વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/એકૅડેમી દશાબ્દી પ્રસંગે - એક સિંહાવલોકન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એકૅડેમી દશાબ્દી પ્રસંગે - એક સિંહાવલોકન

“જગતેર આનંદયજ્ઞે આમાર નિમંત્રણ.”
-રવીન્દ્રનાથ ટાગોર

કાવ્યસાહિત્યના વિશ્વના સૌન્દર્યની - આનંદની અનુભૂતિ ભાવકોને થાય, સર્જકો અને સહૃદયો વચ્ચે સેતુબંધ સ્થપાય, એ જ ગુજરાતી લિટરરી એકૅડેમીનું પ્રયોજન, એ જ એનું લક્ષ્ય, એ જ આ સંસ્થાના અસ્તિત્વનું સાર્થક્ય. આજે જ્યારે એકૅડેમી દસ વર્ષ પૂરાં કરે છે ત્યારે એના સમૃદ્ધ ભૂતકાળને જરા પાછળ નજર કરીને જોઈ લેવો, એકૅડેમીની અકલ્પ્ય સફળતાને માણવી, એનાં મીઠાં સંસ્મરણોને વાગોળવા એ માટે આ યોગ્ય અવસર છે.

અતિથિ દેવો ભવ

એકૅડેમીની સ્થાપના થઈ ત્યારથી જ એક ઉત્તમ નિર્ણય લેવાયો હતો : દર વર્ષે એકૅડેમીએ એક મૂર્ધન્ય સાહિત્યકારને નિમંત્રણ આપવું અને અમેરિકા કેનેડામાં એમનાં પ્રવચનો-કાવ્યપઠનો ગોઠવવા. આપણું એ પરમ સૌભાગ્ય હતું કે આ પ્રવૃત્તિનો મંગલારંભ શ્રી મનુભાઈ પંચોળી - ‘દર્શક’ જેવી વિભૂતિથી થયો. એકૅડેમીનું નિમંત્રણ સ્વીકારીને આવેલા સાહિત્યકારોની યાદી જ કેટલી જવલંત છે! :

૧. મનુભાઈ પંચોળી -‘દર્શક’
૨. હરીન્દ્ર દવે
૩. નિરંજન ભગત
૪. ઉમાશંકર જોશી
૫. ચિનુ મોદી
૬. મનોજ ખંડેરિયા
૭. પ્રદ્યુમ્ન તન્ના
૮. મકરંદ દવે
૯. કુન્દનિકા કાપડિયા
૧૦. રઘુવીર ચૌધરી

આ સૌનાં સંસ્મરણોને વાગોળવા બેસીએ તો લેખ નહિ, પુસ્તક થાય. આપણે થોડીક અલપઝલપ ઝાંખી જ કરીશું.

‘દર્શક’

દર્શક એકૅડેમીના અતિથિ તરીકે તો સૌપ્રથમ આવ્યા જ, પણ પછી ફરીથી બીજી બે વાર એમના સત્સંગનો, એમની વિદ્વત્તાનો, એમની અમૃતવાણીનો આપણને લાભ મળ્યો. બીજી વારનું નિમંત્રણ ભારતીય વિદ્યાભવને કનૈયાલાલ મુનશીના સમારંભ માટે આપેલું. એ પ્રસંગે મુનશીની વિખ્યાત નવલકથાત્રયી – ‘પાટણની પ્રભુતા’, ‘રાજાધિરાજ’ અને ‘ગુજરાતનો નાથ’ - વિશેનું એમનું ઐતિહાસિક દર્શન જેટલું મૌલિક હતું એટલું જ તલાવગાહી અને પારગામી હતું. ત્રીજી વાર ‘દર્શક’ને ઇંગ્લેન્ડ આવવાનું થયું, ત્યારે ફરીથી આપણા આગ્રહને વશ થયા. આ પ્રસંગે ‘મહાભારત’ પર એમની વ્યાખ્યાનશ્રેણી દાર્શનિક અને પ્રેરણાદાયી હતી. પહેલી વાર દર્શક આવેલા ત્યારે તો એકૅડેમીએ તેમનો પૂરો કસ કાઢ્યો હતો – આખા અમેરિકામાં અનેક સ્થળોએ વિધવિધ વિષયો ઉપર એમના વાર્તાલાપો યોજાયા હતા. કાવ્ય-સાહિત્યના વિષયો તો ખરા જ, પણ ઈતિહાસ, રાજકારણ, કેળવણી, ધર્મ, સંસ્કૃતિ વગેરે અનેક ક્ષેત્રોમાં દર્શક એકસરખા સામર્થ્યથી વિહરે છે. આ પ્રસંગે પણ એમની વ્યાખ્યાનત્રયી-સદ્ભિઃ સંગ, લોકશાહી અને નઈ તાલીમ - સૌથી વિશિષ્ટ હતી. એકૅડેમીની ભાગ્યરેખા અત્યંત બળવાન છે એમ ચિનુ મોદી એકૅડેમીની કુંડળીને આધારે ભાખે છે! શું ગુજરાતી લિટરરી એકૅડેમી, કે શું ગુજરાતી સાહિત્ય પરિષદ, કે કોઈ પણ સાહિત્યસંસ્થા સર્જનાત્મક કૃતિને જન્મ ન આપી શકે, પણ સર્જનની પ્રક્રિયાને, સર્જનનાં પરિબળોને વેગ જરૂર આપી શકે. દર્શકની એક નહિ, બે નહિ, પણ ત્રણ ત્રણ ઉત્તમ કૃતિઓનાં સર્જનમાં એકૅડેમીને નિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. એકૅડેમીએ બીજું કશું જ હાંસલ ન કર્યું હોત અને માત્ર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નો ત્રીજો ભાગ, જેની સમસ્ત ગુજરાત પચીસથીયે વધુ વર્ષોથી રાહ જોતું હતું, તેના સર્જનમાં એકૅડેમી નિમિત્તરૂપ બની હોત તોપણ એકૅડેમીનું અવતારકૃત્ય પૂરું થયું હોત. વિસ્તારભયનું જોખમ વહોરીને પણ દર્શકની ત્રણ કૃતિઓની પ્રસ્તાવનાના થોડાક શબ્દો અહીં ટાંક્યા છે :

સદ્દ્ભિ: સંગ:

“દરમિયાનમાં ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમીના આમંત્રણથી મારે અમેરિકા જવાનું થયું. ભાઈ મધુસૂદન કાપડિયા અને સુશીલાબહેન કાપડિયા વિદગ્ધ સાહિત્યરસિકો. વળી મધુસૂદન એકૅડેમીના ઉપપ્રમુખ; તેમણે ‘ઝે.પી.’નો ત્રીજો ભાગ તેમના ઘેર પૂરો કરવાનો ભારે પ્રેમાગ્રહ કર્યો. બે-ત્રણ મહિના તેમના ઘેર જ રોકાઈને પૂરું કરીને જ જાઉં અને તે માટે મારાં પત્નીને પણ બોલાવવાની ગોઠવણ કરવાની તૈયારી કરી. મેં તેમને ચેતવ્યા કે, ‘મને તો લખવું ગમે, પણ કોઈ પણ લલિત સર્જન એમ ફરમાન કે વિનંતીથી થતું નથી; તે તો માયલો જાગે ત્યારે બને છે. શાહી-કલમ-કાગળ કે એકાંત કે સહવાસ તેમાં કામ આવતાં નથી.’ તેઓ તો સમજે તેવા હતા જ એટલે પછી કહ્યું કે, ‘લલિત સર્જન માટેની તમારી દલીલ તો ગળે ઊતરે છે, પણ લખવાનું તો તમને ગમે તેવું કહ્યું તો પછી તમે સંસ્થાની કથા લખવા માગો છો તે કાંઈ લલિત સર્જન નથી. તે તો લખો, નહિતર તમે બોલીને ફરી ગયા તેમ માનું.’ ‘હું સપડાયો. વાત તો સાચી હતી. ન લખું તો મારી આળસને કારણે જ નથી લખતો તેમ મારે સ્વીકારવું રહ્યું. એટલે તૈયાર થયું આ લખાણ. અમેરિકામાં વ્યાખ્યાન કે વાર્તાલાપો તો શનિ-રવિ જ રખાય; પાંચ દિવસ કોઈ માથું પણ ઊંચું ન કરી શકે તેવું કામ સૌને હોય; એટલે મારી પાસે જો આજુબાજુ કાંઈ જોવાનું ન હોય તો વખત હતો. વધુ રોકાવાનો તો પ્રશ્ન જ ન હતો; આટલો સમય તો હું કારાવાસ સિવાય કદી સંસ્થાની બહાર રહ્યો ન હતો. પણ વચલા દિવસોમાં નવરાશે આ લખાયું અને આજે પૂરું થાય છે; તેમાં સાર જેવું હોય તો વાચકો શ્રી મધુસૂદન તથા સુશીલાબહેનનો આભાર માનશે.”

ઝેર તો પીધાં છે જાણી જાણી

“બીજા અને ત્રીજા ભાગ વચ્ચે તો ખાસ્સાં પચ્ચીસ વર્ષથીયે વધારે વર્ષ વીત્યાં. વીતવા જોઈતાં જ હતાં તેમ ખાતરીપૂર્વક ન કહી શકું. કારણ કે મારી પાસે તેનો નકશો સ્પષ્ટ હતો. છેક ૧૯૫૩માં ત્રીજા ભાગનું છેલ્લું પ્રકરણ લખાઈ ગયેલું. આ વર્ષોમાં બીજું લખાયું, ‘સોક્રેટીસ’ જેવી પ્રૌઢ કૃતિ પણ લખાઈ, અને છતાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’-નો વારો ન આવ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે અમેરિકા ગયો. ત્યાં ગુજરાતી સમાજે બધે સ્થળે ત્રીજા ભાગની માગ કરી. તેમનું કહેવું જાણે એવું હતું કે ‘સોક્રેટિસ’ની એસ્પેશિયા કે મીડીઆ ઠીક હતા, તેની રીતે ઉત્તમ હતાં, પણ તેમને તો રોહિણી જોઈતી હતી. શું થયું તેનું અને સત્યકામનું? ‘દીપનિર્વાણ’ની કૃષ્ણા, ‘બંધન અને મુક્તિ’ની સુભગા સંભારવા જેવી જરૂર પણ તેનું હવે સાર્થક્ય શું? જેને તમે ગિરનારની ટૂક પર સાખી અને શબ્દને આધારે મૂકી આવ્યા છો તેનું પછી શું થયું? અને પેલો અંધ સત્યકામ. જેને તમે ન માની શકાય તેવું દેખતો કર્યો છે તે ક્યાં છે? આ બેઉ કદી મળવાનાં કે નહીં? કે હવે તમે જ મૂંઝાઈ ગયા છો?” લિવિંગ્સ્ટનમાં સાહિત્યરસિક ભાઈ મધુસૂદને ઘણું આતિથ્ય કર્યું, પણ છેવટે ઉઘરાણી કરી, પઠાણી વ્યાજની જેમ તકાદો કર્યો ત્રીજા ભાગનો. “શાનું મોડું કરો છો? તમે શું અમર છો?” તેનાં વેણ તો ચાબુક જેવાં હતાં. થયું કે હવે છૂટકો નહીં થાય. જાતે જ ઊભી કરેલી અનેક જંજાળોની જાળને પાંખી કર્યા સિવાય છૂટકો નથી. અને શરૂ કર્યું.”

કુરુક્ષેત્ર

"૨૭ વર્ષ પહેલાં સ્વ. શ્રી મડિયાએ એક રૂડું માસિક ‘રુચિ’ કાઢ્યું. અને મારી પાસે મિત્રદાવે કંઈક માંગ્યુ. મેં ભારે હોંશથી ‘કુરુક્ષેત્ર’ શરૂ કર્યું. વાંચનારાને તે ધ્યાનાકર્ષક, રસપ્રદ નીવડ્યું. પણ જેમ ‘સોક્રેટિસ’ ને ‘ઝેર તો પીધા...’નું થયું તેમ આઠ પ્રકરણો લખાયાં. પછી આગળ લખવાનું ન બન્યું. ત્યાં ભાઈ મધુસૂદને ત્રીજી વાર અમેરિકા આવવાનું નિમંત્રણ મોકલ્યું – અને રસજ્ઞ જીવ તરીકે ત્યાં જ રહી ‘કુરુક્ષેત્ર’ પૂરું કરવાનું લખ્યું. એક કુરુક્ષેત્ર - કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર તો ખેલાઈ ચૂક્યું હતું અને એનાં સંવેદનો મેં ‘દીપનિર્વાણ’ અને ‘ઝેર તો પીધાં છે’માં ઝીલ્યાં અને આવર્તિત કર્યાં હતાં - પણ તે કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર હતું. મારે ‘કુરુક્ષેત્ર’માં કૃષ્ણનું દર્શન કરવું હતું. એટલે પૂરું કરવાની હોંશ ખરી ને ભાવ પણ ખરો - પણ ભય હતો. ૨૭ વર્ષ પછી અનુસંધાન થશે? રેણ સરખું ન થાય તો? આવી શંકા-આશંકા વચ્ચે મધુસૂદનનું નિમંત્રણ સ્વીકાર્યું. બીજાં સ્થળોએ ‘મહાભારત’ પર જ વાર્તાલાપો આપવાના હતા, એટલે યાત્રાના સમગ્ર સંદર્ભ સાથે ‘કુરુક્ષેત્ર’નો મેળ બેસે તેમ હતો. સુશીલાબહેન અને મધુસૂદન કાંઈ શ્રીમંત નહિ. રોજનું કમાઈ ખાનાર-ખવરાવનાર. તેમનું શાંત-સુઘડ ઘર, આજુબાજુ ઝાકળભીની હરિયાળી – અને પછવાડે નાનકડું વન. સવારે હરણાંય આવે. ઔદ્યોગિક અદ્યતન યાંત્રિક સંસ્કૃતિ. તેની વચ્ચે કણ્વાશ્રમનાં હરણાં નિરાંતે ચરે-ફરે. તે પણ આમાં ગોઠવાઈ ગયાં. સાત દિવસ - ફક્ત અઠવાડિયું જ. ને કામ હરિકૃપાથી પૂરું થયું. ઠીક થયું છે કે નહીં તે વાચકો-વિવેચકો ઠરાવે, પણ મધુસૂદન અને સુશીલાબહેન બંને મૂળે ગુજરાતીના જ અધ્યાપકો. તેમને ઘણું ગમ્યું એટલે મનેય થયું કે ચાલો, બે રસજ્ઞોનો તો પરવાનો મળ્યો!”

હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે કવિ, નવલકથાકાર, વિવેચક, પત્રકાર, તંત્રી અને બીજું બધું. પણ આ બધાથીયે પર, ‘સાબાર ઉપર માનુષ બઢ’. હરીન્દ્ર એટલે સૌજન્ય અને સૌમ્યતાની મૂર્તિ, હરીન્દ્ર શિકાગોના એરપૉર્ટ પર ઊતરે ને કોઈ લેવા આવ્યું ન હોય ત્યારે પણ “એમાં તમારો શો દોષ” એમ કહીને સામેથી અમને સધિયારો આપે અને “મને થોડુંક નવું શીખવાનું મળ્યું. એરપૉર્ટ પરથી કેવી કેવી રીતે ટેલિફોન થાય” એમ કહીને એમાં પણ to see good in everything જેવી ઉદારતા દાખવે. હરીન્દ્ર સિવાય બીજા કોઈનું આ ગજું નહિ. હરીન્દ્રના જાહેર વાર્તાલાપોમાં કાવ્યસાહિત્ય ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, શ્રીકૃષ્ણ, રાજકારણ વગેરે અનેક વિષયો ખેડાયેલા. ગઝલ ઉપરનો એમનો સૌથી સ્મરણીય વાર્તાલાપ. હરીન્દ્રનાં ગીતોનો કાર્યક્રમ રાખેલો અને તે તે ગીતો વિશે પૂર્વભૂમિકા રૂપે હરીન્દ્રભાઈ થોડુંક બોલે એવો ઉપક્રમ રાખેલો. પણ હરીન્દ્ર જેનું નામ – માંડ માંડ થોડુંક બોલે; રખેને પોતાની કૃતિની કંઈ પ્રશંસા થઈ જાય! વિદાયસમારંભ વખતે હરીન્દ્રનું કૃતજ્ઞતાથી છલકાતું પ્રવચન તો અવિસ્મરણીય. હરીન્દ્રભાઈએ એક કથાપ્રસંગ ટાંકેલો. એક ઘવાયેલો સૈનિક દુશ્મનોની હરોળ વટાવીને પોતાના સૈન્ય ભણી મહામહેનતે થાકતા, હાંફતા ડગમગતા પગલે ચાલે છે. એક ડગલુંય હવે વધારે ભરવાની તાકાત રહી નથી ત્યારે “મેં મારા ભાઈને યાદ કરીને વળી થોડુંક અંતર કાપી નાખ્યું. પછી મારી બેનને યાદ કરીને વળી થોડાંક ડગલાં ભરી લીધાં, અને પછી, મારી માને યાદ કરીને બાકીનું અંતર તો દોડીને જ પૂરું થઈ ગયું.” હરીન્દ્રભાઈ કહે, “મારા જીવનના પ્રવાસમાં મારી શક્તિ ક્યારેક ખૂટશે, ને મારે થોડા બળની જરૂર હશે, ત્યારે હું ગુજરાતી લિટરરી એકૅડેમીને યાદ કરીશ.”

નિરંજન ભગત

નિરંજન ભગત એટલે Walking Encyclopaedia. વિષય રવીન્દ્રનાથ ટાગોર હોય, ટી.એસ. એલિયટ હોય, બળવંતરાય ઠાકોર, ગુજરાતી, બંગાળી, અંગ્રેજી કવિતા હોય, નિરંજન અનરાધાર વર્ષે, નિરંજન ટૂંકું બોલે જ નહિ, બેત્રણ કલાક તો વાર્તાલાપ ઓછામાં ઓછો ચાલે. પણ ત્રણ કલાક ઑડિયન્સ મંત્રમુગ્ધ. વિવેચના, વિદ્વત્તા, વિશાળ વાચન, વિષયપ્રભુત્વ એટલે શું એની જીવતીજાગતી વ્યાખ્યા જોવી હોય તો નિરંજન ભગત.

ઉમાશંકર જોશી

ઉમાશંકરને નિત્યયુવાનું વરદાન સાંપડ્યું હોય એવી ૭૪મે વર્ષે પણ એમની સ્ફૂર્તિ હતી. અમેરિકાને જોવાનો, જાણવાનો, અહીંના સાહિત્યકારોને મળવાનો, અહીંના લોકોને મળવાનો, વિચારનું આદાનપ્રદાન કરવાનો, ઉમાશંકરનો ઉમંગ અને ઉત્સાહ કોઈ પણ યુવાનને શરમાવે તેવો હતો. એક જ દિવસે બેચાર કલાક ગ્રાન્ડ કેનિયન જોવામાં આપે, વળી થોડુંક ફંટાઈને પણ અમેરિકન ઈન્ડિયનોની વસાહત જોવામાં થોડાક કલાક ગાળે, ત્યાંથી ખાસ્સા ચારેક કલાકના ડ્રાઈવ પછી ફિનિક્સ આવે, અને સાંજે બે કલાક વાર્તાલાપ ઉમાશંકર સિવાય બીજું કોઈ આપી શકે? અમેરિકાના એમના પ્રવાસની itinerary જોઈને મને કહે, “મધુસૂદન, ઘણાં વર્ષો પહેલાં નંદિની (ઉમાશંકરભાઈની દીકરી) અહીં આવી હતી ત્યારે ખચ્ચર પર બેસીને ગ્રાન્ડ કેનિયનના ઠેઠ તળિયે ગયેલી. એ જઈ શકાય?” મેં કહ્યું, “કવિ, જઈ જરૂર શકાય, પણ પછી પાછા ન અવાય.” કવિ ખડખડાટ હસી પડેલા. એકૅડેમીએ ઉમાશંકરનો જેવો કસ કાઢ્યો તેવો બીજા કોઈનો નથી કાઢ્યો. આખા અમેરિકામાંથી ઉપરાછાપરી નિમંત્રણોના ફોન ઉપર ફોન, કવિની ગજબની લોકપ્રિયતા. સૌને સંતોષવા દુષ્કર. પણ ઉમાશંકરભાઈએ કુલ ૪૫ વાર્તાલાપો આપેલા. અને આવતાં પહેલાં મારા ઉપરના પત્રમાં લખે છે, “એટલી ખાતરી આપું કે આવ્યો તો ત્યાંના તમે બધા મારામાંથી મેળવો તે કરતાં તમારા બધામાંથી હું વધુ મેળવવાનો.” ઉમાશંકરભાઈ સાથેનો, બલકે કવિ ઉમાશંકર સાથેનો એક મીઠો ઝઘડો અહીં નોંધી લઉં. ભવિષ્યની ‘સમગ્ર કવિતા’ની નવી આવૃત્તિ માટે ઉમાશંકર સદૈવ જાગ્રત – કાવ્યો, લેખો, પુસ્તકાકારે પ્રકટ થાય ત્યારે બધું જ નવેસરથી જોઈ જાય, સુધારે, પાઠાંતરો બદલે, વગેરે. ‘સમગ્ર કવિતા’માં ‘આશંકા’ ફરીથી છાપતી વખતે કાવ્યના અંતે થોડીક પંક્તિઓ ઉમેરી છે. આગલી આવૃત્તિમાં, બ્રહ્મદત્ત “શ્રદ્ધા સર્વે રહી મારી, આશંકા સાથ જૈશ હું” એ શબ્દો બોલે છે પછી માત્ર stage direction છે : (આશંકા નાચી ઊઠે છે.) અને ઋષિનાં આશીર્વચન સાથે કાવ્ય પૂરું થાય છે. આ ‘સુધારેલા’ પાઠાંતરમાં થોડીક પંક્તિઓ ઉમેરી છે. બ્રહ્મદત્ત તો આશંકા શબ્દ શંકાના અર્થમાં જ પ્રયોજે છે પણ ‘આશંકા’ એ જ આ ઋષિકન્યાનું નામ પણ છે એનું સ્પષ્ટીકરણ ત્રણ ત્રણ વાર કર્યું છે. મારે કવિની સાથે ખાસ્સી ચર્ચાચર્ચી થયેલી. મેં કહેલું કે મૂળનો જ પાઠ સારો છે. મૂળના અંતમાં જે ચમત્કાર છે તે explanation આપવાથી ફિસ્સું પડી જાય છે. કવિની દલીલ એવી હતી કે આશંકા વ્યક્તિનામ પણ છે એ મૂળમાં સ્પષ્ટ નથી થતું માટે એમણે વધારાની પંક્તિઓ ઉમેરી છે. મેં કહ્યું કે કવિતા અણસમજુને સમજાય એટલા માટે ઓછી લખાય છે? કવિએ ડોલરરાય માંકડનો હવાલો આપ્યો. મેં તોયે મારો કક્કો ચાલુ રાખ્યો. મેં કહ્યું, “ડોલરરાય મોટા વિદ્વાન તે સાચું, પણ આ વિગતમાં તો ડોલરરાય ખોટા છે, ને તમે પણ ખોટા છો.” અવિનય અને અવિવેકની આ પરાકાષ્ઠા હતી. કવિ ગુસ્સે થઈને કહે, “સાચા હોવાનો ઈજારો તમને એકલાને ઈશ્વરે આપ્યો લાગે છે.” મેં છેલ્લી દલીલ કરી. ‘શાકુન્તલ’માં કાલિદાસનો અને સંસ્કૃત સાહિત્યનો ઉત્તમ શ્લેષ છે. ‘શાકુન્તલ’ના સાતમા અંકમાં સર્વદમન સિંહના બચ્ચાને રંજાડે છે— “મોઢું ફાડ, સિંહ! મારે તારા દાંત ગણવા છે.” તેનું ધ્યાન બીજે દોરવા તાપસી એને માટીના મોરનું સૌન્દર્ય બતાવે છે : सर्वदमन, शकुन्तलावण्यं प्रेक्षस्व! બાળક છેતરાઈ જાય છે અને બોલી ઊઠે છે, “ક્યાં છે મારી માતા?” અહીં અદ્ભુત શ્લેષ છે. તાપસીને शकुन्त लावण्य અભિપ્રેત છે, સર્વદમન शकुन्तला वण्यं (वर्णम्) સમજે છે. આ ઉત્તમ શ્લેષ છે અને દુષ્યન્તની હાજરીમાં તો આ શ્લેષની અદ્ભુત નાટ્યાત્મકતા છે. છતાં આ સભંગશ્લેષ છે. શબ્દને તોડવો પડે છે. અહીં ‘આશંકા’માં ભાંગતોડ નથી. પછી પાછું એનું પિષ્ટપેષણ કરવાથી મૂળની ચમત્કૃતિ ઓછી થાય. મેં તો કવિની જ ‘મહાપ્રસ્થાન’ની પંક્તિઓ ટાંકી: ‘ભારાની એક ગાંઠ પરે બીજી વાળો, પહેલી ત્યાં શિથિલ થવાની તે થવાની જ.” થોડીક ક્ષણો થંભીને, વિચારીને કવિ કહે, “મધુસૂદન, તમારી વાત વિચારવા જેવી લાગે છે.” વળી થોડીક ક્ષણો પછી કહે, “ના, તમારી વાત સાચી છે. મૂળ પાઠ જ વધારે સારો છે.” આશુતોષ ઉમાશંકરની સ્મૃતિની આ મહામૂલી મૂડી છે.

ચિનુ મોદી અને મનોજ ખંડેરિયા

બે કવિજનોને સાથે બોલાવવાનો આ અમારો પહેલો પ્રયોગ હતો. એને ઘણી સફળતા મળી. બંને યુવાન અને ઉત્સાહી, કાવ્યપઠનના કાર્યક્રમો લગભગ બધે જ ઉત્કૃષ્ટ રહ્યા; વળી, બંને કવિજનોનો બીજા કવિઓની રચનાઓ માટે પણ એવો જ ઉમંગ. વચ્ચે લાભશંકર અને સિતાંશુની રચનાઓ પણ સંભળાવતા જાય. અહીં અમેરિકામાં કોણ કવિતા લખે છે એ જાણવાની, અને એ નવોદિત અપ્રકાશિત કવિઓને સાંભળવાની પણ એટલી જ તાલાવેલી. મનોજભાઈનો પત્ર આવે એમાં એકાદ શેર તો હોય જ. પહેલા જ કાગળમાં, એકૅડેમીનું નિમંત્રણ સ્વીકારતાં, કેટલા ઔચિત્યથી મનોજભાઈએ એમનો સુપ્રસિદ્ધ શેર ટાંકેલો :

મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા,
તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો
વરસોનાં વરસ લાગે.

ચિનુભાઈએ તો અમેરિકાના પ્રવાસની લેખમાળા કરેલી અને એકૅડેમીના, એકૅડેમીના કર્ણધારોને, એમના યજમાનોને, એમના અનુભવોને ખૂબ પ્રેમપૂર્વક શબ્દસ્થ કરેલા. જરાક આડવાત હોવા છતાં કાવ્યરસિકોને એક ખાસ ભલામણ કરવાની કે ચિનુ મોદીનું એક અદ્ભુત કાવ્ય ‘વિ-નાયક’ હમણાં જ પ્રકટ થયું છે.

પ્રદ્યુમ્ન તન્ના

પ્રદ્યુમ્ન ચિત્રકાર છે, કવિ છે અને ફોટોગ્રાફર છે. પ્રદ્યુમ્નભાઈના ગુજરાત-રાજસ્થાનના તળપ્રદેશોના કળાકારીગરીના ફોટાઓ જોવા અને એ વિશે એમનાં ટિપ્પણો સાંભળવાં એ નવી જ દુનિયામાં જવા જેવું છે. પણ પ્રદ્યુમ્નનાં ગીતો તો પ્રિયકાન્તની યાદ અપાવે તેવાં મધુર, તરલ, લયાન્વિત અને રમણીય છે. પ્રદ્યુમ્નભાઈ પાસેથી આ ગીતોનું પઠન સાંભળવું એ એક લ્હાવો છે. રાધાકૃષ્ણનાં ગુજરાતી ગીતોનું કોઈ પણ સંકલન પ્રદ્યુમ્નનાં ગીતો વિના અધૂરું જ ગણાય. દર્શક પછી પ્રદ્યુમ્ન એકૅડેમીનો બીજો ચમત્કાર છે. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં પ્રદ્યુમ્નનાં ગીતો ‘કુમાર’ વગેરે સામયિકોમાં પ્રકટ થતાં. એમાંનાં થોડાંક કોઈક કોઈક કાવ્યસંગ્રહનાં સંપાદનોમાં સચવાયાં પણ છે. પરંતુ પ્રદ્યુમ્ને ઘણાં વર્ષોથી ગુજરાત, અને પછીથી તો ઇન્ડિયા પણ છોડ્યું. કવિ હાલ ઈટલીમાં વસવાટ કરે છે. ઈટલીમાં ગુજરાતી બોલનાર તો શું, સાંભળનાર પણ ન મળે. પરિણામે ગુજરાતી ભાષા સાથે, અને કવિતા સાથે નાતો ઓછો થયો. કેટલાંયે ગીતો એકાદ પંક્તિ કે એકાદ કડી પછી વર્ષો સુધી અધૂરાં જ રહેલાં. પ્રદ્યુમ્નના ૯-૧૦-૧૯૮૭ના પત્રમાંથી થોડીક કંડિકાઓ ઉતારું છું: “પ્રિય મધુસૂદનભાઈ – સુશીલાબ્હેન, ………અમેરિકાથી પાછા ફર્યા બાદ લખાયેલાં પંદરેક નવાં જ ગીતોમાંથી બે અહીં ઉતારી મોકલું છું. તમ સહુના હેતાળ, હુલાસભર્યા સંગનો જ એ પરિપાક છે. ને પહેલું ગીત ‘હોંકારો’ ઉપાડથી જ એની શાખ પૂરશે! સહિયારા યોગ વિના સૃષ્ટિમાં ક્યાંયે સર્જનનો સંભવ નથી. ત્યાં મળ્યો એવો મનભર સંગ અહીં ઈટલીમાંયે સતત મળતો રહે ને સાહિત્યસર્જનની આપલે થતી રહે તો ભીતર પડ્યું બીજું ઘણુંય સૂર અને શબ્દ થઈ ઊતરી આવે!” પ્રદ્યુમ્નનું ‘હોંકારો’ આખું કાવ્ય જ અહીં ઉતાર્યું છે. એકૅડેમીને આવો ને આટલો યશ બીજું કોણ આપી શકે?

હોંકારો
હેતે માંડીને તમે મીટ
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!

તડકો અડે ને અધપાકી શાખમાં
મધ શી મીઠાશનાં તે પૂર,
વાયરાની પ્હેરીને પાંખ એક અણપ્રીછી
મ્હેંક વહી જાય દૂર દૂર.
નેહભીની આંગળીયે અડ્યું કોક ભોંયને કે ખળખળતાં ચાલ્યાં અમરીત!
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!

ઊતરે એ ફાલ મહીં અરધું તે ઓરનું
ને અરધામાં આપણું પ્રદાન.
સહિયારા યોગ વિણ સૃષ્ટિમાં ક્યાંય કશે
સર્જનની સંભવે ન લ્હાણ!
નિપજ્યાનો લઈએ જી લ્હાવ કહો કોણ અહીં કર્તા ને કોણ તે નિમિત્ત?!
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!

મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયા

મકરંદભાઈ આપણા પ્રાચીન ભક્ત કવિઓની યાદ આપે છે. મકરંદભાઈનું જીવન અને કવન, બંને આપણી પ્રાચીન સંસ્કૃતિનું અને ભક્તિકવિતાનું અનુસંધાન જાળવે છે. મકરંદ માત્ર કવિ નથી, સાધક છે; આધ્યાત્મિક પથના પ્રવાસી છે. મકરંદભાઈ જેવા અલિપ્ત, અપ્તરંગી અને વેરાગી કવિ એકૅડેમીનું નિમંત્રણ સ્વીકારે, એ જ આનંદ અને આશ્ચર્યનો વિષય હતો. મકરંદભાઈના શબ્દો જ જુઓ : “તમ સહુ તરફથી એટલો સ્નેહ-આદર મળ્યો છે કે અમારું તો એ અમૃતનું ભાતું બની ગયું. મારી તબિયત સારી રહી, બધા જ કાર્યક્રમો બરાબર સમયસર પાર પડ્યા અને નવા મિત્રોની મીઠપ ને મિજબાની મળી – આ બધું માધુર્યરસે સભર છે.” કુન્દનિકાબહેનનો, ‘સાત પગલાં આકાશમાં’ની નવલકથાકારનો, જોઈએ તેવો લાભ આપણે ન લઈ શક્યા. છતાં, મોન્ટક્લેરમાં રશ હૉલમાં કુન્દનિકાબહેનનું સ્ત્રીસ્વાતંત્ર્ય - women’s libનું પ્રવચન અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ થોડુંક ચોંકાવનારું અને આંખ ઉઘાડનારું હતું.

રઘુવીર ચૌધરી

રઘુવીર ઉત્તમ નવલકથાકાર - ‘અમૃતા’ અને ‘ઉપરવાસ’ કથાત્રયીના સર્જક. રઘુવીરનો કદાચ સૌથી ઉત્કૃષ્ટ વાર્તાલાપ ‘અમૃતા’ અને ‘ઉપરવાસ’ના સર્જનની પ્રક્રિયાનો. સૌને એક આશ્ચર્ય હતું કે એક જ લેખક આ બંને કૃતિઓ કેવી રીતે લખી શકે? ‘અમૃતા’ ઘટનાવિરલ નાગરી કૃતિ છે. ‘અમૃતા’ માનવમનમાં અને માનવહૃદયમાં ચાલતી મથામણો ને વ્યથાઓને ગદ્યશિલ્પમાં કંડારતી અદ્ભુત નવલકથા છે. નવલકથાકાર જેટલું ઊંચું અને ઊંડું તાકે છે એટલા જ પુરુષાર્થની વાચક પાસે પણ અપેક્ષા રહે છે. ‘ઉપરવાસ’ કથાત્રયી ઘટનાપ્રધાન જાનપદી નવલકથા છે. આ બંને કૃતિઓનાં વિશ્વો તદ્દન નિરાળાં છે. એક જ રઘુવીર આવી સાવ સામસામેના છેડાની નવલકથાઓ કેવી રીતે લખે છે? આની ચર્ચા અત્યંત રસિક રહી. રઘુવીર શ્રોતાજનોની સજ્જતાથી પણ પ્રભાવિત થયેલા. કૃષ્ણકાવ્યો ને ગીતો ઉપર પણ એમનું પ્રવચન, એમની સાહિત્યરસિક અને સંસ્કારી દીકરી દૃષ્ટિ પટેલના પ્રસાદપૂર્ણ પઠન સાથે, ઉત્કૃષ્ટ રહ્યું. રઘુવીરે ‘કબીર’ ઉપર હિન્દીમાં પણ એક અભ્યાસપૂર્ણ પ્રવચન આપ્યું. સર્જક રઘુવીરની જેમ વ્યક્તિ રઘુવીર પણ આત્યન્તિકતાઓને જે કુશળતાથી નભાવે છે તે મારી તો ઈર્ષ્યાનો વિષય છે. રઘુવીર જેવા સિદ્ધાન્તવાદી છે તેવા જ વ્યવહારકુશળ પણ છે. રઘુવીર સાહિત્યને વરેલા છે તેમ ગુજરાતી સાહિત્ય પરિષદને પણ વરેલા છે. સર્જનાત્મક સાહિત્યનું તેમજ સંસ્થાકીય સાહિત્ય પરિષદનું, બંનેનું સુકાન એ અનાયાસે સંભાળે છે. આપણી નાનકડી ગુજરાતી લિટરરી એકૅડેમીની પ્રગતિમાં પણ એટલો જ ઊંડો રસ લે.

અન્ય મોંઘેરા મહેમાનો

‘દર્શક’થી રઘુવીર સુધીના સાહિત્યકારોને તો એકૅડેમીએ નિમંત્રણ આપીને બોલાવેલા. પરંતુ પણ કોઈ ને કોઈ નિમિત્તે બીજા સાહિત્યકારોને અમેરિકા આવવાનું થયું હોય ત્યારે ત્યારે એકૅડેમીએ એ તકનો લાભ લીધો જ છે. આ યાદી પણ કેટકેટલા તેજસ્વી સાહિત્યકારોની બનેલી છે : નગીનદાસ સંઘવી, બકુલ ત્રિપાઠી, શિવકુમાર જોષી, સિતાંશુ યશશ્ચન્દ્ર, મહેન્દ્ર મેઘાણી, જયંતિ પટેલ, મધુ રાય અને જોસેફ મેકવાન. આ સૌનાં મીઠાં સંસ્મરણો વાગોળવાં ગમે. નગીનદાસભાઈની શુદ્ધ ઐતિહાસિક તાર્કિકતા, બકુલભાઈનો પ્રસન્નમધુર વિનોદ, શિવકુમારનું નવલકથાવિવેચન અને નાટ્યપઠન, સિતાંશુનું ‘જટાયુ’ અને ‘હો-ચી-મિન્હ’નું કાવ્યપઠન, મહેન્દ્રભાઈનો અનર્ગળ પુસ્તકપ્રેમ, જયંતિ પટેલના હાસ્ય-કટાક્ષો, મધુ રાયના ઈમ્પ્રોવાઈઝેશન્સ, જોસેફભાઈની હૃદયસ્પર્શી સ્મરણિકાઓ - શું શું સંભારું? ને શી શી પૂજું પુણ્ય વિભૂતિયે? પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.

સંશોધન અનુદાન

૧૯૯૨માં એકૅડેમીએ એક નવો જ ચીલો ચાતર્યો. જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના રીડર ડો.સુમન શાહને તેમના સંશોધનવિષય - Problem of Literary Meaning — સાહિત્યમાં પ્રકટ થતા “અર્થ”ની સમસ્યા – માટે એકૅડેમીએ અનુદાન આપવાનું નક્કી કર્યું. એકૅડેમીના આ નવા પ્રસ્થાનને સુમનભાઈએ જે અભિવ્યક્તિ આપી છે તે જ અહીં ટાંકીશું : પ્રિય મધુસૂદનભાઈ, ...અકાદમીનું તમે મોકલેલું નિમંત્રણ મળી ગયું... રાહ જોયા પછી મળેલું એ નિમંત્રણ મોંઘેરું થઈ ગમ્યું પણ એટલું જ. એમાં તમારી મારે માટેની પ્રીતિ છલકાય છે. ખાસ તો એ એ માટે ગમ્યું કે અકાદમી મને એક હજાર ડૉલરની રિસર્ચ ગ્રાન્ટ આપે છે. આમાં જે આર્થિક સહાય છે તે તો છે જ, મોટી ગણાય તેવી છે, પણ એમાં મારી વિદ્વત્તાને પોરસાવે તેવી તમારી ભાવના છે તે પોતે એક મોટું મૂલ્ય છે. તમે સૌ સમજુઓએ મને એ રીતે મૂલવ્યો તે મને ખૂબ ગમ્યું. એથી અકાદમીના ગૌરવમાં વૃદ્ધિ થઈ છે. એવી સુન્દર પ્રથા ઊભી થતાં ભાવિ વિદ્વાનોને પણ ઉત્સાહવર્ધનના પ્રસંગો સાંપડશે.”

કાવ્ય અને સંગીત

ભાવકોની કાવ્યની અભિરુચિને સંસ્કારવી અને સંવર્ધવી એ એકૅડેમીનું મુખ્ય પ્રયોજન રહ્યું છે. આ હેતુથી જ એકૅડેમીએ કાવ્યના આસ્વાદના- ગાન અને આસ્વાદ-એકથી વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે જેવાં કલાકારોનો સંગાથ એકૅડેમીને મળ્યો. પુરુષોત્તમ તો ઉત્તમ સંગીતનિયોજક પણ છે. ઉત્તમ ઊર્મિકવિઓ, ઉત્કૃષ્ટ ગીતરચનાઓ, પુરુષોત્તમભાઈ અને હંસાબહેનના સૂર, અને આ કૃતિઓના મર્મનો કાવ્યદૃષ્ટિએ આહ્લાદક આસ્વાદ. આ કાર્યક્રમો લોકપ્રિય પણ થયા છે અને એથી લોકઅભિરુચિ પણ વધી છે. સરોજબેન ગુંદાણી સાથે પણ આસ્વાદનો એક કાર્યક્રમ યોજાયો. સ્થાનિક કળાકારમાં સંભારી સંભારીને સૌને અહીં યાદ કરું છું: દર્શના ભૂતા, સ્વાતિ ધ્રુ, દર્શના ઝાલા, વત્સલા વ્યાસ, પુનિતા મહેતા, સંધ્યા પટેલ, દીપિકા દેસાઈ, રેખા રાજવૈદ્ય, સુધા ભણસાળી, વાસંતી પારેખ, કલ્પના પારેખ, પિન્કી પરમાર, ઈલા ગઢવી, પીના વોરા, જયેશ શાહ, રામ ગઢવી, પ્રકાશ ભટ્ટ, પ્રવીણ પટેલ, દીપક ઉપાધ્યાય, પ્રમોદ શાહ. ભારતથી આવેલા કલાકારોમાં નયન પંચોળી અને અમર ભટ્ટને કેમ ભૂલી શકાય? વાદ્યવૃન્દમાં હરીશ ટેલર (અમારા સદાના આધાર - જરૂર પડે ત્યારે કીબોર્ડ અને જરૂર પડે ત્યારે મેન્ડોલીન), દીપક ગુંદાણી (તબલા), જયેશ શાહ (ઢોલક), પ્રવીણ પટેલ (ઢોલક), ભૂપેન ગઢવી (બોન્ગો), ડી. ડી. શાહ (મંજીરા) આ સૌનો સાથ મળ્યો છે. આસ્વાદકોમાં પન્ના નાયક, કાન્તિ મેઘાણી, રોહિત પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, દર્શના ઝાલા, દૃષ્ટિ પટેલ, અરુણ કંથારિયા, સુશીલા કાપડિયા અને મધુસૂદન કાપડિયા. આ સૌએ કાવ્યના તત્ત્વને જે રીતે જાણ્યું ને માણ્યું તેનો “ગમતાંનો ગુલાલ”, તેનો આસ્વાદ સૌને કરાવ્યો. ઉમાશંકર અને સુન્દરમ્, રાજેન્દ્ર અને નિરંજન, પ્રિયકાન્ત અને બાલમુકુન્દ, હરીન્દ્ર અને સુરેશ, રમેશ પારેખ અને અનિલ જોષી, આ અને આવા સમર્થ ગીતકવિઓની ઉત્તમોત્તમ રચનાઓ આસ્વાદના કાર્યક્રમમાં રજૂ થઈ.

કવિ અને કવિતા

એકૅડેમીએ એક કવિનો સંપૂર્ણ પરિચય મળે તેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અત્યાર સુધી ચાર કવિઓના આવા કાર્યક્રમો થયા છેઃ નરસિંહ મહેતા, મીરાં, હરીન્દ્ર દવે અને ઝવેરચંદ મેઘાણી. બધા જ કાર્યક્રમોનું Format એક રહ્યું છે : કવિ વિશે એકાદ કલાકનું અભ્યાસપૂર્ણ પ્રવચન, કવિની થોડીક કાવ્યકૃતિઓનું પઠન, અને થોડાંક સુન્દર ગીતોનું ગાન. ચારે કવિઓ ઉપર વાર્તાલાપો મેં જ આપેલા એટલે એના વિશે કશું ઝાઝું કહેવામાં ઔચિત્યભંગ થાય. લોકોને ખૂબ ગમ્યા’તા એટલું પર્યાપ્ત. નરસિંહ કે મીરાં, મેઘાણી કે હરીન્દ્ર - એમની કાવ્યકૃતિઓ વિષે અહીં શું કહી શકાય? (જે કહેવાનું હતું તે વાર્તાલાપોમાં કહ્યું જ છે ને!) પણ કેટલાંક અનુપમ સુન્દર ગીતો જે મધુર રીતે ગવાયેલાં તેને યાદ કરવાં જોઈએ પણ તેય વિસ્તારભયે નથી કરતો. નરસિંહના કાર્યક્રમની એક કાયમ માટે નોંધવા જેવી વિશેષતા એ કે પ્રકાશ ભટ્ટ અને નયન પંચોળીનું મૌલિક સંગીતનિયોજન. નયને ‘એવા રે અમો એવા’નું અને પ્રકાશભાઈએ “જાગો રે જસોદાના જીવણ”નું સ્વરાંકન કરેલું. બંનેએ ઉત્કૃષ્ટ રીતે એ ગીતોનું ગાન પણ કરેલું. અમર ભટ્ટનું ‘ગોકુલ વહેલેરા પધારજો રે’, અમર અને સ્વાતિનું ‘જસોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’, વત્સલાનું ‘ઊંચી મેડી તે મારા સંતની રે’, કલ્પના પારેખનું ‘મેહુલો ગાજે ને માધવ નાચે’, સંધ્યાનું ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે’, દીપિકા દેસાઈનું ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી, અને છેલ્લે કોરસમાં ‘આજની ઘડી તે રળિયામણી’. આ અને આવાં અનુપમ સુંદર ગીતો ઉત્કૃષ્ટ રીતે રજૂ થયેલાં. સુશીલાનું અ-સામાન્ય સંચાલન, એકેએક ગીતનો એણે સંક્ષેપમાં છતાં કાવ્યના હાર્દને – કાવ્યતત્ત્વ, ભક્તિ અને તત્ત્વજ્ઞાન – પ્રકટ કરતાં આસ્વાદ કરાવેલો એ પણ આ કાર્યક્રમનું મહત્ત્વનું અંગ હતું. અને ‘જળકમળ છાંડી જાને બાળા’માં થયેલા ગોટાળાનો સુશીલાનો બચાવ લાજવાબ હતો. સુશીલા કહે કે આવા સુન્દર કાર્યક્રમમાં એકાદ ક્ષતિ પણ ન હોય તો કાર્યક્રમ નજરાઈ જાય. માતા બાળકને તૈયાર કરીને પછી કાજળનું ટપકું કરે, નજર ન લાગે માટે, તેમ આ ક્ષતિ કાજળનું ટપકું હતું! મીરાંના કાર્યક્રમની અપ્રતિમ સફળતાનું કારણ મારો વાર્તાલાપ નહિ, સુશીલાનું સંચાલન નહિ, સુશીલાનો આસ્વાદ નહિ, પણ કલ્પના ભરતનું ગાન હતું. કાર્યક્રમનાં બધાં જ અંગો સુન્દર હતાં, પણ કલ્પનાના સૂરમાં જે આરત, જે ઉત્કટતા, જે તીવ્રતા હતાં તે તો અદ્ભુત. ‘માઈ મેંને ગોવિંદ લીનો મોલ’, ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે’, ‘હરિ તુમ હરો જનકી ભીર’, ‘જોગી મત જા.’—આ ગીતો, કેટલાંક પૂર્ણ શાસ્ત્રીય ઠાઠમાં, તો કેટલાંક સુગમ સંગીતના સ્વરૂપમાં, કલ્પનાએ ગાયાં તે માટે મૂલ્યાંકનના કે પ્રશંસાના શબ્દો ઓછા જ પડે. કદાચ સૌથી સફળ કાર્યક્રમ મેઘાણીનો હતો. એનું એક મુખ્ય કારણ મેઘાણી પોતે જ. મેઘાણીનું કવિ તરીકેનું, રાષ્ટ્રીય શાયર તરીકેનું, લોકસાહિત્યના સંશોધક તરીકેનું વ્યક્તિત્વ જ એવું બળવાન અને સમૃદ્ધ કે સહેજે કોઈને પણ આકર્ષે. મેઘાણીનો કાર્યક્રમ સ્હેજસ્હાજ ફેરફાર સાથે અને થોડાક જુદા કલાકારો સાથે એકૅડેમીએ પાંચ વાર કર્યો - બે વાર ન્યૂજર્સીમાં, અને એક વાર વૉશિંગ્ટનમાં, ફિલાડેલ્ફિયાના પરામાં, અને કોલમ્બસ (ઓહાયો)માં, આ બધા જ કાર્યક્રમો અત્યંત સફળ રહ્યા પણ સૌથી શિરમોર ન્યૂ જર્સીમાં લાખાણી ઑડિટોરિયમમાં થયો તે, આ માટે બહેન દર્શના ભૂતા ખાસ કૅલિફોર્નિયાથી આવેલી અને એણે અને જયેશે જે યુગલ ગીત ગાયેલું, “કુવાકાંઠે ઠીકરી કાંઈ ઘસી ઊજળી થાય, મોરબીની વાણિયણ મછુપાણી જાય” અને સ્વાતિએ માતૃત્વની ઝંખનાના વિષાદને જે મૂર્ત કર્યો હતો – “લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને રન્નાદે" ને રામભાઈએ “ઓતરાદા વાયરા ઊઠો ઊઠો” અને “શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઈ ઝુલાવે”માં જે “ધણણ ડુંગરા” ડોલાવ્યા’તા તે તો રામ ગઢવી જ કરી શકે. મેઘાણીની બળકટ ભાષા અને સુશીલાના વાર્તાકથનની શૈલી, ‘શેત્રુંજીને કાંઠે’ એ વાર્તાએ કેટલાય લોકોની આંખને આર્દ્ર કરી મૂકેલી.

નાટ્યોત્સવ

નાટ્યં ભિન્નરુચેર્જનસ્ય બહુધાપ્યેકં સમારાધનમ્

નાટક સૌથી લોકપ્રિય પ્રકાર છે. એકૅડેમીનાં નાટકો વિશિષ્ટ હોય છે, લાક્ષણિક હોય છે, સાહિત્યિક હોય છે, પ્રયોગાત્મક હોય છે.

ખેલંદો

મધુ રાયનું રૂપાન્તર, મધુ રાયનું દિગ્દર્શન, જયંતિ પટેલનો અભિનય – આમાં વધુ શું ઉમેરી શકાય? એકૅડેમીએ એક જ ત્રિઅંકી નાટક રજૂ કર્યું છે, પણ અત્યંત સફળ રહ્યું. મધુ રાય ગદ્યસ્વામી છે, નાટકના સ્વરૂપને સાંગોપાંગ જાણે છે. ખાસ કૅલિફૉર્નિયાથી ‘ખેલંદો’ની ટીમ લઈને આવેલા મધુભાઈ અહીં આવ્યા એટલે એમના improvisationsના કાર્યક્રમો પણ થયેલા. મધુભાઈ કૅલિફૉર્નિયામાં વસે, આપણે અહીં પૂર્વકિનારે. વળી, મધુભાઈ અત્યંત વિદ્વાન, ખૂબ જાણકાર, પણ વ્યવસ્થિત પ્રવચન આપવા માટે સાવ ઉદાસીન. આપણે મધુભાઈની શક્તિનો ઝાઝો લાભ ન લઈ શક્યા.

એકાંકી નાટકો-૧૯૯૦

કુલ ચાર એકાંકીઓ રજૂ થયેલાં. બોસ્ટનથી ચન્દ્રકાન્તે બે રજૂ કરેલાં. ચન્દુ નાટકનો જીવ છે. બોસ્ટનમાં તો ધૂમ મચાવે છે પણ એકૅડેમી જ્યારે નિમંત્રે છે ત્યારે ઉત્તમ નાટકો લઈને આવે છે. ચન્દ્રકાન્તની એક કૉમેડી હતી, ‘આપણું એવું’. મૂળ કૃતિ મધુ રાયની એટલે સંવાદની ચમકનું તો પૂછવું જ શું? ચંદુનો તખ્તા પર ‘એકપાત્રી’ અભિનય, અને પડદા પાછળ રજની શાહનો માત્ર વાણીનો અભિનય (આર.પી.એ છેલ્લી ઘડીએ આ ચૅલેન્જ સ્વીકારેલી, અને ગજબ રીતે પાર પાડેલી) – બંને જણાએ જે હાસ્યના ફુવારા ઉડાડ્યા તેણે ઑડિયન્સને મુગ્ધ કરેલું. આ હાસ્યની પાછળ રહેલી કોરી ખાતી એકલતાની વ્યથાની લકીર આ નાટકની વિશેષતા હતી. ચન્દુની બીજી કૃતિ હતી: સંગીતનાટક ‘હરિયાનો કાન’. આ પણ મૂળ કૃતિ મધુ રાયની. રૂપાન્તર અને દિગ્દર્શન ચન્દ્રકાન્તનું અને ઉત્તમ અભિનય ચંદુનો, જાસ્મીન શાહનો, ઈશાની શાહનો ને બીજાનો. ‘ઈરાદો’ લાભશંકર ઠાકરનું નાટક. રમેશ શાહનું દિગ્દર્શન. રમેશ શાહ જ આવી પ્રયોગાત્મક કૃતિ રજૂ કરવાની હિંમત દાખવે. ‘બુકાની બાંધેલો સ્નોમેન’ રજની શાહની મૌલિક કૃતિ હતી. દિગ્દર્શન પણ આર.પી.નું અને અભિનયમાં પણ આર.પી. બિનિતા શાહ અને રોનક શાહ. આર.પી. અચ્છા નાટ્યકાર છે, અને ‘બુકાની બાંધેલો સ્નોમેન’ એમની ઉત્તમ નાટ્યકૃતિ છે. આ કૃતિ કોમેડી છે? ટ્રેજેડી છે? ટ્રેજી-કૉમેડી છે? — પ્રેક્ષકોને વિચારતા કરી મૂકે તેવી ગહનતા આ નાટ્યકૃતિમાં છે. બિનિતાનો અભિનય હજીયે આંખ સમક્ષ તરવરે છે. સંસ્કૃતિ અને વિકૃતિ, સંસ્કારિતા અને પ્રાકૃતતાનો સંઘર્ષ કૃતિને પ્રાણવાન બનાવે છે. નાટકમાં હાસ્યની છોળો ઊડે છે, પણ એ હાસ્યની પાછળ રહેલી મર્મવ્યથા ને તીવ્ર વેદના પ્રેક્ષકોને શોકમાં ડુબાડી દે છે. ઉત્તમ ગુજરાતી એકાંકીઓના સંકલનમાં માનભેર સ્થાન આપી શકે એવી આ ઉત્કૃષ્ટ સર્જનાત્મક કૃતિ છે.

એકાંકી નાટકો-૧૯૯૧

આ વખતે પાંચ નાટકો રજૂ થયાં અને પાંચમાંથી ચાર મૌલિક કૃતિઓ એ આ નાટ્યોત્સવની વિશિષ્ટતા હતી. સુરેન્દ્ર જોષીલિખિત-દિગ્દર્શિત ‘ઝરુખો’ માનવમનની આંટીઘૂંટીઓને રજૂ કરે છે. તખ્તાલાયકી એ સુરેન્દ્રભાઈનાં નાટકોની, અને એમના દિગ્દર્શનની લાક્ષણિકતા છે. ‘ફર્નિચર પર ગુલાબ’માં ફરીથી બિનિતાનો પ્રાણવાન અભિનય, આર.પી. અને સ્વાતિનો સુન્દર અભિનય, આર.પી.નું સર્જન અને દિગ્દર્શન. ભૂતકાળની સંસ્કૃતિસભર મધુર સ્મૃતિઓ અને વર્તમાનની પ્રાકૃત તાણ – આ સંઘર્ષ કૃતિને જીવંત બનાવે છે. ‘હોહોલિકા’ ચં.ચી.નું મજાનું નાટક. આર.કે.ના નિર્માણ અને દિગ્દર્શનમાં કૃતિ જાણે નવો જ અવતાર પામે છે. ઉત્તમ કૃતિ સ્થળ અને કાળનાં બંધનોમાંથી તમને મુક્ત કરે છે. આર.કે.એ એ ચમત્કાર સિદ્ધ કરી બતાવ્યો. ગામડાગામની ભવાઈનું જે આબેહૂબ, તાદૃશ અને જીવંત ચિત્ર એમણે ખડું કર્યું તે અદ્ભુત. જયંતિ પટેલ સિદ્ધહસ્ત લેખક છે. ‘વિવેચકનો વેશ’માં એમણે વિવેચકોનો ને પ્રેક્ષકોનો જે ઊધડો લઈ નાખેલાં તે જયંતિ પટેલ જ કરી શકે. તમારી હાડોહાડ ટીકા કરતા જાય અને છતાં તમને હસાવતા જાય– આ કીમિયો જયંતિ પટેલ જ કરી શકે. ‘રાણાનો મેવાડત્યાગ’ ભરત શાહનું સર્જન-દિગ્દર્શન હતું. ભરતભાઈ પાસે હાસ્યની, વિનોદની, કટાક્ષની સૂક્ષ્મ દૃષ્ટિ છે. ભરતભાઈ સમાજનિરીક્ષક છે અને એ નિરીક્ષણમાં ડૂબકી મારીને આવી સુંદર કૃતિ લઈ આવે છે. ઉમા રાણાનો સાહજિક અભિનય અનુપમ હતો. આ કૃતિની સર્જકતા હાસ્ય અને કરુણની સહોપસ્થિતિને આભારી હતી. એકૅડેમી નાટકો કરે એટલે એની જોડે આસ્વાદ પણ હોય. આસ્વાદકોમાં હતા આદિલ મનસૂરી, સુરેન્દ્ર ભીમાણી, ભરત શાહ, મધુસૂદન કાપડિયા અને જયંતિ પટેલ.

સર્જકો સાથે એક સાંજ ૧૯૯૨ અને ૧૯૯૩

આ કાર્યક્રમોની સફળતા આશ્ચર્ય અને આનંદ આપી ગઈ. સફળતા આભારી હતી કેટલીક ઉત્તમ કૃતિઓની રજૂઆતને લીધે અને આર.પી. શાહ અને દૃષ્ટિ પટેલના સંચાલનને લીધે. આર.પી.ના શબ્દોમાં કહું તો ‘અંત્તરછાંટણાં’ – વચ્ચે વચ્ચે અન્ય સાહિત્યકારોની કૃતિઓનાં અવતરણો- ને લીધે ક્યારેય dullnessની એક પળ સંચાલકોએ આવવા નહોતી દીધી. એક જ વાર સાંભળીને વ્યક્તિગત કર્તા અને કૃતિ વિશે લખવું તે બંનેને અન્યાય કરવા જેવું છે. પરંતુ એટલું જરૂર કહી શકાય કે કૃતિઓનું ધોરણ ઘણુંખરું ઊંચું હતું, રજૂઆત પણ બહુધા સારી હતી. આપણે ભાવકો તો સર્જકતાનો એકાદ સ્ફુલ્લિંગ જોવા-અનુભવવા મળે તો ન્યાલ થઈ જઈએ અને અનેક સર્જકોની કૃતિઓમાં સર્જનાત્મકતાના આવા એક નહિ પણ અનેક સ્ફુલ્લિંગો જોવા મળતા હતા. બંને કાર્યક્રમોમાં ભાગ લેનાર સર્જકો હતા : વિરાફ કાપડિયા, રજની શાહ, હર્નિશ જાની, ભરત શાહ, સુરેન્દ્ર ભીમાણી, આર.ડી. પટેલ, ગિરિશ વૈદ્ય, ઇન્દુ ગોસ્વામી, મનહર મોદી, રમેશ કનોજિયા, દૃષ્ટિ પટેલ, હિરેન માલાણી, રણધીર નાયક, અમરશી ખારેચા.

ચિત્રો-નૃત્યો

એકૅડેમીએ કાવ્યસાહિત્યની ઉદાર વિભાવના રાખી છે. કલા માત્રનો એમાં સમાવેશ થાય છે. તેથી જ ભૂપેન ખખ્ખરનાં ચિત્રો, કાર્તિક ત્રિવેદીનાં ચિત્રો અને તેમનું પિયાનોવાદન, ઝવેરી સિસ્ટર્સનાં નૃત્યોનું આયોજન પણ ક્યારેક ક્યારેક એકૅડેમીએ કર્યું છે.