લીલુડી ધરતી - ૨/મેલડીનો કોપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેલડીનો કોપ

શ્રાવણનો એ છેલ્લો સોમવાર નથુકાકા માટે ખતરનાક નીવડ્યો. પોતે કીડિયારું પૂરવા ગયેલા અને કેટલાક ડોસાડગરાઓ સાથે ગામેગપાટે ચડી ગયેલા. પોતે સોમવાર કર્યો હોવાથી સાંજના વાળુની તો ચિંતા જ નહોતી, તેથી મોડામોડા ઘેર આવ્યા ત્યારે ઊંબરામાં પગ મૂકતાં જ અજવાળીકાકીએ એમને પોંખવા માંડ્યા :

‘તમતમારે ફુલેકે ફર્યા કરો ! વાંહેથી ઘરવાળાંવના મર ઘડાલાડવા થઈ જાય.’

પતિએ ડઘાઈ જઈને પૂછગાછ કરવા માંડી, પણ એમ સહેલાઇથી ઘટસ્ફોટ કરી નાખે તો તો એ અજવાળીકાકી શાનાં ?

‘તમતમારે કીડિયારાં પૂરીપૂરીને આવતા ભવનાં પુન્ય બાંધ્યા. કરો; વાંહેથી ઘરનાં માણહનો મર બોરકુટ્ટો થઈ જાય—’

‘પણ શું છે ?’

‘તમારે શું ? તમે તો મોટે પાઘડે ગામમાં પહોળા થઈને ફર્યા કરો. વાંહે ઓલ્યા વેરી હંધાય મર ઘરની વાતું વાવલ્યા કરે—’

‘કોણ છે ઈ વેરી ?’ પતિએ ક્રુદ્ધ અવાજે પૂછ્યું, ‘કોણ છે ઈ વાતુનાં વાવલનારાં ?’

પણ અજવાળીકાકી એમ ઝટ દેતાંકને નામ ભણી દઈને આ કુથલીકાપડમાં રહેલું જિજ્ઞાસાનું તત્ત્વ સાવ એળે જવા દે એમ નહોતાં. આ નાટકમાં અત્યાર સુધી તેઓ પતિ સમક્ષ માત્ર વાચિક અભિનય જ કરી રહ્યાં હતાં; એમાં હવે મજાનો નરવે સાદે ઠૂઠવો ​ મેલીને આંગિક અભિનય પણ ઉમેર્યો,

‘હાય રે હાય ! મારે માથે દેહોદ જેવો ધણી બેઠો છે, તો ય હું તો સાવ નધણિયાતી જેવી... ગામની કણબણ્ય ઊઠીને મને ઢીંકા મારી જાય, ને મારી દીકરીની એબ ઉઘાડી પાડી જાય...’

‘કોણ છે ઈ કણબણ્ય !’ પતિએ હવે પડકાર કર્યો. ‘નામ પાડો ઈ ભેગી એની ઓખાત ખાટી કરી નાખું—’

‘અરરર ! મારી લાખ રૂપિયાની આબરૂને ફૂટી કોડીની કરી નાખી ! ઘેરોએક માણહની વચ્ચે મારી ગગીનો ઢેઢફજેતો કરાવ્યો ! હાય રે હાય ! આ માથાના મોડ જેવો ધણી બેઠો હોય તો ય શું ? ને ન બેઠો હોય તો ય શું ? હું તો છતે ધણીએ—’

‘હવે હાંઉ કરશો ? ઈ ચોવટ કરવાનું ચોખુંફૂલ નામ પાડો એટલે એને ખબર્ય પાડી દઉં કે કેટલી વીસે સો થાય છે—’

પણ અજવાળીકાકીએ તો કોઈનું ચોખુફૂલું નામ પાડવાને બદલે પતિને પાનો ચડાવવા શીખવચનો ઉચ્ચારવાં જ ચાલુ રાખ્યાં :

‘ઈ જોરાર્યની જીભમાં કીડા પડે ! મારી ગાયના દાંત જેવી રાંકડી જડીને બેજીવસુ કહી ગઈ રાંડ કવાડજીભી ! કહી ગઈ તો કહી ગઈ પણ સો માણહ સાંભળે એમ કહી ગઈ !’

‘ઈ નુઘરીનું નામ પાડો ઈ ભેગી એને ભોંય ભારે પાડી દઉં—’

‘તમે તો ઠાલા મોફતના પડાકા શું કામ મારો છો ? એટલો કડપ હોત તો તો દેન હતી ઈ ડાકણની કે મારી દીકરીને નીચાજોણું કરાવી જાય ?’

‘તમે કિયો ઈ ભગવાનના સમ ખાઈને કહું છું... .ઈનું નામ પાડો એ ભેગી જ—’

‘હાય રે ! મારી ગવતરી જેવી જડીને માથે જીવતરનું કે’ણું કરતી ગઈ રાંડ કભારજા આ... !’

‘કોણ હતી ઈ કાળમુખી ?’

‘ઓલી સંતુડીની મા ! બીજી કોણ છે નવરી ?’ ​ ‘સંતુડીની મા ?... હરખી ?’

‘હા, હા, ઈ ટીહલા વાગડિયાની હરખી... સો માણહની વચાળે એણે મારી દીકરીને માથે આળ ચડાવ્યું રાંડ નભાઈએ !’

સાંભળીને નથુકાકા કશાક ભેદી વિચારમાં પડી ગયા. અજવાળીકાકીની વાગ્ધારા ચાલુ રહી :

‘ઈ પોતાની જ છોકરી સામે નજર કરતી નથી ને આપણી જડીને શું જોઈને વગોવતી હશે, રાંડ વંતરી ?’

હરખ વિશે પોતે સૂઝી એટલી બધી જ ગાળો ખલાસ કરી નાખી છતાં પતિનું મૌન ન તૂટ્યું તેથી પત્નીએ સુચન કર્યું :

‘ઈ વાલામૂઈએ આપણી જડી ભેગું સામત આયરનું નામ લીધું છે, તો તમે ઈની સંતુડી હાર્યે શાદૂળભાનું નામ જોડી દેખાડો તો ખરા કઉં... ઈ હરખીને ય ખબર્ય પડે કે જડ્યા’તા સોની માજન માથાના—’

નથુકાકા આ સૂચન પર વિચાર કરતા રહ્યા અને અજવાળીકાકી એમને ઉબેળતાં રહ્યાં :

‘સાધો જીવા ખવાહને... મેલો શાદૂળભાનું નામ વે’તું... એક કાનેથી બીજે કાને... રાજકોટની જેલમાં બેઠો શાદૂળિયો જબાપ આપવા ક્યાં આવવાનો છે ? કરો ગામ તેડું... બરકો મુખીને... ને કરો નિયા...’

લાંબી વિચારણા પછી નથુકાકા બોલ્યા : ‘પણ આની કાંઈ સાઈદી–સાબિતી—’

‘સાઈદી-સાબિતી કાંઈ છે નહિ એટલે તો આ કામ કરવા જેવું છે...’ પત્નીએ સમજાવ્યું. ‘તમતમારે જીવા ખવાહના કાનમાં ફૂંક મારોની ?... એક કાનેથી બીજે કાને... જાય બિલાડી મોભામોભ !... ભવાનદાને ભંભેરો એટલે હાંઉં... ચોરાની ઓશરીએ પંચ બેહાડે... ને પંચની હાજરીમાં સંતુડીનો જબાપ માગે... જબાપ શું આપશે ચૂલા માંયલી રાખ ?... મુખીને કહીને ઠુંમરના ખોરડાને નાતબાર્યું ​ નહિ પણ ગામબાર્યું કરાવી દિયો... ઈ જ લાગની છે ઈ હરખી ! ઈને ય ખબર્ય પડશે કે અજવાળીકાકી હાર્યે બથ ભીડવી કાંઈ બચ્ચાંના ખેલ નથી—’

આમ, નથુકાકા પત્નીની ચડામણથી ઘાએ ચડેલા હતા. જીવો જેલમાંથી છૂટીને આવ્યો એ પછી ખીજડિયાળી વાડીએ મધરાત પછી આ સોની મહાજન અને જીવાનું મિલન નિયમિત થઈ ગયું હતું. દ્રવ્યોપાર્જનની સહિયારી પ્રવૃત્તિને પરિણામે બન્ને વચ્ચે ઘરોબો પણ કેળવાઈ ગયો હતો. આ દુકાળિયા વરસમાં વાડીના કૂવાનાં પાણી પાતાળે પહોંચ્યાં હતાં, એ આ કણબીઓ માટે એક આડકતરો આશીર્વાદ બની રહ્યો હતો. કેટલાક ખેડૂતોએ પોતપોતાની વાવ ઉલેચી, ગાળ કાઢ્યા, ગોબર-માંડણે ટોટા ફોડ્યા, પણ આ દરબારી વાડીની વાવ ઉલેચવાનો કોઈને ઉચાટ જ નહોતો. કેમકે, ભર્યા કૂવા કરતાં ખાલી કૂવો વધારે કમાણી કરાવતો હતો !

જીવો જેલમાંથી જ કસબ શીખી લાવેલો એ આ કૂવામાં અજમાવી રહ્યો હતો. ફૂવાને ખાલી તળિયે એણે સિક્કા બનાવવાનાં યંત્રો ગોઠવી દીધાં હતાં અને સમજુબા તથા નથુ સોનીની સહિયારી ભાગીદારીમાં અહીં મધરાત પછી પૂરજોશમાં ટંકશાળ ચાલતી હતી.

જીવો ખવાસ આ માલનો ઉત્પાદક હતો અને જેરામ મિસ્ત્રી એનો વિતરક હતો. જેરામે હવે મિસ્ત્રીકામ છોડીને નિત્યપ્રવાસીની કામગીરી શરૂ કરી હતી. નથુકાકાએ બનાવેલી હૂબહૂ સિક્કા જેવી જ ‘ડાઈ’માંથી ટપોટપ તૈયાર થતા કથીરના સિક્કાઓની ફાંટ બાંધીને એ દૂર દૂર દેશાવરમાં નીકળી પડતો. કોઈ વાર કોચીન–મલબાર જઈ પહોંચે તો કોઈ વાર છેક કલકત્તા સુધીની ખેપ કરી આવે. આસામની સરહદે અભણ આદિવાસીઓના પ્રદેશમાં પણ ઘૂમી આવે; ભટકુ જાતિઓમાં ય ભમે. અને મહિનો માસ રખડીને પાછો ગુંદાસરમાં આવે ત્યારે પેલી ફાંટના બદલામાં કડકડતી કરન્સી નોટોના થોકડાના થોકડા લેતો આવે. ગામમાં કોઈ પૂછે, તો કહે કે હું તો ​ વેરાવળના લાતીવાળાઓ માટે ઇમારતી લાકડું લેવા ગયો હતો. આ ઇમારતી લાકડાંને બહાને જ તો એ એક વાર બ્રહ્મદેશની ખેપ પણ કરી આવ્યો હતો.

સમજુબાને સાધીને સોની અને ખવાસે આવી સરસ ભાગીદારી થાપી હોય, એમાં જીવો નથુકાકાનો પડ્યો બોલ ઝીલે એમાં શી નવાઈ ?

રઘો સંતુની તરફેણમાં જોશીલી જુબાની આપી આવ્યો એ મધરાતે જીવો હતાશ થઈને બેઠો હતો; એમાં સોની મહાજને મુખીને કાને વાત નાખવાનું અને ગામપંચ બોલાવવાનું સૂચન કરીને એક નવું આશાકિરણ આપ્યું.

સમજુબાને કાને વહેણ નાખું એમ હજી તો જીવો વિચારતો રહ્યો, ત્યાં તો એને ત્રણ તાળીના સાંકેતિક ટપાકા સાંભળ્યા ને એ ચમકી ઊઠ્યો.

‘ઠકરાણાં આવ્યાં લાગે છે !’ કહીને એ સફાળો ઊભો થયો.

‘સબર્ય આવે કથોળે ટાણે ?’ નથુકાકાએ પૂછ્યું.

‘કાંઈક કામ પડ્યું હશે.’ કહીને જીવો કૂવામાં માંડેલી નિસરણીનાં પગથિયાં ચપચપ ચડીને કાંઠે આવ્યો.

નથુકાકાના પેટમાં ધ્રાસકો પડી ગયો. ઠકરાણાં જેવાં ઠકરાણાં ઊઠીને આમ કાળી રાતે કૂવાને કાંઠે આવી ઊભે એમાં જરૂર કાંઈક ભેદ હોવો જોઈએ. છૂપી પોલિસ તપાસ કરવા આવી હશે ? મુંબઈની સી.આઈ.ડી. આવી હશે ? દિલ્હી સરકારની પોલિસ પગેરું કાઢતી હશે ? સમજુબાને ગંધ આવી ગઈ હશે, ને અમને સહુને સાબદારવા અટાણે આવ્યાં હશે ?

જીવો પણ મનમાં તરેહતરેહના તર્ક કરતો કાંઠે આવ્યો ત્યાં સામે અંધકારમાં ઘોડા ઉપર બેઠેલી વ્યક્તિને જોઈને એક ક્ષણ વાર તો એ થડકી ગયો.

‘બી ગ્યો, એલા ?’ અસવારે પૂછ્યું. ​ ‘ના રે ! બાએ તણ્ય તાળી દીધી પછી શેનો બી જાઉં ?’ જીવો બોલવા ખાતર બોલી તો ગયો, પણ અશ્વારૂઢ થયેલાં ઠકરાણાંનો નખશિખ પુરુષવેશ જોઈને એ હેબત તો ખાઈ જ ગયો હતો. આ ગુપ્ત મુલાકાત માટે સૂંડલે ભરાય એવડા અંબોડાને સમજુબાએ ફેંટામાં છુપાવ્યો હતો અને મોઢાનો અણસાર કોઈ ઓળખી ન જાય એ માટે બોકાની બાંધી હતી.

‘અટાણે અહૂરું કાંઈ કામ પડ્યું બા ?’ જીવાએ પૂછ્યું.

‘તને બરકવા આવી છું.’

‘હજી સુવાણ્ય નથી થઈ ?’

‘થઈ ગઈ. સંચોડી કાયમની સુવાણ્ય થઈ ગઈ.’

‘હેં ?’

‘હા. બીજો ઝોબો પાછો વળ્યો જ નહિ, ને આંખ્યના ડોળા ઠરડાઈ ગ્યા.’

‘અરે રામ રામ રામ !...’

‘રામ રામ પછેં કરજે. અટાણે તો ઝટ ડેલીએ હાલ્ય—’

‘તમે વે’તાં થાવ. હું વાંહોવાંહ પૂગ્યો જાણો—’

એક અક્ષર પણ વધારે બોલ્યા વિના સમજુબાએ જાતવંત ઘોડીને રાંગમાં લીધી.

જીવો અંધારામાં ઊભો ઊભો આ આધેડ ગરાસણીની અસવારીની છટા અહોભાવથી નિરખી રહ્યો.

ઠકરાણાંએ તેજીલી ઘોડીને એડી લગાવી અને ઘોડી તથા ઘોડેસવાર બંને અંધારામાં ઓગળી ગયાં.

અણધાર્યા સમાચારથી ઘડીભર સ્તબ્ધ બની ગયેલ જીવો દૂર દૂરથી સંભળાતા ઘોડીના ડાબલા સાંભળી રહ્યો.


* * *


સવાર પડતાં તો ગામનાં માણસોએ એક અચરજ અનુભવ્યું. ચાના ગારાડી ગણાતા બંધાણીઓ રામભરોંસેને આંગણે પહોંચ્યા ​ ત્યારે હૉટેલનાં બારણાં પર ખંભાતી ટીંગાતું જોયું.

‘કોઈ દિ’ નહિ તે આજે જ બંધ કેમ ?’

‘જીવોભાઈ ઊંઘે છે કે શું ?’

‘કે પછી ઉજાગરાની નીંદર ચડી ગઈ છે ?’

કશો ખુલાસો મળતો નહોતો અને બંધાણીઓની તલપ વધતી જતી હતી.

‘કરમના આગળિયાત, તી અંબાભવાનીનું ય ઉઠમણું થઈ ગ્યું ! નીકર રઘાબાપાની હૉટલમાંથી પ્યાલો પેટમાં ઢોળી લેત—’

‘એલા જીવો રાત્ય લઈને ભાગ્યો તો નથી ને ? તરતપાસ તો કરો કોઈ ?’

‘એના ઘરાક ભાગે કે જીવોભાઈ ભાગે ? ગામ આખામાં આટલી ઉઘરાણી પાથરીને બેઠેલો માણહ ભાગીને જાય ક્યાં ?’

‘એલા, કો’ક એને ઘરે જઈને ખબર્ય તો કાઢો ? બચાડો જીવ સાજોમાંદો હોય નહિ !’

ભૂધર મેરાઈના વલ્લભને આ સૂચન ગમી ગયું અને એ સીધો ગામને છેવાડે આવેલી જીવાની ખડકી તરફ ઊપડ્યો.

આજે અંબાભવાનીનું આંગણું ઉઘાડું હોત તો આ રામભરોંસેની આટલી ઓશિયાળ ભોગવવી ન પડત, એ મુદ્દા પર ચર્ચા ચાલી રહી.

‘રામભરોંસે નામ જ એવું બુંદિયાળ... એના ભરોંહા જ નહિ.’

‘હવે તો વલભા જેવો કોઈ જુવાનિયો ત્રીજી હૉટર નાખે તો ગામને નિરાંત થાય.’

થોડી વારમાં વલ્લભ પોતે જ શોકના સમાચાર લઈને આવી પહોંચ્યો.

‘આજ તો પંચાણભાભા ગુજરી ગ્યા... મધરાત્યના દેવ થઈ ગ્યા છે !’

‘અરરર ! જીવાને માથેથી છત્તર હાલ્યું ગ્યું.’ ​ થોડા લોકોએ જીવા પ્રત્યે દિલસોજી દાખવી તો કોઈએ એનું ટીખળ પણ કર્યું.

‘અરેરે ! બચાડાનો એકને એક બાપ હાલી નીકળ્યો ! જીવો સાવ ન-બાપો થઈ ગ્યો !’

‘એલા, બવ ચાવળો થા મા; જીવોભાઈ સાંભળી જાશે તો ઝાટકે દેશે.’

ઘડીભર તો આ લોકની ચાની તલપ પણ શમી ગઈ અને આ અણધાર્યા મૃત્યુની નુક્તેચિની જ ચાલી રહી.

‘પણ આ પંચાણભાભો સાવ એચિંતો જ કેમ કરતાં આંખ્ય વિંચી ગ્યો ? કાંઈ રોગબોગ કે મંદવાડ તો સાંભળ્યો નો'તો !’

‘ગઢપણ ઈ જ મોટો મંદવાડ; બીજું શું ? અમલની કાંકરી લેતાં લેતાં આંખ્ય વિંચાઈ ગઈ હશે.’

‘ભાર્યે કરી પંચાણભાભે તો ! આ દુકાળ વરહમાં જીવાભાઈ માથે દાડાપાણીના લાડવાનું ખરચ આવી પડ્યું.’

‘એલાવ, લાડવા જમવાનો લોભ હોય તો હાલો અટાણે આભડવા—’

હવે વલ્લભે કહ્યું: ‘આભડવા જવા જેવું રિયું જ નથી. ભાભો તો મધરાતના ઊકલી ગ્યા’તા, એટલે મળહકામાં જ મહાણે લઈ ગ્યા છ. અટાણે તો ટાઢી થાતી હશે.’

‘મળહકામાં મહાણે લઈ ગ્યા’તા ?’ એક સંશયાત્માએ સવાલ કર્યો. ‘પ્રાણપોકનો સાદ તો જરા ય સંભળાણો નો’તો. રામ બોલોનો કે કોઈના રોવાનો સાદ મુદ્દલ સંભળાણો જ નઈં ને !’

‘હવે આવાં ગલઢાં માવતર મરે એમાં વળી રોવા બેહાતું હશે ? પંચાણભાભો તો જીવાના હાથમાં સંઘરાઈને નસીબદાર થઈ ગ્યો, નસીબદાર !’

જોતજોતામાં તો રામભરોંસેના આંગણામાં ખાસ્સું ટોળું જામી ગયું. સૂરજ ઊંચો ચડતો ગયો તેમ તેમ ચાના બંધાણીઓની ​સંખ્યા વધતી ગઈ. આજે રામભરોંસે બંધ રખાવવા બદલ મધરાતે જ ગુજરવાનું પસંદ કરનાર પંચાણભાભા ઉપર રોષ ઠલવાઈ રહ્યો, મરનારના સદ્‌ગુણ-દુર્ગુણની સમીક્ષા થવા લાગી. ‘મુઈ ભેંસના મોટા ડોળા’ને ન્યાયે પંચાણભાભામાં અનેકાનેક મોટાઈઓનું આરોપણ થઈ રહ્યું.

‘ગમે એવો ગણો, પણ જિંદગી આખી દલ દઈને દરબારનાં ગોલાપાં કરી ગ્યો બચાડો.’

‘ને જીવાના હાથમાં સંઘરાઈ ગ્યો ઈ ય સારું થયું, નીકર પછી આ રઘાગોર જેવા ઢરડ્યા થાય’

જીવાએ મરહૂમ પિતાશ્રીની સ્મશાનયાત્રા જેવું કશું યોજેલું નહિ અને હવે પછી સદ્‌ગતની શોકસભા થવાની નહોતી તેથી ગામલોકો પંચાણભાભા પ્રત્યેની સાહજિક દિલસોજી આ રીતે દાખવી રહ્યાં હતાં.

ગુંદાસરના એકધારા જીવનક્રમમાં મોટામાં મોટી ને રોમાંચક ઘટના મૃત્યુની હતી. ગિધા લુવાણાના ભેદી અવસાને ગામના ઠંડાગાર વાતાવરણમાં થોડી ગરમી લાવી દીધી હતી. એ પછી ગોબરની હત્યાએ શાંત વાતાવરણને હચમચાવી મૂક્યું હતું. એ હત્યાકાંડના આંચકાઓ હજી તો પૂરેપૂરા શાંત પડે એ પહેલાં જ પંચાણભાભાએ ગુજરી જઈને પડ ગાજતું રાખ્યું હતું.

અત્યારે મૃતાત્માને નામે શરૂ થયેલી કરુણ પ્રશસ્તિઓ કોણ જાણે ક્યાંય સુધી ચાલુ રહેત, પણ ત્યાં તો બજારને નાકેથી ઘમ્મ ઘમ્મ કરતા ઘૂઘરા સંભળાયા, અને લોખંડી ચિપિયાના ફટાક ફટાક અવાજો આવ્યા.

‘આવ્યો ! ઘૂઘરિયાળો આવ્યો !’ કેટલાકોએ તે આગંતુકનું મોઢું પણ જોયા પહેલાં આગાહી કરી દીધી.

‘આવ્યો તો એને વધાવો ! વરહોવરહ કમંડળું ધરીને ઊભો જ છે !’ કોઈએ ટીકા કરી, ‘કમંડળું તળિયેથી કાણું છે કે શું તી ​કોઈ સાલ ભરાતું જ નથી ! ઘુઘરિયાળો એક ગામ માગે તે ય તણ્ય પવાલાં ને એકવી ગામ માગે તો ય તણ્ય જ પવાલાં રેતાં લાગે છે.’

‘અહાલ્લેક નિરંજન !’ કરતોક ને એક પડછંદકાય બાવો ટોળા સમક્ષ આવી ઊભો.

‘આ તો કાળકામાતાની ટૂકવાળો બાવો ! ગરનારની સાતમી ટૂંકેથી વરહમાં એક વાર ઊતરે છે ઈ જ.’

ઘણાખરા માણસો તો બાવાને ઓળખી ગયા. એનું કાયમી થાણું ગિરનાર ઉપર છેક સાતમી ટૂંકે કાળકામાતાના થાનક પર હતું; પણ વરસમાં એક વાર તો એ અચૂક આ ગામમાં માગવા આવતો જ. કમ્મરે, કાંડે, ઘૂંટણે, ગળામાં એમ ઠેકઠેકાણે એ પુષ્કળ ઘૂઘરા પહેરતો તેથી એ ઘૂઘરિયાળા બાવા તરીકે ઓળખાતો. વર્ષોના પરિચયને લીધે ઘણા ભાવુકો એને ‘બાપુ’ કહીને સંબોધતા. આ ‘બાપુ’ પાછા મેલડીના પણ ઉપાસક હોવાથી ઘણાખરા ગામલોકો એમના પ્રત્યે ભયપ્રીત જ દાખવતાં.

અત્યારે તો, ગિરનારની છેક સાતમી ટૂંકે વસનારા સાધકને લોકોએ એક જ પ્રશ્ન પૂછ્યો : ‘કાળકામાતાની ટૂંકે ક્યાંય મે’પાણી છે ?’

‘નહિ.’

‘વાદળાંબાદળાં ઘેરાય છે ખરાં ?’

‘નહિ ઘેરાય—’

‘કેમ ભલા ?'

'દુકાળ પડેગા !’ બાવાજીએ ચીપિયો પછાડીને કહ્યું.

‘દુકાળ તો પડેલો જ છે ને વળી ! એમાં હવે પડવાનું બાકી શું રિયું છ ? આ ભાદરવો ય કોરો જવા મંડ્યો, હવે તો આસુ મહિને કોસ જોડીએ તો છે !’

‘પણ મે’પાણી ન થવાનું કાંઈ કારણ ?’ કોઈએ પુછ્યું. ‘કાળકા મા કોપ્યાં છે ?’

‘કાળકા મા શું કોપશે ? તમારાં જ કરમ કોપ્યાં છે —’ ​‘અમારાં ? અમારાં કરમ ?’

‘તમારાં એટલે શાપરવાળાવનાં ! કયે ભામટે આખેઆખું ભારત વાંચ્યું ?’

‘એલા હા !’ હવે જ લોકોને યાદ આવ્યું. ‘ઉનાળામાં, ઓલ્યા ગાગરભટ્ટ મા’ભારતની કથા કરતા’તા. એણે જ આખેઆખી કથા વાંચી નાખી—’

‘હા, વાત તો સાચી. શાપરવાળાંએ ભટ્ટજીને બવબવ વાર્યા. કીધું કે થોડીક કથા બાકી રાખો; ભારત આખેઆખું વાંચીએ તો તો મેઘરાજા રૂઠી જાય. પણ ભટ્ટ કોઈનું કે’વું માન્યા જ નહિ—’

‘તો હવે જાવ ઈ ગાગરભટ્ટ પાંહે, ને કિયો એને કે ‘વરસાદ છોડી દે’, તેં બાંધ્યો હોય તો—’

‘ઈ તો દખણા બાંધીને દેશાવર ઊતરી ગયેલા ગાગરભટ્ટને ક્યાં ગોતવો ? હવે તો તમે જ કાંઈક ઉપાય કરો, બાપુ !’

‘હું શું કરું ? કરતી-કારવતી તો મારી હજાર હાથવાળી કાળકા મા છે.’

‘કાળકામા શું કિયે છે ?’

‘કિયે છ કે ઘર દીઠ સવા સવા પાલી ઘઉંનો ખીચડો રાંધી નાખો ને સાંતીને ઝારી નાખો—’

સાંભળતાં જ સહુના પેટમાં ધ્રાસકો પડી ગયો !

‘સવા સવા પાલી ઘઉં ?’ લોકો મનમાં જ વિચારી રહ્યાં. ‘આ દુકાળ વરહમાં ઘઉંનાં તો માવતર મોંઘા છે. એમાં વળી આ અધિક માસ જેવી માનતા કાળકા માતાએ ક્યાં ફરમાવી ?’

કોઈએ આમાંથી ઓછેઅધકે કડદા જેવું કરવા સૂચવ્યું :

‘કાળકા મા કાંઈ ઓછેથી રીઝે ખરાં ? સવા પાલીને સાટે સવા પવાલું ઘઉં—’

‘અરે કાળકામાને શું હાટડીદાર સમજી ગયા છો ?’ બાવાએ ફરી વાર ચીપિયો પછાડીને ત્રાડ નાખી. ‘તમારા ઉપર તો મેલડી ​યે કોપી છે.’

‘મેલડી કોપી ? માર્યા !’ સાંભળનારાઓનાં પેટમાં ફાળ પડી.

‘અને ઈ મેલડીનું મોઢું ગુંદાહરની દક્ષ્યમાં છે.’ બાવાએ એક વધારે વિગત આપી.

‘તો તો આખા ગામ ઉપર ભો ?’

‘ના, આખા ગામ ઉપર નહિ. પૂછ ને મૂછ ઉપર ભાર—’

આખા ટોળામાં ભયભીત ગણગણાટ શરૂ થઈ ગયો : ‘પૂછ ને મૂછ ઉપર ભાર... પૂછ ને મૂછ ઉપર ભાર—’

ભાણા ખોજાએ કહ્યું : ‘એક મૂછ્ તો આજે સવારમાં જ ઊકલી ગઈ. પંચાણભાભા ઉપર તો ઘાત્ય આવી ય ગઈ—’

બાવાજીએ પૂછ્યું : ‘પંચાણભાભો મરી ગયો ?’

બાવાજી જરા વિચારમાં પડી ગયા. ફરી પૂછ્યું : ‘આજે જ મરી ગયો ?’

‘હજી તો તેની ચિતાની ટાઢી થાતી હશે.’

ફરી વિચાર કરીને બાવાજી ઓચર્યા : ‘પંચાણભાભો તો પંચકમાં મર્યો. હવે એકથી નહિ પતે. ‘પ’ નામવાળાં પાંચને મરવું પડશે. પૂછ ને મૂછ ઉપર ભાર છે; મારી મા મેલડી કોપી છે.’

‘૫’ નામધારી પાંચ માણસોએ આ પંચકમાં મરવું પડશે એવી આગાહીએ લોકોને વધારે ગભરાવ્યાં.

‘પાંચા પટેલનું હવે આવી બન્યું.’

‘ને પરમાણંદ ડોહો ય શું હવે જીવતો રેવાનો ?’

‘ને પરભો ભામણ હમણાં સાજોમાંદો રિયે છે, એણે ય પણ ચેતવા જેવું.’

‘ઓલી પૂંજી ઢેઢડી મરશે તો શેરીમાં સંજવારી કોણ કાઢશે ?’

પંચકમાં થનારાં પાંચ મૃત્યુનો ‘ક્વોટા’ નક્કી કરી આપ્યા ૫છી પણ મેલડીના કોપથી લોકો કમ્પી રહ્યાં. મૂછ પરના ભયમાંથી ​ધીમે ધીમે પૂંછડાં પરના ભયની ચર્ચા શરૂ થઈ.

‘આ દુકાળ વરહમાં ઢોર તો નીરણપૂળા વન્યા નહિ મરતું હોય તો ય મરશે જ ને ?’

‘આ જુસબાના એકાવાળો બળદ રઘાને શાપરનો પલ્લો કરાવી આવ્યા પછી પૂંહલી ગ્યો છ. પહેલવહેલો ઈ જ મરશે એમ લાગે છે.’

‘અરરર ! ઢોરઢાંખર મરી જાહે તો આવતી સાલ વરસાદ થાય તોય શું ?’

બપોર સુધીમાં તો ગામમાં તો ઘેરઘેર મેલડીના કોપની વાત પહોંચી ગઈ. મુછ ને પૂછ પરના આ ભયની વાત સાંભળીને લોકો એવાં તો ગભરાઈ ગયાં કે ભૂતેશ્વરની વાડીએ જઈ જઈને ઘુઘરિયાળા બાવાને આ કોપના સાંત્વનના માર્ગો સૂચવવાની વિનતી કરવા લાગ્યાં.

રોંઢા ટાણે જીવાને ઘરે પંચાણભાભાનો ખરખરો કરવા ગયેલા માણસોએ આ મેલડી માતાના કોપની વાત કહી.

આગલી રાતે નથુકાકાએ મુખીને ભંભેરીને ગામપંચ બોલાવવાનું ને સંતુનો ન્યાય કરવાનું જે સૂચન કર્યું હતું એનો અમલ શી રીતે કરવો એની ચિંતામાં જીવો ડૂબેલો હતો એને આ મેલડીના કોપના વર્ણને ચોખ્ખો દીવા જેવો રસ્તો દેખાડી દીધો.

‘ભૂતેશ્વર જઈને મારા બાપુના નામનો દીવો કરી આવું.’ કરતોકને એ ઊઠ્યો ને સીધો ઘુઘરિયાળા બાવા પાસે પહોંચ્યો.

*