લીલુડી ધરતી - ૨/જડી ! જડી !

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જડી ! જડી !

‘સતીમા ! તમે તો જુસ્બા ઘાંચીની મરિયમને ફળ્યાં, રઘા મહારાજને ને અમથીને ફળ્યાં, ઓલી ઝમકુડીએ અધરમની માનતા માની’તી, તો એને ય ફળ્યા વિના ન રહ્યાં, ને મને એકલીને જ કાં ફળતાં નથી ?’

રોજ થાનક પર જઈને ‘ચમેલી’ની ખોજ કરતી, અને એમાં નિરાશ થતી સંતુ સતીમાને ઉદ્દેશીને આ ફરિયાદ કરી રહેતી.

આખરે, એક શુભ દિવસે સંતુની આ ફરિયાદનો અંત આવ્યો.

એ દિવસે વખતી પોતાના રોજના રાબેતા કરતાં જરા વહેલેરી વગડો કરવાને બહાને નીકળી, અને સીમમાં જતાં પહેલાં ઠુમરની ખડકીએ ડોકાતી ગઈ અને ઊજમને એકાંતમાં બોલાવીને એના કાનમાં કશોક સનકારો કરતી ગઈ.

ઊજમે માત્ર મૂંગા હાસ્ય વડે જ વખતીના આ સનકારાનો ઉત્તર આપ્યો અને રોજનું ટાણું થતાં સંકેત મુજબ એ સંતુને લઈને વાડીએ જવા નીકળી.

દેરાણી-જેઠાણીએ ખોડીબારામાં પગ મૂક્યો કે તરત એક વ્યક્તિ થાનક પછવાડેથી ચોંપભેર પડખેના ખેતરમાં ઊતરી ગઈ. ઊજમે એ જોયું, પણ ‘ચમેલી’નું રટણ કરી રહેલી સંતુને એ વ્યક્તિની હલચલ અવલોકવાની નવરાશ નહોતી.

પૂર્વયોજિત સંકેત મુજબ ઊજમે સંતુને એકલી જ થાનક નજીક મોકલી અને પોતે વાડીમાં કશુંક કામ કરી રહી હોવાનો ડોળ કર્યો. ​ ત્યાં તો થોડી વારમાં જ એને કાને સંતુના હર્ષોન્માદભર્યા શબ્દ અથડાયા :

‘જડી ! જડી !’

‘શું ? શું જડી ? કોણ જડી ?’ ઊજમ અજાણી થઈને પૂછતી પૂછતી થાનક નજીક આવી તો સંતુ તો એક બાળકીને હૃદય સરસી ચાંપીને જાણે કે પોતે ય નાનું બાળક હોય એટલી સ્વાભાવિક મસ્તીથી નાચતી હતી.

‘અંતે જડી ! અંતે જડી ખરી મારી ચમેલી !’ સંતુ બોલતી હતી.

‘માડી રે ! ક્યાં ખોવાઈ ગઈ’તી આટલા દી લગી ?... સતીમાને થાનકે રમવા ગઈ’તી ?... માનાં ગોઠિયાં ભેગી રમતી’તી ?’

સંતુનું બાળકી જોડેનું બાલિશ સંભાષણ સાંભળીને ઊજમ મનમાં હસી રહી, અને વખતીએ યોજેલા વ્યૂહની આબાદ સફળતા જોઈને પ્રસન્નતા અનુભવી રહી.

દરમિયાન વખતી પોતાના વ્યુહને સાદ્યન્ત સફળ બનાવવા ગામમાં પહોંચી ગઈ હતી અને રસ્તામાં સામે જે કોઈ મળે એને સમાચાર આપવા લાગી હતી :

‘સંતુને સતીમાને થાનકેથી એની ચમેલી જડી ગઈ. જાવ ઝટ, કૌતક નજરે જોવું હોય તો થાનકે પૂગી જાવ ઝટ !’

×× × આવું વિલક્ષણ જોણું જોવું કોને ન ગમે ? જોતજોતામાં તો થાનકવાળે ખેતરે હાલરું આવી પહોંચ્યું. કૂવામાં પોટાસનો ધડાકો થયો અને ગોબર મરી ગયો, એ દિવસે જે ઠઠ્ઠ જામેલી એવી જ ઠઠ્ઠ આજે પણ અને એ જ સ્થળે જામી ગઈ.

પહેલી નજરે તો આખી ય ઘટના એક ચમત્કાર જેવી લાગતી હતી. જાણે કે સંતુના તપથી સતીમા પ્રસન્ન થયાં અને પુત્રીનું દાન ​ કર્યું હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. પણ એની વાસ્તવિકતા જરા વસમી હતી.

જોનારાંઓ તો હસતી, નાચતી કૂદતી સંતુને અવલોકી રહ્યાં એણે કાખમાં તેડેલી નમણી નાનકડી પુત્રીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યાં.

‘છોકરી છે તો મજાની દાણિયા જેવી રૂપાળી ને રૂપકડી—’

‘આંયાંકણે થાનકે કોણ મેલી ગ્યું હશે ?’

‘એનાં માબાપ કોણ હશે ?’

‘જે હોય એણે ડહાપણનું કામ કર્યું. પોતાની એબ ઢાંકવા સારુ આવી મરઘલી જેવી છોકરીને મારી નાખી હોત તો પાપનાં પોટલાં બાંધવાં પડત. આ મૂંગી છોકરી બચાડી થાનકે આવીને ઊગરી ગઈ—’

‘હા વળી ! નીકર ગળાટૂંપો દઈ દીધો હોત તો કોણ જોવા જાવાનું હતું ?’

‘બચાડાં માબાપનો જીવ નહિ હાલ્યો હોય એટલે સતીમાને આશરે જીવતી મેલી ગ્યાં ને સંતુનો ખાલી ખેાળો ય ભરાઈ ગ્યો.’

‘પણ આ પાપ કોનું ?’

‘હવે મેલો ને માથાકૂટ, મારા ભાઈ ! પાપ પકડવા જાવામાં માલ નથી. જેણે આ છોકરું આંયાંકણે મેલ્યું એણે પુન્યનું જ કામ કર્યું એમ ગણોની !’

જાણે કે આ જ વાક્યનો પડઘો આ જ સમયે ઠુમરની ખડકીમાં પણ પડી રહ્યો હતો. હાદા પટેલની સન્મુખ સાધુવેશધારી માંડણ બેઠો હતો અને કહી રહ્યો હતો :

‘મારે હાથે એક પુણ્યનું કામ થઈ ગયું, એમ જ ગણો ની ! આટઆટલાં પાપનું પ્રાછત થઈ ગયું. છોકરીને તો મારવા સારુ જ હાથિયે પાણે મેલી આવ્યાં’તાં. પણ ડાઘિયાને કાંઈક ગંધ્ય આવી કે કોણ જાણે શું ય ચમત્કાર થયો, તી ઈ વાહેંવાંહે પગલાં દબવતો ​ હાથિયે પાણે પૂગી ગ્યો હશે, ને થોડીક વારમાં તો જીવતો લોચો મોઢામાં ઘાલીને ઉંબરે આવી ઊભો. હું ભજનમાંથી મોડો આવીને જાગતો ખાટલે પડ્યો’તો. ડાઘિયે ભસીભસીને મને ઉઠાડ્યો. જોયું તો ઉંબરે જ આ છોકરી પડી’તી. મેં હાથમાં લઈને ઘરનો આગળિયો ઉઘડાવ્યો. મેં બવબવ સમજાવ્યાં, પણ માન્યાં જ નહિ, મને ખાતરી થઈ ગઈ કે હવે આ પહુ જેવા મૂંગા જીવને જીવવું દોહ્યલું છે એટલે મેં એનો મારગ કાઢ્યો. મોંસૂઝણું થ્યા મોર્ય જ, કોઈ ને કાંઈ વે’મ જાય ઈ પે’લાં જ હું આ છોકરીને લઈને રસ્તે પડી ગ્યો—’

  • **

થાનક ઉપર તો આનદમંગળ વરતાઈ રહ્યો. હવે ગામનાં દોઢડાહ્યાંઓએ આ બાળકીનાં માબાપની તલાશ માંડી વાળી અને એ નવજાત શિશુને આમ અનાયાસે જ સાંપડી ગયેલી માતામાં જ વધારે રસ લેવા માંડ્યો.

‘સંતુ ! તારી આ ચમેલીનું નામ શું પાડીશ !’

‘ચમેલી જ વળી. નવું નામ ક્યાં ગોતવા જાવું ? ભચડા વાદીની છોકરીને નામે નામ.’ કોઈએ સૂચવ્યું.

‘ના, ચમેલી તો ભચડા ભેગી વાંદરી છે એનું ય નામ બળ્યું છે.’ ઊજમે કહ્યું. ‘અમારે તો હવે કાંઈ નવું નામ ગોતવું પડશે.’

ત્યાં તો હરખઘેલી સંતુ જ બોલી ગઈ. ‘આ થાનકેથી જડી એટલે હવે આનું નામ જ જડી.’

‘હા. જડી... નામ તો મજાનું, ઝટ જીભે ચડી જાય એવું છે.’ ટપુડા વાણંદની વહુ રૂડી બોલી. ‘પણ અજવાળીકાકીની છોડીનું નામે ય જડી છે, એનું શું !’

‘તી ભલે ને રિયું ? અજવાળીકાકીની જડીનું નામ ઈ કાંઈ તાંબાને પતરે લખાવીને લઈ આવ્યાં છે કે એના સિવાય બીજી કોઈની છોકરીનું નામ જડી પડાય જ નહિ ?’ ​ ‘ને એનું સાચું નામ તો જડાવ છે, જડી તો એનું હુલામણું કર્યું છે—’

‘બસ તો, આપણી છોડીનું તો સાચું જ નામ જડી પાડી દિયો ! થાનકેથી જડી, એટલે સાચે જ જડી !’

એટલામાં તો, ગામમાં જાહેરાત કરીને વખતી પાછી વાડીએ આવી પહોંચી. એણે પણ આ સનાથ બનેલી અનાથ બાળકીના સૂચક નામકરણનું સમર્થન કર્યું.

‘સંતુને તો આ સતીમાને પરતાપે ખાલી ખોળો ભરાણો. એને તો દીકરો ગણો કે દીકરી, હંધું ય આ છોકરીમાં જ આવી ગ્યું. એને ઝાઝી કરીને આ દીકરી જડી કહેવાય, એટલે બવ રૂપકડું નામ પાડીએ તો છોકરું નજરાઈ જાય. એના કરતાં “જડી” જેવું જાડું–મોટું નામ જ રાખો, કે કોઈની નજરમાં ન આવે—’

ઠુમરની ખડકીમાં માંડણ આ નાટ્યાત્મક ઘટનાનો પૂર્વરંગ ૨જૂ કરતો હતો :

‘હું ખાખીની જમાત ભેગો તરણેતરને મેળે ગ્યો’તો. ભચડો વાદી એનાં ચમેલી–રતનિયાને લઈને મેળે રમવા આવ્યો’તો. એની ડુગડુગીનો અવાજ થોડો અજાણ્યો રિયે ? મેં મનમાં જાણી જ લીધું કે ડુગડુગી વગાડવાની આ હથોટી તો ભચડાની જ લાગે છે. ભજન મંડળી ઊઠ્યા પછી હું જોવા ગ્યો તો સાચે જ ભચડો એનાં ચમેલી–રતનિયાને રમાડતો’તો ને કાવડિયાં ઉઘરાવતો’તો. મેં એને બરક્યો, તો એણે કીધું કે ‘હું ય તને જ ગોતતો’તો... ને પછી તો એણે માંડીને સરખીથી હંધી ય વાત કરી. આંયાંકણે રમવા આવ્યો’તો ને ચમેલીને પેટીમાં પૂરી તંયે સંતુ કેવી બેભાન થઈ ગઈ, ને પછી ક્યાં ગઈ મારી ચમેલી, એમ કહીને કેવી ભચડાને ગળે પડી કે તું જ મારી છોકરીને ચોરી ગ્યો છો, તેં જ એને સંતાડી દીધી છે, ઈ હંધી ય વાત એણે કરી. ને વળી કીધું કે વખતીકાકી તારી વાટ જુએ છે... ભચડો આંયાંકણે ગામમાંથી રમીને નીકળ્યો તંયે ​ વખતીકાકીએ એને કાનમાં ફૂંક મારી હશે કે માંડણિયાને ક્યાંય ભાળ્ય તો કે’જે કે એક વાર મારે મોઢે થઈ જાય—’

  • **

વાડીએ હવે ‘જડી’ના નામકરણ અંગે ગામ આખાનો સાગમટે ને સર્વાનુમતે નિર્ણય થઈ ગયો એટલે ચર્ચા સંતુ ઉપરથી સતીમા તરફ વળી.

‘ઓહોહો ! સતીમાનાં સત તો જુવો, સત !’ વખતી કહેતી હતી. ‘મારી મા તો કોઈ કરતાં કોઈને ફળ્યા વિના રે’તાં નથી. આ સંતુએ સતીમાને છત્તર ચડાવવાની માનતા કરી’તી, તો એનું જણ્યું બગડી ગ્યા કેડ્યે ય ખાલી ખોળો ભરાઈ ગ્યો !’

‘સતીમાં તો સાચક છે, ને વળી હાજરાહજૂર ! રૂદામાં સાચી આસ્થા હોય એને તો મા તરતરત હોંકારો ભણે છે—’

‘હજી લગણ હાદા પટેલે જોયેલા જાર્યના એકે ય દાણા ખોટા પડ્યા સાંભળ્યા છે ?’

‘આનું નામ જ જાગતાં દેવ ! ગામને ટીંબે આવું દેવસ્થાન છે, તો આ દકાળ વરહમાં જેમ તેમ કરીને સહુ જીવી ગ્યાં. એક ઓલ્યા ઊંચે મોભારે ડુંગર ઉપર બેઠાં છે ઈ અંબામાની છાયા, ને બીજાં આ સતીમાનાં સત.... ઈ બેને પરતાપે ગામ જીવતું રિયું છે.’

  • **

માંડણ ખાટલે બેઠો બેઠો હાદા પટેલને સમજાવતો હતો :

‘સંતુનાં સત આપણને સહુને જિવાડશે, ને ઓલી છાણના કીડા જેવી ગભુડી નાનકીને ય જિવાડશે. સંતુની જેમ એને ય આ નવો અવતાર જ જડ્યો છે. ઈ મૂંગા જીવનાં અંજળપાણી આપણા ઘરનાં જ લખ્યાં હશે, કાકા ! ઈ જીવનાં પુણ્ય સંતુને ય ફળશે... એટલે જ હું મારાં ખેતરવાડી એને આપતો જાઉં છું. ના, સંતુને નહિ, ઓલી મૂંગી છોકરીને નામે આપતો જાઉં છું, કાકા ! આ ​ તો બેવડાં પુન્યનું કામ છે. એકને સાટે બે જીવને જીવતદાન જડે એમ છે. છોકરીને મોતના મોઢામાં મેલી આવ્યાં’તાં, એને ઉગારી લીધાનું પુણ્ય જડશે, ને બીજું એક વાંકગના વિનાની એની જનેતાની એબ ઢંકાશે... એને ઉઝેરવામાં સંતુનો જીવ પરોવાશે તો એનું જીવતર સુધરશે...’

  • **

સંતુને હૈયે હરખ માતો નથી. નાનકડી જડીને એ અછો અછો વાનાં કરે છે. દિવસ ને રાત એનાં લાલનપાલનમાં જ મશગૂલ રહે છે; એને મન તો આ પોતાની જ ખોવાયેલી પુત્રી પાછી મળી છે. ‘જડી’ની જનેતા પોતે નહિ પણ બીજી કોઈ છે, એ હકીકત જ એ સ્વીકારવા તૈયાર નથી.

માંડણ તો પોતાની સગળી માલમિલકત આ નાનકડી ‘જડી’ને અર્પણ કરીને છાનોમાનો ગામમાંથી નીકળી ગયો હોવાથી સાચી હકીકતથી સંતુ અજાણ જ છે. આ ‘જડી’નું રહસ્ય હાદા પટેલ, ઊજમ ને વખતી સિવાય બીજું કોઈ જાણતું નથી. સંતુની મા હરખ પણ અક્કલની જરા ઓછી હોવાથી ઊજમે એને સાચી વાત ન કહેવાનું જ મુનાસિબ માન્યું છે. નથુસોનીને અરધોપરધો વહેમ ગયો છે, અને અરધુંપરધું એ જાણ્યું–ન જાણ્યું કરે છે.

અને સંતુએ તો પોતાની ફળેલી માનતા બદલ છત્તર ઘડાવવાની માગણી મૂકી.

આ માગણીનો અમલ કર્યા વિના હાદા પટેલને છૂટકો જ નહોતો.

ઊજમે આ દુકાળ વરસમાં એક પછી એક દાગીના ભંગાવી નાખ્યા પછી વધેલી એક હાંસડી હોંશભેર કાઢી આપી અને હાદા પટેલ એ લઈને નથુ સોનીની દુકાને ગયા.

સંતુ નથુ સોનીને સૂચના આપી આવી : સારીપટ મોટું છત્તર ઘડજો, જરા ય લોભ ન કરતા. મને માંડ કરીને મારી છોકરી જડી છે—’ ​ અને આ વિધિવતા ઉપર કેમ જાણે કળશ ચડવાનો હોય, એમ શ્રીનાથજીની મોટી જાતરા કરીને પાછાં આવી રહેલાં અજવાળી કાકી અને એમની જડીના મનમાં ઢોલશરણાઈને ધોળગીતો સમેત સામૈયું યોજાયું. અને હવે ઉન્માદ છોડીને ઉત્સવપ્રિય બનેલી સંતુ પોતાની ‘જડી’ને કાખમાં તેડીને આ સામૈયામાં શામિલ થઈ.

‘મારીરી જડીની ડોકમાં તુળસીની માળા પેરાવવી છે, ને ઠાકરનો પરસાદ ચખાડવો છે.’ સંતુ કહેતી હતી.

ધામધૂમથી યાત્રિકોનાં સામૈયાં થયાં અને પુષ્કળ ધોળમંગળ ગવાયા પછી અજવાળીકાકીની ડેલીએ ગામ આખું પવિત્ર ગંગોદકનું આચમન કરવા તથા તુલસી–ગોપીચંદન સાથે છપનભોગના પ્રસાદની કટકી ચાખીને પાવન થવા એકઠું થયું, એમાં પણ ભાવુક સંતુ પોતાની જડીને કાંખમાં તેડીને ભોળે ભાવે શામિલ થઈ.

જડાવે પોતાની સાથે લાવેલ ગંગાજીની લોટી તથા પ્રસાદ વાટવા માંડ્યા; અને અજવાળીકાકીએ તુલસીની માળાઓ વહેંચવા માંડી.

જબરા જમેલામાં સંતુનો વારો બહુ મોડો આવ્યો. પણ એનો વારો આવ્યા ત્યારે બાળકી જડી પોતાની સગી જનેતાને હાથે ગંગોદક અને પ્રસાદ પામી.

*