વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર

પરિશિષ્ટ-૩
અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો
ગુર્જર ભારતીની વીણાના સૂર અને
અમેરિકી ગિટારના ઝંકાર

આ પુસ્તકમાં અમેરિકામાં વસતા સત્વત્તા ધરાવતા ૨૬ જેટલા ગુજરાતી સર્જકો-કવિઓ, નવલકથાકારો, નવલિકાકારો, નિબંધકારનું પ્રદાન લક્ષ્યમાં રાખી તેનો વિવેચનાત્મક-આસ્વાદમૂલક પરિચય કરાવ્યો છે. અમેરિકામાં વસી ગયેલા ગુજરાતી લેખકોના સાહિત્યિક પ્રદાનનું સઘન પરિશીલન અને તટસ્થ મૂલ્યાંકન કરતો એક મહત્વનો ગ્રંથ તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે. તેના લેખક છે મધુસૂદન કાપડિયા. તેઓ સ્વયં વર્ષોથી અમેરિકાવાસી છે. વર્ષો પહેલાં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસ સાથે શિષ્ટ સંસ્કૃત સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનો પણ તેમને ગાઢ પરિચય છે. મધુસૂદન કાવ્યશાસ્ત્રોના પણ અભ્યાસી છે. તેઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરનાર વિવેચક છે. ઉત્તમ રચના વાંચી પ્રશંસાનાં પુષ્પો વરસાવવામાં જરાય કૃપણતા નહીં અને ઊતરતી કક્ષાની કૃતિઓ પર કઠોર કુઠારાઘાત કરતાં ખમચાય પણ નહીં. અમેરિકા અને બ્રિટનમાં અનેક ગુજરાતીઓ જઈ વસેલા છે. તેમાંથી જે કેટલાકમાં સર્જકક્ષમતા હતી અને છે, તેમણે વિદેશમાં વસવા છતાં ગુજરાતીમાં લખવાનો પ્રશસ્ય ઉદ્યમ કર્યો છે. તેમ છતાં રચાતા ગુજરાતી સાહિત્યની મુખ્યધારામાં તેમના પ્રદાનનું ઉચિત મૂલ્યાંકન ઓછું છે. મધુસૂદન કાપડિયાએ અમેરિકામાં વસતા સત્વત્તા ધરાવતા ૨૬ જેટલા ગુજરાતી સર્જકો-કવિઓ, નવલકથાકારો, નવલિકાકારો, નિબંધકારોનું પ્રદાન લક્ષ્યમાં રાખી તેનો વિવેચનાત્મક-આસ્વાદમૂલક પરિચય કરાવ્યો છે. વિદેશમાં વસતા અને છતાંય માતૃભાષામાં લખતા લેખન માટે ‘ડાયસ્પોરા’ લેખન સંજ્ઞા વપરાશમાં છે. આ ગ્રંથના લેખક આ સંજ્ઞાને વિલિયમ સેફાનના આધારે સ્પષ્ટ કરતાં લખે છે -’વતનથી દૂર રહેવું અને વતનમાં મૂળ રોપી રાખવાં, ત્યાં પાછા ફરવાની ઝંખના અને સમાંતરે ‘જયાં હોઈએ ત્યાં’ ઝળહળવાની તીવ્રતા-આ સઘળી વાતનો સહિયારો અનુભવ એટલે ડાયસ્પોરા. સ્વદેશ અને પરદેશ, વતન અને યજમાન દેશ, બંને બાજુએથી વિખૂટાપણાનો અનુભવ.’ અમેરિકામાં વસતા ગુજરાતી લેખકોમાં બંને દેશોની સંસ્કૃતિનાં સ્પંદનો અને સંઘર્ષો-વિખૂટાપણાનો ભાવ નિરુપાયો છે કે નહીં અને તેમના સર્જનમાં સાહિત્યિક ગુણવત્તા છે કે નહીં. તેની ભરપૂર ઉદાહરણો સાથેની ચર્ચા આ લેખકે કરી છે. અહીં આપણે એમણે પરિચિત કરાવેલા કેટલાક સર્જકોમાંથી થોડાક કવિઓ, કથાલેખકો, નિબંધકારો વિશે જોઈશું. આ ગ્રંથમાંના ૨૬ અમેરિકાવાસી ગુજરાતી લેખકોમાં પ્રથમ ચર્ચા કવિયત્રી પન્ના નાયક વિશે છે. વિવેચક મધુસૂદન કાપડિયા અમેરિકામાં વસતા આ બધા સર્જકોના મિત્ર જેવા હોવા છતાં તેમની વિવેચના, ‘મૈત્રી-વિવેચન’થી દૂર છે અને વળી તેઓ ગુજરાતી સાહિત્યની મુખ્યધારાના સંદર્ભમાં પણ જે તે સર્જકનું વિવેચન-મૂલ્યાંકન કરે છે. પન્ના નાયકની કવિતાઓને એક સ્થળે મીરાંબાઈની કવિતા સાથે સરખાવે છે. લેખકે પન્ના નાયકના બધા કાવ્યસંગ્રહો - ‘વિદેશિની’, ‘રંગ ઝરૂખે’, ‘ચેરી બ્લોસમ’ આદિમાંથી ભરપૂર ઉદાહરણો સાથે એમની કવિતામાં વિદેશ વસવાટને પરિણામે પરાયાપણાનો, અલગતાની વ્યગ્રતા, વેદના નિરૂપાઈ છે, એ સાથે ‘લગ્નજીવનની વિષમતા અને વિષમયતા, વંધત્વની વ્યથા, વસાહતીની સ્વદેશ માટેની સહજ રટણા, દૈનંદિન રૂટિનની યંત્રણાનો ભાવ ઘોળાઈ રહ્યો છે, ઉદા. પંક્તિઓ છે, ‘સ્વજન વિનાના સહરામાં, કેમ જીવી શકાય?’ અથવા ‘હું હોમસિક થઈ ગઈ છું, થાય છે, બધું ઉઠાવીને ઘેર જાઉં, પણ… હવે મારું ઘર ક્યાં?’ વિવેચકે પન્ના નાયકના ઘરઝુરાપાનાં કાવ્યોની પણ સોદાહરણ ચર્ચા કરી છે. એમનાં અભિનવ હાઈકુ કાવ્યોનો પણ આસ્વાદ છે: સમી સાંજના, ઘાસ ચમેલી કરે, વિશ્રંભકથા. આ લેખક અહીં ચર્ચિત બધા લેખકોની છેલ્લામાં છેલ્લી રચના, કોઈ સામિયકમાં પ્રગટ થઈ હોય તેને પણ ચર્ચામાં ગૂંથી લે છે. હરનિશ જાની હાસ્યલેખક છે, પણ એમની વિશેષતા હાસ્યરસના નિબંધો જ નહીં, હાસ્યરસની વાર્તાઓ છે. એ વાત પર આ લેખકે ભાર મૂક્યો છે. ‘હાસ્યકાર તરીકે હરનિશનું લક્ષણ નિર્દશ પ્રસન્નતા છે.’ ચાર કાવ્યસંગ્રહોના કવિ કિશોર મોદીના સુરતી કાવ્યોનું અહીં આસ્વાદન છે. તળપદી ભાષાનો પ્રયોગ- ‘મારું બેટું ઊંટ ભઈળકું, ને ડોહીને લઈને ભાઈગું, જાણે કે ફલાંગરાણી.’ કિશોર મોદીની ગઝલોની નજાકત અને ગીતોની નમણાશની યોગ્ય ઉદાહરણો સાથે ચર્ચા છે. કૃષ્ણાદિત્યના કાવ્યસંગ્રહ ‘યાત્રાપર્વ’ વિશે લખતાં કહેવાયું છે – ‘ગુજરાતી કવિતામાં લઘુકાવ્યો કૃષ્ણાદિત્યનું ચિરકાલીન મૂલ્યવાન અર્પણ છે; ‘મળસ્કે કિરણ કશે પ્રગટ્યું નહીં, હતો દીવો એ તો બુઝી જવામાં છે.’ આ કૃષ્ણાદિત્યે અખાના સમગ્ર છપ્પાઓનો કરેલો સુંદર અનુવાદ સાહિત્ય અકાદમી, દિલ્હીએ પ્રગટ કર્યો છે – તે અહીં નોંધવું રહ્યું. અમેરિકાવાસી સર્જકોમાં પ્રીતિ સેનગુપ્તાનું નામ આપણને વિશેષ પરિચિત છે. કાપડિયા લખે છે – ‘પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી ભાષાનાં પ્રવાસ-નિબંધકાર છે... અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોમાં મબલખ-વિપુલ સર્જન કરવામાં પ્રીતિ મોખરે છે. ચાર કાવ્યસંગ્રહો, પાંચ નિબંધસંગ્રહો, સત્તર પ્રવાસ સાહિત્યનાં પુસ્તકો અને એક વાર્તાસંગ્રહ.’ પરંતુ ‘પ્રીતિનું મૂલ્યવાન પ્રદાન તો તેમનાં પ્રવાસવર્ણનો જ છે. પ્રવાસપ્રેમ, જે તે સ્થળો માટે ઊભરાઈ જતો આનંદ આ પ્રવાસવર્ણનોનું ઉમદા લક્ષણ છે.’ એમની કવિતાની ચર્ચા કરતાં આ વિવેચક લખે છે. ‘પ્રવાસિનીનાં પ્રવાસ કાવ્યોની નિષ્ફળતા આશ્ચર્યજનક નહીં પણ આઘાતજનક છે.’ અશરફ ડબાવાલાની ગઝલોનો આસ્વાદલક્ષી પરિચય આપતાં વિવેચકની ગઝલના સ્વરૂપના મૂલ્યાંકનની સજ્જતાનો પણ પરિચય થાય છે. ગઝલમાં કવિની ઉપલબ્ધિની પ્રશંસા કર્યા પછી તરત લખે કે આ કવિને ગઝલમાં જે સફળતા મળી છે, તે ગીતોમાં મળી નથી. અહીં બધા ચર્ચિત સર્જકોની સમીક્ષાની વાત કરવા જેટલી જગ્યા નથી એનો અફસોસ છે, પરંતુ વિરાફ કાપડિયા, નટવર ગાંધી, શકુર સરવૈયા, ‘સમીપે’ જેવી લઘુનવલના લેખક ડૉ. ભરત શાહ, ચંદ્રકાંત શાહ, કિશોર રાવળ આદિ સર્જકો વિશે જે ઊંડી સમજણ અને સંવેદનાથી કાપડિયાએ લખ્યું છે, તે તેમને પ્રિય શબ્દો પ્રયોજીને કહું તો ‘કાબિલેદાદ’ છે. વિરાફ કાપડિયા વિશે તેઓ લખે છે: સાદગી એ વિરાફ કાપડિયા (કવિ પારસી છે)ની કવિતાનું આભૂષણ છે. વિરાફની કવિતા સ્વસ્થ, સુભગ, પ્રસન્ન, પ્રસાદપૂર્ણ ગતિએ ચાલે છે. કવિ વાગાડંબરમાં ક્યારેય રાચતા નથી. આ કવિએ ચેસ(રમત)નાં કાવ્યો આપ્યાં છે, જે ગુજરાતી કવિતામાં એક ‘અ-પૂર્વ સૃષ્ટિ’ છે. વજીર ચેસમાં સર્વેસર્વા છે, તેની કવિતા: “વીર ધીર ગંભીર, વજીર! પ્યાદાં મ્હોરાં આઠ, આઠે બિચારાં, વજીર મહોરું એક, એક હજારાં.” આ ગ્રંથ અદ્યતન ગુજરાતી વિવેચન સાહિત્યમાં સ્તંભ રૂપ બની રહે એવી અધ્યયનશીલતા અને વિવેચનાત્મક સૂઝબૂઝથી અત્યંત પરિશ્રમપૂર્વક અને ઊંડી નિસબતથી લખાયો છે. પોતાના પ્રાસ્તાવિકમાં તે અધિકૃત રીતે લખે છે : ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોએ કેટલુંક વિશિષ્ટ લાક્ષણિક મૌલિક પ્રદાન કર્યું છે, જેના પ્રત્યે ગુજરાતી સાહિત્ય ઓરમાયું વલણ નહીં રાખી શકે. અમારી કૃતિઓમાં ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકાની ગિટારના ઝંકારનું સંમિશ્રણ છે, જેનું સંગીત અનેરું છે.’

— ભોળાભાઈ પટેલ, દિવ્યભાસ્કર