ?’

‘સાવજ એટલે શાદૂળિયા જેવો કોઈ કપાતર મારો કોળિયો કરવા આવે, કે માંડણિયા જેવા કોઈ નારને નેડો લાગે તંયે તું એને—’

‘ડંગોરે ડંગોરે ભોંયભેગો કરી નાખીશ !’ ગોબરે ગર્વપૂર્વક કહ્યું.

‘ઓલા બારોટ વારતા કરતા એમાં તરકડા આવીને ગાયુંનાં ધણ વાળે છે, તંયે રાજાનો કુંવર નાગી તરવારે આડો ઊભો છે, ને પોતાનું માથું વધેરે છે, એમ તું ય—’

‘આડો ઊભીશ, ગવતરીની રખ્યા કરીશ.’ ગોબરે કહ્યું, ‘ને ખપ પડશે તો માથું દઈને ખપી જાઈશ—’

‘હાશ ! હવે મને નિરાંત્ય વળી !’ કહીને સંતુએ ગોબરની છાતી ઉપર અખૂટ વિશ્વાસથી માથું ઢાળી દીધું. અત્યારે એને મન પતિ એ માત્ર પોષણહાર નહિ પણ રક્ષણહાર બની રહ્યો. એની હૂંફમાં પોતે હેમખેમ છે, સલામત છે, એવી સાહજિક લાગણી અનુભવી રહેતાં એણે ઊંડો પરિતોષકસૂચક દીર્ઘ ઉચ્છવાસ મુક્યો. ગોબર એના માથા પર પ્રેમાળ હાથ પસવારી રહ્યો.

***

મોંસૂઝણું થવાને હજી સારી વાર હતી ત્યાં જ ગુંદાસર ગામ જાગી ગયું. ઉગમણે ઝાંપે ભૂતેશ્વરમાં ઈશ્વરગિરિએ પરભાતિયાં ગાવાં શરૂ કર્યા. આથમણે ઝાંપે પીરના તકિયા પર મુલ્લાંએ બાંગ પોકારી. ખેડુઓએ ગાડાં જોડ્યાં. કામઢી વહુવારુઓએ ઘંટી શરૂ કરી. કોઈ કોઈ ખોરડે તો શિરામણ માટેના ઊના ઊના રોટલા ​પણ ઢિબાવા લાગ્યા. હાદા પટેલની ખડકીમાં ઊજમ રાબેતા મુજબ સહુથી પહેલી ઊઠીને ઘંટીએ બેસી ગઈ હતી. એની ઘંટીનો ઘમ્મર ઘેરો નાદ ગાઢ આશ્લેષમાં પોઢેલાં આ નવદંપતીની નિદ્રામાં ખલેલ કરી શકતો નહોતો.

શેરીમાં ગાડાં જૂતીજૂતીને ખેતરે જવા લાગ્યાં એનો ખખડભભડ અવાજ સાંભળીને સંતુ સહેજ સળવળી તો એના કાને વિચિત્ર શબ્દો પડ્યા :

‘સતીમાની સાખે મેં આણું વાળ્યું છે... તમે નાતીલાં મને પૂછનારાં કોણ ?... શોગ શોગ શેનાં કરો છો ? પરબત દીકરો તો મારો હતો કે તમારો ?... હાલતાં થાવ હાલતાં...’

સંતુએ ગોબરને ઢંઢોળીને જગાડ્યો, પૂછયું : ‘આતા આ શું બોલે છે ?....’

ગોબરે કાન માંડ્યો. પિતાના શબ્દો સાંભળાયા :

‘હું કાંઈ તમારો વેચાણ છું કે તમને પૂછવા આવું.... મેં તો સતીમાને પૂછી જોયું... દાણા ચોખ્ખા નીકળ્યા. સતીમાએ હા ભણી એટલે સંતુનું આણું કર્યું—’

ગોબરે હસીને કહ્યું : ‘તું ગભરાઈ ગઈ ? આ તો આતાને ટેવ છે... ઊંઘમાં એકલા એકલા બોલ્યા કરે...’

‘સાચે જ ?’

‘હા, ઈ એકલા એકલા વાતચીત કરે, ઊભા થઈને આંટા મારે, હંધું ય ઊંઘમાં જ. એને પોતાને તો કાંઈ ખબરે ય નો હોય...’ ગોબરે કહ્યું : ‘એને સતીમા સરમાં આવે છે ને, એટલે ઘણીય વાર આવું થઈ જાય છે. એક વાર તો મધરાતે ઊઠીને ખેતરે પૂગી ગ્યા ને સતીમાને થાનકે દીવો કરીને પાછા આવીને ઊંઘી ગ્યા... હંધુ ય ઊંઘમાં ને ઊંધમાં જ !’

સંતુ અહોભાવથી પોતાના શ્વસુરની એક વધારે વિલક્ષણતા સાંભળી રહી. એ સાંભળીને દેવ જેવા એ સસરા પ્રત્યે એને વધારે ​પૂજ્યભાવ ઊપજ્યો.

‘કોણે કીધું દેવશી મરી ગ્યો છે ?... તમે ભલેની કિયો, પણ મારો માંયલો ઈ માનવાની ના કિયે છ...દેવશી આવશે જ... વે’લો કે મોડો આવશે જ..’ ફરી હાદા પટેલની સ્વગતોક્તિઓ સંભળાવા લાગી.

ગોબરે સમજાવ્યું : ‘દેવશીભાઈ ઘર છોડી ગ્યા તે દિ’થી આતાનું મગજ આવું થઈ ગ્યું છે.’

મુમણાવાડમાં ઊકરડે ઊંઘતાં કુકડાઓએ કૂક રે... કૂક કરીને પરોઢની નેકી પોકારી. તુરત હાદા પટેલ આળસ મરડીને ખાટલામાંથી ઊઠ્યા. ઊજમે રાતે સૂતી વેળા જ નિયમ મુજબ ઓસરીની કોર ઉપર નાનકડી કથરોટમાં પારેવાં માટે જુવાર મૂકી રાખેલી એ લઈને તેઓ ચબૂતરે ગયા.

દૈનિક અખબારોને અભાવે આ ચબૂતરો ગુંદાસરમાં સ્થાનિક સમાચારના ‘ક્લીઅરીંગ હાઉસ’નું કામ કરતો. અહીં હાદા પટેલની જ હેડીના બેચાર ડોસાડગરા પારેવાંને ચણ નાખવા આવતા. તેઓ પૂરા થયેલા ચોવીસ કલાકની ઘટનાઓની સમીક્ષા કરતા અને સમાચારના સાર તારવતા. કેટલીક સંભવિત ઘટનાઓનાં અનુમાનો, અટકળો, અંદાજો વગેરેના ગબારા પણ ચડાવતા.

‘સાંભળ્યું ને ? રાત્રે બાપુની ડેલીએ... ખાખી લૂગડાંવાળા આવ્યા’તા ’

‘શું કામ ?’

‘આવ્યા’તા તો તખુભા બાપુને હાથકડી પેરાવવા, પણ ગલઢાંને નસીબે દરબાર બચી ગ્યા...’

‘એની તી કાંઈ રીત હોતી હશે ? પોલીસનાં મોં ભરી દીધાં... ગિધાના ઘરમાંથી અંતરિયાળ કઢારે કઢાવીને સહુને રાજી કર્યા...’

‘એમ રાજી કર્યે કાંઈ છેડાછૂટકો થઈ જાતો હશે ? પોલીસ ​ખાતાની ય ઉપર જવાબ માગવાવાળા બેઠા હોય છે. આ તો એજન્સીની પોલીસ; એનું ખાતું કાંઈ બાપુશાહી નો હોય !’

‘તી એનાં ઉપરવાળાને જવાબ આપવા સારુ કિયેછ કે બાપુની સાટે જીવલા ખવાહને ભેગો લેતા ગ્યા છ,’

‘જીવલાને લઈ ગ્યા ?’

‘હા, નામનો ગુનેગાર ગણવા... ને બાપુને બચાવી લેવા.’

‘જીવલો ય ઈ જ લાગનો છે. જિંદગી આખી બાપુની કઢી ચાટીને મોટો થ્યો છ, ને કૈંક કાળાંધોળાં કર્યાં છે !’

‘ઈ તો ગળ ખાય ઈણે ચોકડાં તો ખમવાં જ પડે ને !’

***

પારેવડાંને ચણ વેરીને અને આ મહત્ત્વના સમાચાર કાનમાં સંઘરીને હાદા પટેલ ઘર તરફ પાછા ફરતા હતા ત્યાં જ વખતી સુયાણી સામી મળી. પૂછ્યું :

‘કાં વખતીભાભી ! આજ તો બવ વે’લાવે’લાં?... કોઈને ઘરે કાંઈ સારા સમાચાર ?’

‘આજ તો સારાનેસાટે માઠા સમાચાર છે અટાણના પોરમાં.’

‘કોને ઘેરે ?’

‘ગિધા લુવાણાને ઘેરે, ઝમકુને કસુવાવડ... કિયે છે કે ગિધે બાઈના પેટ ઉપર પાનશેરી મારી’તી !’

‘રામ રામ રામ !’ કરતા હાદા પટેલ ડેલીએ પહોંચ્યા અને ઘરમાં આ બન્ને ઉદ્વેગજનક સમાચારો કહી સંભળાવ્યા.

ગમાણમાં વાસિદું કરી રહેલી સંતુએ ઝમકુના આ સમાચાર સાંભળીને ટકોર કરી : ‘અરર ! મૂવો ગિધિયો તો કહાઈ કરતાંય બેજ નીકળ્યો ! પાનશેરી ફેંકીને ઓલીના પેટમાં મૂંગા જીવને મારી નાખ્યો !’

નજીકમાં જ રાશ મોરડાં વણી રહેલા ગોબરે ઉમેર્યું : ગિધાને એનો કાંઈ હિસાબ નો હોય. એણે તો રાત્યોરાત્ય દરબારનું વાડીપડું ​પચાવી લીધું એટલું બસ છે.’

‘વાડીપડામાં શું પૂળો મેલવો ?’ સંતુએ તુચ્છકારથી કહ્યું. પેટના જણ્યા પાંહે વાડીપડાનો શું હિસાબ ?’

ડેલીની બહારથી બૂમ પડી : ‘એ...ઢોરાં છોડજો !’

ધનિયા ગોવાળનો સાદ હતો. એ સાંભળીને જ સંતુને સમજાયું કે ધણ આઢવાનું ટાણું થઈ ગયું છે.

ગોબર ઢોર છોડવામાં રોકાયો હતો ત્યાં ધનિયો ફળિયામાં આવી પહોંચ્યો, માથે બાંધેલા ફટકામાંથી ઠીંકરાની ચૂંગી કાઢીને રાંધણિયા તરફ જોઈ બોલ્યો :

‘એ ઉજમભાભી ! જરાક દેતવાન તીખારો મોલશો ?’

જરા ટીખળી સ્વભાવ ધરાવનાર હસમુખી ઉજમે અંદરથી પૂછ્યું : ‘શેમાં મેલું ? તારી પાઘડીમાં કે પેટ ઉપર ?’

‘પેટ ઉપર તો સારણગાંઠ થઈ'તી તે દિ’ ઓલ્યાં લુવારિયાં સાત ડામ દઈ જ ગ્યાં છે,’ ધનિયાએ કહ્યું, ‘આ ચૂંગીમાં મેલો તો પાડ તમારો.’

ચૂંગી સળગાવીને લહેરથી ધુમાડા ખેંચતો ખેંચતો ધનિયો ફળિયામાં હાદા પટેલની પડખે ખાટલા પર બેસી ગયો. ગોબરે બે વોડકી ને એક ખડાયું ખીલેથી છોડ્યાં. ઓચિંતા જ ધનિયો બોલી ઊઠ્યો :

‘અરે આ કાબરી ય હવે તો વાગડિયાને ખીલેથી આ ખીલે બંધાઈ ગઈ છે કે શું !’

‘વાગડિયે વવને આંણામાં આપી છે.’ હાદા પટેલે કહ્યું.

‘સારું કર્યું. સંતુબા વિના કાબરીને સોરવત નંઈ ને કાબરી વિના સંતુબાને સોરવત નંઈ’ કહીને ચૂંગીની લાંબી સટ ખેંચતાં ઉમેર્યું :

‘હવે તો કાબરીને ય ધણમાં મેલતા થાવ.’

‘હા...' હાદા પટેલ વિચારવા લાગ્યા. ​‘ચોમાહું ચરશે તો ડિલ વળશે.’

‘સાચું.’

‘ને એનો વેલો-વસ્તારે ય વધશે.’

ગમાણમાં વાસીદું કરતી સંતુએ આ વાક્ય સાંભળીને રોમાંચ અનુભવ્યો.

‘તારી વાત તો સાચી છે.’ હાદા પટેલે કહ્યું. પણ કાબરી આવી છે વવ ભેગી. વવની હા હોય તો ખીલેથી છોડી જા.’

ગમાણમાંથી જ સંતુએ સનકારો કરીને ધનિયાને હા ભણી દીધી.

‘લ્યો, વવ તો હા ભણે છે.’ ધનિયાએ કહ્યું.

‘તો લઈ જા ધણમાં.’ હાદા પટેલે રજા આપી. ‘ફરે ઈ ચરે ને બાંધ્યું ભૂખે મરે...’

ધનિયો ડેલી બહાર નીકળ્યો ત્યારે એની પાછળ પાછળ જઈ રહેલી કાબરીને જોઈને સંતુ રોમરોમ ઝણઝણાટી અનુભવી રહી.

*