વંઠેલાં અને બીજી નાટિકાઓ/નિવેદન
સાંસારિક નવલિકાઓ લખતાં લખતાં નાટિકાઓમાં લસરી પડવું સહજ છે. નાટક નાટિકાઓની અત્યારે જાગી ઊઠેલી માગને પહોંચવાના પ્રયત્નોમાંનો આ પણ એક પ્રયત્ન છે. દુષ્કાળોએ, ભૂકમ્પોએ, જાહેર સંસ્થાઓના આર્થિક ટકાવની વિટંબણાઓ વગેરેએ આડકતરી રીતે નાટ્યસાહિત્ય અને નાટ્યકલા ઉપર મોટો એક ઉપકાર કર્યો છે. ફંડફાળાથી તોબાહ પોકારી ઊઠેલા પ્રજાવર્ગને બદલામાં કંઇક શ્રમપૂર્વકનો રસાનંદ આપીને દ્રવ્ય મેળવવાની વૃત્તિએ રંગભૂમિ તરફ ઠીક ઠીક પગલાં માંડ્યાં છે. આપણા નવા બિનધંધાર્થી (‘એમેચ્યૂર’) અભિનેતાઓના નાટ્યપ્રયોગો બેશક હજુ ધંધાદારી કંપનીઓનો કલાઘાતક ચીલો છેક જ છોડી દઈ શક્યા નથી, તેમ જ ભજવાતી નાટ્યકૃતિઓ પૈકીની ઘણીખરી કંગાલ, કૃત્રિમ કે પછી અતિ ઉચ્ચ કક્ષાની (!) હોવાને કારણે મોટે ભાગે હજુ ટિકિટો ખપાવવામાં ગળેપડુનીતિનો જ આશરો લેવો પડે છે; તે છતાં ભજવનારા તેમ જ જોવા જનારા બેઉ વર્ગની અભિરુચિ સ્વાભાવિક ઢબની નાટ્યકૃતિઓ તરફ જ ગતિ કરી રહી છે એની ના પાડી શકાય તેમ નથી. વિશેષે કરીને પ્રજા જેમ સાહિત્યમાં તેમ જ રંગભૂમિ પર સામાજિક જીવનનો ચિતાર જોર દઈને માગે છે. કલાસાહિત્યની આરસીમાં પ્રજા પોતાનું જ મુખ નિહાળવા ચાહે છે. તમે પુરાણ લાવો કે ઈતિહાસ પીરસો, પણ એમાં ય પ્રજાને તો પોતાનાં જ જીવનમંથનો, પોતાની જ આંતરવેદનાઓ, પોતાની જ માનસિક વૃત્તિઓનાં પૃથક્કરણો સાકાર થતાં જોવાં છે. પ્રજા હવે પોતાના જીવનક્ષેત્રથી ઊંચેરી આકાશી દુનિયાના વિહારી કોઈ દેવપુરુષને, કોઈ સમશેરબહાદુરને, કોઈ સતીમંડળના ચાર ભાગો માંહેલી આરસ-પ્રતિમાને, કોઈ પુણ્યની પૂતળીને, કોઈ અલૌકિકને કે અદ્ભુતને નથી ચાહતી. ખરી રીતે તો નાટકની અંદર કોઈ ‘હીરો’ (વીર) હોવો જ જોઈએ, ને તેની સામે કોઈ ‘વિલન’ (દુર્જન)નું પાત્ર ખડું કરવું જ જોઈએ, એવી જીર્ણ પ્રણાલિકાનો પ્રજાને કંટાળો આવતો જાય છે. કોઈ અદ્ભુત ભાવનાઓની અશક્ય ઇંદ્રજાળ રજૂ કરી લોકોને આંજી નાખનારાં નાટકોને સ્થાને આજે સ્થાપના થઈ રહી છે તેવાં નાટકોની, કે જેમાં સારાં-માઠાં, તમામ ઊર્મિતત્ત્વોનો બનેલો માનવાત્મા ધબકતો અને તરફડતો હોય, તેમજ રૂઢિના બાજઠ પર બેઠેલ પ્રાણહીન પાપપુણ્યનું સ્થાન માનુષી મનોભાવોના ઉન્માદોને, પછાડાને અને ક્રંદનોને મળતું હોય. હમણાં જ ‘ડિસઓનર્ડ’ નામનું એક અમેરિકન ચિત્ર મેં ચિત્રપટ પર દીઠું. મહાયુદ્ધમાં સપડાએલા સ્વદેશની સેવાર્થે જાસૂસી ખાતામાં કાર્ય કરતી એક સુંદરી સ્વદેશના અનેક દુશ્મનોને પોતાની સૌંદર્ય-જાળમાં પકડી પકડી, ખલ્લાસ કરી, યશસ્વી કારકિર્દી નોંધાવી ચૂકે છે, વતનની ઉદ્ધારિણી રૂપે પ્રતિષ્ઠા પામે છે; પણ આખરે એ વીર, રૌદ્ર અને ભયાનકનું ઘડાયેલું સ્ત્રીહૃદય એક દિવસ શત્રુપક્ષના એક યુવાન અધિકારી પ્રત્યે ભીનું બની જાય છે. પ્રેમની નિર્બલતાને વશ બની એ પોતાનો તિરસ્કાર કરનાર અધિકારીને છટકી જવા દે છે. લશ્કરી અદાલત એને કલંકિત દેશદ્રોહિણી ઠરાવી પ્રાણદંડ ફરમાવે છે. દેહાંત સજાની અંધારી તુરંગ-કોટડીમાં એ બેઠી છે. ધર્મગુરુ એને છેલ્લો પશ્ચાત્તાપ, છેલ્લી પ્રાર્થના કરાવવા આવે છે. પ્રાર્થનાને એ ઓળખતી નથી. એ ફક્ત એટલું જ માગે છે કે મને એક પિયાનો આપો, ને મને ઠાર કરતી વેળા મારો એ પોશાક પહેરવા આપો, કે જે પહેરીને મેં મારા સ્વદેશની સેવા ઉઠાવી હતી. એ બન્ને માગણીઓથી સંતોષાઈને આ ઓરત વળતે જ પ્રભાતે ઠાર થવા નીકળે છે. પોતાના સ્વાંગ નિહાળવા એ અમલદાર પાસે માગે છે. “અરીસો છે?” જુવાન અફસરે પોતાની ચકચકિત તરવાર કાઢીને એના મોં સામે ધરી પૂછ્યું : “આ ચાલશે?” “વાહ, જરૂર ચાલશે.” કહીને ઓરતે એ તરવારમાં પોતાનું પ્રતિબિમ્બ જોઈ લીધું. પરણવા જતી હોય એવા તૉરથી એણે એ દર્પણ વાપર્યું. મૃત્યુના મેદાન પર એને ખડી કરીને યુવાન અફસરે એની આંખે પાટા બાંધવા માટે કાળો રૂમાલ કાઢ્યો. ઓરતે મોં મલકાવ્યું. રૂમાલ એના હાથમાંથી લઈ લીધો. એ રૂમાલ વડે એણે આ જુવાન અફસરની બન્ને આંખો લૂછી. જુવાન યોદ્ધો રડતો હતો. — ને પછી એ શાંત મલકાટ કરતી કરતી વીંધાઈ ગઈ. એ પાપી હતી કે પુણ્યશાળી? લંપટ હતી કે, વ્રતધારિણી? ક્રૂર હતી કે કોમલ? એનો અંત એ શું ‘ટ્રેજડી’માં જરૂરી મનાતા કો મહાન માનવાત્માનું કરુણ પતન હતું? કે શું એ પાપનો બદલો પામતા જીવાત્માનો યોગ્ય અંજામ હતો? તમે કે હું એને સ્થાને બેસવામાં ગૌરવ માનીએ કે લાંછન? આવા કોઈ પણ પ્રશ્નનો ઉત્તર નહિ મળે. મનમાં ગુંજી રહે છે માત્ર એક વસ્તુ : કે એ માનવી હતી. નહોતી એ મિસરની લાલસામૂર્તિ ક્લીઓપેત્રા, કે નહોતી એ ફ્રાન્સની પ્રભુપ્રેરિતા જ્હોનકુમારી, નહોતી એ ‘જયા-જયન્ત’ની જયા કે નહોતી એ ‘કાકાની શશી’. એ કોઈ આદર્શનો અવાજ દેતી નથી. છતાં મેં જોયેલા ચિત્ર-નાટકની નાયિકા તો એ જ છે. નાટકોનો આ નવો યુગ મંડાયો છે. એ નવી દૃષ્ટિ માગે છે. નવાં મંથનોને મૂર્ત કરવા નવી કલમોને એ બોલાવે છે. એને હવે સિદ્ધાંતો નથી તોળવા, પણ માનસશાસ્ત્રની સમસ્યાઓના છેલ્લામાં છેલ્લા સીમાપ્રદેશો બતાવી દેવા છે. કેમકે નવા યુગનું મૂર્તિવિધાન પાપપુણ્યના કોઈ ઇશ્વરપ્રેરિત કે સંતપ્રેરિત નીતિ-નિયમોને અધીન રહી નહિ થવાનું. એ તો માગી લેશે માનસપ્રદેશનું સર્વાંગ દર્શન. માનવ-હૃદયની ઊંડામાં ઊંડી કંદરાઓને પણ એ તપાસવા માગે છે. બચારી મારી આ ત્રણ નાટિકાઓ! આવા ઉપોદ્ઘાતની જોડાજોડ બેસાડવામાં એ ત્રણેય રાંકડાંને હું અન્યાય જ કરી રહ્યો છું ને! કેમ જાણે નવો યુગ કેવાં નાટકો માગે છે તેના નમૂનાઓ હું ન ધરતો હોઉં! આવી કોઈ ફીશિયારીનો ધ્વનિ આ ઉપોદ્ઘાતમાંથી ઊઠતો હોય તો તે બદલ દરગુજર ચાહીને માત્ર એટલો નિર્દેશ કરવાનું સાહસ ખેડું છું, કે ‘વંઠેલાં’ નામની પહેલી નાટિકામાં અનંત નામનું નાયક-પાત્ર મેં કોઈ વીરતા વા સામર્થ્યનો આદર્શ ધરવા નથી આલેખ્યું; પણ એક બાજુ યૌવનના કેટલાક અસ્પષ્ટ એવા થનગનાટો અને બીજી બાજુ એ થનગનાટોને સમજી ન શકતો કે સમજવાનો યત્ન પણ ન કરતો લોક-સમાજ. એ બન્નેની વચ્ચે ઊઠતી અથડાઅથડી બતાવવાનો મારો આશય છે. એ સંઘર્ષણમાંથી નવજીવન જાગતું નથી. કોનો કેટલો દોષ, તે વહેંચણ કરવી મુશ્કેલ બને છે. યૌવનના તનમનાટોને રૂંધતો લોકસમૂહ અણસમજુ, અર્ધસમજુ તેમજ ઇરાદાપૂર્વકની હિંસાવૃત્તિમાં રાચતા પૂરા સમજબાજો એવી ત્રિવિધ વ્યક્તિઓનો બનેલો છે. લોકસમૂહ દરિયા જેવો છે. એમાં આડા ને અવળા કૈંક પ્રવાહો એકઠા મળીને આપોઆપ ભયાનક વમળો સર્જે છે. એ વમળમાં ચકરી ખાતાં અનેક વહાણો ભાંગી ભુક્કા બને છે. પણ એ વમળો કોઈ ઇરાદાપૂર્વકનાં કારસ્તાનો નથી. જાતજાતનાં સાગર વહેણ ભેળાં થઈ આપોઆપ એને રચે છે, અને એવી રચેલી ઘૂમરીઓમાં અટવાઈ તળીએ જતાં અનેક જહાજોને એ જળપ્રવાહો પણ વિસ્મયભરી નજરે નિહાળી રહે છે. કોઈને પૂરી સમજ જ પડતી નથી કે આમ શા માટે બને છે. ‘જયમનનું રસજીવન’ નાટિકા મૂળ ‘કૌમુદી’ માટે લખાયેલી ને ગયા વર્ષની નવલિકાઓમાં ઠીક ઠીક સ્થાન પામેલી એ જ નામની વાર્તાનું નાટ્યવિધાન છે. એમાં પણ ખરી રીતે જોતાં કોઈ પરંપરાગત નાયક-નાયિકા જેવાં પાત્રો નથી. એમાં પણ આશય તો વિરોધી અને વિકૃત પ્રકૃતિઓનાં સંઘર્ષણમાંથી જ નીપજતાં ધ્વંસનો નિર્દેશ કરવાનો છે. કેટલાક સ્નેહીઓ, ઓળખીતાઓ, તેમ છેક જ અજાણ્યાં યુગલોએ ઠપકાના કાગળો લખીને એવો આગ્રહ બતાવ્યો છે કે લેખકે એમના ‘રસજીવન’માંથી કરેલી આ અધર્મી ચોરી છે. પ્રત્યુત્તરમાં લેખકે એને ‘ઑટોબાયોગ્રાફિકલ કેરીકેચ્યૂઅર’ (આત્મજીવનનું જ ટોળચિત્ર) મનાવવાનો પ્રયત્નો કર્યા, પણ તે વાતનો વિશ્વાસ કરવા કોઈ તૈયાર નહોતા, ને વાત પણ ખરી છે કે લેખક પોતે પોતાની કૃતિઓનો વીર બનવાનું જ બહુધા પસંદ કરે છે; દુર્જન કે ગમારનો પાઠ ભજવવાનું પોતાની કૃતિની અંદર તો કોને ગમે? પરંતુ લેખકના નિજજીવનમાં એક સર્વભક્ષી ભડકો ન થયો હોત તો પ્રસ્તુત કથાને પોતાનું જ વક્રચિત્ર મનાવવાનો માનભર્યો આગ્રહ એ ચાલુ રાખત. આજે એ આત્મવિડમ્બનાને એક દારુણ ઘટનાએ અણછાજતી (‘અનડિગ્નિફાઈડ’) બનાવી દીધી છે એટલું કહીને જ મૌન ધરવું રહે છે. પણ એક કરતાં વધુ યુવાન રસિકોએ આ ચિત્રને પોતાનું રસજીવન આલેખતું હોવાનો ચાલુ રાખેલો દાવો કંઈ નહિ તો એની વાસ્તવિકતાને તેમજ માર્મિકતાને પુરવાર કરે છે. આજના તરુણજીવનમાં વધતે-ઓછે અંશે, એંશી ટકા જેટલો ‘જયમન’ તો પડેલો જ છે. પહેલાં બેઉથી જુદું પડી જતું ત્રીજું નાટક ‘યશોધરા’ છે. ‘યશોધરા’ તો ‘બલિદાન’ નામથી પાંચેક વર્ષો ઉપર લખાયેલું — કન્યાઓના એક વિદ્યાલયને પોતાના ઉત્સવ પ્રસંગે ભજવવા જોઈતું હતું માટે જ. તે પછી તો એ છ-સાત સંસ્થાઓમાં ભજવાયું પણ દરેક વખત એ ભજવનારાં તો વિદ્યાર્થીનીઓ જ હતાં. મોટેરાંઓને કદાચ એનો પ્રયોગ આકર્ષક ન યે લાગે. વસ્તુત : એની નાયિકા યશોધરાને ચાલતી આવેલી પ્રથા અનુસાર કેટલાક તૈયાર સદ્ગુણોનાં આભૂષણો પહેરાવવામાં આવ્યાં હતાં. એટલે પાત્રાલેખનમાં અને વસ્તુવિધાનમાં આવવી જોઈતી કાળી-ઊજળી રેખાઓ એમાં ફૂટતી નથી. ચડતીપડતીના ભરતી-ઓટ અને સ્વભાવના ગૂંચવાડા એમાં અંકાતા નથી. મૂળ કૃતિમાં કેટલાક શક્ય ફેરફારો કરવાની છૂટ લેવી પડી છે, તે એવી આશાએ કે પહેલાં બેના સંગાથમાં એનું સ્થાન કંઈક બંધબેસતું બને. મૂળ આશય તો એમાં પણ આપણા સમાજના ‘શેરી-જીવન’ને રજૂ કરવાનો છે. એટલે કંઈ નહિ તો વિદ્યાર્થીઓમાં તો એ ભજવવાલાયક થઈ પડશે. લખાયેલા નાટકનું ખરું તકદીર તો ભજવનારાઓ જ નક્કી કરે છે. ઘણીવાર અભિનેતાઓ પોતાની તાકાત તેમજ ચમક વડે નમાલી કૃતિઓને પણ રંગભૂમિ પર જીવતી કરી આપે છે, તેમજ ભજવનારાઓની કલાશૂન્યતાએ ઘણી સારી કૃતિઓનો પણ તખતા પર વધ કર્યો છે. ખરી રીતે લેખકે લખેલું નાટક બહુમાં બહુ તો માત્ર સાહિત્ય જ હોઈ શકે. એનો કલા-અંશ પૂરો પાડનાર તો અભિનેતાઓ જ છે. સાહિત્ય અને કલા બેઉનું મળીને જ નાટક બને છે. બે પક્ષની એ સંયુક્ત કૃતિ છે. ચોપડીનાં પાનાં પર તો એ કલેવર માત્ર જ છે. માટે જ નટમંડળીથી વેગળો બેસીને નાટક લખનારો લેખક ખાંડ ખાય છે. સારાંમાં સારાં નાટકો લખાયાં છે રંગભૂમિની સમીપ બેસીને જ. ચોપડીનાં પાનાં પર શોભતાં લાગેલાં અનેક સુંદર વાક્યો રંગભૂમિ પર નિષ્ફળ ઠર્યાં છે. આપણે ત્યાં તો નાટકો લખનારા જ મૂળ અલ્પ છે. અભિનેતાઓના સંપર્કમાં રહી લખનારા તો એકાદ-બે ટકા. શિષ્ટ લેખકોનો ને અભિનેતાઓનો મેળ આપણે ત્યાં નથી. એ મેળ મળશે, જ્યારે અભિનેતાઓ પોતાની દ્રવ્યપ્રાપ્તિની અંદર લેખકોનો પણ યોગ્ય હિસ્સો રાખતા થશે ત્યારે. આજે તો ભજવનારાંઓ — અહીં ‘એમેચ્યૂરો’ની વાત થાય છે — પડદા ખેંચનારા મજૂરોને મહેનતાણું આપે છે, ફક્ત ભજવવાની કૃતિઓ જ ‘મફતિયા’ વાપરે છે. બીજી બાજુ બુકસેલરો પોકારે છે કે નાટકોની ચોપડીઓ કોઈ લેતું નથી. ભજવનારા ને લખનારાની વચ્ચે આર્થિક હિતનો કોઈક મેળ વેળાસર યોજાય તો નાટ્યકૃતિઓનો સારો ફાલ જરૂર નીપજે. મુંબઈ : 1-3-’34 ઝવેરચંદ મેઘાણી