લીલુડી ધરતી - ૨/ડાઘિયો રોયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડાઘિયો રોયો

અંધારી ગમાણમાં મીઠા તેલનો મોઢિયો દીવો ફિક્કો ને માંદલો પ્રકાશ પાથરતો હતો.

એક ખૂણામાં ખાટલે પડેલી સંતુ પ્રસુતિવેદનાથી પીડાતી હતી.

ઊજમ હાંફળીફાંફળી થઈને હરફર કરી રહી હતી.

ફળિયામાં હાદા પટેલ સમાચાર જાણવાની ઉત્સુકતાથી ખડે પગે ઊભા હતા.

ગમાણને સામે ખૂણે કાબરી ઊભી હતી અને વારેવારે એ વિચિત્ર હીંહોરાં નાખી રહી હતી એ સાંભળીને ઊજમને વહેમ આવ્યો, પણ એ તો ‘અમથી અમથી ઉફાંદ આવી હશે’ એમ વિચારીને ગાય પ્રત્યે એણે બહુ ધ્યાન આપ્યું નહિ.

સંદેશો મળતાં જ, વાળુ અધૂરૂં મેલીને નીકળી પડેલી હરખ શ્વાસભેર ગમાણમાં પ્રવેશી અને સંતુને ખાટલે બેઠી.

‘વખતી ક્યાં રોકાણી ?’ ઊજમે હરખને પૂછ્યું.

‘મને કિયે કે તું પુગ્ય ઝટ, હું વાહોવાંહ આવું છું—’

‘ઈ પણ ખપ પડે તંયે જ મોંઘી થાય ઈ માંયલી છે.’

‘શું કરીએ ? આપણે એનાં ઓશિયાળાં.’ હરખે ટકોર કરી. ‘ગામમાં સાત ખોટની એક જ સુયાણી—’

‘ભાર્યે ભૂંડી છે. આમ આડે દિ’એ કામ વગર દહ ધક્કા ખાઈ જાય, ને કામ પડ્યે તેડવા જઈએ તંયે તેડામણ માગે ઈ માંયલી—’ ​ ‘પણ ટાણું–કટાણું તો જોવું જોઈએ કે નહિ ? કો’કનો જીવ કહટાતો હોય તંયે ય ટાણાસર હાજર ન થાય તો ઈ કામની શું ? ટાણું વીતી ગયા કેડ્યે એને શું ઘંહીને ગૂમડે ચોપડવી ?’

‘એમ ટાણું સાચવીને ઊભી રિયે તો તો વખતી શેની ?’

‘બાપુ ! વખતીનાં વાંકાં શું કામે બોલો છો ઠાલાં ?’ કરતીકને કમ્મરમાંથી લગભગ બેવડ વળી ગયેલી વખતી ગમાણમાં પ્રવેશી.

‘વાંકાં માણહનાં તો વાંકાં જ બોલવાં પડે ને !’ ઊજમે કહ્યું. ‘તમને તો ઓલ્યા વાણંદ જેવું વરદાન... બરક્યાં ભેગાં તો આવે જ નહિ... એક ઘરાકનું વતું કરીને આવું છું, એમ કહીને પડખેની શેરીમાં ખોટેખોટો ફેરો ખાઈને જ આવે. ઈ વાણંદ માંયલાં જ છો તમે. બરક્યા ભેગાં આવો તો તમને તમારા જ સમ.’

‘હવે તો મને બરકે છે ય કોણ ?’ સંતુ નજીક જતાં વખતીએ માર્મિક મમરો મૂક્યો. ‘આ સોનીફળિયામાં સુવાવડ આવી તંયે સાવ દીધે બારે દિવાળી જેવું કરી નાખ્યું, તે કોઈને ખબરે ય ન પડવા દીધી !’

‘કોણ ? કોણ ? કોની વાત કરો છો ?’ ઊજમે પૂછ્યું.

‘નામ દીધે શું વશેકાઈ ? ઠાલું બોલ્યું બાર્ય પડે.’ કહીને વખતી બોલ્યા વિના તો ન જ રહી. ‘એ...ય ને સખેને હાથોહાથ હથુકાં જેવું કરી નાખ્યું... આ વખતીની ભૂખે ય જરૂર ન પડી... હંધું ય સમેસુતર પતવી નાખ્યું... નવા જલમનારા જીવને એ... ય ને નિરાંતે ઠેકાણે પાડી નાખ્યો... જાય ભેંસ પાણીમાં. કોણ જોવા જાવાનું હતું કે શું કર્યું ?... કોઈને ગંધ્યે ન આવવા દીધી... સાવ દીધે બારે જ દિવાળી... આ વખતી તો વા ખાતી રૈ ગઈ. ને મા–દીકરી એ...ઈ ને સરખેથી શ્રીનાથજીની જાતરાએ ઊપડી ગ્યાં... ઠાલું નામ દીધે શું વશેકાઈ.... બોલ્યું બાર્ય પડે મારી બૈ—’

નામ દીધા વિના વિચક્ષણ વખતીએ પોતાના તહોમતનામાને અંતે ‘જાતરાએ ઊપડી ગ્યા’નું જે સૂચક ઈંગિત આપ્યું એ ઉપરથી ​ ઊજમ તેમ જ હરખ બન્ને સમજી ગ્યાં કે આ તો હજી ગઈ કાલે કે જ વાજતેગાજતે શ્રીનાથજીની જાત્રાએ ઉપડેલાં અજવાળીકાકી ને એમની જડાવની જ વાત છે.

‘મા !...મા ...’ સંતુએ ચીસ પાડી.

‘હં...મા ! હું આંયાકણે જ છું.’ હરખે પુત્રીના શરીર પર હાથ પસવાર્યો.

મોઢિયા દીવાના આછા ઉજાસમાં ઊજમે સંતુના મોં તરફ જોયું તો એની મુખરેખાઓ વાટે આંતરવેદના વ્યક્ત થઈ રહી હતી.

ખડકી બહાર ડાઘિયો ભસ્યો.

‘કૂતરો મૂવો ગંધીલો કાંઈ ગધીલો ! સોનીફળિયું મેલીને હવે આ ખડકીએ આવ્યો !’ વિચક્ષણ વખતી બોલી, ‘મૂવાથી કાંઈ અજાણ્યું જ ન રિયે ને !’

‘સોનીફળિયે હવે એને રોટલો નાખનારું કોઈ રિયું નંઈ, પછી તો આણી કોર્ય આવે જ ને ?’ કહીને ઊજમ ચોંપભેર રાંધણિયા તરફ જતાં બોલી : ‘લાવ્ય, વાળુનો રોટલો વધ્યો છે ઈ ડાઘિયાને નાખતી આવું તો આંગણે ગોકીરો કરતો આળહે—’

ડાઘિયાને રોટલો નીરીને ઊજમ પાછી આવી ત્યારે કાબરીએ ફરી વિચિત્ર અવાજો કરવા માંડ્યા હતા, તેથી એણે વખતીને કહ્યું :

‘વખતીકાકી ! આ કાબરી તો જુવો, કામ ટાણે કૂદાકૂદ કરવા મંડી છે ! જુઓ તો ખરાં, કાંઈ એરૂબરૂ આભડ્યો હોય નહિ !’

‘આને તો એરૂ ય નથી આભડ્યો ને બેરૂ ય નથી આભડ્યો !’ વખતીએ કાબરી નજીક જઈને કહ્યું.

‘તયે આટલાં હીંહોરાં શેનાં નાખે છે !’

‘એને ચ અટાણે સંતુ જેવું ટાણું છે.’

‘હેં ? સાચે જ ?’

‘હા, બરકો ઝટ ધનિયાને.’ કહીને વખતીએ જ બહાર ફળિયામાં બેઠેલ હાદા પટેલને મોટે સાદે સંભળાવ્યું. ​‘હાદાભાઈ ! ધનિયા ગોવાળને બરકો ઝટ, કાબરીને અબઘડીએ વાછડું આવશે.’

અને ઊજમ બેવડી ચિંતામાં પડી ગઈ.

‘આ કાબરીએ પણ ઠીકાઠીકનું ઘરણટાણું જ સાચવ્યું !’

‘સાચાં સહીપણાં કોને કિયે !’ વખતીએ સમજાવ્યું. ‘કાબરી તો સંતુને સગી બેન કરતાં ય સવાઈ. કેમ બોલી નહિ, હરખ ?’

પુત્રીની વેદના જોઈને ચિંતાગ્રસ્ત બની ગયેલી હરખે મૂંગામૂગાં જ હકારમાં ડોકું હલાવ્યું.

‘સહીપણાં તો સમજ્યાં, મારી બૈ !’ ઊજમ બોલી, ‘પણ અટાણે આ સાંકડમાં બે નવા જીવ કેમ કરીને સામશે ?’

‘આડું બૂંગણ નાખીને આડાશ કરી દિયો.’ વખતીએ તરત રસ્તો સુઝાડ્યો. ‘કાબરીની ઘોલકી નોખી થઈ જાશે. મલાજો તો એકલા ધનિયા ગોવાળનો જ રાખવાનો છે ને ! કાબરી તો આપણી અસ્તરીની જ જાત્ય ગણાય. કેમ બોલી નહિ, હરખ ?’

‘સાચું. આપણાં આટલાં જણમાં ભાયડો માણહ તો એક ધનિયો જ.’

‘ને હવે સંતુને છોકરો આવે તો બે જણ આદમીમાં ગણાય.’ સંતુની શુશ્રૂષામાં રોકાયેલી હોવા છતાં વખતીની જીભને જં૫ નહોતો.

ધનિયા ગોવાળને સંદેશો આપીને પાછા ફરી રહેલા હાદા પટેલે વખતીનું આ છેલ્લું કથન સાંભળ્યું : સંતુને છોકરો આવે તા બે જણ આદમીમાં ગણાય. સાચું, પણ છોકરો આવશે જ ? તો તો એનાથી રૂડું શું ? ગોબરનું નામલેણું પણ રહે ને સંતુનું જીવતર ધન્ય થઈ જાય. પણ હજી તો, કાબરીની જેમ આમાં ય ચારે ય ખરી પેટમાં જ... વાછડો કે વાછડી કાંઈ નક્કી ન કે’વાય... દીકરો હશે કે દીકરી ? દીકરી હશે તો ઠુમરના ખોરડાનો દિ’ વાળશે... દીકરી ? દીકરી આવશે તો ય સોના જેવી... દીકરી તા ધરણી માતાનો અવતાર... આંગણું ઉજાળશે ને સહુને પાવન કરશે... ​ફળિયામાં હાદા પટેલ ભાવિ વિશે આવી ઉજમાળી કલ્પનાઓ કરી રહ્યા હતા ત્યારે ગમાણમાં ખાટલે પડીને કણસી રહેલી સંતુને ગામલોકોએ આરોપેલા કલંકની યાદ એકાએક તાજી થઈ હતી. પોતે અગ્નિપરીક્ષામાંથી પાર નહોતી ઊતરી શકી. કડકડતા તેલમાં બોળેલા બન્ને હાથ કચકચી ગયેલા એ હજી હમણાં જ માંડ કરીને રુઝાયા હતા. પણ એના ઘઉંલા વાનમાં કઢંગી રીતે જુદા તરી આવતા એ લાલચોળ હાથ લોકદૃષ્ટિએ જાણે કે એના ચારિત્ર્યની ચાડી ખાતા હતા : ‘તું કલંકિની છે, તેં તારા ધણીને ગારદ કર્યો છે, તારું બાળક તારા પતિનું નથી—’

અને એ ભયાનક યાદ તાજી થતાં સંતુ વધારે અસ્વસ્થતા અનુભવી રહી હતી. હાય રે ! આ લોકોને હું શી રીતે સમજાવીશ કે મારું બાળક મારા ધણીનું જ છે ! ગામનાં માણસોએ મારે માથે તો આટલાં છાણાં થાપ્યાં છે, પણ મારું જણ્યું મોટું થશે પછી એની શી દશા થશે ? એને ય સહુ કપાળમાં મહેણું માર્યા કરશે કે શું ? એ પણ આંગળીચીંધામણ બની રહેશે કે શું ?

મારું જીવતર તો રોળાઈ ગયું, પણ મારા જણ્યાનું ય જીવતર રોળાઈ જશે કે શું ? એની પાસે કઈ સાબિતી રહેશે કે હું કોઈ અનૌરસ સંતાન નથી ?.... સાબિતી ! સાહેદી ! હા, સાહેદી તો આ દુનિયામાં એક જણ આપી શકે એમ છે, અને તે ગોબર પોતે જ. મસાણમાંથી મડદાં પાછાં આવી શકતાં હોય તો ગોબર પાછો આવીને ગામ આખાને કહી જાય કે આ સંતાન મારું છે ! ખબરદાર એની સામે કોઈએ આંગળી ચીંધી છે તો !... અરે, પણ એમ થાતું હોય તો તો જોઈએ શું ? ગોબર પાછો આવ્યો હોત તો તો આટલા સંતાપ પણ શેના થયા હોત ?

જાગૃત-અજાગૃત અવસ્થાના સંધિકાળે સંતુના માનસમાં આવા મિશ્ર વિચારપ્રવાહો ચાલી રહ્યા હતા.

***

​ ઊજમે ગમાણના આડસરની સમાંતર બૂંગણ ટાંગીને આડશ ઊભી કરી.

થોડી વારમાં જ ધનિયો ગોવાળ આવી પહોંચ્યો અને કાબરીને ઉદ્દેશીને બોલવા લાગ્યો :

‘બાપ્પો, બાપ્પો ! મારી કાબરી !’

‘એલા ધનિયા ! મૂંગો મૂંગો કામ કર્ય. અટાણે વવને સુવાણ્ય નથી—’ ઊજમે સૂચના આપી.

‘ભલે બાપા, ભલે ! નાની વવ સાજાં–નરવાં રિયે...’ કહીને મૌનનો આદેશ સ્વીકારતાં સ્વીકારતાં પણ ધનિયાએ સારો એવો ઘોંઘાટ કરી મૂક્યો. ‘આ ગવતરીનો વેલો વધશે... ને પછી તો એ....ય ને તમારે બારે ય મઈના ઘમ્મર વલોણાં.... ઘી–દૂધની છાકમછોળ.... આ તો વાગડિયાના ઘરની મોટી કાબરીનો વેલો.... આ પે’લવેતરી વિયાશે પછી તો તમારે ગવતરિયુંનો વસ્તાર વધ્યો જ જાણો.... કાબરી મારી બાપ્પો ! બાપ્પો !’

‘એલા ધનિયા, એક વાર કીધું કે અટાણે દેકારો કર્ય મા, તો ય સમજતો નથી.’ ઊજમે બૂંગણના પટાંતરની આડશેથી હવે ગોવાળને દબડાવ્યો. મૂંગો રૈશ તો મોઢામાં બાવાં બાઝી જાશે ?’

‘આમાં મૂંગા રેવાય કેમ કરીને ?’ ધનિયાનો અવાજ આવ્યો. ‘કાબરીની આંખ જ સંચોડી ફરી ગૈ લાગે છે. જરાક ભો જેવું લાગે છે. ચારે ય ખરી સમસરખી દેખાય તો ભગવાનનો પાડ...’

‘વોય મા !’ સંતુએ એક તીણી ચીસ પાડી.

બૂંગણની આડશેથી કેમ જાણે વળતો ઉત્તર આપતી હોય એમ કાબરી પણ એવા જ તીણા અવાજે ભાંભરી.

અર્ધજાગૃત અવસ્થામાં સંતુએ પોતાની સહોદરા સમી સહિયરનો એ ભાંભરડો તો સાંભળ્યો, પણ અસહ્ય વેદનાને પરિણામે ઝડપભેર વધતી જતી તંદ્રાવસ્થામાં એ બીજું કશું સમજી કે વિચારી ન શકી. ​ફળિયામાં ક્યારનાયે સમાચાર જાણવાને ઉત્કંઠ બની રહેલા હાદા પટેલે આ બન્ને તીણી વેદનાચીસો સાંભળી અને એમનો જીવ તાળવે ચોંટ્યો.

થોડી વારે વખતીનો અવાજ સંભળાયો : ‘આ તો સાચે જ સંતુએ કાબરી હાર્યે સહીપણાં કર્યાં. બેયને સારીપટ કહટાવું પડશે—’

ઊજમે સચિંત અવાજે પૂછ્યું : ‘ડોળા તારવી ગઈ છે તી વાંધો તો નહિ આવે ને ?’

હરખે પણ ગભરાઈને એવી જ પૃચ્છા કરી : ‘સંતુને સુવાણ્ય તો થઈ જાહે ને ?’

વગર પૂછ્યેગાછ્યે પણ બોલબોલ કરનારી વખતી અત્યારે ભેદી મૌન સેવી રહી તેથી ઊજમને કશોક વહેમ ગયો. એણે પૂછ્યું :

‘છોકરું તો સાજું નરવું જલમશે ?’

‘અટાણથી કેમ કે’વાય ? આભના ને ગાભના કાંઈ ભરુહા નહિ.’ કહીને વખતીએ હૈયાધારણ આપી : ‘મારો વાલોજી લાજ રાખશે—’

પણ વખતીનાં આવા ‘વાલાજી’ના નામના સધિયારાથી કોઈને હૈયાધારણ મળી શકે એમ નહોતી, કેમકે સંતુની વેદનાચીસો વધતી જતી હતી.

આ વાતચીતના તૂટક તૂટક શબ્દો બહાર ફળિયામાં હાદા પટેલને કાને પડતાં તેઓ વિશેષ ચિંતાતુર બન્યા. એમણે ઓસરીમાં જઈને ઘીનો દીવો પેટાવ્યો અને એકચિત્ત થઈને સતીમાતાનું સ્તોત્ર ભણવા માંડ્યું.

ખડકી બહાર વળી પાછો ડાઘિયો ભસવા માંડ્યો તેથી ઊજમ અકળાઈ ઊઠી.

‘મૂવાને સારીપટ રોટલો નીર્યો તો ય મૂંગો નથી રે’તો—’

‘ઈ તો બવ ગંધીલો છે. માડી !’ વખતી બોલી, ડાઘિયાને હું જાણું ને ! ગામને ખૂણેખાંચરે ય ક્યાંય આવું ટાણું હોય તંયે ઈ ન હોય ત્યાંથી આવીને ઊભો જ હોય !’ ​ સંતુ અમળાતી હતી, પણ હવે એના મોઢામાંથી વેદનાચીસ સંભળાતી નહોતી, કેમકે, દાંતની દોઢ વળી ગઈ હતી; એની ઉઘાડી ફટાસ આંખો વાટે એનું અજાગૃત મન વરવાં દૃશ્યો જોઈ રહ્યું હતું :

ધરતીની લીલીછમ બિછાત ઉપર એક નવપુષ્પિત શિશુ ભાખોડિયાં ભરવા મથી રહ્યું છે, પણ લોકો એના માર્ગમાં વિઘ્નો ઊભાં કરે છે. એનામાં કલંકનું આરોપણ થાય છે. ચારે ય દિશાએથી એના ઉપર પથરા પડે છે. સમાજના નીતિરક્ષકો એના ઉપર તૂટી પડે છે, અને બાળક આખરે રિબાઈ રિબાઈને મરણશરણ થાય છે.

ઓસરીમાં સ્તોત્ર ભણી રહેલા હાદા પટેલે એકાએક ઊંડો નિ:શ્વાસ નાખ્યો : ‘જેવી હરિની ઈચ્છા !’

ગમાણમાં ધનિયો ગોવાળ ‘બાપ્પો ! બાપ્પો કાબરી !’ કરીને પોતાની આંતરિક ગભરામણ વ્યક્ત કરી રહ્યો.

બૂંગણની આ બાજુએ સંતુની તંગ મુખરેખાઓમાંથી વ્યક્ત થતી મૂંગી વેદના જોઈને હરખનું હૈયું હાથ ન રહ્યું; એ રડી પડી.

ક્યારની અદ્ધર શ્વાસે સંતુની શુશ્રૂષા કરી રહેલી વખતીએ મોઢિયા દીવાની વાટ ચડાવીને ગમાણમાં વધારે ઉજાસ રેલાવ્યો, અને ચિંતાતુર નજરે સંતુ તરફ તાકી રહી.

રડતી હરખે પૂછ્યું : ‘સંતુને સુવાણ્ય થાશે કે નહિ ?’

વખતીએ એ જ જૂનો ઉત્તર ફરી વાર આપ્યો : ‘મારો વાલોજી લાજ રાખશે.’

અને વખતીનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો ખડકી બહાર ક્યારનો ઘૂંફરીઓ ખાઈ રહેલો ડાઘિયો ડોક ઊંચી કરીને તીણા ને તરડાયેલા અવાજે રોવા લાગ્યો.

‘મરે, મરે પીટડિયો ! આંગણામાંથી ખહતો જ નથી, ને ઊભો ઊભો રૂવે છે રોયો !’ કહીને ઉજમ ચિંતાગ્રસ્ત ચહેરે કૂતરાને દૂર હાંકવા બહાર ગઈ.

ફળિયામાં ઊભેલા હાદા પટેલે કહ્યું : ‘ડાઘિયા ઉપર શું કામે ​દાઝ કાઢો છો ? મૂગાં જીવ કાંઈ સમજે છે કે અટાણે ન રોવાય ?’

પણ ઊજમે એ શબ્દો ગણકાર્યા નહિ. એણે તો બડીકો લઈને ડેલી બહાર ડાઘિયાને મારવા માંડ્યો.

‘ખસ આંહીથી, મૂવા રોતલ ! અમારા જ રોટલા ખાઈને અમારા જ આંગણામાં રોવા બેહસ ? ખબરદાર હવે ફરી દાણ રોયો છો તો !’

જોરદાર બડીકાં ખાઈને કાંઉ કાંઉ કરતો જરા દૂર ગયેલો ડાઘિયો, ઉજમે ખડકી વાસી કે તુરત વધારે તીણા ને ભયાનક તરડાયેલા અવાજે રોઈ ઊઠ્યો.

ઊજમ ગમાણમાં પ્રવેશી ત્યારે હરખ હીબકે હીબકે રોતી હતી; વખતીના હાથમાં નવજાત શિશુ હતું.

કઠણ કાળજાની વખતી પણ ગદ્‌ગદ્ અવાજે બોલી રહી :

‘હાદા ઠુમરનાં કરમ અટાણે વાંકાં....... છોકરું મરેલું આવ્યું પણ મા બચી ગઈ એટલાં નસીબદાર ગણો—’

બહાર મોકળે સાદે રડી રહેલા ડાઘિયાને રોતો અટકાવવાના હવે કોઈને હોશ ન રહ્યા.

*