લોકમાન્ય વાર્તાઓ/કાકવંધ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાકવંધ્યા

ઝલક, ઝમક ને ઝળહળાટ વડે વાતાવરણ ઝાકમઝોળ હતું. એરકન્ડિશન્ડ ઑડિટોરિયમનું વિશાળ પ્રાંગણ પ્રેક્ષકોથી ચિકાર ભરાઈ ગયું હતું. નિયોં લાઇટની ઉજમાળી રોશનીમાં પચરંગી શહેરના પ્રેક્ષકગણે વિવિધરંગી વસ્ત્રોનો જાણે રંગમેળો રચી દીધો હતો. સાડી, સ્કર્ટ, સલવાર અને સ્લેકસ સુધીનાં એ વિવિધ શૈલીનાં વસ્ત્રપરિધાનમાંથી એટલી જ વૈવિધ્યભરી સુવાસો ઊડતી હતી. અર્કો અને અત્તરો…સેન્ટ અને સ્નોક્રીમ…યાર્ડલી અને કેટ્ટી… મોના લિઝા અને ઇવિનિંગ ઇન પેરિસ…વિવિધ મહેક વડે માદક ને મત્ત બનેલા વાતાવરણમાંથી પાગલ હવાનું ગાન ગુંજતું હતું. અલબત્ત, એ ગાનમાં સ્વર કે શ્રુતિની સંવાદિતા નહોતી, બલકે કલબલાટ ને કોલાહલ હતો. પણ એ કલશોરમાં જ એક પ્રકારનું કાવ્ય હતું ને! દરવાજા નજીક ઊભીને આતુર નયને નૈષધની રાહ જોઈ રહેલી વાસવી પણ આ કોલાહલના કાવ્યનું પાન કરી રહી હતી. એની નજર અત્યારે પ્રેક્ષકોની ફેશનપરેડ ઉપર નહોતી. એની એક આંખ કાંડાઘડિયાળના કાંટા ઉપર મંડાઈ હતી, બીજી આંખે એ ફૂટપાથ પર આવી ઊભતી મોટરગાડીઓને અવલોકી રહી હતી. કોઈ ટુ-સીટરમાંથી નૈષધ ઊતરે છે? પિકચર શરૂ થવાનો સમય ભરાતો ગયો તેમ તેમ થિયેટરના પ્રવેશદ્વાર પર થોભતી ગાડીઓની સંખ્યા પણ વધતી ગઈ. કિસમ કિસમની ગાડીઓમાંથી કિસમ કિસમના પ્રેક્ષકો ઊતરતા હતા. બાળકો ને વૃદ્ધો, યૌવનાઓ ને પ્રૌઢાઓ, નવોઢાઓ ને ત્યકતાઓ…બે-અઢી કલાક માટે જ એકત્રિત થયેલા પંખીના મેળા જેવા આ માનવસમુદાયમાં અભિનેત્રીઓ હતી, અભિસારિકાઓ હતી, એકાકિનીઓ હતી, વાસવી સમી વાસકસજજાઓ પણ હતી. અસાધારણ સભાનસણે વાસવીએ સજેલા વસ્ત્રાભૂષણ પરથી સ્ત્રીહૃદયના કોઈ જાણભેદુ સહેજે કલ્પી શકે – અને એ કલ્પના સાવ સાચી પણ પડે – કે વાસવી પોતાના પ્રિય પાત્રની પ્રતીક્ષા કરી રહી હતી. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો તેમ તેમ પ્રતીક્ષા કરતી આ પ્રેયસીની ધીરજ ખૂટતી જતી હતી. વાસવીને વધારે અકળામણ તો એ કારણે થતી હતી કે પોતે જ્યારે રસ્તા પરથી પસાર થતી ગાડીઓ તરફ તાકી રહી હતી ત્યારે આજુબાજુ ઊભેલા કુતૂહલપ્રિય પ્રેક્ષકો વાસવી ભણી તાકી રહ્યા હતા. કૉલેજકાળમાં ‘મિસ મેડિકો’નું બિરુદ મેળવી ચૂકેલી આ રૂપસુંદરી આમેય આકર્ષક તો હતી જ, પણ અત્યારે ખૂણામાં એકલીઅટૂલી, એક હાથમાં અદ્યતન પર્સ અને બીજા હાથમાં મોંઘોદાટ ફર-કોટ લઈને ઊભેલી વાસકસજ્જા વધારે ધ્યાન ખેંચી રહી હતી. પિકચર શરૂ થાય છે એ સૂચવતી ઘંટડી વાગી ત્યારે તો વધારાની ટિકિટ કૅન્સલ કરાવવી છે કે કેમ એવો પ્રશ્ન પણ બેચાર પ્રેક્ષકો પૂછી ગયા અને એ સહુને વાસવીએ રોષભરી ના સંભળાવી દીધા પછી નૈષધ ઉપર જ મનમાં ને મનમાં રોષ ઠાલવી રહી: ‘આજે શનિવારે કિલનિકમાં હાફ-ડે હોય છે છતાં નૈષધ ટાઇમ જાળવી શકતો નથી. કોણ જાણે શું કરતો હશે?…’ પણ બીજી જ ક્ષણે એનો રોષ ઊતરી ગયો. વિલંબનું વાજબીપણું પોતે જ શોધી કાઢ્યું, ‘કદાચ છેલ્લી ઘડીએ કોઈ કોમ્પ્લિકેટેડ કેઇસ આવી પડ્યો હશે…ગાઇનેકોલોજિસ્ટનું ભલું પૂછવું, કઈ ઘડીએ રોકાઈ રહેવું પડે એ કેમ કહી શકાય?’ ઘંટડી વાગતાં સાથે જ પ્રેક્ષકો ઑડિટોરિયમમાં દાખલ થઈ ગયા, તેથી પ્રાંગણ સાવ ખાલી ખાલી લાગવા માંડ્યું. હવે તો નૈષધની રાહ જોઈજોઈને વાસવીને કંટાળો આવવા લાગ્યો. પિકચરમાં આવવાને બદલે બીજો કોઈ કાર્યક્રમ ગોઠવ્યો હોત તો વધારે સારું થાત એમ પણ વિચારી રહી. કોને ખબર છે, આ ચિત્ર કેવુંક નીકળશે! અરે, નામ પણ કેવું વિચિત્ર ને જડબાતોડ છે! – યુકીવારીસૂ. પ્રાંગણની દીવાલ પર ચાલુ ચિત્રનાં કેટલાંક ‘સ્ટિલ’ અને બીજું સાહિત્ય ટાંગવામાં આવેલું. નૈષધ આવી પહોંચે ત્યાં સુધીનો સમય પસાર કરવાના ઇરાદાથી વાસવી એ તસવીરો તરફ વળી. વાંચ્યું ત્યારે ખબર પડી કે જાપાની ભાષામાં ‘યુકીવારીસૂ’નો અર્થ ‘બરફનું પડ ભેદીને ઊગી નીકળેલું ફૂલ’ એવો થાય છે. યુકીવારીસૂ એટલે હિમપુષ્પ…વાહ!…તસવીરો જોઈ તો એમાં રોકડાં ત્રણ જ પાત્રો દેખાતાં હતાં, બાળક, માતા અને પિતા. વાસવી અનિમિષ નયને એ નમણા જાપાની બાળકના નિર્દોષ ચહેરામહોરા તરફ તાકી રહી હતી, ત્યાં જ દૂરથી મોટરનું પરિચિત ભૂંગળું સંભળાયું. જોયું તો સામેના રસ્તા ઉપર નૈષધ પોતે જ ‘ફીઆટ’ને પાર્ક કરી રહ્યો હતો. ‘ઓહ! આઈ એમ સોરી ફોર બીઇંગ લેઇટ!’ શ્વાસભેર આવી પહોંચતાં નૈષધે મોડા થયા બદલ માફી માગી. ‘પણ ક્યાં હતો અત્યાર સુધી?’ ‘ઓપરેશન થિયેટરમાં હતો, બીજે ક્યાં?’ નૈષધે કહ્યું: ‘સિઝેરિયન ઓપરેશન આવી પડેલું. પાકા ચાર કલાક લાગ્યા. અને પછી તારે માટે કેશ્યુ નટ્સ લેવા ફાઉન્ટન તરફ ફરીને આવ્યો એમાં વધારે મોડું થયું.’ ઓપરેશનની વાત સાંભળીને વાસવીના ઝલકભર્યા મુખારવિંદ પરથી નૂર ઊડી ગયું. ગભરાઈનેપૂછ્યું: ‘સિઝેરિયન ઓપરેશન?’ ‘હા. બરોબર તારા જેવું જ…મિરેક્યુસલ!’ નૈષધ શસ્ત્રક્રિયાની સફળતા બદલ ગર્વભેર બોલતો: ‘આ કેઇસ તો મારે ‘લેન્સેટ’માં રિપોર્ટ કરવો પડશે…’ ‘બાળક બચી ગયું?’ વાસવીએ ચિંતાતુર અવાજે પૂછ્યું. ‘બાળક ને માતા બેયને બચાવી લીધાં છે! મેં કહ્યું નહીં, તારા જેવો જ કેઇસ હતો – એકઝેક્ટલી પેરેલલ!’ અંદર પ્રવેશતાં નૈષધે ઉમેર્યું: ‘આ કેઇસમાં પણ હવે માતાને ફરી વાર બાળક નહીં થઈ શકે. તારી જેમ જ ઓપરેશન કરી નાખવું પડશે.’ પરદા પર મજાનું ન્યૂઝરીલ ચાલતું હતું. કોઈ પ્રધાન કશાકનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા. પણ પ્રધાનની વરવી શિકલ જોવામાં વાસવીને જરાય રસ નહોતો. એનું મન તો આ થિયેટરમાંથી ઊડીને નૈષધના ઓપરેશન થિયેટરમાં જઈ બેઠું હતું. સિઝેરિયન ઓપરેશન અને પછી કદી પણ ગર્ભાધાન ન થઈ શકે એવી શસ્ત્રક્રિયા…નૈષધે બેત્રણ વાર ઔપચારિક ઢબે પૂછ્યું: ‘તબિયત કેમ છે?’ પણ અન્યમનસ્ક વાસવીએ એ પ્રશ્નો સાંભળ્યા જ નહીં. નૈષધ વિચારમાં પડી ગયો. મુખ્ય ચિત્ર શરૂ થતાં વાસવીએ પરદા પર જિજ્ઞાસાભરી નજર નોંધી. બહારગામ ગયેલા પતિના આગમનની રહા જોતી એક નવોઢા ઘરમાં સાજસજાવટ કરે છે. નાનાંમોટાં હરેક રાચ સાથે પોતાના નવપ્રણયની મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. આજે આવી પહોંચનાર પતિને પોંખવા એ પ્રોષિતભર્તૃકા થનગની રહી છે. દંપતીએ સાથે જઈને ખરીદેલું મનગમતું ઘડિયાળ હવે મિલનને કેટલી વાર છે એ સમય બતાવે છે. પોતાના હૈયાના દીવડાના પ્રતીક સમી દીપકો ઘરમાં ઠેર ઠેર પેટાવીને ઉજમાળે ગૃહાંગણે એ પ્રતીક્ષા કરી રહી છે. નૈષધે નિમય મુજબ વાસવી સમક્ષ કાજુ ધર્યાં પણ વાસવીએ એમાંથી એક પણ કાજુ ઉપાડ્યો નહીં. …આખરે એ ઉજમાળા ઘરને બારણે ટકોરા પડ્યા. પત્નીએ ઊછળતે હૈયે બારણું ઉઘાડ્યું તો પતિને બદલે એક છોકરો ઊભો હતો. એના હાથમાં એક ચિઠ્ઠી હતી. એ વાંચીને ગૃહિણી ડઘાઈ ગઈ. મરણસજાઈએ પડેલી એક માતાએ પોતાના આ પુત્રને, તરણોપાય તરીકે એના સાચા પિતાને આંગણે મોકલી આપ્યો હતો. પત્નીને માટે આ ભારે વસમો અનુભવ હતો. આ અણધાર્યા આઘાતમાંથી એને કળ વળે એ પહેલાં તો પતિનો તાર પણ આવી ગયો કે હું ચાર દિવસ મોડો આવીશ. હવે શું?… નૈષધને નવાઈ લાગી. રોજ તો હોંશે હોંશે કાજુ ખાનાર વાસવી આજે આ સૂકા મેવાને સ્પર્શતી પણ કેમ નથી? પરદા પર એવું તે શું જોવાનું છે કે એને મારા તરફ નજર સુદ્ધાં કરવાની નવરાશ નથી? …વણતેડાવ્યા આવી ઊભેલા બાળકે ગૃહિણીનું ચિત્તતંત્ર ડહોળી નાખ્યું. રોષ અને કરુણા વચ્ચે એ ઝોલાં ખાવા લાગી. આખરે રોષ ઓસરી ગયો ને માતૃહૃદયમાં વાત્સલ્યનું ઝરણું ફૂટ્યું. બાળકને રીઝવવા એ પોતે બાળક બની ગઈ. પતિની ગેરહાજરીમાં બન્નેએ ખૂબ ખૂબ ખેલ ખેલ્યા. પ્રાણીઘરમાં ફરી આવ્યાં. ચગડોળમાં બેસી આવ્યા. બહુ મઝા કરી. પત્નીએ પોતાના ભાવિ બાળક માટે સજાવી રાખેલો રમકડાંનો આખો ઓરડો આ પારકા જણ્યાને સોંપી દીધો. બાળકને એના દિલની દુનિયા સાંપડી ગઈ. અરે, આ ઓરડામાં કેટકેટલા દોસ્તો હતા! – ચાવી આપતાં જ ચાલવા માંડે એવો હાથી હતો, જિરાફ હતું, હરણ હતું!… વાસવીએ ઊંડો પરિતોષ સૂચવતો ઉચ્છ્વાસ મૂક્યો ત્યારે નિરુત્સાહિત થયેલા નૈષધને જરા ઉત્સાહ આવ્યો. એણે વાસવીનો હાથ પકડવા પ્રયત્ન કર્યો પણ વાસવીએ એ પાછો ખેંચી લીધો. અરે! વાસવી આજે આવી વિચિત્ર રીતે કેમ વર્તે છે? આમ તો હરેક ચિત્ર જોતી વેળા હાથમાં હાથ પરોવીને બેસનારી આ તરુણીને આજે શું થયું છે? …ચોથે દિવસે પતિનું આગમન થયું. આવતાંની વાર જ એ પલટાયેલી પરિસ્થિતિ પામી ગયો. દંપતીના નિર્બંધ પ્રેમવિનિયમ આડે આ બાળક જાણે કે અડીખમ દીવાલ બની રહ્યો હતો. પતિએ પત્નીને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો. પોતાના પૂર્વજીવનની વાત અથેતિ કહી સંભળાવી. યુદ્ધકાળમાં બોમ્બગોળાની ભીષણ અગનવર્ષા વચ્ચે પોતાની સાથે આપત્તિમાં સપડાયેલી એક અસહાય તરુણીની કથા કહી સંભળાવી. સમાન આફત વચ્ચે સપડાયેલાં બે માનવીઓ વચ્ચેના અનિવાર્ય સખ્યનું પરિણામ આ બાળકરૂપે રજૂ થયું છે એવો એકરાર કર્યો. એમાં કોઈનો દોષ નહોતો. એ ભયોન્માદ દશા દૈવની જ સરજત હતી. હું બેવફા નથી બન્યો, મેં ખૂટામણ નથી કર્યું. હું માત્ર સંજોગોનો ભોગ બન્યો છું. મારું આ સ્ખલન નિભાવી લો! નિભાવી લો!…આ હૃદયદ્રાવક કથની સાંભળીને પત્નીનું કઠણ હૃદય પણ પીગળ્યું. બરફનું અભેદ્ય પડ ઓગળવા લાગ્યું, અને એમાંથી વાત્સલ્યનું બીજ અંકુરિત થવા લાગ્યું. સરળહૃદય સુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી… વાસવીએ પર્સમાંથી રૂમાલ કાઢ્યો. નૈષધ મૂંગો મૂંગો જોઈ જ રહ્યો. વાસવીએ આંખ લૂછી ત્યારે જ નૈષધને ખબર પડી કે એ રડી રહી છે. હવે એને કાજુ આપીને રીઝવવાનું અશક્ય હતું. નૈષધ અસહાય બનીને – પરદા પરના કથાનાયક જેટલો જ અસહાય બનીને – ચલચિત્રના આવા વિલક્ષણ કથાવસ્તુ અંગે અકળામણ અનુભવી રહ્યો. …શાણા બાળકને સમજતાં વાર ન લાગી કે પોતે દંપતીના સુખી દામ્પત્યમાં કલહનાં બીજ રોપી રહ્યો છે. પોતે આ ઘરમાં અણગમતો છે, અળખામણો છે એમ સમજાતાં અહીંથી ચાલી નીકળવાની એણે તૈયારી કરી. વિદાય લેવાની? ઘરનાં ધણીધણિયાણીની વિદાય તો લેવાની નહોતી, પણ પેલાં આપ્તજન જેવાં બની ગયેલાં રમકડાંને તો સલામ કહેવી પડે ને! હાથમાં પેટી લઈને જતાં જતાં, આંસુભરી આંખે એ એકેક રમકડા-પ્રાણી તરફ તાકી રહ્યો. કણ્વાશ્રમમાંથી શકુંતલાની વિદાય વેળાઓ તો જીવતાં હરણાંએ ગ્લાનિ અનુભવી હતી. પણ અહીં તો કાગળ-કપડાંના નિર્જીવ પ્રાણીઓ રડતાં લાગ્યાં. વાસવીએ ફરી આંખ લૂછી. હવે નૈષધને કશું બોલવા ચાલવાના હોશ નહોતા રહ્યા. એને લાગ્યું કે પોતે આજે ખોટા સ્થળે આવી ભરાયો છે. …ગૃહિણીએ જોયું કે છોકરો ચાલ્યો ગયો છે, ત્યારે એના પેટમાં ફાળ પડી. બારીમાંથી બહાર નજર કરી તો છોકરો જે રીતે આવ્યો હતો, એ જ રીતે રેલવેના પાટા પર એક હાથમાં પેટી ઝુલાવતો પાછો જતો હતો. ગૃહિણી સફાળી રેલને પાટે પાટે એની પાછળ દોડી. સામે દેખાતા સિગ્નલનો હાથો પડી ગયો હતો એ પરથી સમજાયું કે, આ પાટા પર તો ટ્રેઇન આવી રહી છે…બાળકને બચાવી લેવા એ વધારે ઝડપથી દોડી. પત્ની તથા બાળક મોતના મુખમાં જઈ રહ્યાં છે એમ જણાતાં પાછળ પતિએ પણ દોટ મૂકી. સામેથી ઉપરાઉપરી તીણી વ્હિસલ વગાડતી, માર માર કરતી ઝડપે ગાડી આવી રહી હતી. વાસવીની છાતીમાં ધબકારા વધી ગયા. પોતા ઉપર જ ટ્રેન ધસી આવતી હોય એવી ભયભીત રેખાઓ એના મોઢા પર અંકાઈ ગઈ. નૈષધે વધારે અકળામણ અનુભવી. …પિતાએ જોયું કે પાટા પર સામેથી સાક્ષાત્ યમરાજ વિદ્યુગતિએ આવી રહ્યા છે અને એમના જડબામાં બન્ને જીવ અબઘડીએ જ હોમાઈ જશે. દિલ ધડકાવનારું આ દૃશ્ય જોઈને માત્ર પિતાનો જ નહીં પ્રેક્ષકોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. આંખના પલકારા જેટલી વારમાં જ ત્રણેય પાત્રોનો કચ્ચરઘાણ નીકળી જશે એમ લાગતું હતું…અને ત્યાં જ પતિએ બન્ને જીવોને આંબી લીધા, લગોલગ આવી પહોંચેલી ટ્રેન તળે એમને પિલાઈ જતાં અટકાવવા પોતે હડસેલો મારી દીધો અને ત્રણેય જીવ પાટાની બાજુ પર ગબડી પડ્યા. ગાડી પસાર થઈ ગઈ અને આખું કુટુંબ હેમખેમ ઊગરી ગયું… અદ્ધર શ્વાસે અવલોકી રહેલી વાસવીનો શ્વાસ હેઠો બેઠો. નૈષધે પણ એટલા પ્રમાણમાં રાહત અનુભવી. …અને પરદા પર દૃશ્ય બદલાયું, મોતના મુખમાંથી ઊગરી ગયેલાં ત્રણેય પાત્રો પાછાં ઘેર આવ્યાં. દંપતીના જીવન પર ઘેરાયેલાં વાદળ વીખરાઈ ગયાં. ઘરમાંથી ઉદાસીનતાનો અંધકાર ઓગળી જતાં ચોગરદમ પ્રસન્નતાનો પ્રકાશ રેલાઈ રહ્યો… ચિત્ર પૂરું થયા પછી પણ વાસવી ખુરશીમાં જ બેસી રહી. આજુબાજુ બેઠેલા સહુ લોકો ઊભા થઈને દરવાજા તરફ ચાલ્યા, ત્યારે નૈષધે એને કહેવું પડ્યું કે ખેલ ખતમ થયો છે. વાસવી જાણે કે તંદ્રામાંથી જાગી અને નૈષધની પાછળ પાછળ ચાલી. છબીઘરમાંથી બહાર નીકળતાં ઠંડો પવન ફૂંકાવા માંડ્યો હતો તેથી નૈષધે વાસવીને ફર-કોટ પહેરાવ્યો. ‘કેમ પિકચર કેવું લાગ્યું?’ નૈષધે વાસવીને વાતચીતમાં પ્રેરવા ખાતર જ પૂછી નાખ્યું. જવાબમાં વાસવી પોતાની વેધક આંખો નૈષધ ઉપર નોંધી રહી. એ મૂંગી નજરનો તાપ જીરવવો નૈષધ માટે મુશ્કેલ હતો. મોટાં મોટાં ડગ ભરીને એ આગળ નીકળી ગયો અને ફીઆટનું બારણું ઉઘાડીને ઊભો રહ્યો. વાસવી રુઆબભેર – જાણે કે પોતાના અધિકારની રૂએ – સ્ટિયરિંગ વ્હિલ ઉપર બેસી ગઈ. ‘આજે હું હાંકું તો કેમ?’ નૈષધે બીતાં બીતાં સૂચવ્યું. ‘કેમ ભલા, હું ડ્રાઇવિંગ ભૂલી ગઈ છું?’ વાસવીએ કટાક્ષમાં પૂછ્યું અને નૈષધ કશો ખુલાસો કરે એ પહેલાં તો આ માનુનીએ એક્સેલરેટર પર પગ દાબી દીધો. નિયમ એવો હતો કે બન્ને જણાં સાથે હોય ત્યારે વાસવીએ જ ગાડી હાંકવાની. નૈષધ એ અણલખ્યા નિયમને આધીન થઈને ચુપચાપ બાજુ પર બેસી ગયો. બ્રેક છૂટી અને ટુ-સીટર સડેડાટ ઊપડી. ધોબીતળાવ પરથી કવીન્સ રોડ પર વળાંક લીધો…એક તરફ સોનાપુરની સળંગ દીવાલ અને બીજી બાજુ લોકલ ગાડીઓના પાટા…સામસામી આવતી-જતી ટ્રેનો તીણી સીટી બજાવતી જતી હતી…અને એમાં સામેની ફૂટપાથ પર ત્રણચાર જણા એક બાળકને સ્મશાને લઈ જતાં દેખાયા. ઘરના મોવડી જેવા જણાતા ને મોખરે ચાલતા માણસના હાથમાં કોરા કપડામાં ઢબૂરેલું મૃત બાળક હતું. એની પાછળ પાછળ ગમગીન ચહેરે બીજા બેચાર માણસો ચાલતા હતા. આ વિભાવસામગ્રી વાસવીના ચિત્તપ્રવાહને વળી પાછો ચલચિત્રની દુનિયામાં વાળી ગઈ. એ પ્રવાહ પરકમ્મા કરતો કરતો બાળક ઉપર આવી ઊભો. નવજાત બાળક…ઝાકળભીના નવકુસુમ સમું કોમળ બાળક…જીવતું બાળક ને મરેલું બાળક… ઓપેરા હાઉસ પર પહોંચતાં, સૂસવતા શીળા વાયરાએ વંટોળિયાનું રૂપ લીધું હતું, કાગળ-કસ્તર વગેરેની ડમરી ચડી હતી…સામસામાં થિયેટરમાંથી સંખ્યાબંધ પ્રેક્ષકોનાં ધાડાં છૂટ્યાં હતાં. બેઅઢી કલાકની પડછાયાની દુનિયા જોઈને નીકળેલા એ સમૂહમાં સ્ત્રીઓ પણ સારી સંખ્યામાં હતી. એમાં કેટલીક તો માતાઓ પણ હતી…બીજી કેટલીક સગર્ભાઓ પણ હશે, જે માતૃત્વ પ્રાપ્ત કરશે…કેટલી બડભાગી હતી એ સહુ! ઓપેરા હાઉસ પરથી વળાંક લઈને ગાડી સીધી ચોપાટી પર ઊતરી. નરીમાન પોઇન્ટથી મલબાર હિલ સુધી દરિયાને કાંઠે કાંઠે ઝબૂકતા દીવાઓએ સોહામણી મુંબઈનગરીને જાણે કે સાચા મોતીનો હાર પહેરાવી દીધો હતો. ચોપાટીની ફૂટપાથ પર એક અર્ધનગ્ન ભિખારણ પોતાના બાળકને છાતીએ ધવડાવીને પાઈ-પૈસો મેળવવા માટે રાહદારીઓનાં દિલમાં દયા ઉપજાવવા મથી રહી હતી. ધન્ય છે એ દીનહીન ભિખારણને, જેને છાતીએ વળગાડવાનું બાળક સાંપડ્યું છે… હ્યુજિસ રોડના ચઢાણ પર ગાડીને ગીઅરમાં નાખીને વાસવી પણ વિચારસંક્રમણમાં ચડી ગઈ…બાળક…જીવતું બાળક ને મરેલું બાળક… મેડિકલ કૉલેજના દિવસોની એ વાત. વાસવી અને નૈષધને એક જ વૉર્ડમાં કામગીરી મળેલી. અભ્યાસ સાથે દરદીઓની શુશ્રૂષા કરતાં કરતાં બન્ને વચ્ચે સારું સખ્ય કેળવાયેલું. નવયૌવન અને નવપ્રણયના એ દિવસોમાં દુનિયા હરીભરી લાગતી હતી. સપનાંની પાંખે ચડીને બંને સાથીઓ જાણે આકાશમાં ઊડતાં હતાં ઊંચે…ઊંચે…આકાશના તારલાથી પણ ઊંચે…અને એમાં એક દિવસ વાસવીને ધરતી પર પાછું આવી જવું પડ્યું. ગગનવિહારિણી રૂપગર્વિતાના પગ જ્યારે નક્કર જમીન પર ઠર્યા ત્યારે જ એને સમજાયું કે પોતે થોડા સમયમાં માતા બનનાર છે… કેમ્પ્સકોર્નર સુધી પહોંચતાં તો વરસાદ શરૂ થઈ ગયો. જોતજોતામાં ગાડીના કાચ પર પાણીના રેલા ચાલવા લાગ્યા. પેડર રોડનાં કપરાં ચઢાણ પર વાસવીએ ગાડીને ફરી ગીઅરમાં નાખી પણ અત્યારે એ એટલી તો અન્યમનસ્ક હતી કે કાચ સાફ કરવા માટે વાઇપર ચલાવવાનું એને ન સૂઝયું. પોતે ગાડીમાં બેઠી હોવા છતાં સીધા ચઢાણ પર થાક અનુભવી રહી હતી. સારું થયું કે નૈષધે જ ચેતી જઈને વાઇપરની સ્વિચ દાબી દીધી, નહિતર સામેથી અથડામણ થતાં વાર ન લાગત. કાચની સુંવાળી સપાટી પર ઘડિયાળના લોલકની જેમ વાઇપર ડાબે-જમણે ચાલવા લાગ્યું. કાચના જેટલા ભાગ પર એ ચાલતું હતું એટલા ખંડમાંથી બહારની સૃષ્ટિ દેખાતી હતી, બાકીની ધૂંધળી બની જતી હતી. વાસવી પૂર્વજીવનને પણ આ રીતે જુદા જુદા ખંડોમાં જ જોઈ શકતી હતી, પોતાની તેમ જ કુટુંબની આબરૂ રક્ષવા પોતે લાંબા પર્યટનને બહાને ઉત્તર હિંદ તરફ ચાલી નીકળેલી …પૂર્વયોજના મુજબ નૈષધ એને આવી મળેલો અને પછી એક ઓળખીતા તબીબનો આશરો લેવા બન્ને કલકત્તા જઈ પહોંચેલાં… મહાલક્ષ્મી સુધી પહોંચતાં તો વરસાદ અનરાધાર તૂટી પડ્યો હતો. ખટ…ખટ…ખટ…ખટ અવાજ સાથે વાઇપર ફરતું હતું પણ મુશળધાર વરસાદનું પાણી બરોબર સાફ થઈ શકતું નહોતું. ગેસ લાઇટના દીવાના પ્રકાશમાં બધું ધૂંધળું ધૂંધળું લાગતું હતું. વાસવી લાઇંગ-ઇન હૉસ્પિટલમાં પડી છે…પ્રસૂતિની વેદનાનો પાર નથી…છતાં બાળકનો પ્રસવ થતો નથી…નૈષધ તેમ જ નર્સો બહુ ચિંતાતુર છે. શસ્ત્રક્રિયા વિના પ્રસવ નહીં જ થાય એવો તબીબી અભિપ્રાય આવ્યો…વાસવી સ્ટ્રેચર પર સૂતી સૂતી ઓપરેશન થિયેટરમાં દાખલ થઈ…શસ્ત્રકિયાનાં ચમકતાં ઓજારોની ધાર ઝબકી ગઈ…કલોરોફૉર્મ…બાળક જીવતું કે મરેલું?…કલોરોફૉર્મની ઉગ્ર વાસમાં જ્ઞાનતંતુઓ મરી ગયા…ચેતનમાંથી જડમાં પરિવર્તન…પછી શું બન્યું એ વાસવી જાણી શકી નહીં. ફરી જ્ઞાનતંતુ સતેજ થયા ત્યારે સંભળાયું: થેંક ગોડ! વી હેવ સેઇવ્ડ ધ મધર! …માતા ઊગરી ગઈ…મોતના મોઢામાંથી માતા ઊગરી ગઈ…પણ માતા શાની? હવે પછી એ જીવનભર માતૃત્વ પ્રાપ્ત ન કરી શકે એવી એ આખરી શસ્ત્રક્રિયા હતી…માતા જીવતી રહી? ના, ના, માત્ર વંધ્યા જીવતી રહી…કાકવંધ્યાની કાયા ઊતરી ગઈ, હૃદય હણાઈ ગયું… માહિમની મધ્યમવર્ગી વસાહતમાંથી ટુ-સીટર પસાર થતી હતી. રસ્તા ઉપર કાદવકીચડ વધી ગયો હતો. આ રસ્તા પર તો દીવાઓ પણ અહીંના વસાહતીઓના જેવો માંદલો પ્રકાશ વેરતા હતા. નૈષધે ચેતવણી આપી: ‘ગો સ્લો પ્લીઝ…કાદવમાં ગાડી સ્કીડ થશે.’ પણ વાસવી કશું સાંભળવા તૈયાર ક્યાં હતી? એ તો સાંભળતી હતી: ઊંઆં…ઊંઆં…ઊંઆં…ઊંઆં. આજુબાજુનાં કંગાળ ઝૂંપડાંમાં કજિયાળાં બાળકો રડતાં હતાં, એ કર્કશ રુદન પણ કેટલું મધુર હતું!… વાંદરાની ખાડીના પુલ પર આવતાં, પેલી મધ્યમવર્ગી વસાહતના બંધિયાર વાતાવરણમાંથી મોકળાશનો અનુભવ થયો. નૈષધે છુટકારનો દમ ખેંચ્યો, પણ વાસવીના કાનમાં તો હજી પેલા બાળકોનું રુદનગીત ગુંજતું હતું. ગાડી ખાર સુધી પહોંચી છતાં ઊંઆં…ઊંઆં…ઊંઆં…ઊંઆં અવાજ એનો પીછો છોડતો નહોતો. પાછળ કોઈ રોતું બાળક દોડતું આવે છે? વાસવીએ ઊંચે આરસીમાં જોયું તો પાછળ એક પબ્લિક કેરિયરના ખટારા સિવાય કશું ન દેખાયું. આરસીના દર્શનમાં અશ્રદ્ધા ઊપજતાં એણે પોતે જ પાછળ ડોક ફેરવીને નજર કરી…નૈષધ ગભરાયો. સામેથી આવતી એક ટેકસી સાથે ટુ-સીટર અથડાતાં અથડાતાં રહી ગઈ. ‘પાછળ શા માટે જુએ છે?’ નૈષધે પૂછ્યું. ‘કાંઈ નહીં…કાંઈ નહીં,’ કહીને વાસવીએ વાત ટાળી નાખી. પણ પેલા રુદનનો અવાજ ક્યાં ટળે એમ હતો?…અસ્વસ્થ બનીને વાસવીએ આજુબાજુ જોયું. ગાડીમાં તો નૈષધ સિવાય કોઈ બેઠું જ નહોતું. બે જણ સિવાય ત્રીજાને બેસવાની જગા જ ક્યાં હતી? નૈષધની ગાડીમાં તેમ જ ગૃહજીવનમાં બે જ જણ માટે સ્થાન હતું. ત્રીજા જીવની શક્યતા જ ક્યાં હતી?…તો પછી આ મધુર શિશુરુદનનો ગુંજારવ ક્યાંથી ઊઠે છે?…હં…હં…હવે સમજાયું…મારા ખાલીખમ ઉદરમાંથી સ્તો! સાન્તાક્રુઝથી જુહૂ રોડ પર જતાં વાસવી વિચારી રહી. બાળક: જીવતું ને મરેલું…બાળક રડી શકે ખરું કે? નહીં સ્તો! મારી કૂખે અવતરેલું બાળક જીવતું હતું કે મરેલું?… ‘વાસવી, ગો સ્લો પ્લીઝ!’ બેફામ ઝડપે દોડતી ગાડી ધીમી પાડવા નૈષધે વિનંતી કરી.પણ વાસવીના વિચારસંક્રમણ સાથે ગતિ મિલાવતી ગાડી ધીમી શી રીતે પડી શકે? ગાડીના રેડિયેટર જેટલી ગરમી વાસવીની નસનસમાં ફેલાઈ ગઈ હતી. છાતી તો ધમણની જેમ હાંફતી હતી. કોણે મારી નાખ્યું મારા બાળકને? પ્રશ્ન ફરીફરીને પુછાતો હતો. ઉદરમાંથી ઊઠેલા પ્રશ્નનો ઉત્તર પણ એ ઉદરમાંથી જ મળ્યો: નૈષધે સ્તો. જન્મદાતાએ જ જીવને ટૂંપી નાખ્યો, અવિવાહિત યુવતીને માતૃત્વની નામોશીમાંથી ઉગારવા…કુમારિકાનું કલંક ભૂંસી નાખવા પિતાએ જ પોતાના પ્રણયપ્રવાહને થંભાવી દીધો – થંભાવી દેવો પડ્યો. કાકવંધ્યા વનસ્પતિની જેમ પોતે એક જ વાર ફળી અને એનું ફળ ઝૂંટવાઈ ગયું. હવે તો હું હંમેશને માટે અફળા બની ચૂકી છું ને! વાસવીનું મૌન નૈષધ માટે અસહ્ય બની રહ્યું હતું, ત્યાં પહેલી જ વાર વાસવીએ શબ્દોચ્ચાર કર્યો અને તે પણ રાંપીના ઘા જેવો. પતિને પડકારતી હોય એવા આજ્ઞાસૂચક સ્વરે એણે કહ્યું: ‘નૈષધ, ગિવ મી માય બેબી બેક (નૈષધ, મને મારું બાળક પાછું આપ)!’ ‘વિચ બેબી (કયું બાળક)?’ ક્યા બાળકની માગણી થાય છે એ ન સમજાતાં નૈષધે ડઘાઈ જઈને પૂછ્યું. ‘આપણે કલકત્તામાં હતાં ને મને અવતરેલું એ જ બાળક વળી, બીજું કયું?’ વાસવીએ સ્ફોટ કર્યો. ‘ઓહ, યૂ આર રેવિંગ મેડ! (અરે, તું તો સાવ ગાંડી છે.’) કહીને નૈષધ મોટેથી હસી પડ્યો. નૈષધના ખડખડાટ હાસ્યમાં વાસવીને ઉપહાસ ન સંભળાયો. કલકલ નાદે વહેતા ઝરણા સમો, કોઈક અણદીઠ શિશુનો મીઠો મુશ્કરાહટ જ કાન પર અથડાયો. જુહૂના નિર્જન રસ્તા પર ચોગરદમ જાણે નવજાત શિશુઓ હસી રહ્યાં હતાં. વરસાદનાં ઝાપટાં અને પવનના સુસવાટામાં પણ જાણે કે નાનાં નાનાં ભૂલકાંઓનું સુમધુર હાસ્ય ગુંજતું હતું. સાગરપટ્ટીની હવા ફરી એક વાર પાગલ ગાન ગાતી હતી. એ પાગલ હવામાં વાસવીને ફરી પાછું યાદ આવ્યું કે મારું ઉદર તો અફળ છે, ખોળો ખાલી છે, સદૈવ ખાલી જ રહેવાનો છે…હા, મારે ઘેરે પાળેલો લેપડોગ છે, એક એલ્શેશિયન પણ છે, પણ એ પાળેલાં ચોપગાં ગમે તેટલાં લાડકવાયાં હોય છતાં ખાલી કૂખની કંપાવનારી યાદ તાજી થતાં વાસવીને સમગ્ર જીવન અને સૃષ્ટિ ખાલી ખાલી લાગવા માંડ્યાં. ભૂતકાળના ભારી રાખેલા પ્રસંગની યાદ જીવતી થતાં એનું ચિત્તતંત્ર ભયંકર શૂન્યતા અનુભવી રહ્યું. વાસવીના માતૃહૃદયના અંતરતમ ઊંડાણમાંથી વેદનાની મૂંગી ચીસ ઊઠી અને ‘ફીઆટ’ના એંજિનના ફૂંફાડા સાથે એ તાલ મિલાવતી રહી. ગાડીની હેડલાઇટના ઝળહળતા ઉજાસમાં અસંખ્ય શિશુઓ રમતાં-ખેલતાં-કૂદતાં દેખાતાં હતાં. વાસવી એ બાળકોને ગાઢ આશ્લેષ કરવા ગાડીને વધારે ને વધારે ઝડપે દોડવતી હતી, પણ તેમ તેમ તો એ બાળકો દૂર ને દૂર નાસતાં જતાં હતાં. માતૃત્વ જાણે કે હાથતાળી દઈને અટ્ટહાસ્ય કરતું દોડતું જતું હતું. નજર સામે રહેતો હતો એક માત્ર શસ્ત્રક્રિયાનો તીક્ષ્ણ ને ટચૂકડો લેન્સેટ. બત્તીના શેરડામાં એ અસ્ત્રની અણિયાળી ધાર અનેક ગણી મોટી બનીને ભયંકર ખડગ સમી ઝબકતી હતી અને જાણે કે હજારો શિશુઓને જનનીની કૂખમાં જ કતલ કરી નાખતી હતી. એ મસમોટું ખડગ વાસવીની નીલી-ભૂરી કીકીઓ આડે આવી બેઠું અને એની દૃષ્ટિ આડે આવરણ રચાઈ ગયું. ‘ફીઆટ’માંથી ફેંકાતી ધોધમાર ફ્લડ-લાઇટમાં પણ વાસવીને પોતાના પૂર્વજીવન જેવાં કાળાં ઘોર અંધારાં દેખાયાં અને… …અને સામેથી માર માર ઝડપે આવી રહેલા ભારખટારાને માર્ગ આપવા વાસવી પોતાની ગાડીને તારવી ન શકી. નૈષધ હજી તો સ્ટિયરિંગ વ્હિલને અડકવા જાય એ પહેલાં જ ધડાકો થઈ ચૂક્.યો હતો. રાક્ષસકાય ખટારાએ ટચૂકડી ‘ફીઆટ’ના ભુક્કેભુક્કા કરી નાખ્યા હતા. અને માતૃત્વનો ઈશ્વરદત્ત તેમ જ જન્મદત્ત અધિકાર ધરાવનાર એક કાકવંધ્યા આમ આ રીતે મોતને ભેટી.

*