વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી ગુજરાતી સર્જકોનું સાહિત્ય

અમેરિકાવાસી ગુજરાતી સર્જકોનું સાહિત્ય :
અભ્યાસ અને મૂલ્યાંકન

‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ : વિવેચનાત્મક દૃષ્ટિથી, સર્જનમાં સાહિત્યરચનાઓમાં, નિરાંતે ઊંડા ઊતરીને લખાયેલા આ આસ્વાદ્ય અને મૂલ્યવાન સમીક્ષાગ્રંથના વિદ્વાન લેખક મધુસૂદન કાપડિયાને; એમની કલાદૃષ્ટિ, સૂક્ષ્મ સાહિત્યપદાર્થની ખેવના, નિષ્ઠાભરી નિસબત તથા કઠોર પરીક્ષણપૂર્ણ તાટસ્થ્ય છતાં ગુણગ્રાહી અભિગમ માટે થઈને સલામ કરવાનું મન થાય છે. લેખોનાં શીર્ષકો તો કર્તાનામે છે પણ લેખકે કર્તા અને એમની કૃતિઓના સમકાલીન જીવનસંદર્ભને વિસારે પાડ્યા વિના કૃતિકેન્દ્રી રહીને સદૃષ્ટાંત સમીક્ષાઓ રજૂ કરી છે. એમણે નોંધ્યું છે : ‘સમગ્રતયા મારો અભિગમ ગુણદર્શી જ રહ્યો છે. આ સાહિત્યકારોનું ગુજરાતી સાહિત્યમાં શું મૂલ્યાંકન અર્પણ છે તે દર્શાવવાનો મારો પ્રયત્ન છે. ટીકા જો કઠોરતાથી કરી છે તો પ્રશંસા પણ ઉમળકાભેર કરી છે.’

(પ્રસ્તાવના : પૃ. ૮)

આ અને બીજી આવી ઘણી મહત્ત્વની તથા ચાવીરૂપ બાબતો લેખકે પ્રસ્તાવનામાં નોંધી છે. આ ગ્રંથમાં સમાવિષ્ટ ૨૬માંથી લગભગ બધા જ સાહિત્યકારોની સાથે મધુસૂદનભાઈને ઘણો પરિચય છે, ક્યાંક તો ઘરોબો છે ને નિકટ મૈત્રી છે પણ કૃતિઓની મર્યાદા ચીંધતાં એમણે લેશ પણ ઉદારતા દાખવી નથી. જેવું છે તેવું ને જેવું લાગ્યું છે તેવું કદાચ કઠોર વાણીમાં પણ તદ્દન સુસ્પષ્ટ રીતે લખ્યું હોવાથી આ ગ્રંથ લાંબા સમય સુધી ડાયસ્પોરા-સાહિત્ય વિશેનો મૂલ્યવાન સંદર્ભગ્રંથ બની રહેશે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી, કેમકે એમાં એના લેખકની વિલક્ષણ કલાદૃષ્ટિ તથા પૂર્વપશ્ચિમના સાહિત્યના ખાસ્સા અભ્યાસથી સિદ્ધ થયેલ વિદ્વત્તા પણ ભળેલી છે. ને છતાં ગ્રંથનાં બધાં પ્રકરણોનું લેખન રસાળતાનો તથા રુચિપૂર્ણતાનો અનુભવ કરાવે છે. નિરાધાર કોઈ વાત નથી બલકે મૂળ કૃતિની ખોટ ન સાલવા દે એટલાં ને એવાં અવતરણો લઈને ભાવકને તલ્લીન રાખ્યો છે. આ બધા અર્થોમાં ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી રાર્જકો’ ગ્રંથ ગુજરાતી વિવેચનમાં નોંધપાત્ર બલકે વિશિષ્ટ ઉમેરણ બની રહે એમ છે. આપણે ત્યાં કેટલાક અતિ ઉત્સાહી સમીક્ષકો દરેક તબક્કે કમર બાંધીને ઝંપલાવવા તૈયાર હોય છે - એમને ઇતિહાસ થઈ જવાની ઉતાવળ હોય છે. ‘ડાયસ્પોરા’ વિશે પણ આવું કાચું કાપનારા બ્રિટન-અમેરિકામાં ફરી વળીને, આફરો ચઢેલાં સંપાદનો કરી રહ્યા છે. ‘ડાયસ્પોરા સાહિત્ય’ની બાબતમાં આંધળે બહેરું કૂટાઈ રહ્યું છે ત્યારે મધુસૂદનભાઈએ ‘ડાયસ્પોરા’ વિશે અહીં ઉચિત પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો છે અને સાહિત્યિકતા વિનાની કૃતિઓને, એવા મેદસ્વી કર્તાઓને પણ, દૂર રાખ્યા છે એ આનંદની વાત છે. ડાયસ્પોરા વિશે એમણે સોઈઝાટકીને લખ્યું છે : ‘ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે. ‘યહૂદીઓની પરાણે હાકલપટ્ટી’ એવો પુરાણો અર્થ તો હવે ભૂંસાઈ જવાની રાહમાં છે. માત્ર યહૂદીઓ જ નહિ, અન્ય પ્રજાઓનાં પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, જાતિ કે એવાં કોઈ પણ કારણ કે બહાના હેઠળ થયેલાં સ્થળાંતર એવો સીમિત અર્થ પણ આજકાલ રહ્યો નથી.’ (પ્રસ્તાવના : પૃ. ૮) મધુસૂદનભાઈની ડાયસ્પોરા વિશેની સમજ મૂળગામી છે એમ વ્યાપકતા માટે પણ એમાં જિકર કરવામાં આવી છે. એમણે સર્જકની સ્વાનુભૂતિ સાથે વ્યુત્પત્તિસિદ્ધ પ્રતિભાની પણ અપેક્ષા રાખી છે. કાવ્યપદાર્થ - કલાપદાર્થથી ઓછું એમને ખપતું નથી. જે જે લેખકો એમણે અહીં લીધા છે તે તે વિશે પણ એમની ફરિયાદ તો છે જ, ને એમાં વજૂદ છે. એ સ્પષ્ટપણે લખે છે : “ભારતીયો/ગુજરાતીઓએ તો સ્વેચ્છાએ ‘દેશવટો’ લીધો છે. મોટાભાગનાં ગુજરાતીઓ તો અંગત ઉત્કર્ષ માટે આવ્યાં છે. વર્ષો વીતતાં જાય છે તેમ વતનથી મૂળિયાં ઊખડતાં જાય છે. આ સ્થિતિમાં ઘરઝુરાપાની થોડીક સારી કૃતિઓ અવશ્ય મળી છે. પણ બસ, ડાયસ્પોરા એટલે માત્ર ઘરઝુરાપો, વતન-જન્મસ્થળ-માતૃભૂમિ માટેનો નોસ્ટેલ્જિયા? માત્ર વ્યતીતરાગ કહેતાં સમય માટેનો નોસ્ટેલ્જિયા? એમ જ હોય તો પછી અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં? સમન્વય ક્યાં? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં? અમેરિકાવાસી, કેટલાક ગુજરાતી સર્જકોની કૃતિઓ વસાહતીઓના સાંકડા વર્તુળમાં ફર્યા કરે છે, એમાં અમેરિકાની સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન, જીવનશૈલીનો અંશ સુધ્ધાં આલેખાયો નથી.”

(પ્રસ્તાવના : પૃ. ૯)

અલબત્ત, પન્ના નાયકની કવિતા-વાર્તામાં, ચન્દ્રકાન્ત શાહ તથા બાબુ સુથારની કાવ્યકૃતિઓમાં, હરનિશ જાની, ભરત શાહ, આર. પી. શાહ, સુચિ વ્યાસ વગેરેની ગદ્યરચનાઓમાં તથા પ્રીતિ સેનગુપ્તાના ‘મહાનગર’ અને અન્ય નિબંધોમાં ગુજરાતીઓના સંઘર્ષની સાથે અમેરિકન જીવનશૈલી ઈત્યાદિની વાતો સારી રીતે વણાઈ ગયેલી છે - ક્યાંક તો બંનેના સમન્વયની વાતો પણ થઈ છે. દા.ત. પન્ના નાયકની થોડીક વાર્તાઓમાં એ પમાય છે. નટવર ગાંધીનાં નગરકાવ્યો પણ - થોડાં બોલકાં બનીનેય – બંને સંસ્કૃતિઓની દર્દગાથા રજૂ કરવા મથે છે. અહીં નથી લેવાયા એવા - પોતાના દેશમાં, પ્રદેશમાં જ સર્જક તરીકેની નામના મેળવીને આવેલા મહત્ત્વના બે સર્જકો - મધુ રાય અને આદિલ મન્સૂરીમાં પણ, બે સંસ્કૃતિઓની વચ્ચે હેરાતાં સોરાતાં વસાહતીઓની વેદનાઓ - સંઘર્ષો વર્ણવાયેલાં છે. જો કે મધુ રાય વગેરેની આધુનિકતાવાદી લેખનરીતિ (બાબુ સુથારની ગદ્યરચનાઓમાં પણ એ છે) માટે મધુસૂદનભાઈ ઉમળકો દાખવી શકતા નથી; એમાં એ એમની રસરુચિની મર્યાદા આગળ ધરવા સાથે સાહિત્યકૃતિની પ્રત્યાયનક્ષમતા અને રસાર્દ્રતા - રસાળતા જેવા ગુણોનો પક્ષ લે છે ને તેમાં ખાસ્સું ઔચિત્ય પણ છે. ડાયસ્પોરા વિશેનું બદલાતું ચિત્ર મધુસૂદનભાઈએ અહીં વિગતે વર્ણવ્યું છે. એમની અપેક્ષા છે કે વસાહતીઓ પોતાની સમસ્યાઓની સાથે અમેરિકા કે અમેરિકનોને વિજ્ઞાન, ટેક્નોલોજીની સમૃદ્ધિ, ભોગવિલાસ, એમની લોકશાહીની સફળતા અને મર્યાદા; એમની કલાપ્રવૃત્તિઓ, વસાહતીઓ માટેનું ઔદાર્ય; પ્રજાજીવનનું ઉત્થાન તથા પતનના સંદર્ભમાં આ સૌને સમજે. બે પેઢી વચ્ચેના સંઘર્ષો સાથે સ્વદેશ ગુમાવ્યાની અને યજમાન દેશથી વિખૂટા જ રહ્યાની પીડા ડાયસ્પોરા સાહિત્યનું કેન્દ્ર બનવું ઘટે. વળી આજના જેટ વિમાન, બહુરાષ્ટ્રીય કંપનીઓ તથા ઇન્ટરનેટના યુગનું ડાયસ્પોરા સાહિત્ય તો નોખાં નોખાં સ્વરૂપોનું હોઈ શકે. આ અપેક્ષાઓ સાથે લેખકે સર્જકોને જોયા-જણાવ્યા-મૂલવ્યા છે. એટલે સારાનો આસ્વાદ કરાવ્યો છે ને ઊણપો માટે ઠીક ઠીક ટપલીઓ મારી છે. તદ્વિદોને આહ્લાદ આપનારું સર્જન અહીં ઓછું જ મળ્યું છે. એનાં દેખીતાં કારણો બે છે : એક તો “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની સૌથી ગંભીર મર્યાદા સાહિત્યિક સજ્જતાનો અભાવ.” બેચાર સર્જકોનો અપવાદ બાદ કરતાં ઘણાનું વાચનદારિદ્રય હેબતાઈ જવાય એવું છે. ભારતીય સાહિત્ય તો દૂર, ગુજરાતીનું ઉત્તમ સાહિત્ય પણ ઘણાંએ નથી જ વાંચ્યું. બીજી વાત તો પ્રતિભાબીજની માવજત કરવા તરફ બેદરકારીની. સર્જક વ્યુત્પત્તિશીલ હોય અને સાંસ્કૃતિક પરંપરાઓ ઉપરાંત બીજા અનેક વિષયોમાં જાણકારી મેળવી સજ્જ થયો હોય. આવી સજ્જતાના અભાવમાં લેખકો વિશ્વસનીયતા જ ગુમાવી બેસે છે. એ બધાંની વચ્ચે આપણને જે વસાહતી-લેખકો મળ્યા એમાંના ૨૬ લેખકોના સર્જનને મૂલવતો આ ગ્રંથ વાંચતાં વાંચતાં બીજા પણ મૂલ્યવાન અનુભવો થાય છે. યંત્રયુગથી ઓળખાતી વીસમી સદીનો શાપ કૈંક આવો છે : માણસો કમાવા માટે દેશદેશાવર ગયા - વતનવિચ્છેદ પામ્યા… ને જ્યાં જઈ વસ્યા ત્યાં લાગણીઓ — સંબંધોની અસલ ભૂમિકાને ‘ત્યાંના’ ન થઈ શક્યા. એ રીતે ઉન્મૂલિત રહ્યાની વેદના – પીડા આ બધા સર્જકોનો જાણે સ્થાયીભાવ છે. અલબત્ત, પન્ના નાયકમાં એ સવિશેષપણે પ્રગટ્યો છે. દેશમાં એમને કવિતાની કૂંપલ કદી ન ફૂટી અને વિદેશ વસવાટમાં કાવ્યસર્જને જંપવા ન દીધાં! આ કવયિત્રી ખરા અર્થમાં ‘વિદેશિની’ છે. લેખકે લખ્યું છે : ‘…પરંતુ પન્નાએ ભારતમાં નહિ, અમેરિકામાં વસીને કાવ્યોનું, ઉત્તમ કાવ્યોનું સર્જન કર્યું. આ મહતો મહિયાન્ આપણા આશ્ચર્યનો વિષય છે.’ (પૃ.૨) જીવન વિષમતાઓથી ભરેલું છે. ચક્રવાકીની (કાન્તની) જેમ માણસ ચિરકાળ પ્રેમનો સૂર્ય ઝખે છે પણ આ સંસારમાં એકાકી રહીને તડપવાનું પણ માનવનિયતિનો જ અનિવાર્ય હિસ્સો છે. પન્ના નાયકની કવિતાનું આ એક ધ્રુવપદ છે. મધુસૂદનભાઈની જેમ, કોઈને પન્ના નાયકમાં ભાવસંવેદનોની એકવિધતા લાગે તો એમાં સચ્ચાઈ છે. એક ભાવસંવેદના વારે વારે જુદી જુદી તરેહોમાં ગૂંથાઈ - ઘૂંટાઈને સઘન અનુભવ કરાવે છે તે વાત નોંધવા સાથે હું તો એમ પણ ઉમેરું કે પન્ના નાયકના સર્જનમાં, પામીને – પ્રેમ મેળવીને (ચાહ્યા છતાં) ગુમાવવાનું આવે છે એ વ્યથા શોક રૂપે ને ક્યાંક તો કરુણ સુધી પહોંચીને પ્રભાવિત કરે છે. થોડીક વાર્તાઓમાં પણ આવો અનુભવ થાય છે. પન્ના નાયકની કવિતામાં ‘એકલતાનો, પરાયાપાણાનો, સ્વજનહીનતાનો, અમૈત્રીનો, યાંત્રિક એકવિધતાનો, અસ્થિરતાનો અને પ્રેમના અભાવનો’ (પૃ. ૪) ભાવ જુદી જુદી રીતભાતે ઘૂંટાયો છે. આ નિરીક્ષણ આપણને કેન્દ્રવર્તી જરૂર લાગે છે. પણ એક પ્રશ્ન અહીં આપણી સામે આવીને ઊભો રહે છે તે વિશે વાત કરીએ. આપણે કલાપી વગેરેની કવિતાને એમના અંગત જીવન સાથે જોડીને જાણી માણી-નાણી છે; એનાં કારણો પણ હતાં. મધુસૂદનભાઈએ, પન્ના નાયકની ઘણી રચનાઓનાં ઉદાહરણો લઈને, પન્ના નાયકના અંગત - નર્યા અંગત જીવન સાથે એમની કવિતાને જોડીને તપાસી આપી છે. પન્ના નાયક આજે એ વાતો સાથે સંમત હોય કે ન પણ હોય; પણ પન્ના નાયકનાં આવાં કાવ્યોનું સંવેદનવિશ્વ, આજે તો, બીજાંઓનું પણ હોઈ શકે છે; ત્યારે આવું સંધાન રચીને કવિતા-વાર્તાને જોવાથી, જે તે રચના વિશે શું આપણી આસ્વાદભૂમિકામાં કશું નવું પરિમાણ ઉમેરાય છે ખરું?? પૃ. ૧૧ ઉપરની એમની ઉક્ત વાતમાં સચ્ચાઈ હોવા છતાં એમનું એ ‘જેશ્વર’ વધુ ચર્ચા માગે છે જેનો અહીં અવકાશ નથી. કવિતામાં પન્ના નાયકે નિખાલસપણે કષ્ટદાયી અંગત એકરાર કર્યાનું લાગે છે પણ વાર્તાઓમાં એવું સંવેદનવિશ્વ પ્રમાણમાં પરલક્ષિતાથી કે તાટસ્થ્યથી પ્રગટ્યું છે. છતાં નોંધવું જોઈએ કે આ વાર્તાઓમાં જાતિયતાનું સાહસિક નિરૂપણ ગુજરાતી વાર્તા માટે પુનઃ વિચારવા પ્રેરે એવું છે. મધુસૂદનભાઈએ આનો નિર્દેશ કર્યો છે ને તેંતાળીશ પાનાંના (આ ગ્રંથના) સૌથી લાંબા લેખમાં વાર્તાને છ પાનાં ફાળવીને ૩૭ પાનાં પન્નાની કવિતાને આપ્યાં છે. અહીં આસ્વાદાત્મક અભિગમ હોવા છતાં ‘ક્રિટિકલ એપ્રોચ’ પણ છે. પન્ના નાયકનાં ગીતો વગેરેની મર્યાદાઓ સચોટ રીતે બતાવાઈ છે. ગુજરાતી વિવેચનમાં પન્ના નાયક વિશે (તથા અન્યો વિશે પણ) આટલું વિસ્તારથી અને આવી અભ્યાસપૂર્ણ જવાબદારીથી પહેલી જ વાર લખાયું છે એની નોંધ લેવી ઘટે. આ ગ્રંથનો બીજો મહત્ત્વનો તથા લાંબો (૨૬ પેજ) અભ્યાસલેખ પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસનિબંધો (ચૌદ પેજ) તથા કવિતા (બાર પેજ) વિશેનો છે. મધુસૂદનભાઈ પાસે માર્મિક કથન કરવાની સહજ સિદ્ધિ છે; લાઘવથી પણ એ ઘણી વાર કહી શક્યા છે. જેમ કે પ્રીતિને ‘પ્રવાસિની’ તરીકે ઓળખાવીને એમનાં પ્રવાસ-સાહસોને એક કરતાં વધારે દૃષ્ટિકોણથી તપાસ્યાં છે – પ્રશંસ્યાં છે. પ્રવાસનિબંધની અનિવાર્ય શરતોને ગણાવીને એમણે પ્રીતિ સેનગુપ્તાનાં પ્રવાસપ્રેમ, પરિપ્રેક્ષ્ય, નિસબતને તથા પ્રવાસની ઐતિહાસિક પશ્ચાદ્ભૂ, એમાંનાં વ્યક્તિચિત્રો, સૌન્દર્યદૃષ્ટિ તથા ગદ્યશૈલી અને મર્યાદાઓને પણ સદૃષ્ટાંત ચીંધી બતાવ્યાં છે. મધુસૂદનભાઈની અભ્યાસદૃષ્ટિ તથા સાહિત્યિક નિષ્ઠાનો પરિચય અહીં તથા બધા લેખોમાં થતો રહ્યો છે. પ્રીતિનાં અછાંદસ કાવ્યોની તાકાત દર્શાવતાં તેમણે કવયિત્રીની અંતરંગ દુનિયા તથા વ્યક્તિત્વના બહિરંગ દર્શાવતાં કાવ્યોનો આસ્વાદ્ય પરિચય કરાવ્યો છે. નિરાશા, વતનઝુરાપો, એકલતાની વ્યથા, નિઃસંગ વેદના, વિશિષ્ટ નારીસંવેદનાઓ વગેરે ભાવોર્મિઓને વર્ણવતી પ્રીતિની કવિતા તરફ ઉચિત રીતે જ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જોકે એમણે કવયિત્રીની કાવ્યવિભાવનામાં રહેલી મુશ્કેલીનો નિર્દેશ કરીને એક વિશ્વપ્રવાસિનીનાં પ્રવાસકાવ્યોની આઘાતજનક નિષ્ફળતાની પણ સ્પષ્ટ નુક્તેચીની કરી છે. કવિતા, ડાયરી કે સપાટ વર્ણન બની જાય તે ન ચાલે એવી વાત ખૂબ આવકાર્ય છે. ‘પ્રીતિ સેનગુપ્તા જન્મે ગુજરાતી, લગ્ને બંગાળી, નિવાસે અમેરિકન છે અને પ્રવાસે વિશ્વનાગરિક છે’ આવો ઉમળકો દર્શાવીને લેખકે પ્રીતિની રવીન્દ્રપ્રીતિની જિકર કરી છે અને લેખિકાનાં ઉત્તમ પ્રવાસવર્ણનોમાં આપણને શરીક કર્યા છે. આવાં ભાવભર્યાં છતાં ક્રિટિકલ તથા અભ્યાસી મૂલ્યાંકનો આજે તો વિરલ વસ છે. હાસ્યકાર તરીકે હરનિશ જાનીની હાસ્યપ્રધાન વાર્તાઓ વિશે તથા એમના હાસ્યપ્રધાન લેખો – નિબંધો વિશેનાં શ્રી મધુસૂદનભાઈનાં નિરીક્ષણો તંતોતંત સાચ્ચાં અને મૂળગામી તથા મૂલ્યાંકનકેન્દ્રી રહ્યાં છે. નિર્દંશ પ્રસન્નતા વધુ અને કટાક્ષો ઓછા; હાસ્યકારની નિરીક્ષણશક્તિ તથા વક્રદૃષ્ટિની નોંધ લેવા સાથે વાર્તાઓના ડંખ કે ચોટવાળા અંતની ટીકા કરતાં એમણે એવા અંતને કાલગ્રસ્ત અને કૃત્રિમ ગણાવ્યા છે એમાં સંપૂર્ણ ઔચિત્ય છે. કિશોર મોદી અને સુધીર પટેલનું કાવ્યસર્જન અહીં—ગુજરાતમાં હતા ત્યારથી જ પ્રારંભાયું હતું અને એમાં પણ કિશોર મોદીનાં સૂરતી બોલીમાં લખાયેલાં “એઈ વિહલા’ ગુચ્છનાં ઘણાં કાવ્યો તો ૧૯૮૦-૮૫ના ગાળામાં ધ્યાનપાત્ર બન્યાં હતાં. જોકે કિશોર મોદી અને સુધીર પટેલની પ્રમાણમાં ઓછી જ રચનાઓ કાવ્યગુણે સમૃદ્ધ છે... મધુસૂદનભાઈનો પક્ષપાત લાગે એવો ઉમળકો આ બે કવિઓ ઉપરાંત વિરાફ કાપડિયા, શકુર સરવૈયા વગેરેની રચનાઓ વિશેની વાતમાં પણ વર્તાયા વિના રહેતો નથી. એ જ રીતે પ્રીતમ લખલાણી પણ પ્રમાણમાં મધ્યમતામાં રાચતા અને આમ ઝાઝું પણ ઓછું ધ્યાનપાત્ર લખનારા સર્જકની શ્રી મધુસૂદનભાઈએ જે રચના- સમીક્ષા કરી છે એ સાથે ઝટ સંમત થવાતું નથી. શ્રી લખલાણીની કેટલીક સારી રચનાઓ જરૂર છે – જેની નોંધ સદૃષ્ટાંત લેવાઈ છે; પણ કેટલીક વાર એમની કવિતામાં સુરેશ દલાલ બોલતા સંભળાય છે. ખેર… આ જ રીતે મધુમતી મહેતાનાં ગીતો / ભક્તિગીતોમાં પૂર્વજ કવિઓના અવાજો સંભળાય છે એની થોડીક નોંધ લેવાઈ છે. ગઝલકાર તરીકે અશરફ ડબાવાલાનો બળૂકો અવાજ છે; એનાં ઉદાહરણો સાથે થયેલી ચર્ચા હૃદ્ય છે. ભરત ઠક્કરનાં થોડાંક છંદોબદ્ધ કાવ્યોનું કવિત્વ પણ સદૃષ્ટાંત તારવી બતાવાયું છે એ પણ ભાવકને ભીંજવે એવી રસાળ શૈલીમાં! આ ગ્રંથનું એક મહત્ત્વનું પ્રકરણ છે ભરત શાહની લઘુનવલ ‘સમીપે’ની સમીક્ષાનું. કર્તાનું અંગત જીવન નિર્દેશીને સમીક્ષાને વધારે આસ્વાદ્ય બનાવી શકાઈ છે. કથા-અભિવ્યક્તિની ધાર તથા તાજપ; પાત્રનિરૂપણ, જીવનસંઘર્ષ, માનવનિયતિનું દર્શન: આ બધાં વાનાં શ્રી મધુસૂદનભાઈએ સહજ રીતે ગૂંથી લઈને સમીક્ષાને મૂલ્યાંકન સુધી લઈ જઈને, મર્યાદાઓ બતાવીને છેવટે વિવેચનામાં પલટી દીધી છે. એક વિવેચક કેટલી નિસબતથી, કેવી ભાવાર્દ્રતાથી વાત માંડે અને તોય તટસ્થ મૂલ્યાંકન આપી શકે એનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. નટવર ગાંધી, ઈન્દ્ર શાહ, ચન્દ્રકાન્ત શાહ, ઘનશ્યામ ઠક્કર તથા આર. પી. શાહનાં સર્જનો—કૃતિઓ વિશેની ચર્ચા પણ વધુ મૂળગામી, કલાપદાર્થને ચીંધતી, વિવેચનાત્મક અને રસાળ બની છે એ વાતે ઘણો આનંદ થાય છે. કૃષ્ણાદિત્ય, રાહુલ શુક્લ, કિશોર રાવળ, કમલેશ શાહ, આનંદ રાવ લિંગાયત, સુચિ વ્યાસ અને જયશ્રી મરચન્ટની કૃતિઓ વિશેની ચર્ચા પણ, ગુણ-મર્યાદાના વિવરણથી સાધાર તથા સંતુલિત બની છે. આ લેખકોમાં વિશેષો ઓછા છે ને એમનું લેખન ઓછું ધ્યાનપાત્ર છે એવો ધ્વનિ દૃષ્ટાંતોમાંથી પણ આપણને મળી રહે છે - વાચકની સજ્જતા અહીં અપેક્ષિત છે. શ્રી બાબુ સુથારનું સર્જન-લેખન પણ ગુજરાતમાં હતા ત્યારથી જ, પ્રયોગશીલતા અને રૂઢિભંજકતાના સંદર્ભે ચર્ચામાં રહેલું છે. શ્રી શિરીષ પંચાલે મહદંશે એમની ‘ઘરઝુરાપા’ની કવિતાને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. બાબુ સુથારની એ અગાઉની (‘ગુરુજાપ અને માંલ્લુ’, ‘સાપફેરા’) કવિતામાં લોકતત્ત્વોનો નોખી ભાતે થયેલો વિનિયોગ અહીં વણનોંધ્યો રહી ગયો છે. એ જ રીતે એમની નવલો, વાર્તાઓ, રેખાચિત્રો વગેરેની થોડીક વિગતે નોંધ લેવાઈ હોત તો સારું થાત. પ્રયોગશીલતાની જગ્યા આધુનિકતાના ગાળા પછી પણ લેખક ખપમાં લઈ શકે છે. દુર્બોધતા પણ જો વિલંબિત પ્રત્યાયન પછી પણ કશુંક અર્થપૂર્ણ સંપડાવી આપતી હોય તો એની સમીક્ષા થવી ઘટે. અલબત્ત, વિવેચકને પોતાનાં રસરુચિ બાધ્ય કરે તો એ કશુંય ભળતું કહેવા કરતાં એ વિશે ન બોલે તો એ એનો અધિકાર છે. મધુ રાય તથા આદિલ મન્સૂરીએ અમેરિકાનિવાસ દરમિયાન થોડીક મહત્ત્વની રચનાઓ કરી છે. આદિલની ગઝલોમાં બે ભિન્ન સંસ્કૃતિઓ/સંસ્કારો તથા નોખાં જીવનવલણો વચ્ચેનો સંઘર્ષ છે. મધુ રાયનાં નવલકથા-નાટકવાર્તામાં પણ એવાં સંઘર્ષાત્મક વલણોનું વર્ણન છે… અન્ય સર્જકોમાં રોહિત પંડ્યા તથા વસુધા ઇનામદાર (જેમ સુચિ વ્યાસ છે એમ વસુધા ઈનામદાર પણ હોવાં જોઈતાં હતાં) — ઇત્યાદિ વિશે એક પ્રકરણમાં કે પરિશિષ્ટમાં નોંધ લેવાઈ હોત તો સારું જ થાત એમ આ લખનારને લાગ્યું છે. ખેર...! આ ગ્રંથ – ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ - મધુસૂદન કાપડિયાનાં અભ્યાસ, વિદ્વત્તા, કલાપદાર્થ માટેની ખેવના, સર્જન સાથેની નિસબત, સૂક્ષ્મ જોવાની વિવેચકદૃષ્ટિ, વિવેચન પણ કેવું મર્મગામી બનવા સાથે રસાળતા દાખવે છે એવો અનુભવ : વગેરેને ચીંધે છે. વિવેચક, નવલરામે કહ્યું હતું તેમ, સમભાવી છતાં તટસ્થ રહીને કૃતિને ન્યાય કરનારો હોય છે -એ વાત આ ગ્રંથ વાંચતાં સાચી પુરવાર થાય છે. એક ઉત્તમ વિવેચનાત્મક ગ્રંથ મળવા સાથે એક તેજસ્વી દૃષ્ટિવંત વિવેચકનો પણ આપણને પરિચય થાય છે… એટલે એમને સલામ!!

મણિલાલ હ. પટેલ