લીલુડી ધરતી - ૨/સૂરજ ઊગતાં પહેલાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂરજ ઊગતાં પહેલાં

ઠૂંઠા માંડણને એક હાથમાં રાતુંચોળ બાળક લઈને ઊભેલો જોતાં અજવાળીકાકી તો આભાં જ બની ગયાં.

આ શું ? આ સપનું હશે કે સાચું ? આ બચોળિયાને તો હું સગે હાથે ઠેઠ હાથિયે પાણે મૂકી આવી હતી, એ પાછું કેમ કરીને આવ્યું ? ને આ માંડણિયો મળસ્કા ટાણે ક્યાંથી ફૂટી નીકળ્યો ? ખડકી તો ખાલીખમ હતી; માંડણિયો તો ભૂતેશ્વરમાં ભજનમાં બેઠો હતો. એ ઓચિંતો અહીં ક્યાંથી આવી પૂગ્યો ?

‘લ્યો, કાકી ! લઈ લ્યો આ મૂંગા જીવને. ભગવાનને ઘીરેથી આવરદા લાંબી લખાવીને આવ્યો હશે, ઈ આપણે હાથે કેમ કરીને ટૂંકી થાય ?’

માંડણ બોલતો રહ્યો ને અજવાળીકાકી અચરજ અનુભવતાં રહ્યાં.

અંદર ઓરડામાંથી ઉત્સુકતાભર્યો અવાજ ઊઠ્યો : ‘મા !... મા !...’

‘હવે મૂંગી મરીશ ?’ કાકીએ પછવાડે મોઢું ફેરવીને ડારો દીધો. ‘મા વન્યા જાણે કે વહૂકી ગઈ’

અને તુરત માંડણ તરફ મોઢું ફેરવ્યું. હાથમાંના હરીકેન ફાનસની વાટ ઊંચી ચડાવીને બાળક તરફ નજર કરી.

તાજા જન્મેલા શિશુનું રેશમ જેવું સુંવાળું શરીર હાથિયા પાણાની રતુમડી માટી વડે ખરડાયેલું લાગતું હતું. અરે, પણ આ ​અચરજ કોને કહેવું ? આ તે કોઈ પરીકથાનો કિસ્સો છે કે સાચી ઘટના ?

‘આ ઘરમાં આનાં અન્નજળપાણી લખ્યાં લાગે છે. ઈ વન્યા, વગડામાંથી આ ઊંબરે પાછું શું કામે આવે ? લઈ લ્યો !’ માંડણ વીનવી રહ્યો.

‘મા ! લાવ્ય ઝટ, પાછું લાવ્ય ઝટ !’ અંદરથી જડીએ ઉત્સુકતાભેર આજીજી કરી.

આ વખતે પુત્રીને ધમકાવી કાઢવાની અજવાળીકાકીમાં હિંમત રહી નહોતી.

હરીકેનની વાટ હજી ય વધારે સતેજ કરીને એમણે બાળક તરફ જોયું. ટચૂકડા ટચૂકડા હાથ હવામાં ઉલાળીને જાણે કે માતાની વત્સલ ગોદ એ માગી રહ્યું હતું.

‘લ્યો, આ તો દીકરી, એટલે લખમીમાતાનો અવતાર ગણાય.’ માંડણ હજી વીનવતો હતો. ‘આને જાકારો ન દેવાય. આને તો જલમતાંવેંત જ નવો જલમ જડ્યો એમ ગણો !’

અજવાળીકાકી શિયાંવિયાં થઈ રહ્યાં. માંડમાંડ બોલી શક્યાં :

‘આ.... આ..... પાછી કેમ કરીને આવી ?’

‘ભગવાને જ મોકલી એમ ગણોની ! ડાઘિયો મોઢામાં ઘાલીને આપણી ખડકી લગણ લઈ આવ્યો. જિવાડવાવાળો તો ઉપર હજાર હાથવાળો બેઠો છે ને !’

‘સાચે જ આને ડાઘિયો લઈ આવ્યો ?’ અજવાળીકાકીને હજી ય મનમાં સંશય હતો.

‘આ જુવોની ડિલ ઉપર ડાઘિયાની દાઢું ઊઠી આવી છે ઈ ! બચાડે પોચે દાંતે ઉપાડી હશે, તો ય ઈ તો કૂતરાની દાઢું. રાતાંચોળ ચાંભાં ઊઠી આવ્યાં છે છોકરીને !’

‘મુવો ડાઘિયો ! ઠેઠ હાથિયા પાણા લગણ મારી વાંહે ને વાંહે... વાંહે ને વાંહે... જરા ય ખહે નઈં રોયો !’ ​‘ઈ તો એને ભગવાને જ મોકલ્યો હશે ને !’ માંડણે કહ્યું. ‘કાકી ! જી થાય ઈ સારા સારુ જ થાય, એમ ગણો. આ ગગીનું આયખું લાંબું લખાણું હશે. ઈ આપણે કેમ કરીને ટૂંકાવી હકીએ ?’

વળી અંદરથી અવાજ ઊઠ્યો

‘મા ! હવે તો મને એનું મોઢું જોવા દે!’

અને માતાના મગજની કમાન છટકી. વડછકું ભર્યું :

‘મોઢાં જોવાંની સગલી ! મૂંગી મર્યની ! લાજતી નથી ને માથેથી ગાજશ ?’

‘હવે ઠાલાં આકળાં થાવ મા, કાકી !’ માંડણ વીનવી રહ્યો. ‘આ ગભુડિયા ઉપર જરાક દિયા કરો ! ઉઘાડે દિલે ને કૂતરાંની દાઢ વચ્ચે બેહીને લાંબો પલ્લો કરી આવ્યું છ, તી એને માને થાનેલો મેલો. બે ઘૂંટડા પેટમાં જાહે તો ડિલમાં કાંટો આવશે—’

‘માંડણ, ગગા ! મારી જડીની લાજ હવે તારા હાથમાં છે—’

‘જડી તો મારી માની જણી બે’ને સમાણી—’

‘તો ઠીક, ગગા ! તારા સિવાય બીજા કોઈને વાતની જાણ્ય નથી ને ?’

‘એક આપણો ડાઘિયો જાણે છે—’

‘એનો વાંધો નહિ.’

’ને બીજો જાણે છે ઉપર બેઠો ઈ હજાર હાથવાળો—’

‘એની તો આ હંધીય લીલા છે.’ અજવાળીકાકીએ આખરે કબૂલ કર્યું.

‘તો ઠીક. ઈ ભગવાને જ આ ગગીને જીવતી રાખી એમ ગણોની ! નીકર ઈયાં કણે હાથિયે પાણે તો રોજ રાત્યે દીપડો મારણ કરીને ઘૂને પાણી પીવા આવે; જરખ ને નાર તો સેંથકનાં ૨ખડતાં હોય; એમાં આ મૂંગો જીવ હેમખેમ રૈ’ ગ્યો, ને જડીબે’નને ખોળે પાછો આવ્યો, ઈ ભગવાનનો પાડ માનોની !’

માંડણે અજવાળીકાકી માટે ભારે મુંઝવણ ઊભી કરી. આ ​બાળકીને હવે સ્વીકારવી કે નહિ ? ને સ્વીકારવી તો ક્યાં રાખવી? કેમ કરીને રાખવી ?

ઘરને છાને ખૂણે ગુસપુસ ચાલી. પતિપત્નીના મનમાં ગડમથલ ચાલી.

જડીના મનમાં, ઝટપટ પોતાની પુત્રીનું મોઢું જોવાની તાલાવેલી ચાલી.

અજવાળીકાકી મનમાં ને મનમાં પસ્તાઈ રહ્યાં. છોકરી ઠેઠ હાથિયે પાણે મેલી આવી, તો ભેગાભેગો એને ગળાટૂંપો કેમ દેતી ન આવી ? હા, ઘરમાંથી નીકળવા ટણે જડીએ રોતાંરગળતાં એક વચન માગ્યું હતું: મારી છોકરીને જ્યાં મેલો ત્યાં જીવતી મેલજો, એની હત્યા ન કરશો.

હાયરે ! મેં જડકીનું કે’વું માન્યું જ શું કામે ને ? બાળહત્યાના પાપથી હું આટલી બધી બી ગઈ ? રાજરજવાડામાં તો રોજ ઊઠીને દીકરીને દૂધ પીતી કરી નાખે, ને કોઈનું રૂંવાડું ય ન ફરકે. હું જ આવી ભડભાદર ઊઠીને આવડી નખ જેવડી છોકરીની ગળચી દાબતાં કેમ ગભરાઈ ગઈ ?

અરર ! આ તો હાથે કરીને ઘરમાં સાલ ઘાલ્યું. છાણે ચડાવીને વીંછી ઘરમાં ઘાલવા જેવું કરી બેઠી... મને શી ખબર કે મુવો ડાઘિયો મારાં પગલાંની ગંધ્યે ઠેઠ હાથિયા પાણા લગી મારો સગડ નહિ મેલે ? ઈ મુવો કૂતરો મારા જ ઘરના રોટલા ખાઈને ઉઝર્યો ને આજ મારી જ લાજ લેવા બેઠો !... જનાવર પણ કાંઈ ગંધીલાં, કાંઈ ગંધીલાં ! મોઢામાં ઘાલીને આ જીવનો લોચો મારે ઊંબરે પાછો આણ્યો... છોકરીનું આયખું જોર કરી ગ્યું ઈ વાત તો સાચી જ... નીકર ક્યાં હાથિયો પાણો, ને ક્યાં ડાઘિયો કૂતરો ! એ મૂંગો જીવ એને ઉગારવા ગ્યો, ઈ ય કિરતારની એક કરામત જ ગણવી ને !

ઉગારનારે આને ઉગારી, પણ હવે એને સંઘરવી કેમ કરીને ? ​મોંસૂઝણું થવાને હજી સારી વાર હતી, તેથી અંધકારનો લાભ લઈને અજવાળીકાકીએ પતિ અને માંડણ સાથે નિખાલસ ચર્ચાવિચારણા કરવા માંડી. બગબગું થઈ જાય એ પહેલાં ગમે તે પ્રકારે બાળકીનો નિકાલ લાવવા એમણે પેટછૂટી વાત કરી નાખી—

‘ઘરમાં તો કેમે ય કરીને સંઘરાય એમ નથી—’

‘પણ કાકી !’ માંડણે કહ્યું, ‘આ મૂંગા જીવ ઉપર જરાક તો દિયા કરો !—’

‘જિવાડનારે એને જિવાડી દીધી છે, તો હવે એની હત્યા નહિ કરું.’ કાકી કબૂલ થયાં. ‘પણ આ ઘરમાંથી એને ઝટ આઘી કરવી જ પડશે. સૂરજ ઊગ્યા પહેલાં જ આઘી કરવી પડશે—’

‘કેમ કરીને આઘી કરશો ?’ માંડેણે પૂછ્યું. ‘આ તો મૂંગા ૫હુ જેવું પરવશ—’

અને અજવાળીકાકી એકાએક અત્યંત ગદ્‌ગદ્‌ અને યાચક સ્વરે માંડણને વિનવી રહ્યાં :

‘માંડણ, ગગા ! મારી જડીની લાજ રાખ્ય, તો તારો પાડ ભવોભવ નહિ ભૂલું’

‘પણ હું આમાં શું કરું, કાકી ?’

'આ છોકરીને ક્યાંક આઘીપાછી કરી દે. સૂરજ ઊગ્યા મોર્ય ક્યાંક આઘીપાછી કરી દે—’

‘આ કાંઈ ઘઉં–બાજરાનું બાચકું થોડું છે કે ગાડામાં નીરણ પૂળાની હેઠળ સંતાડીને આઘુંપાછું કરી દેવાય ? આ તો જીવતો જીવ...’

‘માડી ! આ સંસારમાં રૈને હંધું ય કરવું પડે... કહુલે કરવું પડે... દુનિયાના વે’વાર તું જાણશ ? આબરૂને આછે ઢાંકણે જીવવાનું... મારી પારેવડી જેવી જડીને અટાણે જીભ કચડીને મરવાનું ટાણું... એનું જીવતર આખું રોળાઈ જાય... પોર સાલ તો લગન લેવાનાં... વાને કાને ય વાત જાય તો મારી ગગીને કપાળે કાળી ટીલી ​ચડે—’

‘કાળી ટીલી નહિ ચડવા દઉં, કાકી !’ માંડણે એકાએક નિર્ણય બદલી નાખ્યો અને સધિયારો આપ્યો :

‘વાને કાને ય વાત નહિ જાય, તમતમારે બેફિકર રિયો, કાકી ! જડકીબેનના જીવતર ઉપર ડાઘ નહિં લાગવા દઉં.—’

‘કેવી રીતે ?’

‘તમે જ અબઘડીએ કીધું ને, એવી રીતે, આ છોકરીને ગામમાંથી આઘી લઈ જાઉં છું.’

‘ક્યાં લઈ જઈશ ?’

‘એની તમારે શું ચંત્યા ? હું એને એવે ઠેકાણે રાખીશ, કે કોઈને કાંઈ ગંધ્ય જ ન જાય—’

‘સાચે જ, ગગા ?’

‘હા, આ ફૂલને હું જતન કરીને જાળવીશ, ને ઉઝેરીશ.’

‘પણ માડી ! તું ઘરબાર, ગામ—’

‘હંધું ય મેલીને જાઉં છું—’

‘ક્યાં કણે ?’

‘જ્યાં આ ફૂલનાં નસીબ જોર કરીને દોરી જાશે ઈયાં કણે—’

‘ગગા માંડણ ! અટાણે તારા જેવો ભલો તો અમારે મને ભગવાને ય નહિ. તારો તો જેટઓ ગણ માનીએ એટલો ઓછો, અજવાળીકાકીએ વિવેક કરીને ઉમેર્યું, ‘પણ માડી ! તું પંડ્યે રિયો દખિયો જીવ, તારું જીવતર બળ્યુંઝળ્યું એમાં તું આ પારકી પળોજણ વો’રીને વધારે દખ કાં વોર્ય, મારા વીર ?’

‘આ દખ નથી વોર’તો, કાકી ! તમારી વાત સાચી કે હું દખિયો જીવ છું ને મારું જીવતર બળેલુંઝળેલું છે. મેં મારે હાથે સગા પિતરાઈને માર્યો છે; મારે પાપે મારી બાયડી બળી મરી છે, આ હંધાં ય કરતૂક મને માલીપાથી કરકોલી ખાય છે. હવે મનમાં થાય છે કે હત્યા તો બવ કરી, પણ હવે આવા એકાદ ફૂલને મરતું ​ઉગારું તો મારા મનનો ભાર હળવો થાય...’

નથુસોની અને અજવાળીકાકી મૂંગાં મૂગાં માંડણનું આ મનોગત સાંભળી રહ્યા. આજે આ પડોશી એમને સાવ જ જુદો લાગ્યો – અપરિચિત લાગ્યો. માંડણનું આ સ્વરૂપ એમનાથી સાવ અજાણ્યું જ હતું.

અજવાળીકાકીએ પૂછ્યું: ‘આ મૂંગા જીવને લઈને ક્યાં જાઈશ ?’

‘ક્યાંક પરમલકમાં ઊતરી જાઈશ, આઘે આઘે ક્યાંક હાલ્યો જાઈશ, જ્યાં કાળું કૂતરું ય મને ઓળખશે નહિ.’ માંડણે પોતાનું અંતર વાંચવા માંડ્યું. આમે ય હવે આ ગામમાં મને સોરવતું નથી, ધરતી ખાવા ધાય છે. ગોબરનું ગામતરું થ્યા કેડે મને ક્યાંય ચેન નથી પડતું, સાચું માનશો ? જેલમાંથી આવ્યા કેડ્યે મને ક્યાંય જંપવારો જડતો નથી. રાત્યની રાત્ય અજંપામાં કાઢું છું. ભજન મંડળીમાં જઈને બેસું છું, પણ જીવને શાતા નથી વળતી. મારી આંખ્ય સામે મોતની ભૂતાવળ જ ભમ્યા કરે છે. જીવતાજાગતાં ને હાલતાં ચાલતાં માણસનાં મોઢાં ઉપર પણ મને મોત કળાય છે. અટાણે આ નવા જીવનું મોઢું જોઈને મને જંદગાની દેખાણી છે. એને જીવતું રાખવા દિયો, તો ઈ મસે હું ય જીવી શકીશ. અટાણે તો હું આ બચોળિયાને જિવાડવા જાઉં છું. પણ કોને ખબર છે, કે કદાચ આ બચોળિયું જ મને જિવાડશે ? આ દુનિયામાં જીવને ઓથે જીવ જીવે છે––’

છાને ખૂણે ચાલતી ગુસપુસ શમી ગઈ.

ગડમથલ મટી ગઈ.

નવજાત શિશુના ભાવિ અંગે આખરી ફેંસલો થઈ ગયો.

સૂરજ ઊગતાં પહેલાં માંડણ આ બાળકીને બગલમાં વીંટીને ગુંદાસરની સીમ છોડી ગયો.