લીલુડી ધરતી - ૨/અજાણ્યાં ઓધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજાણ્યાં ઓધાન

સંભવિત અપરાધી અંગે અનુમાનો થવા લાગ્યાં. કર્ણોપકર્ણ મુખીને કાને ત્રણચાર નામ તો આવી પહોંચ્યાં. તુરત તેઓ બોલી ઊઠ્યા :

‘ના ના, આમાં તો કોક નવાણિયું કુટાઈ જાય. લ્યે લાલો ને ભરે હરદા જેવું મારે નથી કરવું. ભૂવા ! માને પગે લાખીને ચોખ્ખું ફૂલ નામ જ પડાવો ની !’

તુરંત ઓઘડભાભાએ ડાકલું એક બાજુ મૂકી દીધું ને પોતે ઘૂઘરિયાળાના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણિપાત કરી નાખ્યા.

‘હું તમારો ગોઠિયો. તમે મારા પંડ્યમાં હાજરાહજૂર... હવે ઝટ નામ ભણી દિયો... ઈ બેજીવવાળીનું એંધાણ ?’

‘એંધાણ ? એંધાણ એક જ... એના ઓદરમાં પારકાં ઓધાન–’

સાંભળીને ઓઘડભાભો પોતે જ જાણે કે અવાક્ થઈ ગયો. ભવાનદાની આંખો ચાર થઈ ગઈ. શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો...

‘મારા થાનક ઉપર પારકું ઓધાન ઊતર્યું ને હું અભડાણી !’

શ્રોતાઓ ગભરાતાં ગભરાતાં કાનસરિયાં ચલાવી રહ્યાં :

‘ગોબરિયાની બાયડી જ, બીજી છે કોણ ગામને ટીંબે ?’

‘હવે સમજાણું, હાદો પટેલ શું કામે માનાં દર્શને નથી આવ્યા ઈ ?’

‘શું મોઢું લઈને આવે ? બે આંખ્યવાળું સૌ જાણે છે કે સંતડીને માંડણિયાનાં ઓધાન—’ ​‘અરરર ! પણ ઈ એકને પાપે મેલડી માએ આ પ્રથમીનો હંધો ય વરસાદ રોકી દીધો ઈ કાંઈ જેવોતેવો કોપ ગણાય ?’

‘ને આ મૂછાળા માણહ ટપોટપ મરવા મંડ્યા ઈ કાંઈ ઓછી કઠણાઈ કે’વાય ?’

અને વળી એક કાનેથી બીજે કાને થઈને મુખીના કાનમાં સાંકેતિક ભાષામાં સંતુનો નામોલ્લેખ થયો. તુરત તેઓ બોલી ઊઠ્યા :

‘ના, માને મોઢેથી સાંભળ્યા વિના હું કાંઈ સાચું ન માનું. મા પંડ્યે જ ફોડ પાડે તો સાચું સમજું.’

‘મા ! અમે તો તમારાં છોરું.’ ભૂવો કરગર્યો. ‘અમારાં પાપનું પ્રાછત કરવા દિયો. આટલી કીરપા કરી છે તો હવે થોડીક વધારે કીરપા ય કરતાં જાવ. તમને અભડાવનારીનું નામ ભણતાં જાવ તો ઈની ઓખાત્ય ખાટી કરી નાખીએ.’

‘અમારી જીભેથી પાપણીનું નામ ન ભણાવ.’

‘તમે તો જગદંબા જેવાં દેવી... આટલી દિયા કરતાં જાવ, મા !’

‘પાછલી રાત્યે આભમાં સાંતીડું ઊગે છે ઈ ભાળ્યું છે ?’

ઉત્તરમાં એક સામટા હોંકારા ઊઠ્યા : હા...હા...’

‘હાંઉ... ઈ સાંતીડાને નામે નામ સમજી લ્યો ! ઈથી વધારે એક અકશરે ય બોલું તો મારી જોગણિયું રૂઠે !’

પણ એ જોગણીઓએ રૂઠવાની જરૂર જ ઊભી ન થઈ. મેલડી માના સ્વમુખેથી ઉચ્ચારાયેલા આટલા જ ઈંગિતે વાડીના આ છેડાથી પેલા છેડા સુધી અસંખ્ય હોઠનો આછેરો ફફડાટ મચાવી દીધો હતો : ‘સંતુ...!’

વાયરે વાત ફેલાઈ ગઈ :‘સંતુ... સંતુ...!’

ઓતરાદે ઝાંપેથી દખણાદે ઝાંપે ચર્ચા થઈ રહી : ‘સંતુ.. સંતુ..!’

પાણીશેરડે, ચોરેચૌટે, શેરીએગલીએ અને ઘરને છાને ખૂણે ​ સુદ્ધાં એક જ વાત થઈ રહી છે :

‘સંતુએ મેલડી માને અભડાવ્યાં !’

‘એવડી વેંત એકની છોકરીની પોંચ તો જુઓ પોંચ ! બીજે ક્યાં ય નંઈ ને હડમાનની દેરીની પડખે ઠેઠ મેલડી માના થાનક ઉપર ઠેક લેવા ગઈ !’

‘પાપ આવી ભરાણાં હોય તંયે જ આવી કમત્ય સૂઝે ને !’

‘કમત્ય સંતુને સૂઝી, ને મેલડી કોપી આખા ગામ ઉપર... કોઈ મૂછાળો કે કોઈ ઢોરઢાંખર સાજું નંઈ રિયે.’

જીવા ખવાસે દાવ આબાદ અજમાવ્યો હતો. ઘૂઘરિયાળાને મોઢેથી ઉચ્ચારાવેલા તહોમતનામાનો તાળો સરસ રીતે મેળવી આપ્યો. સગર્ભા સંતુ પોતાનું પાપ ઢાંકવા મધરાતને સમયે ગામમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરતી હતી. સંતાતી છુપાતી પાદર સુધી પહોંચી ત્યાં સામેથી જુસ્બા ઘાંચીનો એકો આવતો કળાયો એટલે પોતે પકડાઈ જવાની બીકે ઝટપટ પાછી વળી. પણ ઝાંપેથી ગામમાં ગરે તો તો કાસમો પસાયતો એને પડકારે, એટલે એ શૂરાપૂરાના પાળિયે હડમાનની દેવી વચ્ચેના મેલડીના થાનક ઉપર ઠેક લઈને ગામમાં ગરી ગઈ...

‘અરરર ! ઈ ભાનભૂલીને એટલું ય ભાન નંઈ રિયું હોય કે બેજીવવાળીનો ઓછાયો મેલડી મા ઉપર પડે તો મા કોપી ઊઠે ?’

‘એક તો આ ઓછાયો ને એમાં વળી પારકાં ઓધાનનો... મેલડી ઈ જ ટાણે ભરખી કેમ ન ગઈ ઈ જ અચરજ !’

‘ઈ ભૂડાં કામની કરનારીને ભરખી લીધી હોત તો હંધું સમેસૂતર ઊતરી જાત. આ તો હવે માનાં કોપમાં ગામ આખું ભરખાશે !’

 ××× હવે આ સાર્વજનિક આફતમાંથી શી રીતે ઊગરવું એનો કશો વિચાર કરવાનો ય કોઈને અવકાશ મળે એ પહેલાં તો ગામ આખાથી વહેલી ઊઠીને પાણીશેરડે પહોંચી જનારી વખતી ડોશી ​ મણ મણની ગાળો દેતી ખાલી બેડે પાછી વળી :

‘એના હાથ ભાંગે મરી ગ્યાંવના ! એને રૂવે રૂંવે રગતપીત ફૂટે રોયાંવને !’

‘શું થ્યું વખતીકાકી ? શું થ્યું ?’

‘આ કૂવામાં કોઈ અડદનાં પૂતળાં નાખી ગ્યું છ... એનો કાંધ કૂતરાં ખાય નખોદિયાંવનાં !’

‘રોયાં ઝાંપડાવની ફાટ્ય તો જો વધી છે ફાટ્ય ! ગામનો પિયાવો અભડાવી માર્યો, મરીગ્યાંવે !’

ગામમાં હાહાકાર મચી ગયો. ‘ભંગિયાઓ ઊઠીને ઉજળિયાત વરણનો પાણીશેરડો બગાડી જાય ? એકે ય ઝાંપડાંને જીવતો ન મેલીએ.

‘ઝાંપડાની જાત્યનું જડાબીટ જ ગામમાંથી કાઢો એટલે હંમેશની પીડા જાય.’

‘હજી તો મુખીને ઘેરે આ અડદનાં પૂતળાં અંગેની રાવફરિયાદ પહોંચે એ પહેલાં તો ભવાનદાની ડેલી બહાર ગામના ભંગિયાઓની આખી નાત જમા થઈ ગઈ. શેરીમાં કોઈના ઘરને આંગણે આભડછેટનો ઓછાયો ન પડી જાય એની તકેદારી રાખતાં, પાઘડીઓ ઉતારીને સહુ ગભરાતાં ગભરાતાં કહી રહ્યાં હતાં :

‘એ ભાઈશા’બ ! આમાં અમારો કોઈ વાંકગનો નથી.’

‘અમે કૂવામાં પૂતળાં નથી નાખ્યાં.’

‘ઓતરાદે ઝાંપે અમે પગ મેલ્યો હોય તો ય તમે કિયો એના સમ ખાઈએ.’

‘અમે કૂવાને કાંઠે ય ચડ્યા હોઈએ તો અમારાં છોકરાંને મેલડી ભરખે.’

સાંભળીને ભવાનદા ખરેખર મૂંઝાયા. ગામને પજવી રહેલ એક રહસ્યનો ઉકેલ તો હજી આવી શક્યો નહોતો એમાં આ નવું રહસ્ય ઉમેરાતાં એમની મૂંઝવણનો પાર ન રહ્યો. ​‘આ તો અમારા કો’ક દશમનનાં જ કામ લાગે છે.’ ભંગીલોકો કકળતા હતા. ‘અમને આંખ્યે ચડાવવાના જ ધંધા... કો’ક દોણાંફોડને વાકે અમે નવાણિયા કુટાઈ ન જાયીં એટલું ધિયાન રાખજો, માબાપ !’

અલબત્ત, ધીરગંભીર ભવાનદાએ આ નવાણિયાંઓને કૂટી તો ન નાખ્યા પણ તેથી તો એમની પોતાની જ દ્વિધામાં ઉમેરો થયો. ગામના ભંગી લોકો નિર્દોષ છે, તો કૂવામાં પૂતળાં નાખ્યાં કાણે ? શું કોઈ સવર્ણનું એ કૃત્ય હશે ? બહારગામનાં કોઈ માણસો આવીને આ તોફાન કરી ગયાં હશે ?

દરમિયાન ગામમાંથી પાણિયારીઓનો કકળાટ ઊઠ્યો. દેરાણીજેઠાણીની વાવમાં પૂતળાં તરતાં જોઈ ને સહુ ખાલી બેડે પાછાં વળવા લાગ્યાં. વખતીએ આ સહુ ગૃહિણીઓની સરદારી લીધી અને ગામનાં ભંગી લોકોનાં છાજિયાં લેવા માંડ્યાં.

ભંગી લોકોએ ભવાનદા સમક્ષ ખોળા પાથર્યા. પોતાના સાત ખોટનાં છોકરાંઓના સમ ખાધા.

માથાભારે માણસો લાકડીઓ લઈને આ ભંગિયાઓને ટીપી નાખવા તૈયાર થયા.

ભંગીવાસમાંથી એકેએક ઝૂંપડું જડમૂળથી ઉખેડી નાખવાની વાત આવી, પણ મુખીએ એ સહુને વાર્યા.

બપોર સુધીમાં તો ઓઝતના પટમાં વીરડા ખોદાઈ ગયા. ગામનો પાણશેરડો અભડાવનારને નસિયત કરવા માટે મુખી પર દબાણ થવા માંડ્યું. આ દુષ્કૃત્ય કરનારાઓને શોધવાનું મુશ્કેલ થઈ પડ્યું.

સારું થયું કે એ ઓઘડભાભો સમસર જ ધૂણી ઊઠ્યો, ને મુખીની મૂંઝવણનો ઉકેલ લાવી દીધો. એણે ધૂણીધફીને જાહેર કર્યું કે મેઘવાળોએ નહિ પણ મેલડીએ જ પાણીશેરડે પૂતળાં નાખ્યાં છે...

તરત રોષનું નિશાન બદલાઈ ગયું. મેઘવાળોને બદલે સંતુ ​જ આ આપત્તિ માટે જવાબદાર ગણાઈ ગઈ.

પાણીશેરડો અભડાયાની વાત વિસરાઈ ગઈ. મંત્રેલાં પૂતળાં ગામમાં મરકી-રોગ ફેલાવશે એ ભય પણ ઘડીભર ભુલાઈ ગયો. ભંગિયાઓને ભોંયભેગા કરી દેવાની યોજના પણ મુલતવી રહી. અત્યારે તો મેલડીને કોપાયમાન કરનાર અને આ સર્વ આપત્તિઓનું નિમિત્ત બનનાર સંતુને જ ગામમાંથી હાંકી કાઢવાની માગણી થઈ રહી.

‘ગુંદાસરની સીમમાં ય એનો ટાંટિયો ન જોઈએ !’

‘મેલડીને અભડાવનારીનો ઓછાયો ય ક્યાંય રૈ જાશે તો ગામનું નખોદ નીકળી જાશે !’

‘ઈ પાપણીને તો જીવતી જ ન મેલવી. આ ગામની સીમ છાંડીને પરગામ જાશે તો ત્યાંનાં માણહનો મરો બેહશે !’

‘મરો બેહવામાં હવે બાકી ય શું રિયું છ ? આ પંચાણભાભો મર્યો. ને હવે પરભા ભામણને ટાઢિયો તાવ આવવા મંડ્યો છે; ભૂધર મેરાઈ કાલ્ય વાત કરતો’તો કે એને ડિલે આખે કળતર થાય છે.’

‘ને ઓલ્યા ઊકા રાખોલિયાને ઊંટાટિયા જેવું થ્યું છ. બચે કે ન બચે.’

‘ને ઓલ્યા ધરમશીભાઈને સવારસાંજ થઈ રૈ છે એનું કાંઈ નંઈ ? આજ સવારમાં તો એક ઝોબો ય આવી ગ્યો’તો.’

‘ઢોરઢાંખરમાં ય ઓછો મંદવાડ નથી. જાગા પટલનો બળધ પૂંહલી ગ્યો છે... આ મેલડી તો મૂછ ને પૂછનો હંચોડો બૂકરડો જ કરી જાહે.’

‘મુખી ! ભલા થઈને મેલડીને રીઝવો, નીકર ગામ આખું મહાણ ભેગું થઈ જાહે.’

કોપાયમાન મેલડીનું શી રીતે સાંત્વન કરવું એની ચર્ચાઓ ચાલી, ઓઘડ ભૂવાને ઘેરે ગામના વગદાર માણસ પહોંચી ગયા. ​‘ઘરમાં જેટલા મૂછાળા હોય એટલી મૂછ ગણીને સવા સવા પાવલીની કુલેર મેલડીમાની દેરીએ ઝારી આવો.’

ઓઘડભાભાએ એક પછી એક ઉપાયો સૂચવવા માંડ્યા.

‘પંચાઉનો ફાળો કરીને મલીદો ચડાવો.’

‘માને અભડાવનારીને આઠ ગાઉ આઘી મેલી આવો.’

આગલા બે ઉપાયો તો સરળ હતા, પણ આ અંતિમ ઉપાય બહુ અઘરો હતો. એ અળખામણું કામ કરવા આગળ કોણ આવે એ પ્રશ્ન હતો. મુખી સિવાય કોઈની મજાલ નહોતી કે સંતુને ગામ બહાર હાંકી કાઢવા વિષે હરફ પણ ઉચ્ચારી શકે ? અને ભવાનદા જેવા ભદ્રિક માણસને કોઈ વ્યક્તિના પાપ અંગેની પ્રતીતિ ન થાય ત્યાં સુધી આવું પગલું વિચારી પણ શેં શકે ?

તેથી જ તો એ પાપની પ્રતીતિ કરવા માટે વાતો વહેતી મૂકવામાં આવી.

‘કૂવામાં તરતાં મંત્રેલાં પૂતળાં કોઈએ બાર્યથી નાખ્યાં નથી. ઈ તો મેલડીમાના કોપથી એની મેળે જ પ્રગટ્યાં છે—’

‘સંતુનું જ પાપ પૂતળું થઈને પ્રગટ્યું ગણો ને !’

‘ગામમાં હવે એકે ય માણહ જીવતું રિયે તો કે’જો !’

અને ફરી મૂળ સૂચન વધારે આવેશથી ૨જૂ થવા લાગ્યું : ‘મેલડી અભડાવનારીને આઠ ગાઉ આઘી મેલી આવો !’

પણ મુખીને આ આત્યંતિક માર્ગ કેમે ય કર્યો ગળે ઊતરતો નહોતો. એ ભલા જીવ આવી વિષમ પરિસ્થિતિમાં શું કરવું એની મૂંઝવણ અનુભવી રહ્યા હતા ત્યાં જ એમને દરબારની ડેલીએથી છાનું તેડું આવ્યું.

‘ઠકરાણાં બરકે છે.’

*